વિષય : ગુજરાતી ઉખાણાં
ક્રમ : 101 થી 150
ભાગ : 3
(101) દેખાવે હું સાવ સાદું
પણ ગુણમાં છું હું દાદુ,
હું કરું મજાનો જાદુ,
મને ખાય તે પડે ના માંદુ
જવાબ : આદું
(102) પોચી પણ ના ઢીલી,
ગોળ દડી આ લીલી,
મહી મળે ના બીજ,
કહી દો એ કઈ ચીજ.
જવાબ : કોબીજ
(103) મારા રસની એક કહાણી,
દેખાવે લાગે એ તો પાણી
રંગ, રૂપ ને દાંતનું રક્ષણ,
ભાવથી કરજો મારું ભક્ષણ.
જવાબ : લીંબુ
(104) મા ગોરી ને રૂપકડી,
ને બચ્ચાં કાળામેશ;
મા મારે ને બચ્ચાં જો ભળે,
દૂધ - ચામાં સૂગંધ ભળે.
જવાબ : ઈલાયચી
(105) એક બહેનને બત્રીસ ભાઈ,
તે સઘળા સાથે પ્રીત.
બહેન પહેલા ભાઈ મારે,
આ કયા ગામની રીત?
જવાબ : જીભ અને દાંત
(106) નગરમાં નાગી ફરે,
વનમાં પહેરે ચીર;
છૂરી-ચપ્પુથી ના ડરે,
પણ સૂડીથી છેદાય શરીર.
જવાબ : સોપારી
(107) છેલછબીલો રસોઈયો,
બાફવામાં ઉસ્તાદ;
ગરમ થાય તો સીટી મારે,
તોય ગૃહિણીને ગમે.
જવાબ : કૂકર
(108) જાતજાતના રંગ એના,
મદમસ્ત એની સુગંધ;
કાંટા વચ્ચે જન્મે છતાં,
કોમલ એનું અંગ.
જવાબ : ગુલાબ
(109) પાણી વચ્ચે જન્મે છતાં,
પાણીને એ રાખે દૂર,
દેવી લક્ષ્મીનું આસન છે એ,
ભારતનું રાષ્ટ્રીય ફૂલ.
જવાબ : કમળ
(110) ટપ ટપ અવાજ થાય,
ધીમે ધીમે એ ઘડાય;
રોટલીનો ભાઈ ગણાય,
તો બોલો ભાઈ એ કોણ?
જવાબ : રોટલો
(111) સ્વાદ મારો ખાટો મીઠો,
મને વીણતાં વાગે કાંટો;
એક નહીં ઢગલામાં હોઉં,
તો કહો હું શું કહેવાઉં?
જવાબ : બોર
(112) લોકો કહે મને મામા,
ઘર કે દરમાં મારા ધામા;
કાતરી કપડાં કરું નકામાં,
પાંજરે પૂરાઉં તો કરું ઉધામા
જવાબ : ઉંદર
(113) એક ફૂલ છે એવું,
જેણે સૂરજ સાથે મેળ;
એના કાળા બીજમાંથી,
નીકળે ખાવાનું તેલ.
જવાબ : સૂરજમુખી
(114) મારા દિવસે હોય રજા,
સૌને પડે મજા મજા;
પહેલો- છેલ્લો અક્ષર ‘ર’
તો બોલો ઝટઝટ હું કયો વાર?
જવાબ : રવિવાર
(115) લીલો છે દેશ
ને ઘર છે લાલમલાલ;
માણસો છે કાળા,
મને ઓળખો મિત્રો શાણા.
જવાબ : તરબૂચ
(116) માણસ જેવાં કપડાં પહેરી,
ખેતર વચ્ચે ઊભો છું;
ખેતરની હું કરું રખેવાળી,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : ચાડિયો
(117) કેસરી રંગની કેશવાળી,
રાજા બની રહું છું;
ડણાક દેતાં જંગલ ગાજે,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : સિંહ
(118) ગંદકી હોય કે હોય મીઠાઈ,
બણબણ કરતી બેસી જાય;
પગ ને પાંખ ખંખેર્યા કરે,
રોગના જંતુ વેર્યા કરે.
જવાબ : માખી
(119) ગુનગુન ગુંજન કરતો જાય,
વાંસ-વળીને કોતરી ખાય;
કાળોભમ્મર એનો વાન,
બિડાય કમળ તો આપે જાન.
જવાબ : ભમરો
(120) છરી મારી મને,
ને રડવા બેઠા તમે;
કેમ મને ખાતા નથી,
શું જૈન છો તમે?
જવાબ : ડુંગળી
(121) કાળાં કાળાં વાદળ દેખી,
ટેક ટેક કરતો હું;
રંગબેરંગી પીંછાં વેરી,
બાળકોને ઘેલાં કરતો હું.
જવાબ : મોર
(122) ગણ ગણ કરતો પકવે કાન,
ભેજ મળે ત્યાં રહે મસ્તાન;
ડેન્ગ્યુ, મેલેરીયા ને હાથીપગો,
એનો ડંખ જાણે મોતનો સગો.
જવાબ : મચ્છર
(123) ફૂલડે ફૂલડે ભમતી ફરે,
મીઠાશથી પોતાનું ઘર ભરે;
છંછેડાય તો માંડે જંગ,
પીડા આપતો એનો ડંખ.
જવાબ : મધમાખી
(124) મધરાતે હું મહેકું,
ને સુગંધ ફેલાવું આખી રાત;
ના અગરબત્તી કે અત્તર,
હું ફૂલની છું જાત.
જવાબ : રાતરાણી
(125) ચાક ચલાવી ઘાટ ઘડે,
ને ઉતારે ઘાટીલાં ઠામ;
પણ ટપ ટપ ટપલાં કાં મારે?
શું ગુનો કર્યો તે ડામ?
જવાબ : કુંભાર
(126) કાળી છું તો શું થયું?
કેવું મીઠું ગાઉ છું;
ઈંડાં મારાં સેવે કાગડી,
મોજથી હું મહાલું છું.
જવાબ : કોયલ
(127) દુંદાળો- દુઃખભંજણો,
સદાયે નાનો બાળ;
દિવસે સમરે વાણીયા,
રાત્રે સમરે ચોર.
જવાબ : ગણપતિ
(128) લૂમખે લૂમખાં થાઉં છું,
નાની હું ગણાવું છું;
વેલા પર હું લટકું છું,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : દ્રાક્ષ
(129) સોય-દોરા વગરનો,
કેવો કુશળ દરજી;
અધ્ધર મહેલ બનાવતો,
ના ઈંટો, ના રેતી.
જવાબ : દરજીડો
(130) રાત્રીનો અંધકાર ભગાવી,
રેલાવો છો નિર્મળ નૂર;
બાળકોના મામા થઈને,
કેમ રહો છો દૂર?
જવાબ : ચાંદામામા
(131) કાચી હોઉં ત્યારે લીલી લીલી,
પાકું ત્યારે પીળી પીળી;
કાપીને ખાવ કે કાઢો રસ,
ખાવ મને હવે બસ બસ.
જવાબ : કેરી
(132) લાંબું લાંબું દેખાઉં છું,
સ્વાદમાં હું ગળ્યું છું;
બહાર પીળું, અંદર ધોળું,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : કેળું
(133) ગોળ ગોળ ને લાલ લાલ,
નાનું નાનું ને ગળ્યું ગળ્યું
કાંટા વચ્ચે થાઉં છું,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : બોર
(134) બહાર લીલું ને અંદર ધોળું,
લાંબુ લાંબું થાઉં છું;
સ્વાદ મારો મીઠો મીઠો,
સૌથી વધુ ખવાઉ છું.
જવાબ : કેળું
(135) આમ જાઉં, તેમ જાઉં.
જ્યાં જાવ ત્યાં સાથે થાઉં;
નાનો થાઉં, મોટો થાઉં,
રાત પડે તો સંતાઈ જાઉં.
જવાબ : પડછાયો
(136) પાંચ છું ને દસ છું,
આંગળીયો પર બેસું છું;
કાતરથી ખૂબ બીઉ છું,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : નખ
(137) રંગે પીળું, સ્વાદે ખાટું
સો ગુણ છે મારામાં;
સરબત માટે હું ઉપયોગી,
પીવે સાજા ને માંદા.
જવાબ : લીંબુ
(138) કાળી બાઈ છે લાંબડી,
કાળી ગોળી ખાય,
ભમ બોલે અહિયાં,
સામે નખ્ખોદ જાય.
જવાબ : બંદૂક
(139) ચાર ખૂણાનું ચોકઠું,
આભે ઊડ્યું જાય,
બહેન પૂછે ભાઈ ને,
આ કર્યું જનાવર જાય.
જવાબ : પતંગ
(140) ખાવામાં હું ખૂબ ઉપયોગી,
અનેક વિટામીનથી ભરપૂર;
રહો તંદુરસ્ત ખાવ મને તો,
શરીર રાખું અલમસ્ત.
જવાબ : ફળ
(141) રંગબેરંગી ને આકર્ષક,
આપું રસ મીઠોમધ,
પતંગિયા ને મધમાખી,
બેસે મારી ઉપર ઝટ.
જવાબ : ફૂલ
(142) વનવગડે વસે છે,
સુંદર માળો ગુંથે છે;
ચોમાસે રંગ બદલે છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : સુઘરી
(143) કાળો કાબરો મારો રંગ,
ટોપલી જેવો માળો બાંધું;
માથે નાની કલગી શોભે,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : બુલબુલ
(144) ઘર આંગણે રહું છું,
એઠું જુદું ખાઉં છું,
રંગે હું તો કાળો છું,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : કાગડો
(145) વાન મારો કાળો છે,
પણ કંઠ બહુ રૂપાળો છે;
વનવગડે એ રહે છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : કોયલ
(146) ધોળો ધોળો મારો રંગ,
નદી કાંઠે ઊભો રહું,
માછલી જોઈને ટપ પકડું,
બોલો ભાઈ હું કોણ છું?
જવાબ : બગલો
(147) બાળકોને વહાલો છે.
માથે કલગી શોભે છે
રંગબેરંગી પીંછાં છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : મોર
(148) સૌથી પહેલો જાગે છે,
સૂરજનો છડીદાર છે;
કૂકડે કૂક બોલે છે,
બોલો ભાઈ એ કોણ છે?
જવાબ : કૂકડો
(149) વડ જેવા પાન ને શેરડી જેવી પેરી,
મોગરા જેવા ફૂલ ને આંબા જેવી કેરી.
જવાબ : આંકડો
(150) દાદા છે પણ દાદી નથી,
ભાઈ છે પણ ભાભી નથી,
નવરો છે પણ નવરી નથી,
રોજી છે પણ રોટી નથી!!
જવાબ : દાદાભાઈ નવરોજી