ગુજરાતી ઉખાણાં - ભાગ : 6

GIRISH BHARADA

 

ગુજરાતી ઉખાણાં - ભાગ : 6

વિષય : ગુજરાતી ઉખાણાં

ક્રમ : 251 થી 300

ભાગ : 6


(251) મશીનથી મારું ખમીસ સીવે,

ઉપર બટન ટાંકે;

બેની માટે ફ્રોક સીવે,

ઉપર આભલાં ટાંકે.

જવાબ : દરજી


(252) હળ ચલાવે, ખેતર ખેડે,

દવા- ખાતર નાખે;

ઠંડી-ગરમી સહન કરીને,

ધરતી લીલી રાખે.

જવાબ : ખેડૂત


(253) ભારે મોટાં ઘણના ઘા,

એરણ માથે પડતો;

ઘણથી ટીપે ગરમ લોઢું,

હળ, દાતરડાં ઘડતો.

જવાબ : લુહાર


(254) એ તો છે ભાઈ કારીગર,

ચંપલ સુંદર બનાવે,

ચામડું કાપે, ખીલી લગાવે,

બૂટ પાલીસ કરી આપે.

જવાબ : મોચી


(255) દીવાલનો છે કારીગર,

ને મોટા મકાન બાંધે;

ઈંટો ઉપર ઈંટો મુકી,

સિમેન્ટ વડે સાંધે.

જવાબ : કડિયો


(256) જીભ તપાસે, આંખ તપાસે,

શરીરનો તાવ માપે;

હળવું ખાઓ, મગ ખાવ,

કહીને દવા આપે.

જવાબ : ડોક્ટર


(257) નાનાં મોટાં લાકડાં લઈને,

કરવત વડે કાપે;

ટેબલ ખુરસી કરવા માટે,

આડું ઊભું માપે.

જવાબ : સુથાર


(258) કપાસમાંથી કાઢે રૂ,

એના તાર બનાવે,

સાળ પર એ કાપડ વણે,

શરીર આપણું ઢાંકે.

જવાબ : વણકર


(259) આટીયું પાટિયું, ભોંયમાં દાટિયું,

સવારે જોયું તો સોનાનું પાટિયું.

જવાબ : સૂરજ


(260) ચાર પાયા ને ઉપર આડી છત,

કરો તેના પર લખ લખ લખ.

જવાબ : ટેબલ


(261) ખિલે એક ફૂલ,

જ્યારે થાય અંધારું ડૂલ.

જવાબ : દીવો


(262) એક જનાવર ઇતું

તે પૂંછડે પાણી પીતું.

જવાબ : દીવો


(263) વીસેયનાં માથાં વાઢી લીધાં,

નાં કોઈ માર્યું, નાં લોહી વહ્યું.

જવાબ : નખ


(264) બે ભાઈ લડે,

વચ્ચે આવે તે મરે.

જવાબ : કાતર


(265) લીલી બસ, લાલ સીટ,

અંદર કાળા બાવા.

જવાબ : તરબૂચ


(266) પીધા કરે પણ શરમ નથી,

ચિતર્યા કરે પણ કલમ નથી.

જવાબ : પીંછી


(267) વગર બોલાવે ડોક્ટર આવે,

સોય મારીને ભાગી જાય.

જવાબ : મચ્છર


(268) એક ગોખલામાં બત્રીસ બાવા,

અંદર કોયલ બોલે.

જવાબ : જીભ


(269) ધોળું ખેતર, કાળા ચણા,

હાથે વાવ્યા, મોંએ લડ્યા.

જવાબ : અક્ષર


(270) બે બહેનો રડી રડી ને થાકે,

પણ ભેગી થાય જ નહીં.

જવાબ : આંખો


(271) લાલ કિલ્લામાં કાળા સિપાહી,

લીલી દિવાલમાં ગયા સમાઈ.

જવાબ : તડબૂચ


(272) ઢીંચણ જેટલી ગાય,

નીરે એટલું ખાય.

જવાબ : ઘંટી


(273) રાતા ચણા ને પેટમાં પાણા.

ખાતા એને રંક ને રાણા.

જવાબ : ચણી બોર


(274) નાનકડી ડબ્બીમાં બત્રીસ બાવા.

જવાબ : દાંત


(275) કાનો માતર રહે આઘા,

રોજ ખાઓ તો રહો તાજા.

જવાબ : સફરજન


(276) કાળો છે ઉંદર ને લીલી છે પૂંછ,

ન આવડે તો તારા બાપાને પૂછ.

જવાબ : રીંગણાં


(277) મા ધોળી ને બચ્ચાં કાળા,

માં મરી ને બચ્ચાં વ્હાલાં.

જવાબ : એલચી


(278) લીલા મહેલમાં ઓરડા ધોળા,

અંદર પૂર્યા ચોર કાળા.

જવાબ : સીતાફળ


(279) આટલીક દડી ને હીરે જડી,

દિવસે ખોવાણી રાતે જડી.

જવાબ : તારા


(280) લીલી-પીળી દડી, રસે ભરી.

જવાબ : લીંબુ


(281) એવો કયો રાજા છે કે જે રાજા ના

હોવા છતાં તેને રાજા કહેવો પડે છે?

જવાબ : વરરાજા


(282) એવી કઈ ડોશી છે કે જે ડોશી નહીં

હોવા છતાં તેને વાર કહેવી પડે છે?

જવાબ : પાડોશી


(283) એવું કયું રણ છે કે જે રણ ના હોવા

છતાં તેને રણ કહેવું પડે છે?

જવાબ : સૂરણ, કારણ, કરણ


(284) એવો કયો કારીગર છે, જેના નામમાં

હાર છે પણ તે બનાવતો નથી?

જવાબ : લુહાર


(285) એવો કયો કોટ છે, જે રાજ નથી કરતો?

જવાબ : રાજકોટ


(286) કલી તો ફૂલ પાસે હોય, આ પક્ષી

કહે છે કે મારી પાસે પણ કલી છે.

જવાબ : ચકલી


(287) એવું કયું વન છે કે જે વન ના હોવા

છતાં તેને વન કહેવું પડે છે?

જવાબ : જીવન, પવન


(288) એવો કયો વાર છે કે જે વાર નહીં

હોવા છતાં તેને ડોશી કહેવી પડે છે?

જવાબ : તહેવાર, પરિવાર, સલવાર, તલવાર, સવાર


(289) એવો કયો ખંડ છે કે જે ખંડ ના

હોવા છતાં તેને ખંડ કહેવો પડે છે?

જવાબ : લોખંડ, શીખંડ, ભૂખંડ


(290) એવી કઈ વનસ્પતિ છે, જે રડતી ના

હોવા છતાં તે નામમાં રડી છે?

જવાબ : શેરડી


(291) એવી કઈ નદી છે, જેની પાસે દર પણ છે?

જવાબ : ભાદર


(292) એક એવું ફળ છે, જે પોતાના નામમાં કડી પહેરે છે.

જવાબ : કાકડી


(293) વાણી નહીં પણ બોલી શકે,

પગ નથી પણ ચાલી શકે,

વાગે છે પણ કાંટા નહીં,

એના ઈશારે દુનિયા ચાલે બોલો શું..?

જવાબ : ઘડિયાળ


(294) બે માથાં અને બે પગ,

જાણે એને આખું જગ,

જે કોઈ આવે એની વચમાં,

કપાઈ જાય એની કચ કચ માં

બોલો એ શું..?

જવાબ : કાતર


(295) વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી,

દૂધ આપું તોયે હું ગાય નથી,

બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી,

પુંજા માં વપરાવ છું પણ હું દેવ નથી..

બોલો હું કોણ.?

જવાબ : નારિયેળ


(296) ટન ટન બસ નાદ કરે,

ઘડિયાળ જોઈ સાદ કરે

સ્કૂલ નિશાળે એ લટકે રણકે

તો બાળકો છટકે બોલો હું કોણ.?

જવાબ : ઘંટ


(297) હવા કરતા હળવો હું,

રંગે બહુ રૂપાળો,

થોડું ખાઉં ને ધરાઈ જાઉં,

વધુ ખાઉં તો ફાટી જાઉં

બોલો હું કોણ..?

જવાબ : ફુગ્ગો


(298) ઘરમાં મહેમાનોને દેવાય,

વોટમાં નેતાઓને દેવાય

આરામ કરવામાં વપરાય

બોલો એ શું..?

જવાબ : ખુરશી


(299) પીળા પીળા પદ્મસી ને પેટમાં રાખે રસ,

થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ!

બોલો એ શું..?

જવાબ : લીંબુ


(300) ખારા જળમાં બાંધી કાયા,

રસોઈમાં રોજ મારી માયા

જન્મ ધર્યાને પારા છોડા,

મારા દામ તો ઉપજે થોડા

બોલો હું કોણ..?

જવાબ : મીઠું