ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 9. અઢારમી સદીના રાજકીય શાસકો

સ્વાધ્યાય


પ્રશ્ન-1. નીચેના પ્રશ્નોના એક- બે વાક્યોમાં ઉત્તર આપો.


(1) બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું?

ઉત્તર : બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ-ઉદ્-દોલા હતું.


(2) રણજિતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા?

ઉત્તર : રણજિતસિંહ સુકરચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા.


(3) પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

ઉત્તર : પાણિપતનું ત્રીજું યુદ્ધ (ઈ. સ. 1761) મરાઠાઓ અને ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી વચ્ચે થયું હતું.


(4) જયપુરની સ્થાપના કોણે કરી હતી?

ઉત્તર : જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી.


પ્રશ્ન-2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો :


(1) 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો.

ઉત્તર : 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા. ઈ. સ. 1707માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાનાં નાનાં રાજ્યોનો ઉદય થયો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુરશાહ, જહાંદરશાહ, ફરુખસિયર, મહંમદશાહ, શાહઆલમ બીજો વગેરે શાસકો આવ્યા. આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહિ. અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો.


ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય

ઈ. સ. 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ -ઉદ-દોલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર,કોટા, મેવાડ, બુંદી, શિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતાં. શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજિતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રણજિતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈ. સ. 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું.

બીજાપુરના સુલતાન, મુઘલ બાદશાહ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. ઈ. સ. 1707માં મરાઠા. રાજ્યમાં પેશ્વાઈ શાસન શરૂ થયું હતું. એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા. ઈ. સ. 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહમદશાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણિતિના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ, પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ, 18મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી. તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું.


(2) પેશ્વા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો.

ઉત્તર : પેશ્વા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધો, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્ત્વાકાંક્ષી હતો. તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં હતાં. તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેણે જંજીરાના સીદીને હરાવી તેની પાસેથી કેટલાક કિલ્લા મેળવ્યા હતા. આમ, પેશ્વા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યાં હતાં. આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશ્વા તરીકે ઓળખાય છે.


(3) સવાઈ જયસિંહનું વિજ્ઞાનક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો.
ઉત્તર : રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી.

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય


(4) મુઘલ ઘરાનાના અંતિમ શાસકોનાં નામનો ચાર્ટ તૈયાર કરો.

ઉત્તર : મુઘલ ઘરાનાના અંતિમ શાસકો :

બહાદુરશાહ (પ્રથમ) – ઈ. સ. 1707થી ઈ. સ. 1712

જહાંદરશાહ - ઈસ. 1712થી ઈ. સ. 1713

ફરુખસિયર - ઈ. સ. 1713થી ઈ. સ. 1719

મહંમદશાહ - ઈ. સ. 1719થી ઈ. સ. 1748

અહમદશાહ - ઈ. સ. 1748થી ઈ. સ. 1754

આલમગીર દ્વિતીય - ઈ. સ. 1754થી ઈ. સ. 1759

શાહઆલમ દ્વિતીય - ઈ. સ. 1759થી ઈ. સ. 1806

અકબીર બીજો - ઈ. સ. 1806થી ઈ. સ. 1837

બહાદુરશાહ ઝફર (દ્વિતીય) - ઈ. સ. 1837થી ઈ. સ. 1857


પ્રશ્ન 3. નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો.


(1) ઈ. સ. 1707માં નીચેનામાંથી ક્યાં મુઘલ બાદશાહનું અવસાન થયું હતું?

(A) અકબર

(B) બહાદુરશાહ

(C) જહાંગીર

(D) ઔરંગઝેબ

જવાબ : (D) ઔરંગઝેબ


(2) નીચેનામાંથી કયા શીખ સરદારે મુઘલો વિરુદ્ધ બળવો કર્યો હતો?

(A) અમરદાસ

(B) રામદાસ

(C) બંદાબહાદુર

(D) અર્જુનદેવ

જવાબ : (C) બંદાબહાદુર


(3) ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી?

(A) અકબર

(B) સવાઈ જયસિંહ

(C) જશવંતસિંહ

(D) રાણા પ્રતાપ

જવાબ : (B) સવાઈ જયસિંહ


(4) નીચેનામાંથી પ્રથમ પેશ્વા કોણ હતા?

(A) બાલાજી વિશ્વનાથ

(B) બાજીરાવ પહેલો

(C) માધવરાવ પહેલો

(D) બાલાજી બાજીરાવ

જવાબ : (A) બાલાજી વિશ્વનાથ