વિષય : ગુજરાતી ઉખાણાં
ક્રમ : 201 થી 250
ભાગ : 5
(201) કોલસે સળગતી એને દીઠી,
ચોમાસે લાગે તે મીઠી,
એની છે અનેરી વાત,
દેખાવે લાગે જાણે દાંત.
જવાબ : મકાઈ
(202) હાથમાં એ તો લાગે નાનો,
પણ દુનિયાનો તે છે ખજાનો,
હોય પાસે તો વટ પડે,
વારંવાર 'હલો' તે કહે.
જવાબ : મોબાઇલ
(203) કલબલ એ તો કરતી જાય,
ઠૂમકા મારે એ તો ભાઇ,
ચાલે એ તો ધીમી ચાલ,
નાના પરીવારની એ છે જાત.
જવાબ : કાબર
(204) એક પગે રામનામ જપે,
જગ એને ઠગભગત કહે,
નદી સરોવરે માછલી પકડે,
રંગે ધોળા એ છે ભાઇ.
જવાબ : બગલો
(205) નર બત્રીસ અને એક છે નારી,
જુઓ જગતમાં, છે બધાને પ્યારી,
કહો કરીએ મનમાં પુરો વિચાર,
મરે પહેલા નર અને જીવે નાર.
જવાબ : જીભ
(206) મારે ટોડલે બેસે છે,
ટેહુંક ટેહુંક કરતો ભાઇ,
ઠૂમક...ઠૂમક... કળા કરે,
કલગીવાળો એ છે ભાઇ.
જવાબ : મોર
(207) રંગે એ તો કાળી છે,
બોલી સુમધુર એની ભાઇ,
કાગડાની તો દુશ્મન એ,
કુઉ..કુઉ..બોલે એ તો ભાઇ.
જવાબ : કોયલ
(208) ભલું અને ભોળું પક્ષી,
શાંતિદુત એ તો ભાઇ,
ઘૂ.. ઘૂ.. ઘૂ.. અવાજ કરતું,
સંદેશાવાહક બનતુ એ તો.
જવાબ : કબૂતર
(209) લુચ્ચો ને છે કાળો,
કા...કા... બોલીવાળો,
એંઠવાડ એ તો સાફ કરે,
શ્રાદ્ધમાં એ હર ઘરે ફરે.
જવાબ : કાગડો
(210) ગળે કાંઠલો કાળો છે,
રંગે એ લીલો છે ભાઇ,
લાલ ચાંચવાળો છે,
મરચાં એ બહું ખાય છે ભાઇ.
જવાબ : પોપટ
(211) એક ગોળી એવી,
જે પોચી પોચી,
પટ વેલા ઉપર થાય,
જેને લોકો ઝટપટ ખાય.
જવાબ : દ્રાક્ષ
(212) ઉંદર મારો છે શિકાર,
વાઘ તણી છું માસી,
કૂતરો મારો છે દુશ્મન,
જોઇ જાઉ તેને, તો જાઉં નાસી.
જવાબ : બિલાડી
(213) પરોઢિયે એ તો બોલે છે,
સર્વેની નિદ્રા ભગાડે ભાઇ,
માથે એને કલગી સુંદર,
કૂકડે કૂક એ બોલતો ભાઇ.
જવાબ : કૂકડો
(214) ટહુકતી એ આંબા ડાળે,
બચ્ચાં ઉછેરતી કાગના માળે,
કાળા રંગે બહું કામણગારી,
મીઠાં ગીત ગાતી અલગારી.
જવાબ : કોયલ
(215) મારી ગલીનો હું રાજા છું,
મારા માલિકને વફાદાર છું,
ઉપકાર એમના પૂરા કરવા,
આખી રાત હું જાગું છું.
જવાબ : કૂતરો
(216) મારા પેટમાં એવી લાળ,
નીકળે એમાંથી લાંબા તાર,
એની બનાવું એવી જાળ,
મચ્છર, માખી ને ફૂંદી ફસાય.
જવાબ : કરોળિયો
(217) ઘરની દીવાલોમાં રહું છું,
લાઇટ દેખાય ત્યાં દોડી જાઉં છું,
લાઇટ કેરા અજવાળે આવતાં,
જીવડાંઓ હું ખાઉં છું.
જવાબ : ગરોળી
(218) લીલાં રંગે જન્મ લીધો,
લાલ થયું ને વૃધ્ધ કીધો,
મોંમાં મૂકો પાણી બકો,
છતાં મારા વગર રહી ન શકો.
જવાબ : મરચું
(219) કાળો છે પણ ચોટલો નહીં,
લાંબો છે પણ લાકડી નહીં,
વગર પગે દોડી જાય,
જોઇ માણસ ડરી જાય.
જવાબ : સાપ
(220) કઠણ ને પથરાળો છે,
ગોળ ગોળ પીઠવાળો ભાઇ,
શરીર આખુંયે સંકોચે છે,
પાણીમાં રહેનારો ભાઇ.
જવાબ : કાચબો
(221) લાંબું હોય ને ગોળ પણ હોય,
કાળું હોય ને લીલું પણ હોય,
ભડથું કે શાક બનાવી ખવાય,
બોલો એને શું કહેવાય?
જવાબ : રીંગણ
(222) ડોક વાંકી ને રાતી ચાંચ,
એક પગે ઊભો ધરે ધ્યાન,
રંગ ભલેને હોય ધોળો,
કરતો એ કાળાં કામ.
જવાબ : બગલો
(223) ઝીણું ઝીણું જંતુ એ,
દરમાં રેતી સાથે રહેતું ભાઇ,
દાણા નાના લઇને એ તો,
બાળ બચ્ચાં સાથે ખાતું ભાઇ.
જવાબ : કીડી
(224) મૂછો જેની વાંકી છે,
વાંકી પૂંછડીવાળો ભાઇ,
ડંખે એ તો ઝેરીલો છે,
દબાય તો ડંખ મારતો ભાઇ.
જવાબ : વીંછી
(225) કાળોતરો ને વળી લાંબો છે,
શત્રુ દેખી ફૂંફાડો મારતો,
દૂધ એ પીનારો છે,
ઊંચી ફેણવાળો ભાઇ
જવાબ : નાગ
(226) ચોરની જે દાસી,
જ્યાં નાખે ત્યાં ચોટતી ભાઇ,
છે જંગલની રહેવાસી,
લાંબી જીભવાળી ભાઇ.
જવાબ : ચંદન ઘો
(227) બહુરંગી એ તો છે,
ફરરર ઉડતું એ તો ભાઇ,
ખીલેલું ફૂલ ચૂસે છે,
કળીએ કળીએ ઘૂમતું ભાઇ.
જવાબ : પતંગિયું
(228) નાચ સુંદર નાચતી,
પીછાંનો પંખો બનાવતી;
પંખાથી એ સુંદર લાગે,
નાચ નાચતી ઝટ ભાગે.
જવાબ : નાચણ
(229) પાણી એનું ઘર ગણાય,
તાવનું જે મૂળ છે ભાઇ,
નાના મોંથી ડંખ મારે,
લોહી એ તો ચૂસતો ભાઇ.
જવાબ : મચ્છર
(230) પાણીમાં રહેનારો છું,
લાંબી પૂંછવાળો ભાઇ,
કિનારે પડી રહેનારો છું,
રાક્ષસી દાંતવાળો ભાઇ.
જવાબ : મગર
(231) ગુન ગુન એ તો કરતો,
કાળોને વળી નાનો ભાઇ,
હર ફૂલો મહી ગુંજતો,
ભારે એ ડંખીલો ભાઇ.
જવાબ : ભમરો
(232) ડાળ કોતરે થડ કોતરે,
પતરંગો એમાં ઘર કરે;
ઘરમાં પ્રવેશતો શાનથી,
ખુશી થાય એની કમાલથી.
જવાબ : લક્કડખોદ
(233) હું તો બેઠી આંબા ડાળ,
કૂંઉ કૂંઉ કરું આખો દિવસ;
કાળો કાળો મારો છે રંગ,
સહુને સાંભળવો ગમે મારો કંઠ.
જવાબ : કોયલ
(234) તરતું હું સરરર તળાવે,
માછલી મને બહું જ ભાવે;
ન ચૂકું હું માછલી પકડવાની તક,
ઓળખો મને ઝટ ઝટ ઝટ
જવાબ : બતક
(235) ઇનામ છે અમને કુદરતનું,
શાંતિદૂત નામ લેવાય અમ જાતનું;
પહેલાં અમે સંદેશાવાહક કહેવાતાં,
શું નામે અમે ઓળખાતાં?
જવાબ : કબૂતર
(236) લાગે માળો મુજનો સુંદર,
જાણે બનાવ્યું લટકતું દર;
વખાણે સૌ મુજની કારીગરી,
ઓળખો મને ઝટ ઝટ ઝટ.
જવાબ : સુગરી
(237) મરચાં મને બહું ભાવે,
લોકો મને પાળવા ઘેર લાવે;
સાંભળેલ શબ્દો બોલુ ઝટ,
નામ તમે મારું વરતો ઝટ.
જવાબ : પોપટ
(238) કાળો કાળો છે મારો રંગ,
ગંદવાડનો ગમે મને સંગ;
કા.. કા.. હું તો બોલુ ભાઇ,
હું કરું પર્યાવરણની સફાઇ.
જવાબ : કાગડો
(239) તા થૈ.... તા થૈ.... અમે નાચીએ,
વર્ષાને આભેથી બોલાવીએ;
પીંછાં સુંદર ફેલાવી કરીએ કલા,
અમને તો જોતા રહે ભલભલા.
જવાબ : મોર
(240) ચાંચમાં ચણ રાખી,
મોં માં ચણ નાખી;
એ તો રાજી થાતી,
ચીં ચીં ગાણું ગાતી.
જવાબ : ચકલી
(241) સોના રુપાના દાગીના,
ઘડવાનું કામ કરે;
મોં માગ્યા દામ માગે,
એનું નામ શું કહેવાય?
જવાબ : સોની
(242) તાપ - ટાઢ - પાણી સામે,
રક્ષણ કરવાનું કામ,
બુટ ચંપલ બનાવે જે,
કહી દો એનું નામ.
જવાબ : મોચી
(243) ઈંટો ઉપર ઈંટો ગોઠવી,
કરે ચણતરનું કામ,
ઓળંબાથી માપ લે,
તો કહો એનું નામ.
જવાબ : કડિયો
(244) દાદાજીની દાઢી કરવા,
પેટી લઇ ઘેર આવે:
નાનો બાબો જોયા કરતો,
સાબુ કેમ લગાવે?
જવાબ : વાળંદ
(245) ધરતી - સીમ - શેઢા ખૂંદી,
કરે ખેતીનું કામ,
જગતનો એ તાત સાચો,
તો ઝટપટ એનું નામ આપો.
જવાબ : ખેડૂત
(246) લોઢું ટીપી ઘાટ ઉતારે,
ધણ મારવાનું કામ,
ઓજારો અવનવાં બનાવે,
તો બોલો એનું નામ.
જવાબ : લુહાર
(247) કાતર લઈને કટ કટ કાપે,
સિલાઈનું કરે કામ,
નાના-મોટા સહુને માપે,
તો બોલો એ કોણ કહેવાય?
જવાબ : દરજી
(248) નાની એવી લાકડીથી,
ચાકડો ફેરવતો જાય;
કુંડા, કુંડી, મટકા સાથે,
દોણા-દોણી બનાવતો જાય.
જવાબ : કુંભાર
(249) અડધું ફળ ને અડધું ફૂલ,
જોવા મળું ના બાગમાં,
રંગે કાળું પણ મધ મીઠું
તો ઝટપટ કહો હું કોણ..?
જવાબ : ગુલાબ જાંબુ
(250) એવું શું છે જે આદમી પોતાની
પત્ની અને સાળીની જોઈ શકે
પણ પોતાની સાસુની જોઈ શકતો નથી.
જવાબ : લગ્ન, સગાઈ