ગુજરાતી ઉખાણાં - ભાગ : 2

GIRISH BHARADA

 ગુજરાતી ઉખાણાં - ભાગ : 2


વિષય : ગુજરાતી ઉખાણાં

ક્રમ : 51 થી 100

ભાગ : 2


(51) દૂધ બગડતાં એ ચીજ બને,

નવીન નવલા સ્વાદ ધરે,

એની બની વાનગી સૌને ગમે,

કહો શ્રીખંડ - લસ્સી શામાંથી બને?

જવાબ : દહીં


(52) નાનું મોટું મળે,

ને પાણીમાં એ તરે

સૌ સવારી કરે,

તેને કયું વાહન કહે?

જવાબ : હોડી-નાવડી


(53) વડ જેવાં પાન,

ને શેરડી જેવી પેરી,

મોગરા જેવાં ફૂલ ને,

આંબા જેવી કેરી.

જવાબ : આકડો


(54) એની અછત ઝટ વરતાય,

એનાં વગર સૌ પરસેવે ન્હાય,

એને પામવા વિકલ્પો શોધાય,

એના વગર લગીરે ના જીવાય.

જવાબ : હવા


(55) બે માથાં અને બે પગ,

જાણે એને આખું જગ,

જે કોઈ આવે એની વચમાં,

કપાઈ જાય એની કચકચમાં.

જવાબ : કાતર


(56) એક પ્રાણી એવું,

જે વન-વગડામાં રહેતું,

મોટા-મોટા કાન,

ને શરીર છે સુંવાળું.

જવાબ : સસલું


(57) હવા કરતાં હળવો હું,

રંગે બહુ રૂપાળો,

થોડું ખાઉં ને ધરાઈ જાઉં,

વધુ ખાઉં તો ફાટી જાઉં.

જવાબ : ફુગ્ગો


(58) હું સૂર્યમંડળનો એક સભ્ય,

સૌથી સુંદર લાગું છું.

પીળાશ પડતો રંગ મારો,

મારી ફરતે બરફીલા વલયો.

જવાબ : શનિ ગ્રહ


(59) ઘરમાં મહેમાનોને દેવાય

વોટમાં નેતાઓને દેવાય,

લગ્નમાં વર-કન્યાને દેવાય.

આરામ કરવામાં વપરાય.

જવાબ : ખુરશી


(60) અવાજ ટપ ટપ થાય,

હળવે હાથે ઘડાય,

સૌ જણ સ્વાદે ખાય,

કોણ રોટલીનો ભાઈ થાય?

જવાબ : રોટલો


(61) રંગે,રુપે એક સમી છે,

પણ સ્વાદે દૂધથી ઘણી જુદી છે,

દહીંમાંથી એ બની છે,

ધરતીનું અમૃત કહી છે.

જવાબ : છાશ


(62) તાજી લીલી સારી છે,

જીણી જીણી સમારી છે,

તેલ મહીં વધારીને

ખાઓ તો એ ગુણકારી છે.

જવાબ : ભાજી


(63) નામ બારણા સંગે આવે,

હવાઉજાસ ઘરમાં લાવે

ઋતુઓ સામે રક્ષણ આપે

કોઈને તેના વિના ના ફાવે.

જવાબ : બારી


(64) હાથી ઘોડા ફર્યા કરે પણ

પગ એમના ચાલે ના;

સવાર પીઠે ઘૂમ્યા કરે

ને ફરવાની મજા લીધા કરે.

જવાબ : ચકડોળ


(65) પંદર દિવસ વધતો જાય,

પંદર દિવસ ઘટતો જાય;

સૂરજની તો લઈને સહાય,

રાત્રીભર પ્રકાશ પાથરતો જાય.

જવાબ : ચંદ્ર


(66) કાગળની છે કાયા,

અક્ષરની છે આંખ;

અલકમલકની સહેલ કરાવે,

જ્યારે ખોલો એની પાંખ.

જવાબ : પુસ્તક


(67) ખુલ્લા આસમાનમાંથી જનમું છું,

લીલા ઘાસ પર સૂઈ જાઉં છું,

મોતી જેવી સૂરત મારી,

વાદળોની હું દીકરી છું.

જવાબ : ઝાકળ બિંદુ


(68) ન ખાય છે ન પીવે છે,

બસ અજવાળાને સાથે લઈને ચાલે છે,

પણ છાયાને અને અંધારાને,

જોઈને મરી જાય છે.

જવાબ : પડછાયો


(69) શાકભાજીમાં હું છું સૌથી કડવું,

પણ ગુણ મારા અપાર,

રોગોને હું ઝટથી કાપું,

મારું નામ બતાવો ચતુર સુજાણ.

જવાબ : કારેલાં


(70) તડકો લાગે તો ઊભો થાતો,

છાયો આવે તો મરી જાતો,

જો કોઈ મહેનત કરે તો,

ફરી પાછો ઊભો થાતો.

જવાબ : પરસેવો


(71) એક બગીચામાં અનેક ફૂલ,

તે ફૂલોનો છે એક રાજા,

રાજા જ્યારે આવે બગીચામાં,

ત્યારે નાચતાં ફૂલો સારા.

જવાબ : ચંદ્ર અને તારા


(72) રૂડો રૂપાળો ને ગોરો ગોરો

માખણ જેવો છું

માનો ભાઈ તો નહીં પણ,

બાળકોનો વ્હાલો મામો છું.

જવાબ : ચાંદામામા


(73) સુવાની એ વસ્તુ છે પણ

શાકભાજીવાળો વેચે નહીં

ભાવ તો વધારે છે નહીં,

પણ ભારમાં એ ભારી છે.

જવાબ : ખાટલો


(74) જેમ સેવા કરતો જાઉં છું,

તેમ મારું કદ ઘટતું જાય છે,

રંગબેરંગી મારો સ્વભાવ હોવા છતાં,

પાણી સાથે મળી જાઉં છું.

જવાબ : સાબુ


(75) અબૂકલું ઢબૂકલું

લીલું લીલું માટલું

અંદર લાલમ લાલ,

કાપીને બહેનીને આપ.

જવાબ : તડબૂચ


(76) સફેદ ફૂલ ને કેસરી દાંડી,

વાતાવરણને મહેકાવતા જાય,

રાત જતી ને સુવાસ લઈને,

નવી સવાર આવતી જાય.

જવાબ : પારીજાત


(77) ચાર ભાઈ ઊભા,

ને ચાર ભાઈ આડા;

એક એકના અંગમાં,

બબ્બે પેઠા.

જવાબ : ખાટલો


(78) ઠંડો પ્રકાશ રેલાઉં,

ને આકાશે દેખાઉં.

ગોળ ગોળ લાગું ને,

બાળકોનો મામા કહેવાઉં.

જવાબ : ચાંદામામા


(79) પાણીનું અબૂકલું ઢબૂકલું છું,

પાણીમાં જ રહીને ફરું છું;

પાણીના તરંગોમાં નાચું છું,

પાણીમાં જ તરવું મારૂ કામ છે.

જવાબ : માછલી


(80) ઘરના ખૂણે એકલું બેસી,

જાતજાતનું બોલતું જાય,

દુનિયાભરની વાતોનો ખજાનો,

આપણી પાસે ખોલતું જાય.

જવાબ : ટીવી


(81) પડી પડી પણ ભાંગી નહીં,

ટૂકડા થયા બે-ચાર,

વગર પાંખે ઊડી ગઈ,

ચતુર કરે વિચાર !

જવાબ : રાત


(82) ભમ ભમ કરતી આવે જાય,

માણસ માત્ર એનાથી ગભરાય,

મારે ડંખ જન કરતા હોય,

માનવી મારું એઠું ખાય.

જવાબ : મધમાખી


(83) વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલે,

વાગે પણ કાંટા નહીં,

પણ એના ઈશારે દુનિયા ચાલે.

જવાબ : ઘડિયાળ


(84) પીળો છે મારો રંગ,

મીઠી મારી સુગંધ,

નાના-મોટાનું છું વહાલું,

તો બોલો હું ફળ કયું.

જવાબ : કેળું


(85) માથે આગ લેતી,

ધીરે આંસુડા સારતી,

મીણથી હું બનીને,

સૌને પ્રકાશ દેતી,

જવાબ : મીણબતી


(86) આંખો ઉપર વસતાં ને

સૌને રાખે હસતાં,

દૂર-નજીકનું જોઈ લઈને,

કદી ન પાછા ખસતાં.

જવાબ : ચશ્માં


(87) પીઠે મારે ઢેકો,

ને ઉંચી છે ડોક,

વાહન તરીકે રાખે,

મને રણના લોક.

જવાબ : ઊંટ


(88) ગણ ગણ ગુંજન કરે,

ને કાન આગળ ગાય,

ચટકો તો એવો ભરે કે,

આવે ટાઢિયો તાવ.

જવાબ : મચ્છર


(89) રાતે જુએ ને દિવસે અંધ,

પાસે જાઓ તો મારે ગંધ,

પગ ઉપર ને નીચે અંગ

કાળો મેશ જેવો છે રંગ....

જવાબ : ચામાચિડિયું


(90) પાંખો છે, પણ હું પંખી નથી,

ચાંદો નથી, તારો પણ નથી,

છતાં અંધારામાં ચમકું,

તો કહો દોસ્ત કોણ હું?

જવાબ : આગિયો


(91) એક નારી તીખી તમતમતી,

પણ અંતે ઠંડી મનગમતી,

જે ગરીબ ઘેર પ્રથમ નમતી,

ઝટપટ કહો એ કોણ કહેવાતી?

જવાબ : ડુંગળી


(92) ના મારે પેટ્રોલ જોઈએ,

ના જોઈએ એન્જીન,

પેન્ડલ મારો ફટાફટ,

ને ઝટ પહોચો મંજીલ.

જવાબ : સાયકલ


(93) કાળી કાળી મા,

ને લાલ લાલ બચ્ચાં;

જ્યાં જાય મા,

એની પાછળ જાય બચ્ચાં.

જવાબ : રેલગાડી


(94) એક પક્ષી એવું જોયું,

તળાવ કિનારે રહેતું;

મોઢામાંથી આગ કાઢતું,

ને પૂંછડે પાણી પીતું.

જવાબ : દીવો


(95) વાંકા ચૂકા લાંબા પણ,

તોરણ બની શોભા વધારે,

વૃક્ષ તેના ઊંચા ઊંચા,

શોભે ઘર-બાર-બગીચા.

જવાબ : આસોપાલવ


(96) મરઘી આપે ઈંડું

ને ગાય આપે દૂધ,

પણ એવું કોણ છે?

જે આપે ઈંડું ને દૂધ

જવાબ : દુકાનદાર


(97) સારી દુનિયાની કરું હું સફર,

ધરતી પર હું મુકું ના ડગર;

મારા વગર છે રાત અંધારી

ના ઓળખે એની મા મૂછાળી.

જવાબ : ચંદ્ર


(98) લાંબી લાંબી લાકડી,

ને ઝાડ ઉપર લટકે,

બાફીને લોકો શાક કરે,

ને ચાટી ચાટી પટકે.

જવાબ : સરગવો


(99) નહીં વાંસલો, નહીં વિઝણો,

નહીં કારીગર સુથાર,

અધ્ધર મહેલ ચણાવ્યો,

રાજા ભોજ કરે વિચાર.

જવાબ : સુગરીનો માળો


(100) રંગ બેરંગી લકડક નાર,

વાત કરે ન સમજે સાર,

સૌ ભાષામાં બોલે એ,

ચાલે ત્યાં આંસુની ધાર.

જવાબ : બોલપેન