ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 18 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 18 સ્વાધ્યાય

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 18. સંચાર-માધ્યમ અને જાહેરાત

સ્વાધ્યાય


પ્રશ્ન 1. ખાલી જગ્યા પૂરો :


(1) મિત્રને શુભેચ્છા આપવા…………કાર્ડનો ઉપયોગ થાય છે.

જવાબ : ગ્રીટિંગ


(2) ભારતમાં ટેલિગ્રામની શરૂઆત................વર્ષમાં થઈ હતી.

જવાબ : ઈ.સ. 1885


(3) રેડિયો.............પ્રકારનું માધ્યમ છે.

જવાબ : શ્રાવ્ય (સંચાર-માધ્યમ)


(4) મનોરંજન માટેનું લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સાધન…………….છે.

જવાબ : સિનેમા


(5) પૃથ્વીના પેટાળમાં રહેલાં ખનીજોની માહિતી મેળવવા………….ખૂબ જ ઉપયોગી માધ્યમ છે.

જવાબ : કૃત્રિમ ઉપગ્રહો (સેટેલાઇટ)


પ્રશ્ન 2. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :


(1) રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે.

જવાબ : ખોટું


(2) ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે.

જવાબ : ખરું


(૩) વોકીટોકીનો ઉપયોગ પોલીસ કરે છે.

જવાબ : ખરું


(4) જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે.

જવાબ : ખોટું


(5) મોબાઈલ ફોન સંચાર-માધ્યમનું ઉત્તમ સાધન છે.

જવાબ : ખરું


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :


(1) પોસ્ટ-ઑફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય?

ઉત્તર : પોસ્ટ-ઑફિસ દ્વારા પૈસા મનીઑર્ડરથી મોકલી શકાય.


(2) જાહેરાત પ્રસારણ માટેનાં કોઈ પણ બે માધ્યમો જણાવો.

ઉત્તર : ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બૅનર, મોબાઇલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસસ્ટેન્ડના બાંકડા, મૅગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડો, સંગીતનાં સાધનો, લાઇટબિલ, વેરાબિલ વગેરે જાહેરાત પ્રસારણ માટેનાં માધ્યમો છે.


(3) સંચાર-માધ્યમ એટલે શું?

ઉત્તર : એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને ‘સંચાર-માધ્યમ' કહે છે.


(4) જાહેરાતના બે ફાયદાઓ જણાવો.

ઉત્તર : જાહેરાતના બે ફાયદાઓ આ પ્રમાણે છે : (1) વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે. (2) વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે.


(5) સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે?

ઉત્તર : સરકાર સામાજિક જાગૃતિ માટે આ પ્રમાણે જાહેરાતો કરે છે : (1) બાળલગ્નો કરવાં નહિ. (2) આરોગ્ય જાળવો. (3) વસ્તીનિયંત્રણ કરો. (4) દીકરીને શિક્ષણ આપો. (5) બાળકોને કુપોષણથી બચાવો.


પ્રશ્ન 4. ટૂંક નોંધ લખો :


(1) જાહેરાતના ગેરફાયદા

ઉત્તર : જાહેરાતના ગેરફાયદા આ પ્રમાણે છે : (1) જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે, જેથી વસ્તુની કિંમતમાં વધારો થાય છે. આમ, જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકને ભોગવવું પડે છે. (2) જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે, તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. (3) લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. (4) ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં શરમ-સંકોચ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શક્તા નથી તેમજ બાળકો અને વડીલોને તે વસ્તુ અપાવી શકતા નથી. (5) જાહેરાતને લીધે વસ્તુની ખરીદીમાં દેખાદેખીનું ચલણ વધી જાય છે.


(2) કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ

ઉત્તર : માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ (સેટેલાઇટ) સંચાર-માધ્યમ તરીકે ખૂબ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારો, મોસમની ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્યુટર અને મોબાઈલ ફોન જેવાં સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના આંતરિક ભાગમાં રહેલાં પાણી અને ખનીજોની માહિતી મેળવી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતરને અને રસ્તાને જાણી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે અત્યંત ઉપયોગી છે.


(૩) મોબાઇલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ

ઉત્તર : આધુનિક સમયમાં મોબાઇલ ફોન સંચાર-માધ્યમનું ખૂબ મહંત્ત્વનું સાધન છે. મોબાઇલ ફોન દ્વારા નંબરો જોડીને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે તેમજ તે સંદેશા મોકલી શકે છે. મોબાઇલ ફોનમાં ઘડિયાળ, વીડિયો– ઑડિયો પ્લેયર, કૅલેન્ડર, કેક્યુલેટર, રેડિયો વગેરે સુવિધાઓ હોય છે. તેનાથી રેલવે, બસ અને સિનેમાની ટિકિટો બુક કરાવી શકાય છે. મોબાઇલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા ઘણી માહિતી મેળવી શકાય છે. વર્તમાન સમયમાં અનેક પ્રકારની સગવડો માટે મોબાઇલ ફોન અનિવાર્ય ઉપકરણ બન્યું છે.


પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :


(1) લોકશાહીમાં સંચાર-માધ્યમો કેમ ઉપયોગી છે?

ઉત્તર : (1) લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર-માધ્યમો ખૂબ ઉપયોગી બન્યાં છે. (2) સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયાં ક્યાં કાર્યો કરે છે તેની જાણકારી સંચાર-માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. (3) સરકાર દ્વારા કરવામાં આવતાં શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર-માધ્યમો દ્વારા મેળવી શકાય છે. (4) સરકારનાં કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. (5) લોકશાહીમાં લોકમતનું મહત્ત્વ અનેક ગણું છે. દૈનિક, વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે સંચાર-માધ્યમો લોકમતને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમ, ઉપર દર્શાવેલાં કારણોસર લોકશાહીમાં સંચાર-માધ્યમો ખૂબ ઉપયોગી છે.


(2) સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો?

ઉત્તર : (1) પ્રદૂષણ, પાણીની સમસ્યા, ગરીબી, બેકારી, કન્યાકેળવણી, બાળમજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર જનસમાજનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન, રેડિયો અને દૈનિક સમાચારપત્રો જેવાં માધ્યમોમાં વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. (2) આ સમસ્યાઓ ઉપર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષોના માણસો એકબીજા પર ખુલ્લેઆમ આક્ષેપબાજી કરતા હોય છે, જેની સમાજ પર વિપરીત અસર પડે છે. તેથી ચર્ચા કરનારાઓએ વાણીમાં વિવેક અને મર્યાદા જાળવવાં જોઈએ. (3) મહિલાઓ, બાળકો, વૃદ્ધો, ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઇલના વીડિયો પર ન મૂકવા જોઈએ. (4) શાળા-મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઇલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમણે મોબાઇલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ; કારણ કે મોબાઇલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે, જેની સમય અને અભ્યાસ પર માઠી અસર થાય છે.


(3) સિનેમામાંથી જાગૃતિ આવે છે. સમજાવો.

ઉત્તર : સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટા ભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીતરિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી જાગૃતિ આવે છે.


(4) ટીવીના ફાયદાઓ જણાવો.

ઉત્તર : ટેલિવિઝન આજનું સૌથી વધુ લોકપ્રિય દશ્ય-શ્રાવ્ય સંચાર-માધ્યમ છે, તેના મુખ્ય ફાયદાઓ આ પ્રમાણે છે : (1) ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સીરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાતો વગેરે બાબતો જોવા-સાંભળવા મળે છે. (2) પૂર, ભૂકંપ, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે. (3) તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા-સાંભળવા મળે છે. (4) ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે.