ગુજરાતી બાળવાર્તા । 5. અક્કલ વગરની નકલ
રામપુર નામનું એક ગામ હતું. તેમાં એક ખેડૂત રહેતો હતો. એની પાસે એક ગધેડો અને એક કૂતરો પાળેલો હતો. હવે ગધેડાને એક વાતની ચિંતા હતી કે પોતે વધારે કામ કરતો હોવા છતાં બધા લોકો કૂતરાને જ વધારે પ્રેમ કરે છે.
એકવાર ખેડૂત ઘરે આવ્યો ત્યારે કૂતરો મોઢેથી ભસવા લાગ્યો ને પૂંછડી પટાવવા લાગ્યો. એટલે ખેડૂતે કૂતરાને પ્રેમથી હાથ ફેરવ્યો અને પોતાનો પ્રેમ બતાવ્યો. આ જોઈને ગધેડાને પણ વિચાર આવ્યો કે, હું પણ માલિકનો પ્રેમ મેળવવા આવું જ કરીશ.
બીજા દિવસે જ્યારે ખેડૂત ઘરે આવ્યો તો ગધેડો દોડતો દોડતો હોંચી હોંચી બોલતો માલિકની આગળ આવી પૂંછડી હલાવવા લાગ્યો. આ જોઈને ખેડૂત ડરી ગયો અને બૂમાબૂમ કરવા લાગ્યો. અને ગધેડાને ડંડો મારીને દૂર ભગાડી મૂક્યો. આ બનાવ બન્યા બાદ ગધેડાને ભાન થયું કે ક્યારેય કોઈની નકલ ના કરવી જોઈએ.