ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 8. ભારતવર્ષની ભવ્યતા
સ્વાધ્યાય
પ્રશ્ન 1. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો :
(1) નિદર્શનકલામાં………..અને…………નો સમાવેશ થાય છે.
ઉત્તર : નૃત્ય, નાટક
(2) દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય……….છે.
ઉત્તર : સંગમ સાહિત્ય
(3) ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં…………….ગ્રીક એલચી હતો.
ઉત્તર : મૅગેસ્થનિસ
(4) મધ્યપ્રદેશમાં..............સ્થળેથી પાષાણયુગનાં ચિત્રો મળી આવેલ છે.
ઉત્તર : ભીમબેટકા
(5) ઈ. સ. પૂર્વે પાંચમી સદીના સિક્કાને………..તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર : પંચમાર્ક કૉઇન
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી. વેદો ચાર છે : ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી મહત્ત્વના ગ્રંથો છે. આ ઉપરાંત, ઉપનિષદો, પુરાણો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે.
(2) પ્રાચીન ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો / પ્રવાસીઓ આવ્યા હતા?
ઉત્તર : પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મૅગેસ્થનિસ, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની પ્રવાસી ફાહિયાન, હર્ષવર્ધનના સમયમાં ચીની પ્રવાસી યુએન શ્વાંગ અને ગ્રીક નાવિક ટોલેમી વગેરે વિદેશી મુસાફરો | પ્રવાસીઓ આવ્યા હતા.
(3) સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો.
ઉત્તર : સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું (અંડાકાર) સ્થાપત્ય. સ્તૂપની મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા. બૌદ્ધ સાધુઓ આ સ્થળે ધ્યાન ધરતા. ચૈત્યો એટલે પ્રાર્થનાગૃહો. ચૈત્યોને ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થનામંડપ વગેરે કોતરવામાં આવતાં. ચૈત્યોનો ઉપયોગ ‘પ્રાર્થનાગૃહ' તરીકે કરવામાં આવતો.
(4) તક્ષશિલામાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
ઉત્તર : તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિંદુધર્મ અને દર્શન વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
(5) ગુપ્તવંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે?
ઉત્તર : ગુપ્તવંશના સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે.
પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) ઉપનિષદોમાં માંડુક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે.
ઉત્તર : ખરું
(2) ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ‘ઇન્ડિકા' નામના ગ્રંથમાંથી ભારતનાં બંદરો વિશેની માહિતી મળે છે.
ઉત્તર : ખોટું
(3) ઈલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતકકથાઓનાં ચિત્રો જગવિખ્યાત છે.
ઉત્તર : ખરું
(4) ગાંધારશૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો.
ઉત્તર : ખરું
(5) પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિખ્યાત હતી.
ઉત્તર : ખોટું
પ્રશ્ન 4. ટૂંક નોંધ લખો :
(1) ધર્મેતર સાહિત્ય
ઉત્તર : જે સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. તેમાં કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે.
(1) સ્મૃતિગ્રંથો : મનુસ્મૃતિ, યાજ્ઞવક્યસ્મૃતિ, નારદસ્મૃતિ વગેરે જાણીતા સ્મૃતિગ્રંથો છે.
(2) નાટકો અને મહાકાવ્યો : અભિજ્ઞાનશાકુંતલમ્, રઘુવંશમ્, મેઘદૂતમ્, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસવદત્તમ્, મૃચ્છકટિકમ્ વગેરે સંસ્કૃત ભાષાના પ્રખ્યાત નાટકો અને મહાકાવ્યો છે.
(3) સંગમ સાહિત્ય : દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય સંગમ સાહિત્ય કહેવાય છે. તેમાં શિલપ્પદિકારમ અને મણિમેખલાઈ નામનાં વીરકાવ્યો મુખ્ય છે.
મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ગુપ્તકાળમાં રાજાઓનાં પ્રશસ્તિ કાવ્યો રચાયાં હતાં. તેમાં હરિષેણરચિત ‘પ્રયાગ-પ્રશસ્તિ' અને બાણભટ્ટરચિત ‘હર્ષચરિતમ્' મુખ્ય છે.
(2) પ્રાચીન ભારતનાં સ્થાપત્યો
ઉત્તર : પ્રાચીન ભારતનાં સ્થાપત્યોની શરૂઆત હડપ્પા સભ્યતાની નગરરચના, અનાજનો કોઠાર, સ્નાનાગાર, ગટર આયોજન, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણાં પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર-સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે.
(1) ગુફા-સ્થાપત્યો : ગુફા-સ્થાપત્યોમાં બારબારની પહાડીઓ, નાસિકનાં ગુફાશિલ્પો, અજંતા-ઈલોરા અને અમરાવતીનાં ગુફાશિલ્પોનો સમાવેશ થાય છે.
(2) શિલ્પકલા : ગ્રીક અને ભારતીય કલાશેલીનો સંગમ ભારતીય શિલ્પકલાના બે પ્રકાર હતા : (1) ગાંધારકલા અને (2) મથુરાકલા સંપૂર્ણ ભારતીય કલા.
(3) સ્તૂપો અને વિહારો : બૌદ્ધધર્મનાં સ્થાપત્યોમાં સ્તૂપો, ચૈત્યો અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્યો ધ્યાન અને પ્રાર્થના માટે હતાં, જ્યારે વિહારો જૈનધર્મ અને બૌદ્ધધર્મના સાધુઓને રહેવા માટે હતા.
(3) પ્રાચીન ભારતની ખેતી
ઉત્તર : પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડનાં વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ભારતમાં ખેતીમાં લોખંડનાં ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાતરડું, હળનાં ફણાં વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતાં.
(4) ગ્રામીણ અને નગરજીવન
ઉત્તર : પ્રાચીન સમયમાં ગ્રામીણજીવન અને નગરજીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું :
(1) ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. આ પદ વંશપરંપરાગત હતું. (2) દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા : (1) મોટા જમીનદારો, (2) નાના ખેડૂતો અને (3) જમીનવિહોણા મજૂરો (દાસ) (3) આ સમયે મોટા ભાગનાં શહેરો રાજધાનીનાં સ્થળો હતાં. તેની ચારે બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કુવા બનાવવામાં આવતા, જેને ‘વલયકૂપ’ કહેવામાં આવતો. (4) ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદિ, માંસ - માછલીનો ઉપયોગ કરતા. (5) સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતાં. શરીરના ઉપર ભાગનું વસ્ત્ર ‘વાસ’ કહેવાતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર ‘નિવિ' કહેવાતું. તેઓ ક્યારેક ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું ‘અધિવાસ' લપેટતા હતા.