ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 3. મુઘલ સામ્રાજ્ય
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
(1) પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું?
ઉત્તર : પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ, 1526ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું.
(2) શેરશાહનાં સ્થાપત્યો વિશે જણાવો.
ઉત્તર : શેરશાહે સસારામમાં મકબરો અને દિલ્લીમાં મસ્જિદ બંધાવી હતી.
(3) અકબરના સમયના મહાન સંગીતજ્ઞ – ગાયકનું નામ આપો.
ઉત્તર : અકબરના સમયના મહાન સંગીતજ્ઞ – ગાયકનું નામ તાનસેન હતું.
(4) જહાંગીરના ચિત્રકારોનાં નામ જણાવો.
ઉત્તર : જહાંગીરના દરબારમાં મનસૂર નામનો વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર હતો. (તે પક્ષી-ચિત્રકાર હતો.) જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબૂલ હસન હતું.
(5) છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો?
ઉત્તર : છત્રપતિ શિવાજીનો જન્મ ઈ. સ. 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો :
(1) મુઘલ વહીવટીતંત્રની રૂપરેખા આપો.
ઉત્તર : મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા – મદદ કરવા એક મંત્રીપરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. તે દીવાન-એ-વઝીરે-કુલ કહેવાતો. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. મીરબક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો. તે સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચરતંત્રની પણ દેખરેખ રાખતો. મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો વાકિયાનવીસ તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાયવ્યવસ્થાનો વડો કાઝી હતો.
મુઘલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર-એ-સામાન નામનો વિભાગ હતો. આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાંઓનો વડો હતો.
(2) મુઘલ સ્થાપત્યકલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો.
ઉત્તર : મુઘલ સ્થાપત્યકલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે. ઇમારતોના બાંધકામમાં હિંદુ-મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થયો હતો. મુઘલ સ્થાપત્યકલાનાં મુખ્ય નમૂનાઓ (સ્થાપત્યો) નીચે પ્રમાણે છે :
(1) બાબરે પાણીપત પાસે કાબૂલી મસ્જિદ, સંભલમાં જુમા મસ્જિદ અને આગરામાં એક મસ્જિદ બંધાવી હતી. (2) અકબરે આગરામાં કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગરાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ‘ફતેહપુર સિક્રી' નામનું નગર વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત, તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો બંધાવ્યાં હતાં. (3) જહાંગીરના સમયમાં બંધાયેલાં સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસપહાણનો ઉપયોગ થયો હતો. (4) શાહજહાંને ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો. તેનો સમય મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાજમહલની યાદમાં આગરામાં યમુના નદીના કિનારે ‘તાજમહાલ’ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગરામાં મોતી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેણે દિલ્લીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. (5) ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહાલ જેવો જ કલાત્મક રાબિયા-ઉદ્-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો.
(૩) છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો.
ઉત્તર : છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી તેમણે વિજય મેળવ્યા હતા. જેમ કે, ઈ. સ. 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહૂલીના કિલ્લા જીત્યા હતા. ઈ. સ. 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને જીજીના કિલ્લા જીત્યા હતા. ઈ. સ. 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો જીત્યો હતો.
(4) અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.
ઉત્તર : અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિંદુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિંદુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નીમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છુટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિક્રીમાં ‘ઇબાદતખાનું” (પ્રાર્થના મંદિર) બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને ‘દીન-એ-ઇલાહી' નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ, અકબરની ધાર્મિકનીતિ ઉદાર અને પ્રશંસનીય હતી.
(5) શેરશાહના સુધારાઓની ચર્ચા કરો.
ઉત્તર : શેરશાહ ઈ. સ. 1540 થી ઈ. સ. 1545 ના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે :
(1) શેરશાહે ચોર-લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. (2) તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલવ્યવસ્થા શરૂ કરી હતી. (૩) તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. (4) તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. (5) તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. (6) તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. (7) તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઊપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપર્યુક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે.
પ્રશ્ન 3. નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
(1) પાણીપતનું બીજું યુદ્ધ ………. અને ………….. વચ્ચે થયું હતું.
(A) અકબર – શિવાજી
(B) અકબર – હેમુ
(C) બાબર – ઇબ્રાહીમ લોદી
(D) મુઘલ – મરાઠા
ઉત્તર : (B) અકબર – હેમુ
(2) બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો?
(A) અકબર
(B) જહાંગીર
(C) શાહજહાં
(D) ઔરંગઝેબ
ઉત્તર : (A) અકબર
(3) દિલ્લીનો લાલ કિલ્લો ............. એ બનાવડાવ્યો હતો.
(A) બાબર
(B) અકબર
(C) હુમાયુ
(D) શાહજહાં
ઉત્તર : (D) શાહજહાં
(4) અકબરનો જન્મ………….નામના સ્થળે થયો હતો.
(A) અમરકોટ
(B) ઈરાન
(C) દિલ્લી
(D) જયપુર
ઉત્તર : (A) અમરકોટ