વિષય : ગુજરાતી ઉખાણાં
ક્રમ : 1 થી 50
ભાગ : 1
(1) એક થાળ મોતીએ ભર્યો,
માથા ઉપર ઊંધો ધર્યો;
ગોળ ગોળ થાળ ફરે,
મોતી એકેય નવ ખરે.
જવાબ : આકાશ
(2) કાળો છે પણ કાગ નહીં,
દરમાં પેસે પણ નાગ નહીં,
ઝાડે ચડે પણ વાનર નહીં,
છ પગ પણ પતંગિયું નહીં.
જવાબ : મંકોડો
(3) હાલે છે પણ જીવ નથી,
ચાલે છે પણ પગ નથી,
બેઠક છે પણ બાજઠ નથી,
ખવાય છે, પણ ખૂટતો નથી.
જવાબ : હીંચકો
(4) લાંબો છે, પણ નાગ નહીં,
કાળો છે પણ કાગ નહીં,
તેલ ચઢે, હનુમાન નહીં,
ફૂલ ચઢે, મહાદેવ નહીં.
જવાબ : ચોટલો
(5) વહેલી સવારે ઊઠે છે,
સંધ્યા ટાણે ડૂબે છે,
સૌને ગરમી આપે છે,
બોલો ભાઈ, એ કોણ છે?
જવાબ : સૂરજદાદા
(6) રાત પડે ને આવે છે,
સાથે તારા લાવે છે,
ચાંદની ખિલાવે છે,
બોલો ભાઈ, એ કોણ છે?
જવાબ : ચાંદામામા
(7) માણસ જેવું રૂપ છે,
ઝાડે ઝાડે કૂદે છે,
હૂપ હૂપ કરે છે,
બોલો ભાઈ, એ કોણ છે?
જવાબ : વાંદરાભાઈ
(8) ચું શું શું શું કરે છે,
ઘરમાં બધે ફરે છે,
બિલ્લી દેખી ડરે છે,
બોલો ભાઈ, એ કોણ છે?
જવાબ : ઉંદરભાઈ
(9) પઢતો પણ પંડિત નહીં,
પૂર્યો પણ નહીં ચોર,
ચતુર હોય તો ચેતજો,
મધૂરો પણ નહીં મોર.
જવાબ : પોપટ
(10) ભરી ફાળ પણ મૃગ નહીં,
નહીં સસલો. નહીં શ્વાન,
મોં ઊંચુ પણ મોર નહીં,
સમજો ચતુર સુજાણ.
જવાબ : દેડકો
(11) સાગરની હું દીકરી,
પવનમામા તાણી જાય.
ગામ આવે તો વરસું,
નદી નાળાં ઉભરાઈ જાય.
જવાબ : વાદળી
(12) કાળી ધોળી કાબરી,
નગરી જોતી જાય,
લાખો રુપિયા આપતાં,
મૂલ ન એનાં થાય.
જવાબ : આંખો
(13) ઝાડે મોટી જટા છે,
હિંચકવાની મજા છે,
લાલ લાલ ટેટા છે,
બોલો ભાઈ, એ કોણ છે?
જવાબ : વડદાદા
(14) ધોળો ધબ, લાંબો લબ,
પાણી જોતો ઊભો ઠગ,
મચ્છી દેખી કરે ઝપટ,
વરતો એને ઝટપટ.
જવાબ : બગલો
(15) દરમાં રહું પણ ઉંદર નહીં,
ઝાડે ચડું પણ વાંદર નહીં,
રંગ મારો કાળો,
કરડવાનો ચાળો.
જવાબ : મંકોડો
(16) શરીર નહીં પણ જન્મે ખરી,
મોં નહીં પણ કરે અવાજ
જન્મી એવી ઝટ મરે
ચતુર કરો વિચાર.
જવાબ : ચપટી
(17) એ પૈસા, દરદાગીના રક્ષે,
કપડાં સારાં સૌ તેમાં મૂકે,
તાળું મારી સુખથી સૂએ,
લોકો ઘરમાં અચૂક વસાવે.
જવાબ : તિજોરી
(18) દાદા છે પણ દાદી નથી,
ભાઈ છે પણ ભાભી નથી,
નવરો છે પણ નવરી નથી,
રોજી છે પણ રોટી નથી.
જવાબ : દાદાભાઈ નવરોજી
(19) ઉનાળે ઊલટું ઘરે,
ચોમાસે ભરાય,
એ આવે સુખ ઉપજે,
તે સમજાવો ભાઈ.
જવાબ : સરોવર
(20) ખારા જળમાં બાંધી કાયા,
રસોઈમાં રોજ મારી માયા,
જનમ ધર્યાને પારા છોડા,
મારા દામ તો ઊપજે થોડા.
જવાબ : મીઠું
(21) ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયું,
પથરાયું મુજ પર ઘાસ,
પશુ પક્ષીનું ઘર હું છું,
મને ઓળખો હું કોણ છું?
જવાબ : જંગલ
(22) ટન ટન બસ નાદ કરે,
ઘડિયાળ જોઈ સાદ કરે,
નિશાળમાં એ લટકે
રણકે તો બાળકો છટકે.
જવાબ : ઘંટ
(23) ઘેર ઘેર દીવડા પ્રગટાવે,
અમીર ગરીબ સૌ આનંદ લૂંટે
વેરઝેરની આજે વાતો ભૂલાય,
મીઠા મોં કરી આજે સૌ મલકાય.
જવાબ : દિવાળી
(24) લીલી માછલીના,
ઈંડા લીલા પણ,
માછલી કરતાં,
ઈંડાનું મૂલ્ય વધારે.
જવાબ : વટાણા
(25) ભેંસ વિયાણી, પાડો પેટમાં,
દૂધ દરબારમાં જાય,
ચતુર હોય તો સમજી લ્યો,
મૂરખ ગોથા ખાય !
જવાબ : કેરી
(26) વર્ષાઋતુને સહન કરતી,
ગરમીને ઘોળી પી જાતી,
બધાને આરામ આપતી જાતી,
પણ ઠંડીમાં નકામી બની જાતી.
જવાબ : છત્રી
(27) જેવા છો તેવા દેખાશો,
માટે મારી અંદર ઝાંખો,
જલ્દીથી દઈ દો જવાબ,
ખુદને ઓછા ન આંકો.
જવાબ : દર્પણ
(28) જો તે જાય તો પાછો ન આવે,
જાય તોય નજર ન આવે,
આખી દુનિયામાં ચર્ચા એની,
એ તો સૌથી બળવાન ગણાતો.
જવાબ : સમય
(29) જળનાં ફૂલ છે જે,
તળાવોમાં થાતાં,
શિવલિંગ પર ચઢે,
થાય ધોળાં ને રાતાં.
જવાબ : કમળ
(30) બાગબગીચે ગાતી રહેતી,
પણ પોતાનું ઘર ક્યારેય ન બનાવતી,
કોલસાથી વધુ કાળી છે,
પણ સૌની મનભાવન છે.
જવાબ : કોયલ
(31) થાકવાનું ન મારે નામ,
રાત દિવસ હું ચાલતી રહેતી,
જ્યારે પૂછો ત્યારે સમય બતાવતી,
આગળ વધવાનો સંદેશો હું દેતી.
જવાબ : ઘડિયાળ
(32) અડધું છું ફળ ને અડધું છું ફૂલ,
કાળો રંગ મારો છતાં,
સ્વભાવે મીઠો મધુર છું.
બોલો ભાઈ હું કોણ?
જવાબ : ગુલાબજાંબુ
(33) ગોળ ઓરડો અંધારો ઘોર,
એમાં પૂર્યાં રાતા ચોર,
એ ચોરને બધાંય ખાય,
છે કલજુગનું કૌતુક ઑર !
જવાબ : દાડમ
(34) પીળા પીળા પદમસી,
ને પેટમાં રાખે રસ,
થોડાં ટીપાં વધુ પડે તો,
દાંતનો કાઢે કસ !
જવાબ : લીંબુ
(35) કદરૂપી કાયા લઈને,
પાણીમાંથી આવે,
દોડતો ત્યારે લાગે જાણે,
પથ્થર કોઇ ગબડાવે.
જવાબ : જળઘોડો / હિપોપોટેમસ
(36) એ તો ભાઈ તો છે ભારે બીકણ,
કાતરી ખાતા પાન,
ઉંદરભાઈના મામા એ તો,
એમને છે લાંબા કાન.
જવાબ : સસલું
(37) રાતા રાતા રતનજી,
ને પેટમાં રાખે પાણા,
વળી ગામે ગામે થાય,
એને ખાય રંકને રાણા!
જવાબ : બોર
(38) નાનેથી હું મોટું થાઉં,
રંગબેરંગી પાંખો લગાવું,
હવાની લહેરોમાં તરતું જાઉં,
ફૂલો સંગ વાતો કરતું જાઉં.
જવાબ : પતંગિયું
(39) એ તો ભાઈ ભારે ઊંચા,
પણ લાગે છે સાવ બૂચા,
નાની પૂછડી ને ટૂંકા કાન,
ને ઊંચી ડોકે ચાવે પાન.
જવાબ : ઊંટ
(40) નાના શરીરમાં નાની ગાંઠ,
જે દિવસભર કરે કામ,
પરસ્પર મળીને સંગે રહેતી,
આરામનું એને નહીં નામ.
જવાબ : કીડી
(41) નાકે નકશે એ નમણું દેખાય,
પણ ભરતું લાંબી ફાળ,
આંખો એની ચમકીલી,
ને ઝડપી એની ચાલ.
જવાબ : હરણ
(42) ટરર ટરર કરતાં ગાય છે,
જાણે પોતાનું ગીત સંભળાવે છે,
જ્યારે તેઓ તળાવે તરે છે,
ત્યારે લાંબી પતવાર બનાવે છે.
જવાબ : દેડકા
(43) પાણી તો પોતાનું ઘર,
ધીમી જેની ચાલ,
ભય જોઈને કોકડું વળતો,
બની જાતો ખુદની ઢાલ.
જવાબ : કાચબો
(44) છતથી લઈને ખૂણેખાંચરે,
મળી જાતી છ પગવાળી નાર
લાળથી વણતું મલમલ જેવું,
કપડું જાળીદાર.
જવાબ : કરોળિયો
(45) ન તો હું સાંભળી શકું,
ન તો હું બોલી શકું,
આંખ તો મારે છે નહીં તોયે,
જગ આખાને ભણાવતી જાઉં.
જવાબ : ચોપડી
(46) આંધી વર્ષામાં છાતી પહોળી,
કરી ઠાઠથી હું ઊભો છું,
જીવોની હું રક્ષા કરી,
ફળ ફૂલનું દાન આપું છું.
જવાબ : વૃક્ષ
(47) કાન મોટા ને કાયા નાની,
ને કોમળ એના વાળ,
કોઈ એને પકડી ના શકે,
તેવી છે તેજી એની ચાલ.
જવાબ : સસલું
(48) મંદિર, મસ્જિદ ને ગુરુદ્વારે,
જે પાતી બહુમાન,
પાતળી કાયા હોવા છતાં,
મહેંક દ્વારા કરે પાન પાન.
જવાબ : અગરબત્તી
(49) લિલી ટોપી રાતા ડગલાં,
આવ્યારે પરદેશી સાગલા,
જે કોઈ તે ખાવ ખાવ કરે,
એ તો હાય હાય કરે
બોલો એ શું..?
જવાબ : મરચાં
(50) ત્રણ નેત્ર પણ શંકર નહીં,
વાળ ઘણા પણ ઘેટું નહીં,
પાણી છે પણ ઘડો નહીં,
સન્યાસી છે પણ ભગવાન નહીં.
જવાબ : નારિયેળ