ગુજરાતી બાળગીત ભાગ 1 : ઢીંગલી ગીત

GIRISH BHARADA

ગુજરાતી બાળગીત ભાગ 1 : ઢીંગલી ગીત, શાળા ગીત, પ્રાણી ગીત, વાહન ગીત, અભિલાષા ગીત, ફળ ફૂલ વૃક્ષ ગીત, રમત-ગમત ગીત

ગુજરાતી બાળગીત, Gujarati Balgeet Lyrics

બાળગીત : ઢીંગલી ગીત


(1) ખાતી નથી પીતી નથી

ખાતી નથી પીતી નથી

ઢીંગલી મારી બોલતી નથી

બોલ બા કેમ બોલાવું?

એને કેમ બોલાવું ?

ડોલમાં બેસાડીને એને નવડાવું

ચંપાના ફૂલની વેણી ગુંથાવું

તો પણ એ બોલતી નથી (૨)

બોલ બા કેમ બોલાવું?

ઘંટીને ઘૂઘરો રમવાને આપું?

સોનાને પાટલે જમવા બેસાડું

તો પણ એ ખાતી નથી..

તો પણ એ જમતી નથી (૨)

બોલ બા કેમ બોલાવું?

પહેરાવું ઝાંઝર ને રેશમનું ઝભલું

છૂમ છૂમ નાચુને વગાડું તબલું

તોપણ એ નાચતી નથી (૨)

બોલ બા કેમ બોલાવું?

ચાંદા સૂરજની સાક્ષીએ રમતા

લાડું, જલેબી રે સાથે રે જમતા

જમતા જમતા ઢીંગલી હસી રે પડી

ખાવા લાગી પીવા લાગી

ઢીંગલી મારી હસવા લાગી.


(2) ઢીંગલીને એવી સજાવું?

એક મારી ઢીંગલીને એવી સજાવું

બે એના કાનમાં કડી પહેરાવું

ત્રણ એની નથડીમાં હીરા જડાવું

ચાર એના હાથમાં ચૂડી પહેરાવું

પાંચ એની આંગળીઓમાં વીંટી પહેરાવું

છ એના ચોટલામાં વેણી ગુંથાવું

સાત એની સાડીમાં કલર પુરાવું

આઠ એના ચણિયામાં મોરલા ચીતરાવું

નવ એની ઝાંઝરીમાં ઘૂઘરી પુરાવું

દશમે દિવસે એને ગરબે રમાડું


(3) નાની શી ઢીંગલી લાવી દે

બા મને નાની શી ઢીંગલી લાવી દે

કે રંગે રૂપાળી ...

નાના નાના હાથ એના નાના નાના પગ છે

આનંદે ડોલતી મને ઢીંગલી લાવી દે

કે રંગે રૂપાળી...

બા મને નાની શી...

હું જેમ બોલાવું તેમ તે બોલતી મમ્મી, પપ્પા,

મમ્મી ને પપ્પા બોલતી ઢીંગલી લાવી દે

કે રંગે રૂપાળી...

બા મને નાની શી...

હું જેમ ખવડાવું તેમ તે ખાતી

ખાતી, પીતી ખાતી ને પીતી મને ઢીંગલી લાવી દે

કે રંગે રૂપાળી...

બા મને નાની શી...

હું જેમ નાચું તેમ તે નાચતી

નાચતી કૂદતી નાચતી ને કૂદતી મને ઢીંગલી લાવી દે

કે રંગે રૂપાળી...

બા મને નાની શી...


(4) ઢીંગલી કેવી રૂપાળી રૂપાળી

ઢીંગલી કેવી રૂપાળી રૂપાળી,

મારી ઢીંગલી કેવી રૂપાળી,

એને નિત-નવાં કપડાં જોઇએ,

અને ઝરીવાળું ઝબલું જોઇએ,

તેને ઘમ્મરીયો ઘાઘરો પહેરાવું પહેરાવું

મારી ઢીંગલી...

એને કાજે મેં હીંચકો બાંધ્યો,

એને લાલ પીળા રંગે રંગાવ્યો

એક ગાદી બનાવી સુંવાળી સુંવાળી..

મારી ઢીંગલી...

મારી ઢીંગલી મને બહુ ગમે છે...

એ તો સદાયે હસતી રહે છે,

નથી જાણી કદીયે રિસાણી રિસાણી...

મારી ઢીંગલી...


(5) ઢીંગલી તારા માંડવા રોપ્યા

ઢીંગલી તારા માંડવા રોપ્યા

ઢોલ વાગે ઢમઢમાં

લાલીયો મહારાજ લાડવા વાળે

શાક કરે સમ સમ

ઢીંગલી તારા...

જૂનાગઢથી જાન આવી

જાનડીયું રૂમઝૂમ

દોડતા પહેલા વેલડા આવે (૨)

કેવા રે ધમધમ

ઢીંગલી તારા...

ઢીંગલીબાઇના પગમાં ઝાંઝર

ઘૂઘરીઓ ઘમઘમ

નાકે એને નથડી સોહે કેવી રે ચમ ચમ

ઢીંગલી તારા...

ઢીંગલી બાઇતો સાસરે જાશે

આંસુડાં ટમટમાં

લાગશે કેવા ઘરને શેરી સૂના રે સમ સમાં

ઢીંગલી તારા...


(6) યે મેરી ગુડિયા છોટી છોટી

યે મેરી ગુડિયા છોટી છોટી

ઠુમક ઠુમક ચાલ ચલેગી

મીઠી મીઠી બાતે કરેંગી

માલા પહેનાઉંગી

ચૂડિયા પહેનાઉંગી

ટીકા લગાઉંગી.

ચોટી ભી ગુંથાઉંગી

ઘૂમને લે જાઊંગી

નાવ મે બીઠાઉંગી

ધોડે પે બીઠાઉંગી.

યે મેરી ગુડિયા....…..


(7) ઢીંગલીનો દેશ ઢીંગલીનો દેશ

ઢીંગલીનો દેશ ઢીંગલીનો દેશ

ડો ને રઢિયાળો મારો ઢીંગલીનો દેશ

ફરરર ફરરર ફૂદરડી ફરું

કુહૂ કુહૂ કરતી ટહુકા કરું

લટક લટક લટકા કરું (૨)

મટક મટક મટકા કરું.

ઢીંગલીનો દેશ ઢીંગલીનો દેશ

(8) ઢીંગલી મારી કેવી રૂપાળી

ઢીંગલી મારી કેવી રૂપાળી

આંખો છે બે કાળી કાળી

ઢીંગલી મારી...

નાના નાના હાથ છે ને નાના નાનાપગ છે

પહેરી છે કાનમાં બે વાળી

ઢીંગલી મારી...

નાના નાના કાન છે ને નાનું નાનું નાક છે

પહેરી છે મોરપીંછ સાડી

ઢીંગલી મારી...


(9) નાની એવી ઢીંગલીને નાનું એવું બાબલું

નાની એવી ઢીંગલીને નાનું એવું બાબલું

રમવાને લાવી છું નાનું એવું આભલું

ઢીંગલીને બેસાડું ઝૂલતા ઝૂલામાં

બાબલાને બેસાડું કમળના ફૂલમાં

ઢીંગલીને માટે ઘાઘરીને પોલકું

બાબલાને માટે નાનું એવું ઢોલકું

નાની એવી..

બોલે ના ઢીંગલીને બોલે ના બાબલું

ઢીંગલી છે નાનીને બાબલું છે ઢેબલું


(10) તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

મામા ઢીંગલ ઢીંગલ ઢીંગલા

હું તો ઢીંગલી...(૨)

વાસણ ધસુ તો મારા હાથ દુઃખી જાય

તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

મામા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

પોતાં કરું તો પગ દુઃખી જાય

તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

મામા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

પાણી સીંચુ તો મારી કમર દુઃખી જાય

તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

મામાં ઢીંગલ ઢીંગલ ઢીંગલ

આંગણવાડી જાઉં તો મારું માથું દુઃખી જાય

તાતા ઢીંગલ ઢીંગલ ઢીંગલ

મામાં ઢીંગલ ઢીંગલ ઢીંગલ


(11) ઢીંગલી બનાવી મેં તો મજાની

ઢીંગલી બનાવી મેં તો મજાની

એને હવે તૈયાર કરવાની

તૈયાર કરતા હું તો મમ્મી પાસે જાઉં

મમ્મી ઢીંગલીને તૈયાર કરી દે

આંજણ, પાઉડર, લિપસ્ટિક કરી દે.

ઢીંગલી બનાવી...

ઢીંગલીનાં કપડાં સિવડાવવાં દરજી પાસે જાઉં

દરજી ઢીંગલીના કપડાં સીવી દે

લાલ, પીળાં, રંગીન ઝભલાં સીવી દે

ઢીંગલીના ચપ્પલ લેવા મોચી પાસે જાઉં

મોચી ઢીંગલીના ચપ્પલ સીવી દે

લીલાં, પીળાં ચપ્પલ સીવી દે

કાળાં - ધોળાં ચપ્પલ સીવી દે

ઢીંગલીને ભણાવવા હું તો આંગણ વાડીએ જાઉં

વર્કર ઢીંગલીને એકડા શીખવી દે

૧,૨,૩,૪ એકડા શીખવી દે

ઢીંગલી બનાવી...


(12) મને મારી ઢીંગલી બહુ પજવે

મને મારી ઢીંગલી બહુ પજવે

એ તો વહેલી સવારે આખું ઘર ગજવે

મને મારી....

દાતણ કર્યા વિના દૂધ પીવા માગે

કજિયો કરીને એ તો દૂર દૂર ભાગે

તેને દોડું પકડવા સૌ મને ખીજવે

મને મારી....

જાતે નાહવા એ તો ખૂબ પાણી ઢોળે

લઇ ડોલ નાનીને કપડાં એમા બોળે,

એને મારું તમાચો તો મને લજવે

મને મારી....

માથુ ગુંથાવે પણ ફૂલવેણી માગે

જાતે કપડાં પહેરતા ખૂબ વાર લાગે

એના રમકડાં લઇને આખું ઘર સજાવે

મને મારી....


(13) મેં એક ઢીંગલી બનાવી છે.

મેં એક ઢીંગલી બનાવી છે

તે રંગે બહુ રૂપાળી છે

તેને રમવા માટે ગાડી છે

તેને હાથે સોનાની બંગડી છે

મેં એક ઢીંગલી...

તેને નવડાવું સાબુ ચોળી

તેને ખવડાવું ખીરને પૂરી

મેં એક ઢીંગલી...

તે ભણવામાં બહુ શાણી છે

મારી ઢીંગલી રૂપની રાણી છે

મેં એક ઢીંગલી...


(14) બાગમાં ફરવાને ગ્યાતા કે

બાગમાં ફરવાને ગ્યાતાં કે

ઢીંગલીબેન લપસી પડયાંતાં

મેં તો મારી ઢીંગલી માટે ડોકટર બોલાવ્યા (૨)

પાટો વાળીને થયાં સાજા

કે ઢીંગલીબેન લપસી પડયાંતાં

બાગમાં...

મેં તો મારી ઢીંગલી માટે શીરો બનાવ્યો.

શીરો ખાઇને થયા જાડા

કે ઢીંગલીબેન લપસી પડયાંતાં

બાગમાં...

મેં તો મારી ઢીંગલી માટે આઇસ્ક્રિમ બનાવ્યું

આઇસ્ક્રિમ ખાઇ ને થયા ઠંડા

કે ઢીંગલીબેન લપસી પડયાંતાં

બાગમાં...

મેં તે મારી ઢીંગલી માટે ઝાંઝર ધડાવ્યાં,

ઝાંઝર પહેરીને ખૂબ નાચ્યાં

કે ઢીંગલીબેન લપસી પડયાંતાં

બાગમાં...


(15) ઢીંગલી કેવી રૂપાળી

રૂડી ને રૂપાળી, મારી ઢીંગલી રે લોલ !

શાણી ને સુંવાળી, મારી ઢીંગલી રે લોલ !

મીઠું મીઠું હસે, મારી ઢીંગલી રે લોલ !

સૌને હૈયે વસે, મારી ઢીંગલી રે લોલ !

ગોરા ગોરા ગાલ, મારી ઢીંગલી રે લોલ,

ઓઢણી છે લાલ, મારી ઢીંગલી રે લોલ !

રાજાની રાણી, મારી ઢીંગલી રે લોલ

મમ્મીએ વખાણી, મારી ઢીંગલી રે લોલ !

કદી નહીં રુએ, મારી ઢીંગલી રે લોલ !

મારે ખોળે સૂએ, મારી ઢીંગલી રે લોલ !


બાળગીત : શાળા ગીત


1. બાગમાં નિશાળ

બા મેં તો બાગમાં બાંધી નિશાળ

ભણવાને આવે છે ચકલીઓ ચાર

નાની ખિસકોલી ભણવામાં પહેલી

જરા ન બોલે એ સૌથી શરમાળ

વચમાં ને વચમાં હું પોપટને બેસાડું

વટમાંને વટમાં હું સીટી વગાડું

બા મેં તો ...

ભણવાને આવે છે ચકલીઓ ચાર

કલબલતી કાબરને છેલ્લે બેસાડું

કલબલ કરે તો ડોળા બતાવું

બા મેં તો...


2. બાલમંદિરિયું

બાલમંદિરિયું બાલમંદિરિયું

અમારું સુંદર સોહાય

નાનું મારું બાલમંદિરિયું

ટેકરીના શિખરે મંદિર અમારું

જાણે લહેરાતી ધજા

નાનું મારું...

સવારે સૂરજ સોનલા રે વેરતો

સાંજે ગુલાલ છાંટી જાય

નાનું મારું...

બાલમંદિરિયું બાલમંદિરિયું


3. વાદળનો ચોક

પેલા વાદળમાં ચોક તો વિશાળ છે

તેમાં સોહામણી સુંદર નિશાળ છે

મારું તો ચિત્ત ત્યાં ભમે

મને એવી નિશાળ ગમે

ચાંદા મામા તો પાઠ ભણાવે

વાતો વાયુ મીઠાં ગીતડાં સંભળાવે

પરીઓના ગીત ત્યાં સમે

મને એવી...

નાના તારલા ભણવાને આવે

દૂધમલ મુખડાં મલમલ મલકાવે

નાચે ફૂદેને સૌ રમે

મને એવી...


4. સ્લેટમારી કેવી મજાની

કેવી મજાની દેખાય

સ્લેટ મારી કેવી મજાની

રંગે છે કાળીને રૂપે રૂપાળી

એને જોઇને મારું મનડું હરખાય

સ્લેટ...

દોરીથી બાંધીને ખંભામાં નાખી

શાળામાં સુખે ફરાય

સ્લેટ...

શાળામાં જઇને ખોળામાં લઇને

લખવું હોય તે લખાય

સ્લેટ...

વ્હાલી એ કેવી નાની બહેન જેવી

જુદી જરાય ન થાય

સ્લેટ...

સારી સફાઇ રાખુ વહાલ ખૂબ કરું

દલડું સોને રે સોહાય

સ્લેટ...


5. શિયાળભાઈએ શાળા ખોલી

શિયાળભાઈએ શાળા ખોલી સૌ કોઇ ભણવા જાય

ફી દેવી પડતી નથી કોઇને રાતી પાઈ

સસલાભાઇ તો સાહેબ બન્યા

ટીચર બિલ્લી બાઈ

એથી મોટા સાહેબ થઈને

ફરતા ઉંદરભાઈ

બેલ વગાડે બંદર ત્યાં તો હાથી હાજર થાય

સૂંઢમાં ડોયો પ્યાલો પકડી સૌને પાણી પાય

કચરા પોતા કરે કાગડા

કોયલ પ્રાર્થના ગાય

કીડી મકોડા ભણવા ચાલ્યાં

ગધાજી બહુ શરમાય.


6. મારે રોજ નિશાળે જાવું છે

મારે રોજ નિશાળે જાવું છે

ઘરે રહેવું ગમતું નથી

મારે એકડો, બગડો પાડવો છે

અભણ રહેવું નથી

મારે લખતા વાચતા શીખવું છે

ઘેર રહી ઢોર ચરાવવા નથી

મારે હાથ ઘડિયાળ બાંધવી છે

બીજા કોઇને સમય પૂછવો નથી

મારે છાપું વાચતા શીખવું છે

બીજા કોઇને સમાચાર પૂછવા નથી


7. બાલુડા આવજો હો મારી નિશાળમાં

બાલુડા આવજો હો મારી નિશાળમાં

પંખીડાં આવજો હો મારી નિશાળમાં

મારી નિશાળમાં નાનકડો બાગ છે

નાનકડાં બાગમાં ફૂલો અપાર છે

ડાળીએ ડાળીએ ફૂલ રે મારી નિશાળમાં

બાલુડા...

મારી નિશાળમાં નાનકડું મેદાન છે

નાના મેદાનમાં રમતો રમાય છે

દોડી દોડી દેશું દાવ મારી નિશાળમાં

બાલુડા...

મારી નિશાળમાં ભણતર ભણાય છે

જીવન ધડતરના પાઠો શીખવાય છે

શીખવાની આવશે લહેર મારી નિશાળમાં

બાલુડા...

બાળકો નિશાળમાં સૌ બેસીને ભણજો

પંખી તમે સૌ આંગણમાં ચણજો

સાંજના જઈશું ઘરે મારી નિશાળમાં

બાલુડા...


8. બીજી નિશાળ દેગોતી

બીજી નિશાળ દે મા મને ગોતી

બેન મારી મોટી તે મારે છે સોટી..બીજી...

ગણીને દાખલાની નોટ ભરી મોટી

તોય એ દાખલાની નોટ નથી જોતી..બીજી...

વાપરવી ગાઈડ એ ટેવ છોરાં ખોટી

ને પોતે તો દાખલાની રીત એમા જોતી..બીજી...

મારવામાં ચોકનું નિશાન નથી જોતી

અને પછી કહે છે ચોક લાવો ગોતી..બીજી...

મારે એ ઠીક, પણ હું હોઉં રોતી

તો તારી જેમ વ્હાલકરી આંખ નહીં લુછતી..બીજી...


9. હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં

હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં

મારી નિશાળમાં વાંચવું ને લખવું

વિદ્યાના પાઠો અપાય મારી નિશાળમાં

હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં

મારી નિશાળમાં વડલો ને પીપળો

વૃક્ષોને પાણી પવાય મારી નિશાળમાં

હૈયાનાં હેત ઊભરાય મારી નિશાળમાં


10. કેવી રૂપાળી દેખાય નિશાળ મારી

કેવી રૂપાળી દેખાય નિશાળ મારી કેવી રૂપાળી

ભણવાનું સૌને ગમી જાય નિશાળ મારી કેવી રૂપાળી

મોટું એવું ગામ છે ને જૂનાગઢ નામ છે.

તેમાં મારી શાળા સોહાય નિશાળ....

નાનો એવો બાગ છે ને ફરતાં એને ઝાડ છે.

ફૂલડાંની સુગંધ લહેરાય નિશાળ...

પ્રાર્થના બોલાય છે ને બાળગીત ગવાય છે.

પૂજા સરસ્વતીની થાય નિશાળ...

કાલું કાલું બોલતાને હળવે હળવે ચાલતાં

નાના બાલુડા હરખાય નિશાળ...


11. રોજ નિશાળે જઈએ

રોજ નિશાળે જઇએ અમે રોજ નિશાળે જઇએ

ગાતા રમતાં અક્ષર સાથે ઓળખાણ કરી લઇએ

રોજ નિશાળે...

સાંભળી બોલી લખી વાંચીને ભઇલા ભાષા ભણીયે

સંખ્યાઓને સમજી વિચારી ઝટપટ ગણિત ગણીએ

પવન ઝાડ પુષ્પોની સાથે વાતો કરતા જઇએ

રોજ નિશાળે…

ભણતરનો ના ભાર જરાય ભણતર બિલકુલ સહેલું

આનંદ અને તરંગની સાથે એમાં જ્ઞાન ભરેલું

હોંશે હોંશે ભણતાં ભણતાં રમતાં ઘ્યાન દઇએ.

રોજ નિશાળે...

ભારતદેશમાં આપણે સહુને ભણવાના અધિકાર

ભાઇઓ બહેનો સહુને માટે ખુલ્લી નિશાળ બારી

નવું નવું નિત જાણી લેવાનો લહાવો લૂંટી લઇએ

રોજ નિશાળે...


12. સ્વર્ગથી વ્હાલી

છે સ્વર્ગથી વ્હાલી અમને અમારી શાળા

મા શારદાનું મંદિર અમે એના પૂજવાવાળા

વહેલા ઊઠી અમે નાહી ધોઇને રોજ નિશાળે જઇએ

પ્રાર્થનામાં અમે ધૂન ભજનથી પ્રભુના ગુણલા ગાઇએ

હસતાં ગાતાં આવતાં જાતાં હોંશે હોંશે

હિન્દી બોલી, અંગ્રેજી બોલી, ગણિતના દાખલા

વિજ્ઞાનના પ્રયોગો, ઇતિહાસની કથાઓ, ગુજરાતીની કવિતા

સંગીતની સરિતા...

હિન્દુ અહીં, મુસ્લિમ છે અહીં, અહીં એક થઇને ભણીએ

ભેદભાવને નાત જાતને અહીંયા કોઇ ન ગણીએ

એક લોહી છે બધાનું, થઇ જીવો મજામાં

ભેગાં મળીને રહીએ લડવાના છોડો બહાનાં

હિન્દુ એક છે, હિન્દ એક છે, તૂટશેના કદી

એકતાના ઝરણાં ખૂટશે નહીં કદાપી

છે આ અમારો ભારત રંગીન ને નિરાળો

દુનિયાથી છે પ્યારો સૌને દિલથી પ્યારો

છે સ્વર્ગથી...


13. મા મને નિશાળે ભણવા જાવાદે

મા મને રે નિશાળે ભણવા જાવા દે

રોજ રોજ ભણવા નિશાળમાં જાવા દે

કવિતા ભૂગોળ ને ગણિત ને

વિજ્ઞાન એ બધુ શીખવા.. નિશાળે...

પીંજવાને કાંતવા કપડાં બનાવવાં

હજાર ઉદ્યોગ શીખવા

પાટીને દોરડા શેત્રંજીને આસનિયા

સ્વાવલંબી બનવા... નિશાળે...

પ્રતાપને ભામાશા, શિવાજીને રામદાસ

સ્વદેશ ભકિત શીખવા.. નિશાળે...

ગોખલેને ગાંધીજી, જવાહરને સરદાર

તેમના આદેશ લેવા.. નિશાળે...

સત્યને અહિંસા, વિવેકને સદાચાર

શાંતિના પાઠ શીખવા.. નિશાળે...


14. મારી નાની આંગણવાડી રે

મારી નાની આંગણવાડી રે

હો.. બાલુડા મલકે છે

ગીતોની રમઝટ રમતની ધામધૂમ

મીઠાં મુખલડાં મલકે છે હો.. બાલુડા

ધોએલાં કપડાં બાબાને બહુ સોહે રાજ

ઓળેલી બાબરી ગમતીને મન મોહે..રાજ

પોષણનો નાસ્તો સાથે આપી જમતાં

મીઠેરો ઓડકાર ટપકે રે..હો બાલુડા

તનથી ને મનથી ખીલતાં ફૂલ જેવા..રાજ

નવી દુનિયાના તમે પ્રગટયાને પાંગરી

તંદુરસ્તી દિન દિન વધતી ને વધતી

શરીરે સુખિયા છલકે છે.. હો બાલુડા


બાળગીત : પ્રાણી ગીત


(1) સાવજની સરદારી

સાવજની સરદારી નીચે સેના ચાલી જાય

આગળ ચાલે સાવજ એની પાછળ વાઘ

એની પાછળ હાથી એની સૂંઢ હલાવી જાય (૨)

રીછે લીધો ઠંડો, વાંદરાએ લીધો ઝંડો

એની પાછળ ઊંટ એની ડોક ઝૂલાવી જાય (૨)

ચિતાભાઇ મોટામોટા લાપા ફાડી ચાલે

દીપડાભાઇ દોટ મૂકી ઝાડે ચડી જાય

હરણ સાબર ભૂંડ એકી સાથે ચાલે

નાની એવીં લોંકડી દાંત ભીંસી જાય

વરુ, ઝરખ, ઝિબ્રા ઘીમે ઘીમે ચાલે

ગધેડાભાઇ એનું મોટું નાક ફૂલાવી જાય

સૌથી નાનું સસલું સૌની વચ્ચે ચાલે

જિરાફભાઈની લાંબી ડોક ઝાડે ચડી જાય

આ સેનામાં રોજડું પાછું પાછું ચાલે

ગધેડાઓ રોજડાને લાત મારી જાય

શિયાળભાઈ પાછળ બીતા બીતા ચાલે

જો કાંઇ ગડબડ થાય તો પાછા ફરી જાય

આખી સેના બૂમ બરાડા પાડી આગળ જાય

જો કોઇ સામે મળે તેના રામ રમી જાય


(2) છૂકછૂક ગાડી

જંગલકેરાં પ્રાણીઓની છૂક છૂક ગાડી આવી

સૌથી આગળ કાળો હાથી એન્જિન એ કહેવાય

હાથી ઉપર બેઠુ સસલું ડ્રાઇવર એ કહેવાય

મોટા મોટા ફળ હાથીને દેતું જાય

જંગલ આખું ધમધમ થાય પક્ષીઓ ગભરાય

કોટ પહેરી વાંદરાભાઇ ડબ્બે ડબ્બે જાય

પાંદડાંની ટીકીટ તપાસે ચેકર એ કહેવાય

સૌથી પાછળ ઝંડી લઇને રીંછભાઇ જાય

જંગલકેરાં પ્રાણીઓની છૂક છૂક ગાડી આવી


(3) ડાહ્યા ત્રણ વાંદરા

પેલા રમકડે હો ડાહ્યા ત્રણ વાંદરા

એકે કરી છે બંધ આંખો બે હાથથી

ખોટું જોવાય નહીં હો..

બીજે કર્યું છે બંધ મોઢું બે હાથથી

ખોટું બોલાય નહીં હો

ત્રીજે કર્યાં છે બંધ કાન બે હાથથી

ખોટું સંભળાય નહીં હો

ગાંધી બાપુનું બોધક રમકડું

પ્રેમાળ ભુલાય નહીં હો


(4) એક ટીપુડો

મેં એક ટીપુડો પાળ્યો છે

તે રંગે બહુ રૂપાળો છે

મૂછાળો છે ભાઇ બહુ ઘણો રૂપાળોછે

મેં એક...

બે પગ ધોળા ને બે પગ કાળા

આંખોમાં છે નાના કુંડાળાં

એ ફરતો પટાવાળો છે

મેં એક...

પૂંછડેથી સન્માન કરે

નાકે થી અનુમાન કરે

તે ઓછી નીંદરવાળો છે

મેં એક...

દેખી મને કરતો બહુ ચાળા

હાથ ચમકતા નખ જાડા

એ બહાદુર હિંમતવાળો છે

મેં એક...


(5) ઘોડીનો સવાર

હું તો કાળી ઘોડીનો સવાર

ઘોડી મારી થનગન થનગન નાચે (૨)

હું તો બાંધુ સાફલિયો માથે

ધરી રાખું લગામ એક હાથે (૨)

એને એડી મારુ જયાં લગાર

ઘોડી મારી વાયુના વેગે ભાગે

હું તો કાળી...

એને ચણાને ઘાસ ખવડાવું

એને નદીમાં રોજ નવડાવું

એ તો રૂપરૂપની અંબાર

ઘોડી મારી રૂપાળી લાગી

હું તો કાળી...

એને ચાબૂક કદી નહીં મારું

એને હેત કરીને પંપાળુ

એતો ચાલે રણકતી ચાલ

ઘૂઘરીઓ ધમધમ ધમધમ વાગે

હું તો કાળી...


(6) મારી બકરી

મારી બકરી બોલે છે બેં બેંબેં

એ તો સાંજ સવારે દૂધ જ દે

મારી...

મારી મીંદડી બોલે છે મ્યાઉં મ્યાઉં

કહે દૂધ, દહીં, ઘી તો ચાટી જાઉં

મારી...

પેલો કૂતરો બોલે છે હાઉં હાઉં હાઉં

કહે રોટલો આપો તો ખાઉં ખાઉં

મારી...

પેલો વાંદરો બોલે છે હૂપ હૂપ હૂપ

કહે કૂદકા મારીને નાચું ખૂબ

મારી...

પેલો ઉંદર બોલે છે ચૂં.. ચૂં.. ચૂં..

કહે રાત તણો હું રાજા છું

મારી...


(7) ખિસકોલીબાઈ

નાની સરખી ખિસકોલીબાઈ

જાત્રા કરવા જાય,

સ્ટેશન ઉપર ટિકિટ લેતાં,

માસ્તર ગભરાઇ જાય,

છૂક છૂક કરતી ગાડી આવે,

બારણાં ઊઘડી જાય.

નાની સરખી ખિસકોલીબાઇ,

ઝટપટ બેસી જાય.

છૂક છૂક કરતી ગાડી ચાલે,

બારણાં બંધ થઇ જાય.

સૌથી પહેલાં કાશી જઇને,

ગંગાજીમાં ન્હાય.


(8) મકોડાની જાન

હાલો હાલો રે, મકોડાભાઇની જાનમાં

ઓલી કીડીઓ ગાય છે ગીતો તાનમાં...

હાલો..

મચ્છરનાં વાજાં વગડે છે,

ચાંચડ સૌનું સ્વાગત કરે છે,

માખી ધીમું ધીમું, ગુંજે છે ગુલતાનમાં..

હાલો..

બે ઘોડાની ગાડી જોડી,

હોલો હાંકે સાનમાં,

મકોડાજી તેમાં બેઠા, વરરાજાની શાનમાં,

ચામર ઢોળે છે, નાગરાજ તાનમાં...

હાલો…

કબૂતરે કંસાર બનાવ્યો,

ભાત બનાવે ભમરાભાઇ,

દાળ બાફવા બેઠો બગલો,

મરચાં મસાલે, મેનાબાઇ,

હાલો ...

કાબર કાગડો ચાખે છે ભોજન ચાંચમાં...

હાલો…


બાળગીત : વાહન ગીત


1. મારી ચાલે ખબ ખુબ ગાડી

મારી ચાલે ખબ ખબ ગાડી

કે ભાઇ હું તો ગાડી વાળો ગાડી વાળો

નવી ગાડીને ઘોડો મજાનો

અલી બાબા હું તો લાવ્યો ખજાનો

મારી ચાલે...

બેઠાં ગાડીમાં છોકરાં પંદર,

એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ,

સાત, આઠ... કેટલાં? પંદર.....

મારે જાઉં ચોપાટી બોરી બંદર

મારી ચાલે...

મારી ગાડીને કાફી ઇશારો

તેને ચાબૂક કદી ન મારો..

મારી ચાલે...


2. ગાડી મારી ધરરર જાય

ગાડી મારી ધરરર જાય,

બળદ શિંગડાં ડોલાવતો જાય

ધમ-ધમ ઘૂઘરા વાગતા જાય

ડોશીમા ડોશીમા ચાલ્યાં તે કયાં?

લાકડી લઈને ચાલ્યાં તે કયાં?

મારી ગાડીમાં બેસો તમે

રાજી રાજી બહુ થાશું અમે

ખેડુભાઈ ખેડુભાઇ ચાલ્યા તે કયાં?

કોદાળી લઇને ચાલ્યા તે કયાં?

મારી ગાડીમાં બેસો તમે

રાજી રાજી બહુ થાશું અમે

બચુભાઇ બચુભાઇ ચાલ્યા તે કયાં?

દોડતા દોડતા ચાલ્યા તે કયાં?

કૂદીને ગાડીમાં બેસો તમે

ગાતા ગાતા ઘેર જાશું અમે.


3. ગાડી ગાડી રમીએ ચાલો

ગાડી ગાડી રમીએ ચાલો છોકરાંઓ આજે

હું બનું એન્જિન ને, ડબ્બા સૌ થઈ જાઓ

નથી કોલસાનું કામ, નથી પાણીનું કામ

વગર પાટે પહોંચી જાશું, આપણે ગામે ગામ

ગાડી...

એમાં છોકરાં ભર્યાં, ખજૂર ટોપરા ભર્યાં

ચોકલેટના ડબ્બા ને, બિસ્કીટ બોર ભર્યાં

ગાડી...

કોઈ ઝંડી બતાવે, કોઈ સીટી વગાડે

ભખ છૂક... ભખ છૂક...(૨) સૌ ગીત ગાઓ

ગાડી...


4. ચાલો રમીએ હોડી હોડી

ચાલો ચાલોને રમીએ હોડી હોડી

વરસ્યો વરસાદ ખૂબ મૂશળધાર

ઝરણાં નાનાં જાય, દોડી દોડી

ચાલોને...

બાપુના છાપા નકામા થોથાં

કાપી કૂપીને કરીએ હોડી-હોડી

ચાલોને..

સાદીને સઢવાળી નાની ને મોટી

મૂકીએ પવનમાં છોડી - છોડી

ચાલોને...

ખાલી રાખેલી ઊંધી વળે તો

પાંદડાંને ફૂલ ભરું તોડી- તોડી

ચાલોને...

જાશે દરિયા પાર પરીઓના દેશમાં

સૌથી પહેલી દોસ્ત મારી હોડી

ચાલોને...


5. સાયકલ મારી સરર જાય

સાયકલ મારી સર્ જાય (૨)

ટીન ટીન ટોકરી વગાડતી જાય

ડોશીમા ડોશીમા ચાલ્યાં છો કયાં?

છીંકણી સૂંઘતાં ચાલ્યાં છો કયાં?

રસ્તામાં છીંકણી સૂંઘાય નહી

સાયકલ...

મનુભાઇ મનુભાઇ ચાલ્યા છો કયાં?

એકડો ઘૂંટતા ચાલ્યા છો કયાં?

રસ્તામાં એકડો ઘૂંટાય નહી

બાલમંદિરે એકડો ઘૂંટાય.

સાયકલ...


6. ગાડી આવી ગાડી આવી ગાડી આવી

ગાડી આવી, ગાડી આવી, ગાડી આવી

શું લાવી.., શું લાવી.., શું લાવી?

મગ લાવી, ચણા લાવી, વટાણા એ લાવી

પ્રોટીન લાવી (૨).. ગાડી આવી..

શું શું લાવી? (૨)

રીંગણાં લાવી, દૂધી લાવી, કારેલાં એ લાવી

વિટામિન લાવી (૨).. ગાડી આવી..

શું શું લાવી? (૨)

ઘઉં લાવી, ચોખા લાવી, બાજરી લાવી

કેલેરી લાવી, શકિત લાવી, શકિત લાવી

ગાડી આવી, ગાડી આવી, ગાડી આવી


7. ચકડોળ

ચક્કર ચક્કર ચક્કર ચક્કર

ફરે પેલું ચકડોળ (૨)

હાથી ઘોડા પાલખી ઘોડા..ચક્કર...

મુંબઈ આવ્યું, વડોદરા આવ્યું

સુરત આવ્યું, ગોધરા આવ્યું?

એ ભાઇ ભાવનગર આવ્યું?

જેનું ગામ આવે તે ઊતરે (૨)

ચકકર...

મીનાબેનને ચક્કર આવ્યાં

સુવર્ણાબેન તો ગબડી પડયાં

ગોઠણ એના છોલાઇ ગયાં

હંસાબેને પાટો બાંધ્યો

ચક્કર...

ચાલો ગાડી આપણી ઉપડે

પેલાં ઝાડ બધાં ફરે

પેલાં છોકરા બધાં ફરે

પેલી ટેકરી આપણી ફરે

ભલે દુનિયા આપણી ફરે

ચક્કર…


8. ગાડા વાળા, ગાડાવાળા

ગાડાવાળા, ગાડાવાળા, ગાડાવાળા રે

ધીમેથી હંકાવ તારું ગાડું આજે રે

ધોળા.. ધોળા.. બળદિયા ને શિંગડાં બબ્બે

તારા રે ગાડામાં વીરા બેસવાને દે

થાક લાગ્યો... (૨) ધીમેથી હંકાવ તારું...

રાજકોટ મારે જાવું છે ને રસ્તો ઘણો દૂર છે.

વચ્ચે મોટી નદી આવે તેમાં ઘણું પૂર છે

જલ્દી જાવું... (૨) ધીમેથી હંકાવ તારું...

રીટાબેન તો આવશે ને કિષ્નાબેનને લાવશે

પૂજાબેન તો આવશે ને આરતીબેનને લાવશે

સાથે એ તો વાણીબેનને આવવા લલચાવશે

સૌ એ સાથે... (૨) ધીમેથી હંકાવ તારું...

ગાડાવાળા......


9. ટપ ટપ ટપતા

ટપ ટપ ટપતા (૨)

છૂન છૂન છૂન છૂન ઘૂઘરા ..(૨)

કિચૂડ કિચૂડ કિચૂડ પૈડાં બોલે (૨)

ગાડી દોડમ દોડ મારી ગાડી દોડમ દોડ

એ પાધડીવાળા હાલો (૨)

એ ટોપીવાળા હાલો (૨)

બે રૂપિયામાં બે રૂપિયામાં

એ હાલો હાલો હાલો .... ટપ ટપ ટપ

એ પેન્ટવાળા હાલો (૨)

એ કોટવાળા હાલો (૨)

પાંચ રૂપિયામાં પાંચ રૂપિયામાં

એ હાલો હાલો હાલો .... ટપ ટપ ટપ

એ લાકડીવાળા હાલો (૨)

એ છત્રીવાળા હાલો

દશ રૂપિયામાં દશ રૂપિયામાં

એ હાલો હાલો હાલો ….ટપ ટપ ટપ


10. મામાને ઘેર જાવાદે

ઓ મમ્મી મને રે મામાને ઘેર જાવા દે

રસ્તા પર પેલું કેવું એ ટ્રીન ટ્રીન કરતું જાય

સાઇકલમાં બેસીને મામાને ઘેર જાવા દે

ઓ મમ્મી મને...

રસ્તા પર પેલું કેવું એ તબડક-તબડક જાય

ઘોડા પર બેસીને મામાને ઘેર જાવા દે

ઓ મમ્મી મને...

પાણીમાં પેલું કેવું એ સરર.. કરતું જાય

હોડીમાં બેસીને મામાને ઘેર જાવા દે

ઓ મમ્મી મને...

આકાશમાં પેલું કેવું ઘરર.. કરતું જાય

વિમાનમાં બેસીને મામાને ઘેર જાવા દે

ઓ મમ્મી મને...

રસ્તા પર પેલું કેવું એ ભરરર.. કરતું જાય

મોટરમાં બેસીને મામાને ઘેર જાવા દે

ઓ મમ્મી મને...


11. ઘોડાગાડી... ઘોડાગાડી...

ઘોડાગાડી... ઘોડાગાડી...

ઘોડાગાડીમાં બેસો મારા માડી

મા મા તુજને દૂર દેશ લઇ જાઉં

સિંધુ, ગંગા, યમુના નદીના (૨)

પુલ ઓળંગી જાઉં

લાવું બ્રહ્મદેશની સાડી... ધોડાગાડી...

મા મા તુજને ચંદ્રલોક લઇ જાઉં

રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ ને ...(૨)

શુક્ર, શનિ બતલાવું

એ સાત ગ્રહોની જોડી... ઘોડાગાડી...

મા મા તુજને પરીલોક લઇ જાઉં

રંગબેરંગી પાંખોવાળી (૨) એક પરી લઇ આવું

તેને બનાવું તારી નાની લાડી... ઘોડાગાડી...


12. મમ્મી રે મમ્મી મને નાની ના સમજો

મમ્મી રે મમ્મી મને નાની ના સમજો

કે તો મમ્મી હું સાયકલ ચલાવી દઉં

સાયકલ ચલાવી દઉ ને સૂરત બતાવી દઉં

મમ્મી રે...

કે તો મમ્મી હું પ્લેન ચલાવી દઉં

પ્લેન ચલાવી દઉંને પોરબંદર બતાવી દઉં

મમ્મી રે...

કે તો મમ્મી હું મોટર ચલાવી દઉં

મોટર ચલાવી દઉંને મુંબઇ બતાવી દઉં

મમ્મી રે...

કે તો મમ્મી હું ગાડી ચલાવી દઉં

ગાડી ચલાવી દઉંને ગોંડલ બતાવી દઉં

મમ્મી રે...


13. ચલ મેરી ગાડી છૂક-ક

ચલ મેરી ગાડી છૂક-છૂક-છૂક

પાવો વગાડતી પીપ પીપ પીપ

શિયાળે પણ ચાલી જાય

ઉનાળે પણ ચાલી જાય

ચોમાસે પણ ચાલી જાય

ચલ મેરી...

દાળભાત ખાય નહીં

શાક રોટલી ખાય નહીં

કોલસા એ ખૂબ ખાતી ભૂક ભૂક

ચલ મેરી...

ગુજરાતી એ બોલે નહીં

અંગ્રેજી એ બોલે નહીં

બોલી એની સાવ નિરાળી છૂક છૂક

ચલ મેરી...


14. લીલી પીળી બસ ચાલી જાય

લીલી પીળી બસ ચાલી જાય

ચાલી જાય ચાલી જાય

એક ટકોરે અટકે તો બે એ ઉપડી જાય

લીલીપીળી...

કાળા ડામરના રસ્તા

આવે છે સામા ધસતા

નદીઓની રેતી સરકી જાય સરકી જાય (૨)

લીલીપીળી..

રસ્તામાં આવે ફાટક

ગાડી ભાગે ખટાપટ

મોટરનું ભોંયુ પીપ પીપ થાય (૨)

લીલીપીળી...

બારી પાસે હું બેસુ

જોતો હું ગાયો ભેંસુ

ઊંટની વણજાર ચાલી જાય ચાલી જાય (૨)

લીલીપીળી...


15. સાગરમાં નાવ મારી સરરર્ જાય

સાગરમાં નાવ મારી સરરર્ જાય

કાંઠે ઊભાં ઝાડ કેવાં નાના-મોટા થાય

દૂર દૂર પંખીઓનો કલરવ થાય

સમીરની મંદ મંદ વાંસલડી વાય

સફેદ સઢમાં કેવો પવન ભરાય

હલેસાં મારું તો નાવ દોડી - દોડી જાય

સાગરમાં...

ઊંચે ભૂરું આકાશ કેવું વિશાળ જણાય

નીચે કાળાં કાળાં પાણી જોયા નવ જાય

તોફાનમાં નાવ મારી ડગમગ થાય,

પ્રભુને સ્મરું તો નાવ દોડી - દોડી જાય

સાગરમાં...


16. એક બળદનો એકડો ચાલે બે બળદનું મારું

એક બળદનો એકડો ચાલે બે બળદનું ગાડું

દડબડ્ દડબડ્ દડબડ્ દડબડ્તું એ ગાડું

એક ઘોડાનો ટાંગો ચાલે ખબ ખબ ખબ ખબ

બે ઘોડાની ગાડી (૨)

દોડે ઘોડા, દોડે ઘોડા આવે ગમ્મત ગાડી (૨)

પાણીમાં તો હોડી ચાલે હૈ હો હૈ હો

વહાણ સરરર સરતું (૨)

દરિયો ત્યાં સ્ટીમર ચાલે (૨) જાણે મકાન તરતું

એક બળદ...

પાટા ઉપર છૂક છૂક કરતી દોડી જાતી ટ્રેન

ઊંચે ઊંચે આકાશે તો ઊડે એરોપ્લેન

ઊડે એરોપ્લેન ભાઇ ઊડે એરોપ્લેન

એક બળદ...


17. મોર મુખી નાવડી મારી

મોર મુખી નાવડી મારી

ચાલો સાગર પાર રે

લીલમલીલા નાચતાં પાણી

નાચતું મારું મન સેલાણી

ભોમકા દીઠી આજ અજાણી

ઊગતા પોરે પહેલા સોનલ સૂરજના સથવારે

ચાલો સાગર પાર રે...

સાત સમંદર સામટા ખેડી

રંગ રંગીલા સોનલા કેરી

પાથરી પહેલા પ્રેમની વેણી

દરિયાની દુનિયામાં જયાં નેહની તારી

ચાલો સાગર પાર રે…

આવશું પાછા આપણા દેશે

બાને બેની ઓવારણાં લેશે

આવતા આંનદના પૂર સાથે, ચાલશે હેત ઉછાળી

ચાલો સાગર પાર રે...


18. અમે મોટરમાં ફરવા ગ્યાતા

અમે મોટરમાં ફરવા ગ્યાતાં

મોટર બોલે પમ પમ પમ

અમે જલેબી ગાંઠિયા ખાધાં

અમે ઝાડની ડાળીએ ઝૂલ્યાં

અમે ઊંચેથી ઠેકડા માર્યાં

મોટર બોલે પમ પમ પમ

અમે મોટરમાં...

અમે રેતીમાં ડુંગરા બનાવ્યાં

અમે પાણીમાં છબછબિયાં કર્યાં

અમે સાંજ પડી ઘેર આવ્યાં

મોટર બોલે પમ પમ પમ

અમે મોટરમાં...

રસ્તામાં છોકરાં સામા મળ્યા.

છોકરાં છોકારાં આઘા ખસો

મારી મોટર દોડી જાય

મોટર બોલે પમ પમ પમ

અમે મોટરમાં...


19. અમે રેલગાડી રમતાં’તા

અમે રેલગાડી રમતાં’તા, અમે છૂક છૂક છૂક છૂક કરતા તા

છૂક છૂક છૂક છૂક કર તા, છૂટી જવાની કેવી મજા

અમે...

અમે એક રંગી રમતાં’તા, અમે લાત લાત કરતાં’તા

લાત-લાત કરતા, લપાઇ જવાની કેવી મજા

અમે...

અમે ઝોળી ઝોળી રમતાં’તા, અમે ટીંગાટોળી કરતાં’તા

ટીંગા ટોળી કરતાં કરતાં, ટીંગાઈ જવાની કેવી મજા

અમે...


20. પીપ પીપ પીપ પીપ સીટી વાગે

પીપ પીપ પીપ પીપ સીટી વાગે

છૂક છૂક છૂક છૂકછૂક ગાડી ચાલે

ટિકિટ કપાઓ બેસી જાઓ

નહીંતર ગાડી ઉપડી જાશે

ટન ટન ટન ટન ટન ડંકા વાગે

સૂતેલા જબકીને જાગે

સિગ્નલ આપે ધજા બતાવે

લાઇન કિલયર કહેવાય

પીપ પીપ...

લાંબા લાંબા પાટે સરતી

પુલ ને પહાડો પર ચડતી

સ્ટેશન ફરતી પાણી ભરતી

વેગે દોડી જાય

પીપ પીપ...

દોડે દોડે એ કદી ના થાકે

હરદમ બઢતી આગે આગે

શીખવે એ તો કદમ બઢાઓ

સ્ટેશન પહોંચી

પીપ પીપ...


21. ઊંચે ચડે છે વિમાન

ઊંચે ચડે છે વિમાન આકાશમાં ઊંચે ચડે છે.

જમીન ઉપરથી ગોળ ગોળ ગોળ ફરતું

ભરરર... ભય ભય કરતું જાય આકાશમાં

આકાશમાં ચડતું ફૂદરડી ફરતું

નાનું નાનું થાતું જાય… આકાશમાં..

આકાશે દોટ સીધી સીધી મૂકતું

મોટા મોટા શહેરે જાય.. આકાશમાં..

બાળક તેને જોઇને આમ તેમ કૂદતું

સાથે સાથે દોડતું જાય.. આકાશમાં..

બાળક આનંદથી ખૂબ ખૂબ હસતું

વિમાન વિમાન ફરતું જાય.. આકાશમાં..


22. છૂક છૂક ગાડી દોડે

છૂક.. છૂક.. છૂક.. ગાડી દોડે

ખટ.. ખટ.. ખટ.. પૈડાં બોલે

મનડું મારું ડોલે રે ... (૨)

છૂક.. છૂક.. છૂક..

વાંકી ચૂંકી જાય ધસતી

જાણે નાગણ જાય સરતી

દુનિયા આખી ફરતી રે (૨)

છૂક.. છૂક.. છૂક..

ખેતર ગયાને ડુંગરા આવ્યા

ડુંગરા ગયાને ખેતર આવ્યા

જાણે જગ ચકડોળે ચડયા (૨)

છૂક.. છૂક.. છૂક..

અમે મુસાફર તરેહ તરેહના

નાના-મોટા કોઈ રૂપાળા

સૌને લઈ ધસતી રે (૨)

છૂક.. છૂક.. છૂક..


23. પી. પી. છૂક છૂક અવાજ કાઢી દોડે

પી.... પી.... છૂક છૂક અવાજ કાઢી દોડે આગગાડી

એન્જિન ડબ્બા ગાર્ડબનીને

રમીએ આગગાડી.. પી... પી...

ધૂમાડા ગોટા કાઢી

દોડે આગગાડી

નદી નાળાને પર્વત ખૂંદી

દોડે આગગાડી.. પી... પી...

સુખને દુઃખના સાથી સૌ જાણે

બેઠા વડની ડાળે

માનવ મેળાને લઇ

ફરવા નીકળી સૌની માડી.. પી... પી...

પૃથ્વીનો ફેરો ફરવાને

ધમ ધમ દોડે ગાડી

બાળક પીઠે બાંધી જાણે

ફરવા નીકળી માડી.. પી... પી...


બાળગીત : ફળ, વૃક્ષ, ફૂલ ગીત


(1) પિપૂડીવાળો

પિપૂડીવાળાનો પેલો તનમનિયો તનમનિયો

ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો

કેરી ખવાય છે ગોટલા ફેંકાય છે (૨) ચોરી પકડાય છે

મનમાં ને મનમાં તનમનિયો મૂંઝાય છે

પિપૂડીવાળા...

ચોરી ગયો એ તો કેળાંનો કરંડિયો

કેળાં ખવાય છે છાલ ફેંકાય છે, (૨) ચોરી પકડાઇ છે

મનમાં ને મનમાં તનમનિયો મૂંઝાય છે

પિપૂડીવાળા...

ચોરી ગયો એ તો જાંબુનો કરંડિયો

જાંબુ ખવાય છે ઠળિયા ફેંકાય છે, (૨) ચોરી પકડાય છે

મનમાં ને મનમાં તનમનિયો મૂંઝાય છે

પિપૂડીવાળા...


(2) કપાસનો છોડ

હું તો નાનો કપાસનો છોડ ખેતરમાં ઊગતો તો,

મારા લીલાં લીલુડાં શા પાન, પવનમાં ડોલતો તો

હું તો નાનો...

મને બેઠા પીળા પીળાં ફૂલ જાણે ઘંટડીઓ સોનાની

પેલા ખેડૂત ભાઇ હરખાય મહેનત એની ફળવાની

હું તો નાનો...

જુએ ટાઢ તડકો ન વરસાદ એ દિનરાત દુઃખ વેઠે

લે છે મારી કેવી સંભાળ પોતાના પુત્રની પેઠે

હું તો નાનો...

હવે રહેશે ખેડૂના ગરીબ કપાસ બહુ ફૂટવાનો

ફૂલી ફાલી હું આપી કપાસ ખેડૂનું ઘર ભરવા ને

હું તો નાનો...


(3) વડદાદાની લાંબી દાઢી

વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળ

ખોળમ ખોળમ રમતાં રમતાં

ભૂલા પડતાં ભાઈ (૨) ભૂલા પડતાં બાળ

ઓ વડદાદા આપો ટેટા

રાતાને વળી મોટાભાઇ (૨) રાતાને વળી મોટાં

પછી રમીશું આઘે જઇને

આટાને વળી પાટા ભાઇ (૨) આટાને વળી પાટા

વડદાદાની લાંબી દાઢી લાંબા લાંબા વાળ


(4) કેવાં મજાનાં બોર

કેવાં મજાનાં દેખાય બોર બા કેવાં મજાનાં

ટાઢ બહુ આવતી ને બોર બહુ પાકતાં

પથ્થરો ફેંકતા ને બોર નીચે આવતાં

ખંતે ખાવાનું મન થાય… બોર બા....

ખિસ્સા ભરતાં ને ઘેર દોડી આવતાં

બોરોની લાણી કરાય.. બોર બા...


(5) કરેણનાં ફૂલ

મને પીળી કરેણનાં ફૂલ ગમે

મને ગોરી તે ગાયનાં દૂધ ગમે

મને નાચતું તારક વૃંદ ગમે

મને ચંદ્ર તણા પ્રતિબિંબ ગમે

મને પીળી…

મને સાગરના ઘૂઘવાટ

મને વાયુ તણાં સૂસવાટ ગમે

મને પીળી...

મને મેઘ ધનુષ્યના રંગ ગમે

મને ખેતરના લીલા મોલ ગમે

મને પીળી...

મને રંગબેરંગી પતંગ ગમે

મારા મનના મીઠા તરંગ ગમે

મને પીળી...


(6) ફૂલડાં રે

ફૂલડાં રે અમે ફૂલડાં

અમે જગની ફૂલવાડીનાં ફૂલડાં

જગની ફૂલવાડીના પ્રભુજી છે મોટા

પ્રેમથી કરતાં સૌની રખવાળી

ફૂલડાં રે…

ચાંદો સૂરજને તારલાના દિવડા

સળગે ગગનમાં મલકાવી મુખડાં

ફૂલડાં રે...

પંખી કિલ્લોલતા વૃક્ષોના વૃંદમાં

સૂણીને નાચતાં હૈયાં આનંદમાં

ફૂલડાં રે...


(7) મારા આંગણામા ખીલતાં ફૂલ

મારા આંગણામાં (૨) ખીલતાં ફૂલ

કે ભાઈને પૂછે બેન

કે બેનને પૂછે ભાઈ

કે રંગ આ કોણે પૂર્યાં

કેસરિયા રંગના ઝૂમે છે છોડવા

વહાલાં - વહાલાં ફૂલડાં ગમે ન તોડવા

અમો આંગણામાં (૨) ઓપતાં અમૂલ

કે રંગ આ...

કુદરતનાં વનમાં ગીત નવાં ખીલતાં

બાગમાં શોભતાં બગીચામાં ડોલતાં

એતો મધમધતા (૨) ડોલતા ફૂલ

કે રંગ આ...

દેવ મંદિરિયે બહેનીની વેણીએ

શાળાના ચોકમાં વાડીનાં ખેતરે

એ તો ફરતાં તા (૨) આંગણામાં ફૂલ

કે રંગ આ...


(8) ચંપાનું ફૂલ

મારાં તે ઘરમાં નાની બકુલને

ચંપાનું ફૂલ બહુ ગમતું રે,

ધોળું છે ફૂલને પાંચ છે પાંખડી

મીઠી સુગંધે મધમધતું રે..૧

ઊંચે ઊડે તો લાગે પતંગિયું

ફર ફર ફરતું ઊડતું રે,

બેનીના શીરે અંબોડે શોભતું રે

હસીને ડોકિયાં કરતું રે..૨

સમીરે ઝૂલતું ફોરમ ફેલાવતું

સૌનાં હૈયાંને ડોલવતું રે,

ફૂલ ચકલી જો આવી ને બેસતી

મીઠા મધુરા રસ પાતું રે..૩

ચાંદીની રાતે ચંપાનું ફૂલડું

તારાની જેમ ઝગમગતું રે,

જાણે આકાશી તારાનું ટોળું

ચંપાના ઝાડે બેસતું રે..૪


(9) રાતું ગુલાબ

છોડવાની ડાળે,

કે રંગે રૂપાળે,

કે સૌ કોઈ ભાળે,

રાતું ગુલાબ બેઠું હતું, બેઠું હતું.

પવનની પાંખે,

કે ડાળીઓની સાથે,

કે છોડવાની ટોચે,

રાતું ગુલાબ હલતું હતું, હલતું હતું.

બેનીને હાથે,

કે ફૂલડાંની સાથે,

કે ફૂલદાની માથે,

રાતું ગુલાબ બેઠું હતું, બેઠું હતું.


(10) કેરી

કેરી લીલી, કેરી કાચી, કેરી પીળી, કેરી પાકી,

ભારે મીઠી પીળી રાતી, જોતાં મોંમા આવે પાણી.

જાતજાતની ભાતભાતની, કેરી કેસર રાજાપુરી,

કેરી લંગડો, તોતા, હાકૂસ, કેરી ગુણમાં ગરવી નરવી.

કરો કચુંબર કરો અથાણાં, કેરીથી ના કોઇ અજાણ્યાં,

કટકી છૂંદો મુરબ્બો માણી, વાહ કેરી ! સૌએ વખાણી.

જુઓ કેરી જુઓ ગોટલી, બહુ ઉપયોગી સૂકી ગોટલી,

સુખકર કેરી દુઃખહર ગોટલી, વાહ કેરી વાહ વાહ ગોટલી

ઉનાળામાં સૌએ માણી કેરી, તું તો ફળની રાણી.

જે ખૂબ ખાતાં રોજે કેરી, કાયા સુંદર બને અનેરી.


(11) નાની બકુલ

ચોકમાં બેઠી છે નાની બકુલ

ફરતાં ઝૂમે છે બાગના ફૂલ...૧

ગુલાબ મોગરોને રૂપાળી સોનસળી

કડવી કરેણની ફૂલતી કળી,

ઝીણી ઝીણી જૂઇ પણ, આનંદે ડોલતી

ઊંચે ઝૂમે છે ચંપાનું ફૂલ...૨

ચોકમાં છે હીંચકોને ચોકમાં છે પાણી

ખેલે છે બાળકો મોજ માણી,

ગલગોટો ચમેલી, સૂરજમુખીનાં

પવનથી નાચે રૂપાળાં ફૂલ..૩

નાનાં ને મોટાં પંખીઓ આવતાં

પતંગિયાં આવતાં, ભમરાઓ આવતાં

નાચે છે બાળકો, ઝૂમે છે ફૂલડાં

ડાળીએ બોલતું નાનું બુલબુલ..૪


(12) સૂરજમુખી

ઓ રે સૂરજમુખી, ઓ રે સૂરજમુખી

તારું જીવન છે કેવું સુખી?

ઊગી ઉષા તણાં

લે તું ઓવારણાં

વેરે પરાગ તું ઝૂકી ઝૂકી,

તારું જીવન છે કેવું સુખી?

મારે આંગણિયે, રે…

સોના દાંડલિયે

નાનેરું નાચે લજ્જા મૂકી,

તારું જીવન છે કેવું સુખી?

પાંખડીઓ તાહરી

છોને જતી ખરી

મારે હૈયે તારી મૂર્તિ લખી,

તારું જીવન છે કેવું સુખી?


(13) શિંગોડાં

શિંગોડાં શિંગોડાં... અમને આપો થોડાં

એક પછી એક આવો નહીં તો પડી જાશો મોડાં..

એક શીંગોડું એવું આખો દિવસ રડતું

એં એં, મમ્મી પપ્પા બોલ્યા કરે

કહોજી તમને એવું ગમે?

નાના નાના... શિંગોડાં શિંગોડાં...

એક શીંગોડું એવું, આખો દિવસ ઝઘડે

બચકા ભરતું ચૂંટીયો ભરતું

કહોજી તમને એવું ગમે?

ના ના ના... શિંગોડાં શિંગોડાં...

એક શીંગોડુ એવું, આખો દિવસ હસતું

હા હા હા.. કહોજી તમને એવું ગમે?

હા હા હા... શિંગોડાં શિંગોડાં...


(14) જાંબુડો

જાંબુડો કોણે વાવ્યો? કોણે વાવ્યો? કોણે વાવ્યો રે?

જાંબુડો અમે વાવ્યો, તમે વાવ્યો, આપણે વાવ્યો રે..

જાંબુડો કેમ વાવ્યો? કેમ વાવ્યો? કેમ વાવ્યો રે..?

જાંબુડો આમ વાવ્યો, આમ વાવ્યો, આમ વાવ્યો રે..

પાણી કોણે પાયું? કોણે પાયું? કોણે પાયું રે..

પાણી અમે પાયું, તમે પાયું, આપણે પાયું રે…

જાંબુડો કેવડો થયો? કેવડો થયો? કેવડો થયો રે.?

જાંબુડો આવડો થયો, આવડો થયો, આવડો થયો રે..

જાંબુડાં કેવડાં થયાં? કેવડાં થયાં? કેવડાં થયાં રે..?

જાંબુડાં આવડાં થયાં? આવડાં થયાં? આવડાં થયાં રે..?

જાંબુડાં કેટલાં ખાધાં? કેટલાં ખાધાં? કેટલાં ખાધાં રે..?

જાંબુડાં આટલાં ખાધાં, આટલાં ખાધાં, આટલાં ખાધાં રે..

જાંબુડાં કેમ ખાધાં? કેમ ખાધાં? કેમ ખાધાં રે..?

જાંબુડાં આમ ખાધાં? આમ ખાધાં? આમ ખાધાં રે..?

જાંબુડાં કોણે ખાધાં? કોણે ખાધાં? કોણે ખાધાં રે..?

જાંબુડાં અમે ખાધાં, તમે ખાધાં, સૌએ ખાધાં રે...


(16) લીમડી

મારે આંગણિયે લીલૂડી લીમડી,

લચે લીંબોળીની લૂમ-

લીમડી લૂમેઝૂમે રે...

વાયા વૈશાખનાં વાયરા ને

એણે ધાવ્યાં ધરતીનાં દૂધ-

લીમડી લૂમેઝૂમે રે...

લીલી પીળી ઓઢી ઓઢણી,

માંય ચાંદા સૂરજનાં ફૂલ-

લીમડી લૂમેઝૂમે રે...

ભલે ઊગી તું મારે આંગણે

તારાં શાં શાં મૂલવું મૂલ?

લીમડી લૂમેઝૂમે રે...

બળ્યાં-ઝળ્યાંનું બેસણું, ને

કોઇ થાકયાનો વિશ્રામ-

લીમડી લૂમેઝૂમે રે...


(17) બોરાં પાકયાં

બોરાં પાકયાં રે બોરાં પાકયાં

મારી વાડીમાં બોરાં પાકયાં,

લીલાં-પીળાં ભાઈ બોરાં પાકયાં,

ખાટાં-મીઠાં ભાઇ બોરાં પાકયાં,

મારી વાડીમાં બોરાં પાકયાં,

અજમેરી બોરડીનાં બોરાં પાકયાં,

મોટાં મોટાં ભાઈ બોરાં પાકયાં,

ગળ્યાં ગળ્યાં ભાઈ બોરાં પાકયાં,

બોરાં પાકયાં ભાઇ બોરાં પાકયાં,

મારી વાડીમાં બોરાં પાકયાં.


બાળગીત : અભિલાષા ગીત


1. પાણીના ધોધમાં નાહવું ગમે મને

પાણીના ધોધમાં નાહવું ગમે મને

પંખીના બોલમાં ગાવું ગમે મને..

સોનેરી શેરીને સોનેરી માળ છે,

સોનેરી નદીઓને સોનેરી પહાડ છે,

સોનેરી સોનેરી મને થાવું ગમે...પંખીના...

સોનેરી પીંછાં ને સોનેરી રંગ છે,

સોનેરી મોરને સોનેરી ચકોર છે,

સોનેરી સોનેરી મને થાવું ગમે...પંખીના...

સોનેરી શાળાનો સોનેરી બાગ છે,

સોનેરી પુષ્પોને સોનેરી સુવાસ છે,

સોનેરી સોનેરી મને થાવું ગમે...પંખીના...


2. બા હું નિશાળે જવાનો

બા હું નિશાળે જવાનો

પેન્ટ અને ટાઇ પહેરવાનો

રાજુ જેવાં મોજાં લઉ

પારૂલ જેવો પટ્ટો લઉ

ખંભે નાનું દફતર લઇને

સફેદ બગલા જેવો બનીને

પમ..પમ..બસમાં જવાનો..

બા હું નિશાળે...

લાવો પાટી આપો પેન

સાથે આવો મોટાંબેન

આંગળી પકડી સૌની સંગે

હસતા હસતા જવાનો

બા હું નિશાળે.

A B C D લખું છું.

ગજવામાં રૂમાલ રાખું છું.

ભણી ગણીને મોટો થઇને

હું ડોકટર બનવાનો

બાહું નિશાળે...


3. પંખી બની ઊડી જાઉં

પંખી બની ઊડી જાઉં (૨)

હો..હો..હો... ચાંદામામાનાં દેશમાં (૨)

કાળાં કાળાં વાદળાનો, દેશ ચાંદામામા

વાદળ બની વરસી જાઉં (૨) હો...હો...હો...

ટમટમતા તારલાનો દેશ ચાંદામામા

તારલ બની ઝબકી જાઉં (૨) હો...હો...હો..

રૂપાળી પરીઓનો દેશ ચાંદામામા

પરી બની ઊડી જાઉં (૨) હો...હો...હો...

વાદળ બની વરસી જાઉં

તારલા બની ઝબકી જાઉં

પરી બની ઊડી જાઊ હો...હો...હો...


4. એક જાડો પાડો લીમડો

એક જાડો પાડો લીમડો

જો કબડ્ડી રમવા આવે તો...

મજા પડે ભાઇ મજા પડે..

એક ગુલાબ છોડે લાલ ગોટો

જો લંગડી રમવા આવે તો

મજા પડે ભાઇ મજા પડે..

એક ટમટમ કરતા તારલિયા

જો પતંગિયું થઇ આવે તો...

મજા પડે ભાઇ મજા પડે..

એક ભણતર ભણતાં બાળકો

જો સત્યનું આચરણ કરશે તો...

મજા પડે ભાઇ મજા પડે..


બાળગીત : રમત-ગમત ગીત


1. ફેરફૂદરડી ફરતાં

અમે ફેરકૂદરડી ફરતાં તાં

અમે ગોળ ફૂદરડી ફરતાં તાં

ફરતાં-ફરતાં પડી જવાની કેવી મજા

ભાઇ - કેવી મજા

અમે સંતાકૂકડી રમતાં તાં

સંતાકૂકડી રમતાં રમતાં સંતાઇ જવાની

કેવી મજા ભાઇ કેવી મજા

અમે સાતતાળી રમતાં તાં

અમે દોટં દોટા કરતાં તાં

દોટં દોટા કરતાં કરતાં

પછડાઈ જવાની કેવી મજા.. અમે...

અમે ઝાડે ઝાડે ચડતાં તાં

અમે આંબલી પીપળી રમતાં તાં

ઝાડે ઝાડે ચડતાં ચડતાં પડી જવાની કેવી મજા


2. બકરીબાઈ બાલમંદિરે આવ્યાં

બકરીબાઇ ફરતાં ફરતાં બાલમંદિરે આવ્યાં

તેનાં છૈયા છોરું ને પણ લેતાં આવ્યાં

એક બચ્ચું આમ તેમ જુએ બીજું ધીમેથી રુએ

બકરીબાઈ છાના રાખી સંગીત રૂમમાં લાવ્યાં

બકરીબાઇ ફરતાં...

ટન ટન મંજીરાં વાગ્યાં,

બચ્ચાંઓ ભડકીને ભાગ્યાં.

બકરીબાઈ પાછા વાળી આંખો મીંચી લાવ્યાં

બકરીબાઇ ફરતાં...

તબલાની રમત જામી, આ રમત સૌને વ્હાલી

બકરીબાઇએ બચ્ચાં સાથે શીંગડાં ડોલાવ્યાં

બકરીબાઇ ફરતાં...

એક બચ્ચું કરે અભિનય, બીજું રમતું તાલી દઇ

બકરીબાઈ બચ્ચાં સાથે, કૂચ કરીને આવ્યાં

બકરીબાઇ ફરતાં...

એક બચ્ચું રડવા લાગ્યું, બીજું ગભરાઇને ભાગ્યું

બકરીબાઈ ખૂબ ખીજાયાં બેં બેં કરવા લાગ્યાં.

બકરીબાઇ ફરતાં...

હવે બકરીબાઇ ઘેર આવ્યાં, બચ્ચાં ના રહે જાલ્યાં

બકરીબાઇ એ ચારે પગેથી ઠેકડા લગાવ્યાં.

બકરીબાઇ ફરતાં...


3. ઉપર હાથ નીચે હાથ

ઉપર હાથ નીચે હાથ

તાલી પાડો સાથ સાથ

જમણી બાજુ ગોળ ફરો

ડાબી બાજુ ગોળ ફરો

તાલી પાડો સાથે સાથ

ઉપર હાથ નીચે હાથ

તાલી પાડો સાથ સાથ

ઉપર હાથ નીચે હાથ

માથે હાથ, ખંભે હાથ

કમરે હાથ, ગોઠણે હાથ

તાલી પાડો સાથે સાથ


4. રમતા રે ભમતા

રમતા રે ભમતા (૨) મને ગમતાં નાનાં બાળ

આ ગામડાની ધરતીને છેડે રસાળ (૨)

મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે

એ.... ચાલે નાની નાની ચાલે

આ ગામડાની...

એનઘેન દીવાઘેન, તારા મનમાં કોણ છે

દાહીનો ઘોડો પાણી પીતો, રમતો જાય તે છૂટો

એ.... કરતાં જતાં એક બીજાને વ્હાલ

આ ગામડાની... (૨)

દાદાનો ડંગોરો લીધો, તેનો મેં ઘોડો કીધો

ઘોડો ચાલે રૂમઝૂમ, ધરતી ગાજે ધમધમ

મારો ઘોડો કૂદતો જાય, કૂદતા કૂદતા આવે કોટ

એ.... કોટ કૂદીને મૂકે દોટ

આ ગામડાની...


5. ફરો ફૂદરડી

ફરોને છોકરાવ ફૂદરડી,

જેમ ફરે ઉંદરડા-ઉંદરડી..ફરો...

ફરે ચાંદો સૂરજ બે કૂદરડાં

પેલી તારલીઓ સૌ ફૂદરડી..ફરો...

ફરે દિવસો તે ધોળા ચકરડાં,

પેલી રાત રૂપાળી કૂદરડી..ફરો...

ફરે મેહુલો મોટો કૂદરડાં,

પેલી વાદળીઓ સૌ ફૂદરડાં

ફરે ઇશ્વર જો થઇ ફૂદરડાં

તો દુનિયા થઇ જાય ફૂદરડાં


6. અમે શેરીએ રમતા બાળ

હારે અમે શેરીએ રમતાં બાળ, શેરીએ રમવા દો

હારે અમે મસ્તી ના કરશું લગાર શેરીએ રમવા દો

બાબો આવે બેબી આવે

ખાવાનું સૌ કોઇ લાવે

હારે અમે ઉજાણી કરતાં, બાળ...શેરીએ રમતાં...

ધાણી લાવે, ચણા લાવે

મમરા લાવે, સેવ લાવે

હારે અમે ઉજાણી કરતાં, આજ...શેરીએ રમતાં...

બા આવે, બાપુ આવે

દોડી દોડી સૌ કોઇ આવે

હારે અમે રમશું અપાર આજ..શેરીએ રમતાં...


7. હીંચકે ચડિયા

એક એક હીંચકે બેસીને ચડિયા

હીંચકો ચડયો આંબાની ડાળે

ચકો ચકી વાત કરતાં માળે એક...

હીંચકો ચડયો ડુંગરાની ટોચે

શંકર પાર્વતી બેઠાં તાં ગોખે એક...

હીંચકો ચડયો આકાશી ચોકે

ચાંદો સૂરજ બે રમતા દોડે એક...

ચકાને આવી પાંખો બે પાસમાં

ખરરર હીંચકો ઊડયો આકાશમાં એક...


8. આવ્યો એક મદારી

હા.. હા.. આવ્યો એક મદારી

ખેલ કરે એ જાત જાતના ડમડમ ડમરૂ વગાડે

માથે મોટી પહેરી પાધડી

કેડે વીંટી લીલી પોતડી

લીધી હાથમાં લાંબી લાકડી

દાઢી એની જાણે ગીરના જંગલ કેરી ઝાડી હા..

મુરલીતણા એ સૂર સાંભળી

અમને જોવા તણી મજા પડી

ઘૂઘરા પહેરી નાચ કરે જરી

વળી કહે વચ્ચે એ કયારેય પાડો બચ્ચાં તાળી હા...

થેલામાંથી કાઢયા ડબરા

બનાવ્યાં જાદુથી બતકા

એના નાગ બે કાબર ચીતરા

ખાલી ડબલામાંથી કાઢી સૂતરફેણી હા..

સસલા કેરું કર્યુ કબૂતર

મોઢેથી બોલે છૂમંતર

થયો અમોને આનંદ અંતર

કહો રોટલી-લઇને આવો જો તમને મા વહાલી

હા... હા... આવ્યો એક મદારી.


9. રમકડાં લ્યો રમકડાં

રમકડાં લ્યો રમકડાં

જાત જાતના લ્યો રમકડાં

નાનાંને મોટાં ચાવીથી ચાલતાં (૨)

પાણીમાં તરતાં રમકડાં

જાત જાતનાં લ્યો રમકડાં

સાયકલને મોટર ચાવીથી ચાલે (૨)

પાટા ઉપર સીધી આગગાડી દોડે (૨)

એન્જિનમાં નીકળે ધૂમાડા

જાત જાતનાં લ્યો રમકડાં

રમકડાં લ્યો............

નાની ને મોટી ઢીંગલી રે લેજો (૨)

બેબીબેનને માટે ઘૂઘરો રે લેજો (૨)

ભાઇને વગાડવા વાજા રે

જાત જાતનાં લ્યો રમકડાં

રમકડાં લ્યો..........


10. મજા પડે મજા પડે

મજા પડે મજા પડે

જો રોજ - રોજ રમવાની રજા પડે

ખેતરમાં ખેડૂને કહીએ બૂમ પાડી (૨)

ખેડૂતભાઇ (૨) રમવા આવોને આગગાડી

ખેડૂ કહે લોક સૌ ભૂખે મરે...

જો રોજ રોજ રમવાની રજા પડે

મજા પડે...

ચાંદા સૂરજની પાસ જઇ પૂછીએ

રમવા આવોને વીરા સંગે મળી કૂદીએ

બેઉં બોલ્યા અંધારે જન સહુ ડરે

જો રોજ - રોજ રમવાની રજા પડે

મજા પડે...

ફૂલને જોઇ પૂછીએ ડાળીએ ઝૂલતાં

અમારી સંગ કેમ રમવાનું ભૂલતાં?

ફૂલ કહે ! દેવ શીર કોણ રે ચડે?

જો રોજ - રોજ રમવાની રજા પડે

મજા પડે...


11. ચાલો રમીએ એનઘેન રે

ચાલો રમીએ એનઘેન રે

એનઘેન રે ભાઇ દીવાઘેન રે

ચાલો રમીએ...

હિરેનભાઇ આવ્યા સનીભાઇને લાવ્યા

કૃતિકાબેન આવ્યા, ધૃતિબહેનને લાવ્યા

ચાલો રમીએ...

દાવ પહેલા કેરો કોણ?

ડાયનો ઘોડો થાશે કોણ?

સોનલબહેન થાશે ના.. ના.. ના..

આરતીબહેન થાશે ના.. ના.. ના..

હેતલબહેન થાશે ના.. ના.. ના..

ચિરાગભાઇ થાશે હા.. હા...હા..

છૂપાઇ જાજો છાના - માના

ગૂપચૂપ રહેજો મોટા - નાના

ડાયનો ઘોડો છૂટે છે

પાણી પીતો છૂટે છે

રૂમઝૂમ કરતાં છૂટે છે

ચાલો રમીએ...