ગુજરાતી બાળગીત ભાગ 2 : અલક મલક ગીત, તહેવાર ગીત, પરિવાર ગીત. શાકભાજી ગીત, માનવ જીવન-વ્યવહાર ગીત, દેશ ભક્તિ ગીત
બાળગીત : અલક મલક ગીત
(1) અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર
અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર
તને ચકલી બનાવી દઉં,
તને કાગડો બનાવી દ ઉં
જુઓ આ ટોપલી ખાલી
તેમાં પરી રહે છે મતવાલી
મારી ટોપલીમાં જાદુ તેમાં પરીને બેસાડું
તેનું સસલું બનાવી દઉં
જુઓ આ ગંજીપાની રમત
રમતમાં છે મોટી ગમ્મત
પહેલા રાણી આવે છે.
પછી રાજા આવે છે.
તેનો ગુલ્લો બનાવી દઉં
અંતર મંતર જંતર હું......
જુઓ આ છે એક નાનો ઠીંગુ
તેનું નામ પાડયું છે મેં ટીનુ
ટીનુ ખૂબ દોડે છે, મોટા ઝાડ પાડે છે
તેને લંબુ બનાવી દઉં
અંતર મંતર જંતર હું......
(2) હો પેલા ઝગમગતા તારલાની જોડી
હો પેલા ઝગમગતા તારલાની જોડી
આકાશે કોણે ચોડી
ઓ બા મને કહેજે ને વાત એની થોડી
પંચરંગી ફૂલ પેલા કોણે તે રંગ્યાં
છૂપીછૂપી વાત શું કરતા પતંગિયાં
ઓ પેલા ભમરા કયાં જાય દોડી દોડી
ઓ પ્રીત કેવી રૂડી, ઓ બા મને...
કાળી કાળી વાદળી કયાં જાતી સોહામણી
આકાશે ઉડતી શું મ્હાલતી મેરામણી
ઓ પેલી વરસાદની ધાર કોણે છોડી
ને વીજ કોણે તોડી, ઓ બા મને કહેજે...
ઘૂઘવતા સાગરમાં નીર કયાંથી આવ્યાં
મોટા મગર મચ્છ ઉરમાં સમાવ્યા
ઓ પેલી નદીઓ કયાં જાય દોડી દોડી
પર્વતને તરછોડી, ઓ બા મને કહેજે...
લીલા છમ વૃક્ષોને ઊંચા ઊંચા ડુંગરા
વન ઉપવનને વળી પર્વતના કોતરો
ઓ પેલા પંખી કયાં જાય ઊંડી ઊડી
કુદરત છે કેવી રૂડી, ઓ બા મને કહેજે.
(3) ટમટમતા તારલા, પોઢી જા દુલારા
ટમટમતા તારલા, પોઢી જા દુલારા
વાયુ ફરફર વાયો ,ભાઇલો મારો ડાહ્યો
ઝુલો સૌ ઝુલાવે, નીંદરડી આવે
વ્હાલ કરું પ્યારા, પોઢી જા દુલારા
ટમટમતા...
પક્ષીઓની રાણી આવે છાનીમાની
વાતો કહેશે મઝાની, ચાંદા મામાની
જીવો જુગ જુગ વીરા, પોઢી જા દુલારા
ટમટમતા...
(4) પંડિત ચાલ્યા જાય છે
પંડિત ચાલ્યા જાય છે. (૨)
પગમાં જૂના જોડાં પહેરી... પંડિત ચાલ્યા જાય છે (૨)
મૂળા જેવડી મૂછ એની
ગાગર જેવડી ફાંદ છે.
આંખો ઉપર ચશ્મા ચડાવી
પંડિત ચાલ્યા જાય છે.
આંબા ઉપર કેરી દેખી
પંડિત લેવા જાય છે.
તડાક કરતી કેરી તૂટી
ટાલમાં ભટકાય છે.
આકાશ ઉપર વિમાન દેખી
પંડિત જોવા જાય છે.
આડું અવળું જોતાં જોતાં
ગધેડે ભટકાય છે.
ગાગર જેવડી ફાંદ છે ને
સૂપડા જેવા કાન છે.
ઠુમક-ઠૈયા કરતાં કરતાં
પંડિત ચાલ્યા જાય છે
ખિસ્સામાંથી ડબ્બી કાઢી
છીંકણી સૂંધવા જાય છે
ગટર જેવડા નાકમાં
સડાકા લેતા જાય છે
પંડિત ચાલ્યા જાય છે.
(5) ચાંદા મામા, ચાંદા મામા
ચાંદા મામા... ચાંદા મામા,
મારી સાથે રમવા આવશો કે નહિ (૨)
ચીન્ટુ રાજી થશે, બંટી ખુશ થાશે
નાની બેન તો નાચશે રે ભાઇ (૨)
તારલાને લાવજો, વાદળાને લાવજો
પરીઓને સાથે લાવશો કે નહિ (૨)
ચાંદા મામા...
સંતાકૂકડી ખેલશું, સાતતાળી રમશું
આભમાં છૂપાઇ તમે જોશો કે નહિ
ચાંદા મામા...
ખાવાને ખીર-પૂરી, ઘીમાં ઝબોળી
આપીશ તમને હું આપીશ તમને (૨)
ચાંદા મામા...
(6) તારા ધીમા ધીમા આવો
તારા ધીમા ધીમા આવો
તારા રમવાને સૌ આવો
તારા રૂપાગેડી લાવો
તારા...
તારા સંભાળીને આવો
તારા હસતાં હસતાં આવો
તારા મીઠું મીઠું ગાઓ
તારા...
તારા ડગમગ ડગમગ આવો
તારા ઝગમગ ઝગમગ આવો
સાથે ચાંદાને પણ લાવો
તારા...
તારા થાકો ત્યારે જાઓ
સાથે ચાંદા ને તેડાવો
તોયે હમણાં તો આવો
તારા...
તારા છાના માના આવો
તારા ધીમા ધીમા આવો
તારા...
(7) કાળાં કાળાં વાદળાં
કાળાં -કાળાં વાદળાં
ધોળાં-ધોળાં વાદળાં
ઊંચે પેલા આભલિયામાં
જાણે રૂનાં ગાદલાં
કાળાં - કાળાં...
ધડીક ચાલે હાથી જેવું
લાંબી સૂંઢ હલાવી કાળાં...
ધડીક ચાલે ઘોડા જેવું
દોડે દોડમ દોડ.. કાળાં...
વાદળ પાછળ વાદળ દોડે
જાણે લાંબી ગાડી
જો વાદળ અથડાઇ પડે તો
ઝરમર વરસે પાણી.
(8) દરબાર છે દરબાર
દરબાર છે દરબાર
આ રંગ તણો દરબાર (૨)
હું લાલ રંગનો રાજા
લીલો મારો સરદાર
પીળા પિતાંબર પહેરી સૌ પૂજા કરવા જાય
પીળી છે પાકેલ કેરી સૌ હોંશે હોંશે ખાય
દરબાર છે...
કેસરિયો સૈનિક મારો લડવામાં બહાદુર
પોપટીયું મીઠું બોલે મધુરો એનો સૂર
દરબાર છે...
બદામી બતક બોલે તે બડબડ ગીત ગાય
આખી દુનિયાને માથે વાદળીયો રંગ છવાઇ
દરબાર છે...
ભૂરો ભણવામાં હોશિયાર ને ભારે હિંમતવાન
જાંબુડીયો ઝટપટ બોલે જુસ્સાવાળો જવાન
દરબાર છે...
(9) ટીક ટીક ટીક ટીક, ટણણણ....
ટીક ટીક ટીક ટીક, ટણણણ....
ઘડિયાળ બોલે ભાગ ભાગ ભાગ
વરસાદ બોલે છમ છમ છમ
ઉતાવળ કરમા ચાવીને જમ
ટીક... ટીક...
ભમરો બોલે ભમ ભમ ભમ
મોટરાને માન દે મોટા ને નમ
ટીક... ટીક...
ગાડી બોલે છૂક છૂક છૂક
મોટો થયો હવે તોફાન મૂક
ટીક... ટીક...
ઘડિયાળ બોલે...
ટકોરી બોલે ટણણણ
પૈસો બોલે ખણણણ
ટીક... ટીક...
ઘડિયાળ બોલે...
(10) અમે મોટરમાં ફરવા ગ્યાતાં
અમે મોટરમાં ફરવા ગ્યાતાં(૨)
મોટર બોલે પોમ પોમ પોમ
અમે…
અમે ઉજાણી કરવાં ગ્યાતાં(૨)
મોટર બોલે પોમ પોમ પોમ
અમે…
અમે દહીને ઢેબરા ખાધાં
અમે જલેબી ગાંઠિયા ખાધાં
અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં
અમે ઊંચેથી ઠેકડા માર્યા
મોટર.. બોલે...
અમે શંખલ છીપલાં વિણ્યાં
અમે રેતીમાં બંગલા બનાવ્યા
અમે પાણીમાં છલબલિયાં કીધાં.
મોટર.. બોલે...
અમે સાંજ પડેને ઘેર આવ્યાં
રસ્તામાં છોકરા સામા મળ્યા
અલ્યા છોકરાઓ જરા આઘા ખસો
ચગદાઓ તો માર્યા જશો.
મોટર..બોલે...
(11) હા રે ઓલ્યા છોકરા રે
હારે ઓલ્યા છોકરા રે,
આવ્યો મદારી પોળમાં
મોરલી મદારીની ઘેરી ઘેરી વાગે
સાંભળીને બાળ સૌ ડોલવા લાગે
જાદુ ભર્યા છે એના બોલમાં રે
આવ્યો મદારી...
નાથિયો વાંદરો નોકરીએ ચાલ્યો
લાકડીનો છેડો એણે હાથમાં રે ઝાલ્યો
નોકરીએ બેઠો છે રોફમાં રે
આવ્યો મદારી...
હારે અલ્યા છોકરા રે
રતન વાંદરીએ રૂસણું રે લીધું
ખાવા પીવાનું એણે છોડી રે દીધું
તાળી પાડો સૌ સાથમાં રે
આવ્યો મદારી...
(12) બા મને લાવી દે આભનો ચાંદલો
બા મને લાવી દે આભનો ચાંદલો
હાંરે એમ રોતો તો નાનો બાબલો
બાબલાને લઇને બા આમ તેમ ફરતી
લાવું શી રીતે ચાંદ એમ એ વિચારતી
હાંરે ત્યાં તો બાબલો થતો ઉતાવળો
બા..
થાળ ભરીને બાએ પાણીનો મૂકયો
પકડીને ચાંદલાને એમાંજ પૂર્યો
હાંરે ત્યાં તો હસ્યો તો નાનો બાબલો
બા...
વાટકો ભરીને દૂધ બાબલાને પાયું
વાટકી ધરીને દૂધ ચાંદલાને પાયું
ત્યાં તો સૂઇ ગયો નાનો બાબલો.
બા...
(13) ગોળડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ
ગોળુડો ઘાટ ભાઈ ગોળુડો ઘાટ
સૂરજને ચાંદાનો ડુંગળીના કાંદાનો
શેઠિયાના ફાંદાનો ગોળુડો ઘાટ
પૂરી બટાટા દુધી ટમેટાનો
મોરલીના ફેટાનો ગોળુડો ઘાટ
ટેબલના ખડિયાનો પતરાળી પડિયાનો
દુબળાના હડિયાનો ગોળુડો ઘાટ
ઘંટીના હાથાનો માણસના માથાનો
બ્રાહ્મણના ભાતાનો ગોળુડો ઘાટ
બોરના ઠળિયાનો ઢોલકાના તળિયાનો
ઘાંચીના ફળિયાનો ગોળુંડો ઘાટ
પેન્સિલને પેનોનો મણિધરની ફેણોનો
બીલીને બીલાનો ખીલીને ખીલાનો
સાધુના ટીલાનો ગોળુંડો ઘાટ
દાણાને માણાનો બળબળતા છાણાનો
વાટણિયા પાણાનો ગોળુડો ઘાટ
લક્ષ્મીના પૈસાનો મોટરના પૈડાનો
જમવાની થાળીનો ગોળુડો ઘાટ
(14) એકો દૂડી તીડી ને ચોકો પંજો છક્કો
એકો દૂડી તીડી ને ચોકો પંજો છક્કો
આવ્યો જાદુગર હું તો જાદુમાં છું પાક્કો
એકો દૂડી...
આ મેવાડી માકડું મરધા જેવું બોલે
કલકતાની કુકડી કોયલ જેવું બોલે
અંતર મંતર બોલું ત્યાં તો કૂકડી ઊડી જાય
જુઓ પેલા આભલામાં કેવી હીંચકા ખાય..હે
એકો દૂડી...
પોપટમાંથી પરી બનાવુ મોટી પાંખ વાળી
આ પંજાબી જાદુ જુઓ છોકરા પાડો તાળી
અંતર મંતર બોલે ત્યાં તો પરી ઊડી જાય
જુઓ પેલા આભલામાં કેવી હીંચકા ખાય..હે
એકો દૂડી...
સસલામાંથી સાપ બનાવું મોટી ફેણવાળો
ડમ-ડમ વાગે ડમરૂ ને નાચે રીંછ કાળો
અંતર મંતર બોલું ત્યાંતો અજગર આવી જાય
પપ્પાજીની પાધડીમાં તેતર બની જાય..હે
એકો દૂડી...
પીંજરામાં છે બતક એનું બુલબુલ બનાવી દઉ
ઇંડું આપે સોનાનું તો તમને આપી દઉ
અંતર મંતર બોલું ત્યાંતો બતક ઊડી જાય
બતક માંથી બાજ બને છે કેવો જાદુ થાય..હે
એકો દૂડી...
નાની છે આ ટોપલીને તેમા જાદુ થાય
વાગે મીઠી મોરલીને લાડુ આવી જાય
અંતર મંતર બોલું ત્યાં તો લાડુ ઊડી જાય
કાર્તિકભાઇની પાધડીમાં પોપટ બની જાય..હે
એકો દૂડી...
(15) આકાશી ચોકથીને રમવાના શોખથી
આકાશી ચોકથીને રમવાના શોખથી
મોઢું મલકાવજે ચાંદલિયા આવજે
રૂપેરી તારલાને હીરાના હારલા
કંઠે લટકાવજે ચાંદલિયા આવજે
ઝીણા ઝણકારથી તારાના હારથી
ઝબકારા મારજે તારલિયા આવજે
રૂપા વરણી રાતમાં તારા સંગાથમાં
રાસે રમાડજે ચાંદલિયા આવજે.
(16) ઓ... ચાંદલિયા હસી હસી
ઓ...ચાંદલિયા હસી હસી ભેટવા આવે
તારા અજવાળિયા
અજવાળાં આવ્યાને અંધારા ઓસર્યાં
રસિયાએ રસિયાને રમવાને નોતર્યા
એ...પોતે હસીને હસાવે...
તારા અજવાળિયા
કોઇને અકળાવતી અજવાળી રાતડી
કોરે આ કાળજાની કોર
પ્રેમીને શોધે છે પ્રેમીની આંખડી
ટહુકે છે મનડાનો મોર
આત્માની જયોતિ જગાવે..
તારા અજવાળિયા
(17) છુપાતા ચાંદામામા
આવરે આવરે આવરે
વાદળમાં છૂપાતા ચાંદામામા આવ રે
રાત પડેને આવે વાદળના દેશમાં
ગોરા ગોરા લાગે કેવા રૂપાળા વેશમાં
રેલાવે રેલાવે રેલાવે રે
દૂધ જેવું અજવાળું આભેથી રે લાવે
આવે રે...
રૂપલો મજાની ચાંદનીનો ટૂકડો
મને તો એ બહુ ગમે આવે જો ટૂંકડો
લાવે રે લાવે રે લાવે રે
ટમટમતા તારલાની ટોળીઓને લાવે
આવે રે...
(18) લાડુ ભટ્ટ
લાડુ ભટ્ટ લાડુ ભટ્ટ, લાડુ કરી ગયા છે ચટ
લાડુ ખાય એતો બોલે મારો દુનિયામાં છે વટ
એક નહીં બે નહીં ખાય પૂરા પચ્ચીસ
લાડુ ઓછા પડે તોયે કરે મોટી રીસ
ઊભા થઇને પાણી પીવે ઘટ ઘટ ઘટ
લાડુ ખાય એતો....
રોજ સવારે વહેલા ઊઠી નદીએ નાહવા જાય.
લડુ લાડુ બોલી એતો ધબાક ધૂબકા ખાય.
પહેરે નાની પોતડીને ચાલે ઝટ ઝટ ઝટ
લાડુ ખાય એતો....
આખો દિવસ ચોરે બેસી સૌને પાણી પાય
ભૂવાને ભરાડી એને જોઇ ભાગી જાય.
નાના મોટા બોલે આતો ભીમભાઇ ભટ્ટ ભટ્ટ
લાડુ ખાય એતો....
(19) ચાંદામામા અજવાળા લાવે
ચાંદામામા આવેને અજવાળાં લાવે
ફૂલ સરીખા ધોળા ધોળા કેવા લાગે ભોળા
બાબા બેબીને હસાવે એવા ચાંદામાંમાં
ચાંદામામા…
દુનિયા દોડી દોડી ફરતા વાદળમાં એ ફરતા
દરિયાને ડોલાવે એવા ચાંદામામા આવે
પોષી પૂનમ આવે ત્યારે બેનીને હરખાવે
ચાંદામામાં….
બાળગીત : તહેવાર ગીત
(1) આવ્યા દિવાળીના દિન
આવ્યા આવ્યા દિવાળીના દિન
કે નાચે મારું દિલડિયું
બારસ આવીને બાવા રે પાડયા
વાળી -જૂડી ઉજાળ્યા ઘર બાર કે...
ધનતેરસ આવીને કાજળ કાઢયું
કાળાં કાળાં આંજણિયાં અંજાય કે..
દિવાળી આવીને દીપ માળા લાવી
ઘેર ઘેર લક્ષ્મી પૂજન થાય કે...
નવલાં વરસ નવલી પ્રભાતે
હળી મળી આનંદ મંગલ થાય કે...
ભાઇ બીજ આવીને ભાઇને જમાડયા
બેનીબાનો હરખ ન માય કે...
(2) ભાઈ આવી દિવાળી
આવી દિવાળી ભાઇ આવી દિવાળી
દિવાઓએ ભેગા થઇ રાત અજવાળી
ફરવા જવા વેકેશન લાવી દિવાળી
ખુશીથી દઇએ એકબીજાને તાળી
પરસ્પર વહેંચીએ પ્રેમ મીઠાઇ
ખુશીઓના રંગીન તહેવાર દિવાળી
પ્રદૂષણ મુકત વાતાવરણનું સ્વપ્ન
સાકાર કરીએ દારૂખાનું નહીં બાળીએ
(3) દિવાળી આવી
દિવાળી આવી દિવાળી આવી
શું શું લાવી? શું શું લાવી
ઘણા બધા દીવા લાવી
સરસ મજાની મીઠાઇ લાવી
દિવાળી....
નવાં નવાં કપડાં લાવી
જાત જાતનાં ફટાકડા લાવી
ફૂટે ફટાકડા ફટ..ફટ..ફટ
દિવાળી....
(4) આવી ભાઈબીજ
આવી ભાઇબીજ આવી.....
વાદળી જાજો વીરાને દેશ, બેની બોલાવે બારણે
આટલો દેજે એને સંદેશ, બેની બોલાવે બારણે
બેનડી બારણે એકવાર આવજે
આવી એનાં હૈયાં હરખાવજે
ભાઇ તારાથી હોય શું વિશેષ બેની બોલાવે....
બાંધીને રાખડી લેશું ઓવારણાં
આશિષ આપીને દેશું વધામણાં
હોય સાથી તું એનો હંમેશ બેની બોલાવે....
(5) મેળામાં જાય
બાબા બેબી સૌ મેળામાં જાય
ગામને ગોંદરે મેળો ભરાય
નવાં નવાં કપડાંની પહેરીને જોડ
મેળામાં ઉપડે દોડમ દોડ
ખીસા ભરીને ખાવાનું ખાય
બાબા...ગામને......
ખંભે બેસીને જોયા કરે
મોટાની આંગળીએ વળગી ફરે
ભૂલા પડી કોઈ રોતા જણાય
બાબા...ગામને......
મેળામાં એને ગમે ચકડોળ
બેસીને ફરતા ગોળ મટોળ
બાબા...ગામને......
(6) ઊડે પતંગ
ઊડે પતંગ રંગદાર આભમાં
ઊડે પતંગ રંગદાર ગગનમાં
ઊડે...
લાલિયોને ધોળિયો, પીળિયોને ભૂરિયો
લોટતોને દોર લેતો જાય ગગનમાં
ઊડે...
ચાંદા ને ચોકડીનો જામ્યો છે પેચ અલ્યા
ચાંદો ગયો ભરદોર ગગનમાં
ઊડે...
જોને મગનભાઇ, જોને છગનભાઇ
હાથમાંથી ચાલ્યો ન જાય ગગનમાં
દોરીની જોલ પડી લૂંટજો રે લૂંટજો
જોજો ન આંગળાં કપાય હાથનાં
ઊડે...
(7) મારો ચગેરે પતંગ
મારો ચગેરે પતંગ કેવો સર..સર..સર..
કેવો સર..સર..સર.. કેવો સર..સર..સર..
વાયો આકાશી વાયરો કેવો ફર..ફર..ફર.
કેવો ફર..ફર..ફર.. કેવો ફર.. ફર..ફર...
મારો ચગેરે...
બાએ બનાવી છે તાજી તલ સાંકળી
તડકે રંગાઈ છે અગાશી કેવી ફાકડી
ટાઢ ધ્રૂજે કેવી આઘે ઊભી થર..થર..થર..
મારો ચગેરે...
બાળગીત : પરિવાર ગીત
(1) કેવી મજાની દેખાય બહેન મારી
કેવી મજાની દેખાય બહેન મારી કેવી મજાની
માથું ઓળાવતી
ફૂમતું નંખાવતી
મુખ લુછાવે બેની પાસે....બહેન મારી કેવી...
દૂધ - નિત્ય પીતી
મમ - મમ માંગતી
ક્કડા બિસ્કિટથી મનાય...બહેન મારી કેવી..
થૈ થૈ થાતી
ધબ પડી જાતી
તેડુ તો છાની રહી જાય....બહેન મારી કેવી...
ઉંદર દેખીને
તે બી જાતી
હાલા ગાઉતો સૂઇ જાય....બહેન મારી કેવી..
બાના ખોળામાં સંતાય....બહેન મારી કેવી...
(2) ચૂપ રે ચૂપ
ચૂપ રે ચૂપ ભાઇઓ બધા ચૂપ
બહેનો બધા ચૂપ આવ્યો હું
આજ બની મસ્તાનો રાજા
મસ્તાના ધોડા ઉપર મસ્તાનો રાજા
બાના સાડલાનો બાંધ્યો છે સાફો
બા દોડી આવ્યાં મને મારવા લાફો
એમ કેમ હું માર ખાઉં?
ચૂપ...રે...ચૂપ
(3) મારી નાનકડી બેન ટમ ટમ ટમકે એના નેણ
મારી નાનકડી બેન ટમ ટમ ટમકે એનાં નેણ
આંજી આંખલડીમાં મેશ, હાથમાં લઇને પાટી પેન
જાતી બાલમંદિરીયે મારી નાનકડી બેન..
એના કાળા ભમ્મર કેશ
એનો વરણાગિયો વેશ
હાથમાં લઇને પાટીપેન..જાતી...
હૈયે ભર્યું છે એને વ્હાલ, ચાલે ઠુમક ઠુમક ચાલ
ગરબે ઘૂમતી દેતી તાલ.....
જાતી...
(4) હે..દાદા હાલો
હે..દાદા હાલો હું..તૂ..તૂ..તૂ... રમીએ
ભાઇને બેન જઇ રમે અખાડે
હે દાદા તમે એમ કેમ રમો નહીં?
હે દાદા...
ભાઇને, બેનને દાંત ઝીણા ઝીણા
હે દાદા તમારે તમારે દાંત કેમ નહીં?
હે દાદા...
ભાઇને, બેનને વાળ કાળા- કાળા
હે દાદા તમારે ટાલ કેમ થઇ?
હે દાદા...
ભાઇને, બેનને પેટ નાનાં નાનાં
હે દાદા તમારે ફાંદ કેમ થઇ?
હે દાદા...
(5) બારીમાં બબલી બેઠી' તી
બારીમાં બબલી બેઠી’તી
ભાઈ બેઠી’તી..... (૨)
કેળાંને રોટલી ખાતી’ તી
ભાઇ ખાતી’તી
છાપરે વાંદરો બેઠો છે, ભાઇ બેઠો છે
કેળાંને રોટલી આંચકી ગયો
બબલી બેન તો રડવા લાગ્યા (૨)
વેલણ લીધું છૂટું ફેંકયું
થાળી લીધી છૂટી ફેંકી
વાટકો લીધો છૂટો ફેંકયો
વાંદરાભાઇ તો ગભરાઇ ગયા (૨)
કેળાંને રોટલી આપી દીધી (૨)
બબલી બેન તો રાજી રાજી થઇ ગયા
(6) દાદાની મૂછ
બડી લંબીરે મારા દાદાની મૂછ
દાદાની મૂછ જાણે મીંદડીની પૂંછ
ભૂરી ભૂરી રે મારા દાદાની મૂછ
દાદાજી પોઢયા તા રંગીલે ઢોલિયે
શાહીથી રંગી મેં તો દાદાની મૂછ
બડી….
બચુભાઇને પારણે રેશમી દોરી છે
દોરીએ ગૂંથી મેં તો દાદાની મૂછ
બડી….
અંધારે એકલો હું ચોકલેટ શોધતો
ધીમેથી તાણી મેં તો દાદાની મૂછ
બડી...
કાતર લઇને હું તો કાગળિયા કાપતો
કટ કટ કાપી મેં તો દાદાની મૂછ
બડી….
(7) મારી મમ્મીએ આજ મને મારી
મારી મમ્મીએ આજ મને મારી
મમ્મી સાથે નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે.
કપડાં ધોવાની પાણી ભરેલી ડોલ
અમથી અમથી ઢોળી નાખી..
મને ધોકે ધોકે ધોઇ નાખી.
મમ્મી સાથે....
મમ્મીની નકામી સાડી ફાડીને મેં તો
ઢીંગલીનાં પોતિયા કીધાં
મને તમાચા ચાર ચોડી દીધા
મમ્મી સાથે....
પપ્પા સંગાથે જવું બજારે
એવી રે હઠ મેં કીધી
મને બાથરૂમમાં પૂરી દીધી
મમ્મી સાથે....
રોઈ-રોઇને મારી થાકી આંખલડી
ઘરના ખૂણે જઇ ઊંધી
મને ખોળામાં લઇને ઢબૂરી..(૨)
મમ્મી સાથે....
(8) નાનકડી બેન
નાનકડી બેન મારી નાનકડી બેન
મીઠું મીઠું બોલતી એ નાનકડી બેન
હો.. હો.પા પા પગલી પાડે હા.. હા.. હા..
વિના કારણ હસીને એ સૌને હસાવે
હો.. હો. ધૂધરો ધૂમાવતી આવી હા.હા.હા...
ખોટું ખોટું લખતી એ લઇ પાટી-પેન
નાનકડી...
હો..હો..ઢીંગલો રમાડતી આવી હા.. હા.. હા..
બાબાનું ખમીસ પકડી રમતી ટ્રેન ટ્રેન
હો.. હો..રૂમઝૂમ કરતી આવી હા.. હા.. હા...
નાનકડા વાળ એની વેણી ગૂંથાવે
નાનકડી બેન મારી નાનકડી બેન...
(9) ઓરા આવોને અહીં
તમે ઓરા આવોને અહીં
તમારા કાનમાં કેવું કંઇક
બીજા કોઇ સાંભળીજાય નહિ
વાત મારી કોઇને કહેશો નહિ.
મુંબઇથી મારે ઘેર મહેમાનો આવ્યા.
સરસ મજાનાં રમકડાં લાવ્યા.
હું તો રાજી રાજી થઇ ગઇ કે
વાત મારી કોઇને કહેશો નહિ
તમે ઓરા....
ભોજનમાં ભજિયાને ચૂરમાના લાડવા
તીખા તીખા દાળભાત તીખાતીખા અથાણાં
મેં તો લગીર ચાખ્યું નહિ કે.
વાત મારી કોઇને કહેશો નહિ
તમે ઓરા....
ધોડાગાડીમાં અમે ફરવાને ગ્યા’તા
રેસકોર્ષ આજી-ડેમ જોવાને ગ્યા’તા
તમને ખબર છે કે નહી કે
મને બહુ મજા પડીગઇ....
વાત મારી..
(10) દોડતો જાય, દોડતો જાય
દોડતો જાય, દોડતો જાય
નાનકડો બાબલો દોડતો જાય
ગોરા ગોરા ગાલ છે, વાંકડિયા વાળ છે.
ખંજરી વગાડતો દોડતો જાય.
નાનકડો બાબલો દોડતો જાય
દોડતો જાય.
મમ્મી સાથે બોલતો, પપ્પા સાથે બોલતો
બેનીની સાથે હસતો જાય.
નાનકડો બાબલો દોડતો જાય
દોડતો જાય.
એન ઘેન રમતો, સંતાકૂકડી રમતો.
છાનો માનો સંતાય જાય.
નાનકડો બાબલો દોડતો જાય
દોડતો જાય.
(11) ઢીંગલા જેવો બાબલો ઢીંગલા જેવો
ઢીંગલા જેવો બાબલો ઢીંગલા જેવો(૨)
નાના નાના હોઠ રૂપાળા
આંખોનાં ડોળા કાળા
હાથ નાના નાના પગ
માંડે ધીરે ધીરે ડગ
ઢીંગલા...
દૂધ પીએ કંઇ ન ખાય
સામું જોઇ હસતો જાય
મોઢું એનું ગોળ મટોળ
કરે ઘરમાં દોડમદોડ.
ઢીંગલા...
(12) નાનો નાનો ભાઈ મારો નાનો નાનો ભાઈ
નાનો નાનો ભાઇ મારો નાનો નાનો ભાઇ
રોજ રોજ માગે એતો થેપલું ને દહીં
પપ્પાનો ટોપો પહેરી સાહેબ થઈને ફરતો
સામા મળે કૂતરાતો હાઊ હાઊ કરતો
નાનો..નાનો...
અમાસની રાતે એતો સોસાયટીમાં ફરતો
સામા મળે ચોર તોએ ઢીસૂમ ઢીસૂમ કરતો
નાનો..નાનો...
હસતો રમતો સૌને એતો ગમતો
દાદા અને દાદી સાથે રોજ વાતો કરતો.
નાનો..નાનો...
(13) એક દિવસ બાપુએ પૂછ્યું
એક દિવસ બાપુએ પૂછ્યું.
બાબા તુજને વ્હાલું કોણ?
હું વહાલો કે તારી બા? આલે પૈસા આપું?
રોજ સવારે મોડા જાગે
કડક મીઠી ચા બીડી માંગે
એ બાપુ વાલા શાના લાગે
વ્હાલી તો લાગે બસ બા!
વ્યસન એને એક પણ નાં.
(14) હું તો બેનીની પાટી લઈને
હુંતો બેનીની પાટી લઇને
કે લખવા બેઠીતી
બેન દોડતી દોડતી આવીને
પાટી લઇ લીધી
હું તો ભાઇની ચોપડી લઇને
કે વાંચવા બેઠીતી
ભાઇ દોડતો દોડતો આવ્યો
ચોપડી લઇ લીધી
હું તો વાટકી હાથમાં લઇને
કે માંજવા બેઠી તી
બા દોડતી દોડતી આવીને
વાટકી લઈ લીધી
હું તો પાટલી વેલણ લઇને
કે પુરી વણતી તી
બા દોડતી દોડતી આવી
પાટલી લઇ લીધી
મેં તો વેલણ ફેંકી દીધું
ને રોવા લાગી ગઇ
ને રડતાં રડતાં હું તો
રસોડામાં ઊંધી ગઇ
(15) મમ્મીની બક્કી
પપ્પાની દાઢી
વગડાની ઝાડી
ઝાડીને ઝાંખરાં લાગે છે.
પપ્પાની દાઢી લાગે છે.
મમ્મીની બક્કી
એવી તો બક્કી
મને જક્કીને લોટરી લાગે છે.
પણ,
પપ્પાની દાઢી વાગે છે.
(16) મા મને ગોદડી
મા મને ગોદડી ઓઢાડ,
ઠંડીની એવી શી બીક કે-
ખડકયો તે માથે પહાડ.
ઠંડી છે રાત, એમાં તારી છે હૂંફ
પછી શરદીની બીક રહે શાની?
આખા શરીરે તું બામ મને ચોળતી
ને શેક કરતી મનમાની.
કાન ટોપી, જરશીનું જંગલ ઓઢાડયું કે
પાડું છું હું રાડે... રાડ....
ટોમી ગલુડિયાને ઠંડી ન લાગતી,
તે રમતું રહે છે બહાર,
ગાય - ભેંસ, પંખી કશુ ના ઓઢે
શું એમને ન નડતો ઠાર?
દૂધનો વેલો ને ફૂલોના છોડ,
અરે, ઊભું છે આખુંય ઝાડ!
મા મને ગોદડી ઓઢાડ.
(17) મમ્મી પપ્પા
મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું.
મને મમ્મી ગમે ને વ્હાલા પપ્પાને કરું.
મમ્મી તો હસતી ને હસતી ફરે
ને મારા પપ્પાનું કાંઇ રે કહેવાય નહીં .
કદી વાતો કરે ને કદી મૂંગા રહે,
મળે છાપું તો ખોળો ખૂંદાય નહીં.
મમ્મીના વ્હાલમાં હું રોજ રે તરું.
મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું.
મમ્મીતો મારી સાથે પત્તા રમે
અને કૂકા રમે ને કૂદે દોરડાં
વાંચતા ને લખતા પપ્પાજી હોય
ત્યારે એમના બિહામણા ઓરડા
દોડી દોડીને બકી મમ્મીને ભરું
મને પપ્પા ગમે ને વ્હાલ મમ્મીને કરું.
(18) બા
બાને લાગે બાળક વહાલું
બોલે એ તો કાલુ કાલું,
હસતું જોઇ પોતાનું બાળ
પંપાળે દઇ ચૂંબન ગાલ
નાનાં મોટાં- કામ અપાર
દિલમાં આવે બાળ વિચાર,
સાજે-માંદે રાખે સંભાળ
પડતી મૂકે બધી ઝંજાળ.
રડતું બાળક ઊંચકી લઇ
છાનું રાખે ઢીંગલી દઈ,
બાળકના પર હેત અપાર
લે સંભાળ એ વારંવાર.
(19) દાદાનો ડંગોરો લીધો
દાદાનો ડંગોરો લીધો,
એનો તો મેં ઘોડો કીધો.
ઘોડો કૂદે ઝમઝમ,
ઘૂઘરી વાગે ધમધમ,
ધરતી ધ્રુજે ધમ ધમ,
ધમ ધમ ધરતી જાય,
મારો ધોડો કૂદતોં જાય,
કૂદતાં કૂદતાં આવે કોટ,
કોટ કૂદીને મૂકે દોટ.
સહુના મનને મોહી રહ્યો,
એક ઝવેરી જોઇ રહ્યો.
ઝવેરીએ તો હીરો દીધો,
હીરો મેં રાજાને દીધો.
રાજાએ ઉતાર્યો તાજ,
આપ્યું મને આખું રાજ.
રાજ મેં રૈયાતને દીધું,
મોજ કરીને ખાધું પીધું.
(20) મામાનું ઘર
મામાનું ઘર કેટલે?
દીવો બળે એટલે,
દીવો મેં તો દીઠો,
મામો લાગે મીઠો.
મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી.
મોળી મીઠાઇ ભાવે નહીં,
રમકડાં કોઇ લાવે નહીં.
(21) મમ્મી પપ્પા
ઘરમાં સૌથી મોટા દાદા
કદી પડે ના એ તો માંદા,
વહાલા લાગે અમને દાદા-
પહેરે ખાદી લાગે સાદા.
ટોપી ધોળી મૂકી માથે
લાકડી જાડી પકડી હાથે,
સાંજ સવારે ફરવા જાય,
સાથે છોકરાં લેતા જાય.
નાનાં ઉપર હેત અપાર
પડવા ના દે દુઃખ લગાર,
રાતે બેસી માંડે વાત
રસ જમાવે વીતે રાત.
(22) કેવો મજાનો બાબલો
કેવો મજાનો દેખાય બાબલો કેવો મજાનો
ગોરા ગોરા ગાલ છે ને નાના નાના વાળ છે.
શરીરે સુંદર દેખાય
બાબલો મારો....
ગોઠણ ભરી ચાલતો ને પાછો વાળી નાચતો
મા મા મા મા કરતો જાય.
બાબલો મારો....
(23) રૂમઝૂમ દોડે હરણાં
રૂમઝૂમ રૂમઝૂમ દોડે હરણાં દોડે હરણાં
હે રૂપાળાં રૂપાળાં (૨)
હે સૌને લાગે વહાલાં (૨)
વનવગડામાં દોડે જાણે હોય વનનાં રાજા
થનગન થનગન (૨) નાચે મોરલા (૨)
હે રૂપાળાં રૂપાળાં (૨)
હે સૌને લાગે વહાલા (૨)
ટેહુક ટેહુક બોલે ત્યાં તો વરસે મેઘરાજા..(૨)
દડબડ દડબડ (૨) દોડે બાળકો.
હે રૂપાળાં રૂપાળાં (૨)
હે સૌને લાગે વહાલા (૨)
મીઠું મીઠું બોલે ત્યાં તો વરસે મોતી દાણાં (૨)
રૂમઝૂમ રૂમઝૂમ (૨) દોડે હરણાં (૨)
થનગન થનગન (૨) નાચે મોરલા.
દડબડ દડબડ (૨) દોડે બાળકો.
(24) ચાંદલિયો આવ્યો
ચાંદલિયો આવ્યો, અજવાળા લાવ્યો.
ચાંદની રે.. તું અહીંયા આવ...
સંધ્યારાણી આવ્યા, અંધકાર લાવ્યા... (૨)
ઊષારાણી રે.. તું અહીંયા આવ (૨)
ચાંદલિયો...
સરિતા રે આવી, ખળખળાટ લાવી,
નાવડી રે.. તું અહીંયા આવ (૨)
ચાંદલિયો...
મેઘરાજા આવ્યા, ગડગડાટ લાવ્યા (૨)
વીજળી રે.. તું અહીંયા આવ (૨)
ચાંદલિયો...
(25) ઘોડો ઘુઘરીયાળો
ઘોડો ઘુઘરીયાળો મારો ઘોડો ઘુઘરીયાળો
ઘુઘરીયાળો...
ઘાસ દઉં તો ખાય છે, રાજી રાજી થાય છે.
થોભાવું તો થોભે છે, દોડાવું તો દોડે છે.
દડબડ દડબડ દોડે ત્યારે લાગે પાંખોવાળો.
ઘુઘરીયાળો
ઘોડો...
આખા દિલે કાળો છે પણ તે બહુ રૂપાળો છે.
ચાબૂકનું નહીં કામ છે, ચેતક એનું નામ છે.
તેના ઉપર બેસુ ત્યારે લાગુ હું મૂછાળો.
ઘોડો...
(26) ફાંદાળું પેટ
ફાંદાળું પેટ છે પપ્પાનું
એને અડવા ના જોઇએ બહાનું.
પપ્પાના પેટનો મોટો વિસ્તાર છે.
અડધું છે શર્ટમાં, અડધું એ બહાર છે.
ના રહેતું કોઇથી એ છાનું !
પપ્પાનું પેટ જોઇ બોલે છે મમ્મી
“ખા ઓ કચુંબર, ઉતારો ટમ્મી’
પણ ના માને એ મારી માનું.
આખી નિશાળમાં મારું હું ગપ્પાં.
સોટીથી પાતળાં છે મારા પપ્પાં
પપ્પાને કોણ છે જોવાનું?
બાળગીત : શાકભાજી ગીત
(1) શાકભાજી આવી લાવી લઈ લ્યો તાજીભાજી
શાકભાજી આવી લાવી લઇ લ્યો તાજીભાજી
દોઢિયે બશેર ભાજી.. લઇ...
સુરતી રતાળુ લાવી લાવી સુરતી પાપડી
મુંબઇના પંડોળા લાવી.. લઇ...
મૂળા લાવી મારવાડના -
પરવળ લાવી વડોદરાના
ભરૂચના હું ભીંડા લાવી.. લઇ...
બબલા માટે બોર લાવી ખાસ અમદાવાદથી
તરબૂચ ટેટી લાવી હું તો.. લઇ...
ગુવાર ફળી લાવી હું તો ફળિયે ફળિયે વેચવા
ટમેટાં, ટીંડોરા લાવી.. લઇ...
દૂધી તૂરિયાં કાકડીને કડવાં લાવી કારેલાં
ચાલો બહેનો મરચાં લાવી.. લઇ...
(2) શાકવાળી આવી
શાકવાળી આવી
શાકવાળી આવી
શું શું લાવી? શું શું લાવી?
સરસ મજાની કાકડી લાવી
લાલ લાલ ટમેટાં લાવી
કાળાં - કાળાં રીંગણાં લાવી
ધોળાં - ઘોળાં મૂળા લાવી
લીલી - લીલી ફણસી લાવી
કેસરી - કેસરી ગાજર લાવી
તીખાં - તીખાં મરચાં લાવી
શાકવાળી આવી...
બોલો તમારે શું જોઇએ?
મારે જોઇએ ટમેટાં.. ટમેટાં
મારે જોઇએ ગાજર.. ગાજર
મારે જોઇએ લીંબુ..લીંબુ
ખાટું મીઠું સરબત પીશું
પછી અમે ખૂબ રમશું
શાકવાળી આવી...
(3) ઓલી ગામડાની શાકવાળી આપે
ઓલી ગામડાની શાકવાળી આવે
ઓલી ગામડાની શાકવાળી આવે
મળીને રીંગણાં મરચાં શક્કરિયાં
સાથે કેળાની એક લૂમ લાવી..ઓલી..
લાંબી લાંબી કાકડીને લાંબા લાવે તૂરિયાં
એ તો સાથે ભરી શેરડીને લાવે..ઓલી..
આદુ લાવે, ધાણા લાવે, લાવે ભાજીપૂળિયાં
એની સૂંડલીમાં પાન ભરી લાવે.. ઓલી..
(4) ટમેટાં ટમેટાં
ટમેટાં ટમેટાં
એક ટમેટું એવું મારું, સૌની સાથે રડતું,
કહોજી તમને ગમતું?
નાના નાના..ના.. ના.. ના.. રે
ટમેટાં ટમેટાં
એક ટમેટું એવું મારું, સૌની સાથે હસતું,
કહોજી તમને ગમતું ?
હાહા હાહા.. હા..હા..હા... રે
(5) સૌ જાન જુઓ નિહાળી
સૌ જાન જુઓ નિહાળી આજ કરજણ કાકો પરણે છે
ઢીંમડીઓ ઢોલ વગાડે રાજ કરજણ કાકો પરણે છે.
રીંગણું તો સાજ વગાડે રાજ કરજણ કાકો પરણે છે.
ગાજરની શરણાઈ વાગે રાજ કરજણ કાકો પરણે છે.
ભીંડા ભાઇ ભાડે આવે રાજ કરજણ કાકો પરણે છે.
ડુંગળીબાઇ ડોળા તાણે રાજ કરજણ કાકો પરણે છે.
મૂળો તો મૂછો મરડે રાજ કરજણ કાકો પરણે છે.
મોગરી વેશ ધરે રાજ કરજણ કાકો પરણે છે.
તાંજળિયો ભેગો નાચે રાજ કરજણ કાકો પરણે છે.
મેથી મોજો કરે હો રાજ કરજણ કાકો પરણે છે.
દળવળતાં કોળાં દીઠાં રાજ કરજણ કાકો પરણે છે.
છે સાથે ચીભડાં મીઠાં રાજ કરજણ કાકો પરણે છે.
વાલોળ વહુ બેઠાં વેલમાં રાજ કરજણ કાકો પરણે છે.
હળદર વહુ હાલે હેઠાં રાજ કરજણ કાકો પરણે છે.
ગયા રાંધણપુરની પાસે રાજ કરજણ કાકો પરણે છે.
લુણી વહુ વર્યો હુબાશે રાજ કરજણ કાકો પરણે છે.
બાળગીત : દેશભકિત ગીત
(1) આ અમારો દેશ
આ અમારો, આ આમારો, આ અમારો દેશ છે
મારો નહિ કે તારો નહિ આનો નહિ પેલાનો નહિ
આપણાં સહુનો, આપણાં સહુનો આપણાં સહુનોદેશ છે
નદીઓ બધી આપણી,
દરિયા બધા આપણા
ડુંગરા બધા આપણા
પેલી મહીનું સોનું રૂપું લોઢું પથ્થર આપણાં
આ અમારો....
ઝાડ જંગલ આપણાં,
ખેતર પાદર આપણાં,
ઢોર ઢાંખર આપણાં
એની અંદર પાકે છે જે જે તે બધું છે આપણું
(2) સ્નેહભર્યા નયને
વંદન તમને માત ભારતી
સ્નેહભર્યા નયને નિહાળતી છે
વંદન તને માતા ભારતી
હેત ભાર્યા અમૃતે અભિષેકતી હો
વંદન તને માતા ભારતી.
ભીષ્મ યુધ્ધ દધીચીના ત્યાગે તું ઊજળી
ભાર્ગવ, અર્જુન, કર્ણ શૌર્યના રત્ન ચડી
આત્મ ભોગે ઉજવળ મુખ ધારતી હો
વંદન તને...
દંપતી આદર્શ રઘુવીર રામ-સીતા
યોગેશ્વર કૃષ્ણ સમા ગાય એણે ગીતા
ગાંધી દયાનંદને તું ધારતી હો
વંદન તને....
શોર્ય ગીત ગુંજતી પ્રતાપી પ્રતાપના
સ્વાતંત્ર્ય ઝૂઝતી સિંહ શિવરાજના
કીર્તની ગાથા ઉચ્ચારતી હો
વંદન તને...
(3) હિંદ છે અમારો
જગમાં સહુથી સારો આ હિંદ છે અમારો
સૌ ભાગ્યનો સિતારો આ હિંદ છે અમારો
ધર્મિષ્ઠ, સત્ય, ટેકી, સંસ્કારને વિવેકી
પીયુષનો કુવારો…
આ જગમાં....
સત્યશીલથી સુહાતો, એશ્વર્યથી ઉભરાતો
પ્રભુને પ્યારો આ હિંદ છે અમારો
હિંસા અભયનો કિનારો...
આ જગમાં....
પિતૃ પ્રદેશ મીઠા ને સમાન અન્ય દીઠો
રસ કસ ભરેલ કયારો...
આ જગમાં…..
એના જ ગાન ગાશું, અમી પાન પીશું
મુકિત તણો મિનારો આ હિંદ છે અમારો
આ જગમાં…
(4) ગુણવંતી ગુજરાત
ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત
નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાતી
મોંઘેરા તુજ મણિમંડપમાં ઝૂકી રહ્યાં અમ શિશ.
માત મીઠી તુજ ચરણ પડીને માંગીએ શુભ આશિષ
અમારી...
મીઠી મનોહર વાડી આ ત્હારી નંદનવન શી અમોલ
રસ ફૂલડાં વીણતાં વીણતાં ત્યાં કરીએ નિત્ય કિલ્લોલ
અમારી...
રાત મહંત અનંત વીરોની વ્હાલી અમારી માત
જય જય કરવા ત્હારી જગતમાં અર્પણ કરીએ જાત
અમારી...
ઊંડા ઘોર અરણ્ય વિષે કે સુંદર ઉપવનમાંય
દેશ વિદેશ અહોનિશ અંતર એક જ તારી છાંય
અમારી...
સર સરિતા રસભર અમીઝરણાં રત્નાકર ભરપૂર
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી માતા રમે અમ ઉર
અમારી...
હિંદુ મુસ્લિમ પારસી સર્વ માત અમે તુજ બાળ
અંગ ઊમંગ ભરી નવરંગે કરીએ સેવા સહુ કાળ
અમારી...
ઉર પ્રભાત સમા અજવાળી ટાળી દે અંધાર
એક સ્વરે સહુ ગગન ગજવતો કરીએ જય જયકાર અમારી...
બાળગીત : વાજિંત્ર ગીત
(1) વાજુ વગાડે
સચિનભાઇ તો વાજું વગાડે (૨)
સચિનભાઇ તો ટકોરી વગાડે (૨)
ટીન.. ટીન.. ટીન.. ટીન..
ટીન.. ટીન.. ટીન.. ટીન.. ટકોરી બજાવે
સચિનભાઇ તો ખંજરી વગાડે (૨)
ખનનન.. ખનનન.. ખનનન..
ખનનન.. ખનનન.. ખનનન… ખંજરી વગાડે
સચિનભાઇ તો તો ઢોલક બજાવે (૨)
ઢમ.. ઢમ.. ઢમ.. ઢમ..
ઢમ.. ઢમ.. ઢમ.. ઢમ.. ઢોલક બજાવે
સચિનભાઇ તો સિતાર વગાડે (૨)
સિરિરિ... સિરિરિ... સિરિરિ...
સિરિરિ... સિરિરિ... સિતાર વગાડે
(2) હમ તાલી
હમ તાલી બજાના જાનતે હૈ
તબતબ તબતન યેતો તાલીકી આવાજ છે
હમ ચૂટકી બજાના જાનતે હૈ
ટીક ટીક ટીક ટીક યેતો ચૂટકી કી આવાજ હૈ
હમ ઢોલક બજાના જાનતે હૈ
ઢમ ઢમ ઢમ ઢમ યેતો ઢોલક કી આવાજ છે
હમ બાંસુરી બજાના જાનતે હૈ
સિરિરિ..સિરિરિ યેતો બાંસુરી કી આવાજ હૈ
હમ ઘંટી બજાના જાનતે હૈ
ટ્રીન..ટ્રીન..ટ્રીન.. યેતો ઘંટી કી આવાજ હૈ
(3) ઘૂઘરિયાં બાજે
ઘુઘરિયાં બાજે છૂમ છૂમ છૂમ...
બાજે છુમ છુમ છુમ બાજે છૂમ છૂમ છૂમ..
સોનાપરી નાચે રૂમઝૂમ...
નાચે રૂમઝૂમ... નાચે રૂમઝૂમ...
સોનલ વરણી ઓઢણી ચમકે
આભ ઝરૂખે મીઠું મીઠું મલકે
અંગે અંગથી ચેતન છલકે
ઊષા નાચે રૂમઝૂમ નાચે રૂમઝૂમ
ઘુઘરિયાં....
પંખી ગાતા મોકળે રાગે
પોઢયાં લોક નીંદર ત્યાગે
ધરતીનો રાજવી ખેડૂત જાગે
ઉગમણે ઊડે કુમ...કુમ...
ઊડે કુમ..કુમ..(૨)
ઘુઘરિયાં....
બાળગીત : આરોગ્ય ગીત
(1) માખી
રોગ બધે ફેલાવે માખી રોગ બધે ફેલાવે,
ગંદી ચીજ ઉપર બેસીને, રોગો સાથે લાવે-માખી
મીઠાઇની દુકાને જાતી, ચૂસી મીઠાઇ ખાતી,
ઊડતી ઊડતી બીજે ગંદા વાસે ફરવા જાતી,
લીંટ, થૂંક, ગળફા પર બેસી હોંસે હોંસે ખાતી,
પેટ ભરાતાં ત્યાંથી ઊડતી, સડેલાં ફળને ખાતી,
ખદબદતા જયાં કીડા હોયે ત્યાં પણ ફરવા જાતી,
ઊડી ઊડીને જંતુ એવાં માખી બાઇ લાવે,
અણસમજુ હઠીલાં બાળક મીઠાઇ રોજ ખાવે- માખી
મીઠાઇ ખાતાં માંદાં પડીને, તાવ શરીરે લાવે,
ઊલટી-ઝાડા થાતાં બાપા ડોકટરને બોલાવે,
દવા પિવાડે કડવી-મીઠી, ડોકટર તો સમજાવે,
કોલેરાનો રોગ ભયંકર, રોગ ઘરમાં જો આવે,
તાવ અને ટાઇફોડને લાવે સોને એ ગભરાવે-માખી
રોગોની રાણી છે માખી, સૌને એ સતાવે,
બહારની ઉઘાડી ચીજો ખાઇ લોક મરાવે - માખી
(2) મારું શરીર
મોટા પ્રભુએ આપી કાયા
બાળક તેનું ગાયન ગાય
બે આંખે સઘળું દેખાય
નાકે ફૂલડાંઓ સુંઘાય
કાને વાજાંઓ સંભળાય
જીભેથી મીઠું બોલાય
જમણે હાથે નાસ્તો થાય
ડાબે હાથે માખી ઉડાડાચ
હાથે બાની સેવા થાય
પગથી બંદા ફરવા જાય.
(3) એક માખી ઊડતી આવી
એક માખી ઊડતી આવી,
એ ઢગલો જંતુ લાવી !
એની પાંખો ચળકે
એની આંખો મલકે
ખોરાક પર બેસીને એણે,
માયા જાળ બિછાવી.
એક માખી..
મરડો, તાવને ઝાડા,
લાવે માખીના ધાડાં,
કોઇની માટે કોલેરા કોઇની માટે કમળો લાવી..
એક માખી..
કાદવ, કચરો, છાણ,
છે માખીના રહેઠાણ,
ગંદી ગટરની મહારાણી,
ખાવાનું રાખો ઢાંકી,
ઘર ઘરમાં પણ આવી.
એક માખી..
માખીને કાઢો હાંકી ખાવાનું રાખો ઢાંકી
સમજો, જાગો, નાનકડી
માખી રહે છે હંફાવી...એક માખી...
(4) રૂપાળા દાત
કેવા મારા દાત રૂપાળા, જાણે દાડમકળીઓ,
દયા કરીને મારા મુખમાં ઇશ્વરે છે જડીઆ.
વહેલો ઊઠી નિત સવારે દાંતણ હું ઘસતો,
કેવા રૂડાં એ દીસે, હું ખડખડ જયારે હસતો.
ખાવા બેસું, ત્યારે હું તો ચાવી ચાવી ગળતો,
ચોખું મોટું કરવા માટે, ખાઇને કોગળા કરતો.
દાંતણ આવળ બાવળનું કે લીમડાનું કરશે,
દાંત તેના ઘડપણમાંયે નહિ વહેલા ખરશે.
(5) હાલો સફાઈ કરવા
હાલો હાલો સફાઇ કરવા
લઇ લ્યો ઝાડુ હાથમાં
સફાઇ છે ત્યાં દેવ વસતા, આવો દોસ્તો સાથમાં
લઇ લ્યો ઝાડુ હાથમાં.
હાલો...
ઘરને વાળો, આંગણ વાળો,
કૂચ કદમ કરતાં સૌ સાથે, આવો સૌ મેદાનમાં
લઇ લ્યો ઝાડુ હાથમાં...
ખૂણે ખૂણેથી કચરો કાઢો,
સુંદર રોપો ફૂલનાં ઝાડો :
બેનડીઓ સૌ હાથ બઢાવો,
ટોપલીઓ લઇ કાખમાં
લઇ લ્યો ઝાડુ હાથમાં.
હાલો...
(6) ઉંદરભાઈ
ઉંદરભાઇની આંખો આવી
પાણી છાંટયું, પટપટાવી !
દુઃખાવો તો શમે નહીં,
ઉંદરભાઇને ગમે નહીં.
આંખના ડૉકટર સસ્સારાણા,
ઉંદરભાઇને ખૂબ ખિજાણા :
કાજળ-સૂરમો કરતા તા?
તડકામાં બહુ ફરતા તા?
ટી. વી. વિડિયો જોતા તા?
મોડા મોડા સૂતા તા?
ઉંદરભાઇ તો શરમાઇ ગયા.
નીચું જોયું. ગભરાઇ ગયા.
સસ્સારાણા ટીપાં નાખે.
સાથો સાથ શિખામણ આપે :
કાજળ સૂરમો કરતા નહીં,
તડકામાં બહુ ફરતા નહીં.
આંખના ખટકા મટી ગયા,
ટી.વી. વિડિયો છૂટી ગયા !
ઉંદરભાઇ તો વાંચે છે,
આંખની કાળજી રાખે છે.
(7) વંદો ભણવા જાય
વંદો કહેતો : મમ્મી આજે આખો સાબુ ઘસ,
બની ઠનીને સ્કૂલે જાઉં લેવા આવે બસ,
કાલે સ્કૂલે નાક દબાવી સૌ કોઇ છેટાં ભાગે,
બધાંય કહેતાં : તારામાંથી દુર્ગધ સેરો વાગે.
કીડીબાઇ ઝાંઝર પહેરી ઉપર પહેરે સાડી,
જૂ-બાઇ આ તેલ નાંખીને આવે પટિયા પાડી.
મંકોડાભે સૂટ-બૂટમાં એકટર જેવા લાગે !
ઇયળબાઇ સેન્ડલ પહેરી પપ કરતી ભાગે.
માટે આજે બની ઠનીને સ્કૂલે ભણવા જાવું,
મોટા સાહેબ થઇ પછી તો પગાર મોટો લાવું.
વંદાભૈ તો ઘસી ને સ્વીમીંગપુલમાં નાહ્યા,
અત્તર છાંટ્યું, સૂટ-બૂટમાં નાચ્યાં, ગીતો ગાયાં,
સ્કૂલ-બસ ના આવી તેથી રીક્ષા ભાડે કરતા,
આજ નિશાળે વટ પડવાનો એ સપનામાં તરતા.
રીક્ષા છોડી વંદાભૈ તો સ્કૂલ-દરવાજે જાય,
દરવાજે તો તાળું જોઇ મનમાં એ મૂંઝાય.
લારી પાસે જઇને પૂછે : શાળા શાને બંધ?
ભૈયો કહેતો : આજે સન્ડે તેથી શાળા બંધ !
બાળગીત : માનવ જીવન-વ્યવહાર ગીત
(1) મોટુ બેન કેવડા હતા રે.
મોટુ બેન કેવડાં હતાં રે...
મોટુબેન કેવડાં હતાં રે...
મોટુબેન એવડાં હતાં રે
મોટુબેન એવડાં હતાં રે
કેમ કરી કપડાં ધોશો મોટુબેન(૨)
આમ કરીને આમ આમ કરીને આમ
મોટુબેન કેવડાં હતાં રે...(૨)
કેમ કરીને કચરો કાઢશો મોટુબેન...(૨)
આમ કરીને આમ આમ કરીને આમ
મોટુબેન કેવડાં હતાં રે...(૨)
કોઇ હસેને કોઇ રોતા જાય બાબો- બેબી
ખેલે મદારી જાદુના ખેલ
વ્હાલી લાગે વધુ વાનરની ગેલ
જોતાં બજાણિયા બહુ હરખાય
બાબા-બેબી સૌ મેળામાં જાય.
મોટુ બેન કેવડાં હતાં રે...
મોટુબેન કેવડાં હતાં રે...
(2) દૂધડાં લ્યો કોઈ દૂધડાં લ્યો
દૂધડાં લ્યો કોઈ દૂધડાં લ્યો
ગામડેથી આવી હું તો દૂધવાળી
વહેલી સવારમાં ઊઠતી પરોઢિયે
ગોરી ગાવલડીને દોહતી પરોઢિયે
હું તો ચાંદનીમાં હું રમતી રંગતાળી.
ગામડેથી...
પીળી પીળી કાંસડીને લાલ ધાધરી
માથે મૂકી છે મેં તો પિત્તળની તાંબડી
મારી ઇંઢોણી ફૂમતાવાળી રે
ગામડેથી...
શેરીએ શેરીએ ફરર ફરર
એતો રૂડો મીઠો ટહુકો કરું છું (૨)
મેં તો ઓઢી છે કામળી રે (૨)
ગામડેથી...
(3) આ વાત કદી ન ભુલાય
આ વાત કદી ન ભુલાય
હા.. હા.. હા.. હો.. હો.. હો
આ વાત કદી ન ભુલાય
શિયાળામાં ઠંડી વાય
ઉનાળામાં ગરમી થાય
ચોમાસામાં ભીંજાય જવાય.
આ વાત..હા..હા.
નિશાળે જઇ લેશન કરાય
ઘરમાં બાને મદદ કરાય
મેદાને જઇ રમત રમાય
આ વાત.. હા..હા..
સવારે પ્રભુને યાદ કરાય
ભોજન કરતા એને ન ભૂલાય
સૂતા પહેલા વંદન થાય.
આ વાત.. હા..હા..
ચપચપ કરતાં ખાણું ન ખવાય
ઘૂંટઘૂંટ કરતા પાણી ન પીવાય
ધસધસ કરતા પગ ન ઘસાય
આ વાત હા..હા..
નિયમિત બાલમંદિરે જવાય
સરસ મજાની વાતો કરાય
સુંદર સુંદર ગીત ગવાય..
આ વાત.. હા..હા..
આપણાથી મોટાંને વંદન કરાય
આપણાંથી નાનાં ને લાડ કરાય
આપણાં સરખાની દોસ્તી કરાય
આ વાત.. હા..હા..
રાડો પાડીને વાત ન કરાય
થાકયા હોય તેને સૂવા દેવાય
અજાણ્યા માણસને મદદ કરાય
આ વાત.. હા..હા..
(4) સરલાબેન સરલાબેન તમારી ટીનુ રોવે
સરલાબેન સરલાબેન તમારી ટીનુ રોવે છે
ટીનુના પપ્પા આવે છે, ચાર ચુની લાવે છે
એક ચુની ખોવાણી, ટીનુની મમ્મી ખીજાણી
નાનો મારો હાથી, હાથીની સૂંઢમાં પાણી
પાણી સાવ ગંદું, સામે ઊભો ચંદુ
ચંદુ માથે ચોટલી, બા બનાવે રોટલી
રોટલી મને ખાવા દો, બાલમંદિર જાવા દો
બાળગીત મને ગાવા દો, હોશિયાર મને થાવા દો.
(5) વલોણું વલોવીએ ધમ..ધમ..
વલોણું વલોવીએ ધમ..ધમ..(૨)
જયારે છાશ છમકે છમ.. છમ..(૨)
સોના રૂપાનું રૂડું બેડલું મારું (૨)
મહિડા વલોવીને ત્યાં માખણ ઉતારુ(૨)
શેરીએ શેરીએ જઇ સાદ રે પોકારુ (૨)
દોડી આવો મહિડા લેવા...
ધમ..ધમ..વલોણુ...
અમારે ખેતરે ગોરી ગોરી ગાવડી(૨)
દૂધડાં આપે એવી મીઠી રે તલાવડી (૨)
સાંજને ટાણે લઇ જાતી રે તલાવડી(૨)
ગળે બાજે ધુધરીયા ધમ.. ધમ..
ધમ..ધમ.. વલોણું...
મહિડા રે મારા એવા સૌને ગમતાં
સાંજ ને સવારે ખાતાવખાણે રે જમતા
વેચવાને જાવું મારે ગલીએ ભમતા(૨)
દઇ ઠમકો પગે ઠમ..હમ..ઠમ..
ધમ..ધમ.. વલોણું...
(6) ઐસી ખીર પકાએંગે
ઐસી ખીર પકાએંગે
સારે મિલકર ખાયેંગે
કૌન ખાયેગા ચમચ સે હમ ખાયેંગે ચમચસે
ચમચ, ચમચ, ચમચ, ચમચ, ચમચ
ભરકે ખાયેંગે ઐસી..
કૌન ખાયેગા પ્યાલી સે
હમ ખાયેંગે પ્યાલીસે... ઐસી
પ્યાલી, પ્યાલી, પ્યાલી, પ્યાલી, પ્યાલી
ભરકે ખાયેંગે
કૌન ખાયેગા ધક્કેસે, હમ ખાયેંગે ધક્કેસે
ધક્કે, ધક્કે, ધક્કે, દેકર ખાયેંગે
ઐસી..
(7) આવ્યો રે ટપાલી
આવ્યો રે ટપાલી આવ્યો રે ટપાલી
ખાખી કોટને ખાખી પાટલૂન
માથે ખાખી ટોપી... આવ્યો રે..
બાબાભાઇ કે બેબીબેન
લેજો તમે કાગળ
કાગળ આપીને એ તો વધે આગળ
આવ્યો રે ટપાલી આવ્યો રે ટપાલી
ટાઢ હોય કે તડકો હોય
જરૂર એ તો આવે
ચોમાસાની સીઝનમાં છત્રી સંગે લાવે
આવ્યો..રે.
(8) સમયની ઘંટી ફરતી જાય
સમયની ઘંટી ફરતી જાય (૨)
એ કોઇથી રોકી ન રોકાય.. સમય...
ચડતી ને પડતી ના બે પડમાં
માનવ કણ પીસાય
કોણ પીસાશે કોણ પીસાતું
કોઇને ન સમજાય.. સમય..
એક દિવસ જે મહારાણી થઇ
સિંહાસન પૂજાય
દાસી બનીને દરણા દળતી
સમય સમયની છાપ..સમય..
કાળને ખાંડણીયે ખંડાતા
રંક અને રાય
કોઇ ના દેશો દોષ પ્રભુને
અનેરો પ્રભુનો ન્યાય
કર્મે લખ્યું હોય તે થાય.. સમય..
(9) અમે રેતીમાં રંગભેર રમતાં તાં
અમે રેતીમાં રંગભેર રમતાં તાં
અમે ભાઇબેન સૌને ગમતાં તાં
અમે બાગબગીચે ફરતા તાં
ફૂલ વીણીને ફૂલછાબ ભરતાં તાં
અમે રેતીમાં...
અમે ચંદાની ચાંદનીમાં ફરતાં તાં
ઘણા ટમટમતા તારલા ગણતાં તાં
અમે રેતીમાં...
અમે રેતીમાં ડુંગરા બનાવતાં તાં
અમે જોઇને આનંદ માણતાં તાં
અમે રેતીમાં...
(10) મારું તો નામ ભાઈ ટીલો ટપાલી
મારું તો નામ ભાઇ ટીલો ટપાલી
પત્રોની બેગુ તો રોજ કરું ખાલી
મારું તો...
આવુ હું આંગણે ને, દોડે છે લોક
કોક મારી રાહ તો જુએ અથાક
કાગળ પામીને કેવા પામે ખુશાલી
મારું તો...
ખાખી પોશાક મારો સૌને ગમે.
મને નીરખવાને આંખો ભમે
મારી વાણી તો લાગે, સૌ ને વાલી
મારું તો...
આંસુ છલકાવતા કાગળ કોઇ હોઇ
મુખડાં મલકાવતા કાગળ કોઇ હોઇ
તોયે નિર્લેપ થૈ નીકળતા ચાલી
મારું તો...
