ગુજરાતી બાળગીત ભાગ 3 : શિક્ષણ ગીત
બાળગીત : શિક્ષણ ગીત
1. હું ગોળ મજાનું મીંડું
હું ગોળ મજાનું મીંડું
ચાંદો સૂરજ ગોળ રૂપાળા
ગોળ ગોળ છે.
ગોળ ગોળ છે પૈંડાં સઘળાં
પૈંડાં ખેંચે ગાડું
પૂરી જલેબી ગોળ ગોળ છે
ગોળ ગોળ છે ઇંડું
હુ ગોળ મજાનું મીંડું
એક નગરમાં રેતું એકલું
કાંઇ ન કિંમત મારી
કોઇ એકની પાછળ આવું
થાય કિંમત ભારી
ગોળ ગોળ ખાંચ વિનાનું
કયાંય મળે ના છીંડું
હું ગોળ મજાનું મીંડું
2. ઘડિયાળ મારું નાનું એ ચાલે છાનું માનુ
ઘડિયાળ મારું નાનું એ ચાલે છાનું માનું
એ તો કેવી અજબ જેવી વાત છે !
એને નથી પગ પણ ચાલે ઝટપટ
એ તો કેવી અજબ જેવી વાત છે !
એને ખાવાનું નહીં ભાવે પણ એતો
ચાવી આપી ચાલે
એ તો કેવી અજબ જેવી વાત છે !
એ તો દિવસ રાત ચાલે પણ થાક નહીં લાગે
એ તો કેવી અજબ જેવી વાત છે !
ટક ટક કરતું બોલે પણ મોઢું જરાય ન ફૂલે
એ તો કેવી અજબ જેવી વાત છે !
અંધારે અજવાળે એતો સારો વખત સંભાળે
એ તો કેવી અજબ જેવી વાત છે !
3. એ તો કેવી અજબ જેવી વાત છે
નાની મારી આંખ એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના માર હાથ એ તાલી પાડે સાથ
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા પગ એ ચાલે ઝટપટ
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાનું મારુ નાક એ સૂંધે કૂલ મજાનું
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા કાન એ સાંભળે દઇ ધ્યાન
એ તો કેવી અજબ જેવી વાત છે !
4. એકડો સાવ સળેકડો
એકડો સાવ સળેકડો
બગડો ડીલે તગડો
ત્રગડો તાળી પાડે
નાચે તા તા થૈ
ચોગડાની ઢીલી ચડી
સરર ઊતરી ગઇ
પાંચડો પેંડા ખાતો
છગડાની તાણે ચોટી
સાતડો છાનો માનો લઈ ગયો
સૌની લખોટી
આઠડાને ધક્કો મારી
નવડો કહેતો બસ
એકડે મીંડે દશ
ત્યાં તો આવી સ્કૂલ બસ
5. એક વરસના મહિના બાર
એક વરસના મહિના બાર
ઋતુ ઋતુ વચ્ચે મહિના ચાર
એક વરસના...
પહેલી ઋતુ શિયાળો આવે
શિયાળો આવે સાથે ઠંડી લાવે
ગરમ ગરમ કોટ ને સ્વેટર લાવે
કારતક, માગશર, પોષ અને મહા
શિયાળાના મહિના ચાર
એક વરસના...
બીજી ઋતુ ઉનાળો આવે
ઉનાળો આવે સાથે ગરમી લાવે
ઝીણા ઝીણા સુતરાઉ કાપડ લાવે
ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ
ઉનાળાના મહિના ચાર
એક વરસના...
ત્રીજી ઋતુ ચોમાસું આવે
ચોમાસું આવે સાથે વરસાદ લાવે
રેઇનકોટ લાવે છતરી લાવે
અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો
ચોમાસાના મહિના ચાર
એક વરસના...
6. પાંચ ચકલીઓ ચણતી તી ચણતી તી
પાંચ ચકલીઓ ચણતી તી ચણતી તી
એક ઊડી ગઇને રહી ગઇ ચાર (૨)
ચાર ચકલીઓ ચણતી તી ચણતી તી
એક ઊડી ગઇને રહી ગઇ ત્રણ (૨)
ત્રણ ચકલીઓ ચણતી તી ચણતી તી
એક ઊડી ગઇને રહી ગઇ બે (૨)
બે ચકલીઓ ચણતી તી ચણતી તી
એક ઊડી ગઇને રહી ગઇ એક (૨)
7. એક એક એક એક કહેતા ઊભા થાવ
એક એક એક એક એક કહેતા ઊભા થવ
બે બે બે બે બે કહેતા બેસી જાવ
ત્રણ ત્રણ ત્રણ ત્રણ ત્રણ કહેતા તાળી પાડો
ચાર ચાર ચાર ચાર ચાર કહેતા ચૂપ રહો
પાંચ પાંચ પાંચ પાંચ પાંચ કહેતા પડી જાવ
છ છ છ છ છ કહેતા છાના રહો
સાત સાત સાત સાત સાત કહેતા સાથે ફરો
આઠ આઠ આઠ આઠ આઠ કહેતા ઊભા થાવ
નવ નવ નવ નવ નવ કહેતા નાચો ભાઇ
દસ દસ દસ દસ દસ કહેતા બેસી જાવ
8. રૂમઝૂમ રૂમઝૂમ એકડો નાચે
રૂમઝૂમ રૂમઝૂમ એકડો નાચે
બગડો બીન બજાવે રે..રૂમઝૂમ...
ત્રગડાએ એક તારો લીધો
સંગીત સૂર રેલાવે રે..રૂમઝૂમ...
ચીડિયો સ્વભાવ ચોગડા કેરો
થમ થમ પાંવ પછાડે રે..રૂમઝૂમ...
પાંચડા ભાઇ તો હેત કરીને
રંગત રાસ રમાડે રે..રૂમઝૂમ...
છગડાભાઈ તો છાનામાના
મનમાં ગણ ગણાવે રે.. રૂમઝૂમ...
સાતડા કેરા સાત સૂરોથી
રાસમાં રંગ જમાવે રે.. રૂમઝૂમ...
ખંજરી તાલ આઠડા પાસે
નવડો ઢોલ વગાડે રે…રૂમઝૂમ...
દસ રહા ભાઇ સૌથી છેલ્લે
જોરથી તાળીઓ બજાવે રે..રૂમઝૂમ...
9. અદબ પલાઠી વાળી જાવ
અદબ પલાઠી વાળી જાવ
છાના માના બેસી જાવ
ચાલો છોકરાઓ કસરત કરીએ
કસરત કરતા એકડા ભણીએ
એક કહેતા ઊભા થાવ
બે કહેતા જોડો હાથ
ત્રણ કહેતા ડાબો હાથ
ચાર કહેતા બંને હાથ
પાંચ કહેતા માથે હાથ
છ કહેતા ખભે હાથ
સાત કહેતા કેડે હાથ
આઠ કહેતા ગોઠણે હાથ
નવ કહેતા અંગૂઠે હાથ
દસે સર્વે બેસી જાવ.
10. એકડા ભાઇનું માથું મોટું
એકડા ભાઇનું માથું મોટું
બગડાભાઇનું પેટ મોટું
તગડાભાઈ તો માંદા થાય
ચોગડાભાઇ ચીપિયો થાય
પાંચડાભાઇ પજવે બહુ
છએ છક્કા છૂટી જાય
સાતડો સતાવે બહુ
આઠડાભાઇ તો ઝટ આવે
નવડાભાઇ તો નાસી જાય
દસે દીવા પૂરા થાય.
11. જીવાજી તારો નંબર છે ઝીરો
જીવાજી તારો નંબર છે ઝીરો
હવે રે ભાઇ પડ ને તું ધીરો
એકડો તારો અજગર જેવો
બગડો બકરી જેવો...જીવાજી...
ત્રગડો તારો તુંબડી જેવો
ચોગડો ચકલી જેવો...જીવાજી...
પાંચડો તારા પોપટ જેવો
છગડો છત્રી જેવો...જીવાજી...
સાતડો તારો સમડી જેવો
આઠડો આંખો જેવો...જીવાજી...
નવડો તારો નગારા જેવો
દસડો દાડમ જેવો...જીવાજી...
તું તો ભાઇ ખૂદ મીંડા જેવો
તને શું નંબર દેવો...જીવાજી...
12. એક પછી બે આવે
એક પછી બે આવે
નિકુંજભાઇને રોટલી ભાવે
ત્રણ પછી તો આવે ચાર
રોટલી સાથે ખાઓ શાક
પાંચ છ પછી સાત
હવે ખાવાના દાળ ને ભાત
આઠ નવ પછી દશ
પેટ ભરાય ગયું હવે બસ
13. ઉંદર સાત
ઉંદરભાઇ નિશાળે ચાલ્યા રમૂજ એક થઇ
બેસવા જતાં બાળકોને પૂછડી દેખાઇ ગઇ
ઉંદર સાત પૂંછડીઓ ભાઇ (૨)
રડતો રડતો ઘેર આવ્યો માને ખબર થઇ
અલ્યા ઉંદરડા કેમ રડે છે, માસ્તરે માર્યો ભાઈ?
ઉંદર સાત (૨)
માસ્તરે મને માર્યો નથી
માડી પડી ગયો નથી ક્યાંય
બાળકો બધા ખીજવે મને સાત પૂછડીયાભાઈ
ઉંદર સાત (૨)
એક પૂછડી કાપી ભઇ પૂછડી છ થઇ
એક પૂછડી કાપી ભઇ પૂછડી પાંચ થઇ
એક પૂંછડી કાપી ભઇ પૂછડી ચાર થઇ
એક પૂછડી કાપી ભઇ પૂછડી ત્રણ થઇ
એક પૂછડી કાપી ભઇ પૂછડી બે થઇ
એક પૂછડી કાપી ભઇ પૂછડી એક થઇ
એક પૂંછડી કાપી ભઇ પૂછડી રહી નહીં
એક પછી એક પૂછડી કાપી નિરાંત હવે થઇ
નિશાળે જઇ પહોંચ્યાં ત્યાં તો બાળકો બોલ્યા ભાઇ
ઉંદર બાંડો.............. ઉંદર બાંડો
14. મારી ઘડિયાળને ત્રણ ત્રણ કાંટા
મારી ઘડિયાળને ત્રણ ત્રણ કાંટા
ત્રણે ફરે છે ગોળ ગોળ આંટા
મારી...
નાનો સેકંડનો કાંટો ફરે છે
ટક ટક ટક ટક એક સરખો સર છે
ગણતો મિનિટમાં સાઇઠ સાઇઠ -
કાંટો એ ટેલતો
મારી...
મારો મિનિટ કાંટો એ ટેલતો
પાંચ પાંચ મિનિટે ઘર એક ઠેલતો
આવે કરી કામ બરાબર આંટો
મારી...
નાનો કાંટો કેવો કલાકનો પુરાણી
નજરે દેખાય નહી ચાલે એવી ગતિ
દિવસને રાત મળી ફરતો બે ચંદા
મારી...
15. એક કહેતાં
એક કહેતાં ઊભા થઈએ,
બે બોલીને બેસી જઈએ,
ત્રણ કહીને તાળી પાડીએ,
ચાર બોલીને ચણા ખાઈએ,
પાંચ બોલીને પંજો ગણીએ,
છ બોલીને છત્રી ઓઢીએ,
સાત કહીને સાતતાળી રમીએ,
આઠે અડકો દડકો રમીએ,
નવ કહેતાં નાવ હાંકીએ,
દસ બોલીને દર્શન કરીએ.
16. એક રૂપિયાનાં દસકા દસ
એક રૂપિયાનાં દસકા દસ
ખિસ્સામાં ખખડેને પડે મારો વટ
એક રૂપિયાના....
એક દસકો મેં ભાભીને આપ્યો
કાગળ લખોને ભાઇ આવે ઝટ
એક રૂપિયાના....
બે દસકા મેં મમ્મીને આપ્યાં
મમ્મીએ મને ઊંચકી લીધો પટ
એક રૂપિયાના....
ત્રણ દસકા મેં પપ્પાને આપ્યાં
ગાલ પર ટપલી મારી મને પટ
એક રૂપિયાના....
ચાર દસકા મેં દાદીને આપ્યાં
બાથમાં લઈને બકી ભરી બચ
એક રૂપિયાના....
સૌની ચીજ મેં સૌને આપી
દાદાના દીકરાનો ભારે પડે વટ
એક રૂપિયાના....
17. એક, બે, ત્રણ, ચાર
એક, બે, ત્રણ, ચાર,
રમત રમતાં, નાવે પાર.
પાંચ, છ, સાત,
બેની કે' છે બાને વાત.
આઠ, નવ, દસ,
ભાઇ ઊંધે ઘસ ઘસ.
એક, બે, ત્રણ, ચાર,
ચાલો, સામે નદી પાર.
પાંચ, છ, સાત,
અજવાળી, રૂપાળી રાત.
આઠ, નવ, દસ,
સૌએ પીધો મીઠો રસ
18. એક થી દશ
એક એટલે એકડો, તાણે મોટો ભેંકડો.
બે એટલે બગડો, બગડો તો રગડો.
ત્રણ એટલે તગડો, તગડો તો તગડો.
ચાર એટલે ચોગડો, મોટો મોટો ચોપડો.
પાંચ એટલે પાંચડો, જંગલમાં માંચડો.
છ એટલે છગડો, વાંકો ચૂકો દગડો.
સાત એટલે સાતડો, કબૂતરને કાગડો.
આઠ એટલે આઠડો, બેસવાનો બાંકડો.
નવ એટલે નવડો, નવરાત્રીનો દીવડો.
દસ એટલે દસ બસ, બસ, બસ.
19. ઢબૂડી
વાંકો ચૂંકો એકડો લખે
બગડો બાંડો થાય,
ત્રગડાને તમ્મર આવે
ચોગડો ચોપટ થાય,
પાંચડો પંચાત કરે
છગડો છટકી જાય,
સાતડો રમે સાતતાળી
આઠડો અવળો થાય,
નવડો કરે નાસ્તો
લખવા જાય દસ,
ઢબૂડીને લેવા આવે
ભોં ભોં કરતી બસ.
20. કબૂતર
એકકબૂતર ચણવા આવ્યું,
ઘૂ.. ઘૂ.. ઘૂ, ઘૂ..ઘૂ..ઘૂ..
બે કબૂતર ચણવાં આવ્યાં,
ઘૂ.. ઘૂ.. ઘૂ, ઘૂ..ઘૂ..ઘૂ..
ત્રણ કબૂતર ચણવાં આવ્યાં,
ઘૂ.. ઘૂ.. ઘૂ, ઘૂ..ઘૂ..ઘૂ..
ચાર કબૂતર ચણવાં આવ્યાં,
ઘૂ.. ઘૂ.. ઘૂ, ઘૂ..ઘૂ..ઘૂ..
પાંચ કબૂતર ચણવાં આવ્યાં,
ઘૂ.. ઘૂ.. ઘૂ, ઘૂ..ઘૂ..ઘૂ..
એક કબૂતર ઊડી ગયું,
ફરરર, ફરરર...
બે કબૂતર ઊડી ગયાં,
ફરરર, ફરરર...
ત્રણ કબૂતર ઊડી ગયાં,
ફરર, ફરરર...
ચાર કબૂતર ઊડી ગયાં,
ફરરર, ફરરર...
પાંચ કબૂતર ઊડી ગયાં,
ફરરર, ફરરર...
બધાં કબૂતર ઊડી ગયાં,
ફરર, ફરરર...
21. બાની સોડમાં
ઉંદર રહે છે દરમાં,
માણસ રહેતો ઘરમાં,
ચકો ચકી બે માળામાં,
બટેર-તેતર જાળામાં,
રીઝવે બોલી સીતારામ,
તોયે પૂર્યો પિંજર શું કામ?
ગાય બકરી રહેતાં વાડે.
ઘોડો તબેલે રહેતો ભાડે,
સૂએ ગલુડિયું બોડમાં,
બકુ બાની સોડમાં.
22. નાનાં નાનાં છોકરાં
નાનાંનાનાં છાકરાં(૨)
બેસી જાઓ ઊભા થાઓ
આંખો મીંચો ને ઉઘાડો
મીઠું મીઠું હસો જરા...નાનાં..નાનાં..
ધીમે ધીમે તાળી દેજો
સામા સામી તાળી દેજો
નીચા વળજો સીધાં થાજો
ચપટી વગાડો, પગ ઠમકાવો
નાચો કૂદો ખૂબ આનંદો
કેવી મઝા? ભાઇ કેવી મઝા? નાનાં..નાનાં..
બેસી જાઓ છોકરાં
ઊભા થાઓ છોકરાં
ડાહ્યા ડમરાં છોકરાં
વંદન કરજો છોકરાં
ભાગી જાજો છોકરાં..નાનાં..નાનાં..
23. મૂળ આકારો
ગોળ ગોળ લાડુ આપું,
ચિત્રમાં ત્રિકોણ કાઢું.
ચોરસનો બનાવું ચાક,
ફરવા આવે બેસે લોક.
24. ચાર ખૂણાનું ચોરસ
ચાર ખૂણાનું ચોરસ, પતંગ એ કહેવાય,
ઊંચા આભે પવનમાં સરરર ઊડતી જાય.
મંદિર માથે ધોળી ધજા, હવામાં ઊડતી જાય,
જોઇને બાળકો તરત બોલે, ત્રિકોણ એ કહેવાય.
પપ્પાની સાયકલનું પૈડું ગોળ ગોળ ફરતું જાય,
ટ્રીન.. ટ્રીન.. ઘંટી વાગે વર્તુળ એ કહેવાય.
મારી મમ્મી ડબ્બો લઇને લોટ દળાવવા જાય,
પૂછું તો એ કહેતી ડબ્બો લંબચોરસ કહેવાય.
25. એક, બે, ત્રણ, ચાર
એક, બે, ત્રણ, હોંશે હોંશે ગણ,
ચાર અને પાંચ, ફરી ફરી વાંચ.
છ, સાત, આઠ, થાય એના પાઠ,
નવ અને દસ, આટલું હમણાં બસ.
એક, બે, ત્રણ, ચાર,
વરસાદ આવ્યો મૂશળધાર.
પાંચ, છ, સાત,
જાણે કાળી રાત,
આઠ નવ દસ,
બંધ પડી ગઈ બસ.
26. ઘેર મજાનું ઘી
સોમવારે મેં દૂધ ભર્યું ને,
મેળવ્યું મંગળવારે.
બુધવારે એની છાશ વલોવી,
માખણ ગુરુવારે.
શુક્રવારે ચૂલે ચડાવ્યું ને,
તાવ્યું ઝીણા તાપે.
શનિવારે ભર્યો ઘાડવો,
મેં ને મારા બાપે.
રવિવારની રજા નિશાળે,
ઘેર મઝાનું ઘી.
આવરે છગના આવરે મગના,
ઊભો ઊભો તું પી.
27. જાન્યુઆરી થી ડિસેમ્બર
જાન્યુઆરીમાં પતંગ ચગે,
ફેબ્રુઆરીમાં પાન ખરે.
માર્ચ માસે ફૂલ ખીલે,
તાપ તડકો ફૂલ ઝીલે.
એપ્રિલ કહેતાં એપ્રિલ ફૂલ,
નાનાં મોટાં કરતાં ભૂલ.
મે મહિને તો લૂ વાય,
હીલ સ્ટેશને ફરવા જાય.
જૂન મહિને બાફ વધે,
ગરમીનું સામ્રાજ્ય બધે !
જુલાઇ લાવે મેહ તાણી,
છોકરાં ખાય ગોળ ધાણી.
ઓગષ્ટે આઝાદી મળી,
ઘર ઘરમાં ખીલી કળી!
સપ્ટેમ્બરે તો શિક્ષકદિન,
શિક્ષક બને ન કદી દીન.
ઓકટોબરે તો દિવાળી,
સૌ કોઇ ખાયે સુવાંળી.
નવેમ્બરે ટાઢ શરૂ થાય,
ડિસેમ્બર છેલ્લો કહેવાય.
28. નાની નિશાળે જાતો' તો
નાની નિશાળે જાતો' તો,
રોજ નાસ્તો ખાતો' તો.
સોમવારે તો સેવ બનાવે,
મમરા મંગળવારે લાવે.
પિવડાવે દૂધ બુધવારે,
ગોળ પાપડી ગુરુવારે.
ચણા વટાણા લાવતા,
શુક્રવારે ભાવતાં.
વહેલો, વહેલો ઊઠી સવારે,
તૈયાર થાતો” તો શનિવારે.
રવિવારની રજા પડે,
રમવાની બહુ મજા પડે.
29. ક્કકો શિખવાડ
મા, મને ક્કકો શિખવાડ
મારા તો ભાઇબંધ વાંચી બતાવે છે,
પાનખરે ઊગેલાં ઝાડ..મા, મને…
મા, પેલા ઝાડની ટોચ ઊપર બેઠેલાં
પંખીને કેમ કરી વાંચવું
પીંછા ને ટહુકા જો હેઠા પડે.
તો બેમાંથી કોને હું સાચવું
મા, તું ટહુકો કરે છે કે લાડ.. મા, મને…
મા, પેલા તડકાનો રંગકેમ પીળો ને
છાપરાનો રંગ કેમ લીલો
ગાંધીજીને કેમ ગોળીમારી ને
ઇશુને કેમ જડ્યો ખીલો
મા, મારે ફૂલ થવાનું કે વાડ..મા, મને…
મા, અહીં દુનિયાના તીણા સવાલ
મને કેટલીય વાર જાય લાગી.
મા, તારા ખોળામાં માથું મૂકું
પછી આપુ જવાબ, જાય ભાંગી
મા,તારા સ્પર્શ તો
તૃણ થાય પ્હાડ.. મા, મને..
સૂરજને ચાંદો ને તારા ભરેલા,
આભને કોણ સતત જાળવે?
આવડું મોટું આકાશ કદી ઇશ્વરને
લખતાં કે વાંચતા આવડે?
મા, તું અમને બન્ને ને શિખવાડ.. મા, મને…
30. લીધો કોરો કાગળ
લીધો કોરો કાગળ,
દોરી એમાં ગાગર.
લાલ, પીળો ને વાદળી,
ભરી રંગની સાદડી.
નાક, કાન ને દોરી આંખ,
ચીતરી મેં પોપટની પાંખ.
લાવ્યો પીંછી, નાની જાત,
ભીંતે મેં તો પાડી ભાત.
જોઇ ભીંતને પાડી બૂમ,
બાએ મને ટીપ્યો ઢૂમ.
રડતો રડતો, સૂઈ ગયો,
ઊઠ્યો ત્યાં તો ભૂલી ગયો.
31. એક થી પાંચ
નાની એક લાકડી,
હતી મઝાની ફાંકડી.
દાદી આવે કાકડી લઇ,
દાદા ચાલે લાકડી લઇ.
બહેન પહેરે બંગડી બે,
ઓઢણી ઓઢી ફરે.
ભાઇને બાંધે રાખડી,
ભાઇ આપે પાપડી.
બે પછી આવે ત્રણ,
ચકલી આવી ચણે ચણ,
રમવા માંડું તેની સાથ,
આંગણે પાડેલી ભાત.
મારે આંગણ આવે ગાય,
તેને સુંદર પગ છે ચાર.
સાંજ સવારે આપે દૂધ,
દૂધ પિવડાવે મમ્મી ખૂબ.
પંજાને આંગળીઓ ચાર,
અંગૂઠો મળી થાય છે પાંચ.
શીરો પૂરી ને ભાખરી,
જમું હાથથી હોંશથી.
32. એક-બે-ત્રણ-ચાર
(૧)
બોલ એક, પાપડ શેક.
પાપડ કાચો, દાખલો સાચો
(૨)
હાથ છે બે, રામ નામ લે.
રામ નામ કેવું, સુખ આપે એવું.
(3)
તાલી પાડું ત્રણ, રોટલી જલદી વણ.
ખાવું રોટલી શાક, ખાતાં લાગે થાક,
(૪)
પલંગના પગ ચાર, બેસીને કર વિચાર.
રમત રમોને યાર, ભણતરનો નહિ ભાર.
(૫)
હાથને આંગળા પાંચ, લાગે અંગૂઠો ચાંચ.
થઇ ચકલીની જાત, આંગણે પાડે ભાત.
33. માનવકુળનો બાળક
હું માનવકુળનો બાળક છું,
નાનો છું પણ શાણો છું.
ફર ફર ઊડતા મારા વાળ,
માએ નાખ્યું તેલ અપાર.
સરસ મઝાના બે છે હાથ,
કામ કરું લઇ એનો સાથ.
દોડવા કૂદવા જોઇએ ઝટ,
બે પગથી હું દોડું પટ.
34. ચાલો, પંખીઓને ઓળખીએ
કાળો ને કદરૂપો ને લુચ્ચી જેની જાત છે,
કા કા બોલે, બોલો કોની આ વાત છે?
એ તો કાગડાભાઇ છે, કાગડાભાઇ....
કલબલ કલબલ કરતી, ને ઝાડે ઝાડે ફરતી,
સૌની નકલ કરતી, બોલો કોની આ વાત છે?
એ તો કાબરબાઇ છે, એ તો કાબરબાઇ....
રંગે છે લીલો ને વાંકી લાલ ચાંચ છે,
ગળે કાળો કાંઠલો બોલે સીતા રામ
બોલો કોની આ વાત છે?
એતો પોપટભાઇ છે, એ તો પોપટભાઇ....
સૌ પંખીમાં ભોળું, ને ટોળામાં ફરનારું,
કોઇ કાળું ધોળું, શાંતિ ને ચાહનારું
બોલો કોની આ વાત છે?
એ તો કબૂતર છે, એ તો કબૂતર છે....
રંગ ભૂરો, પીંછાં ઝાઝાં, માથે રાખે કલગી,
આંગણે આવી નૃત્ય કરે, એવી એની હસ્તી,
બોલો કોની આ વાત છે?
એ તો મોરભાઇ છે, એ તો મોરભાઇ....
શેરીમાં ઘૂમે છે, ને પરોઢિયે બોલે છે,
કૂકડે કૂક બોલે, બોલો કોની આ વાત છે,
એ તો કૂકડાભાઇ છે, એ તો કૂકડાભાઇ...
રંગે છે કાળી, ને પંચમ સૂરે ગાય છે,
કુહૂ કુહૂ બોલે, બોલો કોની આ વાત છે,
એ તો કોયલબાઇ છે એ કોયલબાઇ....
ખૂબ ઝડપથી ઊડે, ને ઝપટ જેની ભારે,
ઊડી ઊડી બોલે, બોલો કોની આ વાત છે,
એ તો સમળીબાઇ છે, એ તો સમળીબાઇ....
35. ચાલો, પ્રાણીઓને ઓળખીએ
ધરતીની એ માતા છે,
મીઠું દૂધ આપે છે,
ગામને ગોંદરે બેસે છે,
બોલો ભાઈ કોણ છે?
એ તો ગાય માતા છે.
ખૂબ કાળી ને જાડી છે,
સાથે નાની પાડી છે,
ભેં ભેં કરતી બોલે છે.
બોલો ભાઇ કોણ?
એ તો પેલાં ભેંસબાઇ..
ચપ ચપ દાણા ખાય છે,
બચ્ચા સાથે ધૂમે છે,
બેં બેં કરતી બોલે છે,
બોલો ભાઈ કોણ?
એ તો પેલા બકરીબાઇ..
નીચા માથે ચાલે છે,
ધોળી ઊન આપે છે,
ટોળામાં તે ધૂમે છે,
બોલો ભાઈ કોણ?
એ તો પેલાં ઘેટાભાઇ..
પા પા પગલી પાડે છે,
અંધારામાં ભાળે છે,
મ્યાઉં મ્યાઉં બોલે છે,
બોલો ભાઈ કોણ?
એ તો પેલાં-બિલાડીબાઈ..
વનવગડામાં ઘૂમે છે,
મોટી મોટી જટા છે,
વનનો રાજા કહેવાય છે,
બોલો ભાઈ કોણ?
એ તો પેલા સિંહભાઇ..
લાંબા ઊંચા કાન છે,
સૌથી નાની જાત છે,
ડગમગ-ડગમગ ચાલે છે,
કૂણાં તરણાં ખાય છે
બોલો ભાઈ કોણ?
એ તો પેલા સસલાભાઇ,
વાંકા એનાં અંગો છે.
લાંબી લાંબી ડોક છે
રેતીમાં તે દોડે છે,
બોલો ભાઇ કોણ?
એ તો પેલા ઊંટભાઇ..
ખૂબ જાડો ને ભારે છે,
મોટા મોટા કાન છે,
ટૂંકી પૂંછને સૂંઢ છે,
બોલો ભાઇ કોણ?
એ તો પેલા હાથીભાઇ..
સૌ શેરીમાં ધૂમે છે,
કોઇ કાળો કોઇ ધોળો છે,
હાંઉ હાઉં કરતો દોડે છે,
બોલો ભાઈ કોણ?
એ તો પેલા કૂતરાભાઇ..
ઝાડે ઝાડે કૂદે છે,
માણસ જેવું રૂપ છે,
હુપ હપ કરતો બોલે છે,
બોલો ભાઇ કોણ?
એ તો પેલા વાંદરાભાઇ..
ગામને પાદર ધૂમે છે,
કોઇ કહે તે લુચ્ચું છે,
બીકણ જેની જાત છે,
બોલો ભાઈ કોણ?
એ તો પેલા શિયાળભાઈ..