ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 16. સંસદ અને કાયદો
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :
(1) આપણા દેશની સંસદમાં..........ગૃહ છે.
ઉત્તર : બે
(2) આપણા દેશનો સમગ્ર વહીવટ.............ના નામે ચાલે છે.
ઉત્તર : રાષ્ટ્રપતિ (રાષ્ટ્રપ્રમુખ)
(3) આપણા દેશની લોકસભામાં કુલ………….સભ્યો છે.
ઉત્તર : 545
(4) ભારતની સંસદના ઉપલા ગૃહને…………….કહેવાય છે.
ઉત્તર : રાજ્યસભા
(5) આપણા દેશના બંધારણીય વડા…………..છે.
ઉત્તર : રાષ્ટ્રપતિ (રાષ્ટ્રપ્રમુખ)
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
(1) આપણા દેશની સંસદ ક્યાં આવેલી છે?
ઉત્તર : આપણા દેશની સંસદ દિલ્લીમાં આવેલી છે.
(2) સંસદસભ્ય બનવા માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
ઉત્તર : લોકસભાના સભ્ય બનવા માટે 25 કે તેથી વધુ વર્ષની અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.
(3) રાજ્યસભાના સભ્યની મુદત જણાવો.
ઉત્તર : રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે.
પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો :
(1) પ્રધાનમંત્રીનાં કાર્યો
ઉત્તર : ભારતના પ્રધાનમંત્રી – વડા પ્રધાનનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે : (1) પ્રધાનમંત્રી રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતા ફાળવે છે. તેઓ પોતે પણ એક કે વધારે ખાતાંનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રપ્રમુખ ઔપચારિક રીતે પ્રધાનમંત્રીની સલાહ અનુસાર સમગ્ર પ્રધાનમંડળની નિમણૂક કરે છે. (2) પ્રધાનમંત્રી પ્રધાનોની પસંદગી કરવાનો, પ્રધાનોને તેમનાં પદ પર ચાલુ રાખવાનો, તેમનાં ખાતાં બદલવાનો તેમજ તેમને પદભ્રષ્ટ કરવાનો અધિકાર ધરાવે છે. (3) પ્રધાનમંડળની બેઠકોનું તેઓ અધ્યક્ષપદ સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નીતિવિષયક નિર્ણયો લે છે. (4) તેઓ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે અને સરકારની નીતિ અનુસાર કામ કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે. (5) સંસદના સભ્યો સંસદની કાર્યવાહી દરમિયાન મંત્રીઓને રાજ્યવહીવટ સંબંધી પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછે છે, એ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી તેમજ જે-તે મંત્રી બંધારણીય જવાબદાર છે. (6) પ્રધાનમંત્રી પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. (7) હોદાની રૂએ પ્રધાનમંત્રી નીતિપંચ(આયોજનપંચ)નું અધ્યક્ષપદ સંભાળે છે.
(2) સંસદ
ઉત્તર : આપણા દેશની સંસદ દિલ્લીમાં આવેલા સંસદ ભવન(Parliament House)માં બેસે છે. તે દેશની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા છે. સંસદ રાષ્ટ્રપ્રમુખ અને તેનાં બે ગૃહોની બનેલી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા અને ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે.
બંધારણમાં દર્શાવેલ માર્ગદર્શન મુજબ સંસદ કાર્યો કરે છે. આ માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. સંસદ નવા કાયદા ઘડવાનું, વર્તમાન કાયદાઓમાં સુધારા કરવાનું તેમજ જૂના કાયદાઓને રદબાતલ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી, સંસદ અંદાજપત્ર(બજેટ)ના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે. સંસદસભ્યો સંસદમાં સરકારની નીતિઓની ચર્ચાઓ કરે છે. ચર્ચાઓ પરથી સરકાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે જાગૃત રહે છે. તદુપરાંત, સમગ્ર દેશ સરકારની નીતિઓથી માહિતગાર રહી શકે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂરી ન આપે તો, વટહુકમ આપોઆપ રદ થાય છે.
(3) કાયદો અને તેનું મહત્ત્વ
ઉત્તર : ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયા બ્રિટનની સંસદ વિકસાવેલી કાયદા ઘડવાની પદ્ધતિ પર આધારિત છે. સમાજમાં વ્યક્તિગત અને સામૂહિક સ્વાતંત્ર્ય જાળવવાના ઉદ્દેશથી કાયદા ઘડવામાં આવે છે. સંસદ નવા કાયદા ઘડે છે, જરૂર જણાય ત્યાં જૂના કાયદા સુધારે છે કે તેમને રદબાતલ કરે છે. કાયદાઓનો પૂરતો અને સમયસર અમલ કરવા માટે કારોબારી તંત્ર કાર્યરત હોય છે.
આપણા દેશમાં કાયદા માટે સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. કાયદા સમક્ષ સૌ નાગરિકો સમાન છે. કાયદા દરેક નાગરિકને સમાન અધિકાર આપે છે.
જો કાયદા મુજબ કામ ન થાય કે કોઈને અન્યાય થાય, તો દરેક નાગરિક દેશના ન્યાયતંત્ર સમક્ષ દાદ-ફરિયાદ કરી શકે છે. ન્યાયતંત્ર કાયદાનું અર્થઘટન કરી ફરિયાદીને સાચો ન્યાય આપે છે.
આપણા દેશનો કાયદો ‘સૌ સમાન, સૌને સમ્માન ની નીતિને આધારે કામ કરે છે. સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે. કાયદો ઘડતી વખતે ભારતીય બંધારણનાં મૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. લોકશાહી શાસનતંત્રના વ્યવસ્થિત અને સરળ વહીવટ માટે કાયદા અનિવાર્ય છે.
પ્રશ્ન 4. વિચારો અને લખો :
(1) તમારા વિસ્તારના કયા કયા પ્રશ્નો અંગે તમે જાણો છો?
ઉત્તર : (1) હું ગ્રામ્ય વિસ્તારમાં રહું છું. મારા ગામના દરેક વિસ્તારમાં પાકા રસ્તા બન્યા નથી. (2) મારા ગામમાં હજુ ગટરવ્યવસ્થા થઈ નથી. તેથી દરેક મહોલ્લામાં ગંદુ પાણી જોવા મળે છે. (3) ચોમાસામાં નીચાણવાળા ભાગોમાં ખાબોચિયાં ભરાય છે. પરિણામે મચ્છરોનો ત્રાસ વધતાં લોકો મલેરિયા જેવા રોગના ભોગ બને છે. (4) ઉનાળા દરમિયાન દિવસે કેટલાક કલાક વીજળી હોતી નથી. (5) ગામમાં માત્ર પાંચ ધોરણ સુધીના વગવાળી પ્રાથમિક શાળા છે. શિક્ષણ માટે સારી વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. (6) ગામમાં નાનું આરોગ્ય કેન્દ્ર છે. તેમાં તાત્કાલિક સારવારની કોઈ સગવડ નથી. (7) ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે દિવસે વીજળી મળતી નથી. આમ, મારા ગામમાં અનેક પ્રશ્નો છે.
(1) હું શહેરી વિસ્તારમાં રહું છું. મારા શહેરમાં નવા પાકા રસ્તા બનતા નથી. રસ્તાઓ જર્જરિત બન્યા છે. (2) સાંકડા રસ્તાઓને લીધે સવાર-સાંજ કેટલાક સમય સુધી ટ્રાફિકની સમસ્યા ભોગવવી પડે છે. (3) શહેરના છેવાડાના વિસ્તારમાં ગટર ગંદા પાણીથી ઊભરાતી હોય છે. (4) શહેરમાં નર્મદા યોજનાનું પાણી હજુ બધા વિસ્તારોનાં ઘરોમાં પહોંચ્યું નથી. (5) ચોમાસામાં મચ્છરોનો ત્રાસ ભોગવવો પડે છે; લોકો મલેરિયા, સ્વાઇન ફ્લૂ જેવા રોગોથી પીડાય છે.
(2) જો તમે પ્રધાનમંત્રી બનો તો દેશને ગૌરવ અપાવવા કેવાં કાર્યો કરશો?
ઉત્તર : હું પ્રધાનમંત્રી બનીશ તો નીચેનાં કામ કરીને દેશને ગૌરવ અપાવીશ :
(1) સૌપ્રથમ દેશની આંતરિક અને આંતરરાષ્ટ્રીય નીતિ મજબૂત બનાવીશ. (2) દેશની ખેતી અને ગ્રામોદ્યોગના વિકાસને પ્રાથમિકતા આપીશ. ખેડૂતો વર્ષમાં ત્રણ પાકો લેતા થાય એ માટે સિંચાઈ અને વીજળીની સગવડો વધારીશ. ખેડૂતોને સારાં બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ તેમજ ખેતીનાં સાધનો અને વીજળી વાજબી ભાવે મળે એવી વ્યવસ્થા કરીશ. ગ્રામોદ્યોગના વિકાસ માટે વિવિધ સગવડો ઊભી કરીશ અને તેમને અપાતી સબસિડીનું પ્રમાણ વધારીશ. (3) હું દરેક ગામમાં વીજળી, આરોગ્ય, પ્રાથમિક શિક્ષણ, પીવાનું સ્વચ્છ પાણી વગેરેની સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવીશ. (4) દેશમાંથી ભ્રષ્ટાચાર અને લાંચરુશ્વત નાબૂદ થાય તે માટે હું ખાસ કાયદા બનાવીશ અને તેનું સખ્તાઈથી પાલન કરીશ. (5) દેશના દરેક વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગના લોકોને બારેમાસ રોજીરોટી મળી રહે તેવી યોજના બનાવીશ. (6) હું દેશમાંથી બેકારી અને નિરક્ષરતા નાબૂદ થાય તેવા પ્રયત્નો કરીશ. (7) હું દેશની પ્રજાને વાવાઝોડું, અતિવૃષ્ટિ, દુકાળ, ધરતીકંપ વગેરે કુદરતી આપત્તિઓ વખતે પૂરતી સહાય મળી રહે એવો પ્રયત્ન કરીશ. (8) મારા મંત્રીઓ પાસેથી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની અને મુશ્કેલીઓ નિવારવાની ખાતરી મેળવીશ અને મંત્રીઓએ આપેલી ખાતરીઓ મુજબ કામો થયાં છે કે નહિ તેનું હું ધ્યાન રાખીશ.