ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 18. સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) સામાજિક ન્યાય એટલે શું?
ઉત્તર : ‘સામાજિક ન્યાય’ શબ્દોમાં ‘સામાજિક’ શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે; જ્યારે ‘ન્યાય' શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અન્ય અધિકારો સાથે સંબંધિત છે. સમાજના બધા લોકોને ધર્મ, જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશના ભેદભાવ વિના તેમના વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ સાધવા માટે તેમને સ્વતંત્રતા અને સમાનતા મળે તેમજ તેમના વ્યક્તિગત હકોની જાળવણી થાય ત્યારે તેમને સામાજિક ન્યાય મળ્યો એમ કહેવાય.
(2) સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું?
ઉત્તર : સમાજની બધી વ્યક્તિઓને વ્યક્તિત્વના વિકાસ માટે એકસરખા અધિકારો અને તકો ન હોવાની સ્થિતિને લીધે સર્જાતી પરિસ્થિતિને સામાજિક અસમાનતાની પરિસ્થિતિ કહેવાય.
(3) વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર : માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. તે માનવીને જન્મજાત મળે છે. તે વ્યક્તિના મૂળભૂત અધિકારો – હકો છે. વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે. માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિ ધર્મ, ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સમ્માનભર્યું જીવન જીવી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ અધિકારો વિના પોતાનો સર્વોત્તમ વિકાસ સાધી શકતો નથી. આમ, માનવ અધિકારો વ્યક્તિને ખૂબ ઉપયોગી છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :
(1) સામાજિક અસમાનતાની આર્થિક સ્થિતિ પર કેવી અસરો થાય છે?
ઉત્તર : સામાજિક અસમાનતાની વ્યક્તિની આર્થિક સ્થિતિ પર આ પ્રમાણેની અસરો થાય છે : (1) ઓછી આવક ધરાવતા ગરીબ લોકો અને પછાત વર્ગો પ્રગતિ કરી ન શકે એવી સ્થિતિમાં મુકાઈ જાય છે. (2) એ લોકો પાસે વિકાસ કરવાની સુવિધા હોતી નથી. (3) તેઓ અન્યાયની સામે પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતા નથી. (4) તેઓ શોષિત અને વંચિત રહી જાય છે. (5) તેઓ વંશપરંપરાગત ગરીબીનો ભોગ બને છે. (6) તેઓને બે ટંક પૂરતું ભોજન પણ મળતું નથી. તેમની પાસે રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા પણ હોતી નથી. (7) તેઓને ગંદા વિસ્તારોમાં રહેવું પડે છે. (8) તેઓ અનેક નાના-મોટા રોગોથી પીડાતા હોય છે. (9) તેમનાં બાળકોને ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય છે. (10) તેઓને પોષણયુક્ત આહાર મળતો નથી. તેથી તેઓ શારીરિક રીતે અશક્ત હોય છે.
(2) બાળ અધિકાર એટલે શું? બાળકોને કયા-કયા બાળ અધિકારો મળે છે?
ઉત્તર : બાળકોને તેમના સર્વાગી વિકાસ માટે મળેલા અધિકારોને ‘બાળ અધિકાર' કહેવામાં આવે છે.બાળકો એ દેશના આવતી કાલના નાગરિકો છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. જો બાળકો શિક્ષિત અને સંસ્કારી હશે તો તેઓ સારા નાગરિકો બનીને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યથાશક્તિ ફાળો આપી શકશે. આવા નાગરિકો રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ અને વરદાનરૂપ બની શકે છે. બાળકોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવવા માટે બાળ અધિકારો તેમને સુરક્ષા પૂરી પાડે છે. સંયુક્ત રાષ્ટ્રો (United Nations - UN) એ તેમના ‘અધિકારોના ઘોષણા પત્ર (ચાર્ટર ઑફ રાઇટ્સ)” એ બાળકોના જીવનવિકાસ અને કલ્યાણ માટે બાળ અધિકારો જાહેર કર્યા છે. જે નીચે મુજબ છે : (1) જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર છે. (2) માતાપિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણ થાય એ રીતનો દરેક બાળકને અધિકાર છે. (3) પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે એ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. (4) દરેક બાળકને તેની વયકક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. (5) દરેક બાળકને તેના અંત: કરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો અને પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. (6) દરેક બાળકને પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે. (7) દરેક બાળકને શારીરિક કે માનસિક શોષણ, હિંસા અને યાતનાઓ સામે રક્ષણ અને સલામતી મેળવવાનો અધિકાર છે. (8) દરેક બાળકને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવનધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે.
પ્રશ્ન 3. વિચારો અને લખો :
(1) સામાજિક કુરિવાજોથી સમાજમાં કઈ રીતે અસમાનતા ઊભી થાય, કોઈ એક ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર : સમાજની કેટલીક જ્ઞાતિઓમાં કુટુંબમાં સ્વજનના મૃત્યુ પાછળ બારમા દિવસે જમણવાર રાખવાનો કુરિવાજ પ્રવર્તે છે. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, કુટુંબની વ્યક્તિઓ ગામના શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લાવીને જ્ઞાતિના રિવાજ મુજબ મોટો જમણવાર કરીને પૈસાનો દુવર્ય કરતા હોય છે. આ કુરિવાજ પાછળ દેવાદાર બનેલાં કુટુંબો કાયમી ગરીબી ભોગવતાં હોય છે. પરિણામે તેઓ પોતાના વારસદારોને પણ ગરીબીની ભેટ આપતા જતા હોય છે. આમ, વંશપરંપરાગત ગરીબીનો ભોગ બનેલી જ્ઞાતિઓ આર્થિક અસમાનતાનું એક દષ્ટાંત બને છે.
(2) ચૌદ વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય? શા માટે?
ઉત્તર : ચૌદ (14) વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય નહિ. ભારતના બંધારણમાં બાળકોના રક્ષણ અને વિકાસ માટે કરેલી જોગવાઈ અનુસાર 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ જોખમવાળી જગ્યાએ નોકરીએ રાખી શકાય નહિ. આ જોગવાઈના ભંગ બદલ નોકરીદાતા વિરુદ્ધ કાનૂની રાહે પગલાં ભરીને સજા કરાવી શકાય છે. ચૌદ (14) વર્ષની ઉંમરના બાળકને રેસ્ટોરન્ટમાં કામે રાખવાથી તેનું શોષણ થયું ગણાય. 14 વર્ષની ઉંમર સુધીનાં બધાં જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે, તેથી 14 વર્ષના બાળક્ત નોકરીએ – કામે રાખીને તેને શિક્ષણના અધિકારથી વંચિત રાખી શકાય નહિ.
(૩) શિક્ષણથી વંચિત રહેનાર વ્યક્તિને કેવી-કેવી સમસ્યાઓ નડતી હશે?
ઉત્તર : શિક્ષણથી વંચિત રહેનાર નિરક્ષર વ્યક્તિને નીચે મુજબની સમસ્યાઓ નડતી હશે:
(1) નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી. તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમનું - મજૂરીનું કામ કરવું પડે છે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની સ્થિતિમાં, સુખ-સગવડો વિનાનું જીવન જીવવું પડે છે. (2) છેતરપિંડીના ભોગ બનવું પડે છે. (3) મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે. (4) સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. (5) રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ-નિયમોની જાણકારીના અભાવે જો તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. (6) સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શક્તો નથી. (7) નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે.