ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 2. દિલ્લી સલ્તનત
સ્વાધ્યાય
પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :
(1) દિલ્લી સલ્તનતના ‘એહલગાન'(ચારગાન)ની સ્થાપના કોણે કરી હતી?
(A) રઝિયા સુલતાના
(B) કુતુબુદ્દીન ઐબક
(C) બલ્બન
(D) ઇલ્તુત્મિશ
ઉત્તર : (D) ઇલ્તુત્મિશ
(2) દિલ્લી સલ્તનતનાં પ્રથમ મહિલા શાસક કોણ હતાં?
(A) રઝિયા સુલતાના
(B) નૂરજહાં
(C) અર્જમંદબાનુ
(D) મહેરુન્નીશા
ઉત્તર : (A) રઝિયા સુલતાના
(3) દિલ્લીના કયા શાસકની યોજના ‘તરંગી યોજના' તરીકે ઓળખાય છે?
(A) ઇલ્તુત્મિશ
(B) કુતુબુદ્દીન ઐબક
(C) મુહમ્મદ તુગલક
(D) ફિરોજશાહ તુગલક
ઉત્તર : (C) મુહમ્મદ તુગલક
(4) વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
(A) અહમદશાહ
(B) હરિહરરાય અને બુક્કારાય
(C) કૃષ્ણદેવરાય
(D) ઝફરખાન
ઉત્તર : (B) હરિહરરાય અને બુક્કારાય
પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો :
(1) ઢાઈ દિનકા ઝોંપડા………….શહેરમાં આવેલ છે.
ઉત્તર : અજમેર
(2) દિલ્લી સલ્તનતની શાસનવ્યવસ્થાના કેન્દ્રમાં………..હતો.
ઉત્તર : સુલતાન
(3) દિલ્લી સલ્તનતનો અંતિમ શાસક…………..હતો.
ઉત્તર : ઇબ્રાહીમ લોદી
(4) સીરી નગર..............એ વસાવ્યું હતું.
ઉત્તર : અલાઉદ્દીન ખલજી
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે શબ્દોમાં આપો :
(1) કુતુબમિનાર ક્યાં આવેલ છે?
ઉત્તર : દિલ્લીમાં
(2) પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું?
ઉત્તર : ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે
(3) અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું?
ઉત્તર : અલાઉદીન ખલજીના
(4) બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર : ઝફરખાને
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) તુગલક સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ કયાં કયાં શહેરો વસાવવામાં આવ્યાં?
ઉત્તર : તુગલકવંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો (નગરો) વસાવવામાં આવ્યાં.
(2) સલ્તનત સમયનાં સ્થાપત્યોનું વર્ણન કરો.
ઉત્તર : સલ્તનત સમયનાં સ્થાપત્યો નીચે પ્રમાણે છે : (1) સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્લીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. (2) તેણે દિલ્લીમાં મશહૂર કુતુબમિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબમિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. (3) કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ‘ઢાઈ દિનકા ઝોંપડા' નામની મસ્જિદ બંધાવી હતી. (4) સુલતાન ઇલ્તુત્મિશેના સમયમાં હોજ-એ-શમ્મી, શમ્મી ઇદગાહ અને જુમા મસ્જિદ નામનાં સ્થાપત્યો બંધાયાં હતાં. (5) અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર અને હોજ-એ-ખાસ નામનાં સ્થાપત્યો બંધાવ્યાં હતાં. (6) તુગલકવંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યાં હતાં. (7) સૈયદવંશ અને લોદીવંશ દરમિયાન બંદખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું.
આમ, સલ્તનતના શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું.
(3) કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : કૃષ્ણદેવરાય તુલુવવંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્તમાલ્યદા' નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે ‘આંધ્રના ભોજ’ તરીકે જાણીતા બન્યા હતા.