ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 12. નકશો સમજીએ
સ્વાધ્યાય
પ્રશ્ન 1. ખાલી જગ્યાઓ પૂરો :
(1) મેપ્પા મુન્ડી………….ભાષાનો શબ્દ છે.
ઉત્તર : લેટિન
(2) નકશાનાં મુખ્ય……………અંગો છે.
ઉત્તર : ત્રણ
(3) સાંસ્કૃતિક નકશામાં………………વિગતો દર્શાવેલ હોય છે.
ઉત્તર : માનવસર્જિત
પ્રશ્ન 2. નીચે ‘અ’ વિભાગની વિગતો સામે ‘બ’ વિભાગની વિગતોને જોડો :
ઉત્તર : (1 - d), (2-a), (3 - e), (4-b), (5-c)
પ્રશ્ન 3. ખરા-ખોટા
(1) મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.
ઉત્તર : ખોટું
(2) નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે.
ઉત્તર : ખરું
(3) ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે.
ઉત્તર : ખોટું
(4) જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે.
ઉત્તર : ખોટું
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
(1) હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
ઉત્તર : હેતુ આધારિત નકશાના મુખ્ય બે પ્રકાર છે : (1) પ્રાકૃતિક નકશા અને (2) સાંસ્કૃતિક નકશા.
(2) રૂઢ સંજ્ઞા એટલે શું?
ઉત્તર : નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિશિષ્ટ ચિહ્નો વપરાય છે આવાં ચિહ્નોને ‘રૂઢ સંજ્ઞાઓ' કહે છે.
(૩) કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય?
ઉત્તર : કેન્દ્ર સરકારના શાસન હેઠળનો પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય.
પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો :
(1) પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેનો તફાવત જણાવો.
ઉત્તર : પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચે મુખ્ય તફાવત નીચે પ્રમાણે છે :
પ્રાકૃતિક નકશા
(1) પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે. (2) આ નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીનાં પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ-જંગલો, ખનીજો વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે.
સાંસ્કૃતિક નકશા
(1) સાંસ્કૃતિક નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે. (2) આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે.
(2) માપના આધારે નકશાના પ્રકાર જણાવી, નાના માપના નકશાનાં બે ઉદાહરણો લખો.
ઉત્તર : પ્રમાણમાપના આધારે નકશાઓના નીચે મુજબ બે પ્રકાર પાડવામાં આવે છે : (1) નાના માપના નકશાઓ અને (2) મોટા માપના નકશાઓ.
નાના માપના નકશાઓમાં સમગ્ર પૃથ્વી સપાટી પરના વિશાળ વિસ્તારોને મર્યાદિત વિસ્તારમાં દર્શાવવામાં આવે છે.
નાના માપના નકશાનાં બે ઉદાહરણો : (1) નકશાપોથીના નકશા (Atlas) અને (2) દીવાલે ટાંગવાના નકશા (Wall Maps)
(3) નકશાનાં મુખ્ય અંગ જણાવી, પ્રમાણમાપ વિશે લખો.
ઉત્તર : નકશાનાં મુખ્ય ત્રણ અંગો છે : (1) દિશા (2) પ્રમાણમાપ અને (3) રૂઢ સંજ્ઞાઓ.
પ્રમાણમાપ : પ્રમાણમાપ એટલે નકશા પરનાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરનાં તે જ સ્થળો વચ્ચેનાં વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ.
પ્રમાણમાપ 1 સેમી : 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે.
(4) નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર : (1) ભારત ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે. (2) તે આશરે 8° 4' અને 37° 6' ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે આવેલો છે. (3) ભારતના પશ્ચિમ છેડો 68° 7' પૂર્વ રેખાંશવૃત્ત પર અને પૂર્વ છેડો 97° 25' પૂર્વ રેખાંશવૃત્ત પર આવે છે. (4) ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત (23 ½° ઉત્તર અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. (5) ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 82° 5' પૂર્વ રેખાંશવૃત્તના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણસમય ગણવામાં આવે છે. (6) ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિંદ મહાસાગર અને પૂર્વે બંગાળાનો ઉપસાગર (બંગાળાની ખાડી) છે. (7) ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાલ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે. (8) ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે.
પ્રશ્ન 6. નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો :
(1) હિમાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે?
ઉત્તર : ભારતમાં હિમાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર દિશાએ આવેલ છે.
(2) મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે?
ઉત્તર : મધ્ય પ્રદેશ રાજ્ય ગુજરાતની પૂર્વ દિશાએ આવેલ છે.
(3) અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે?
ઉત્તર : ભારતમાં અરુણાચલ પ્રદેશ રાજ્ય ઉત્તર-પૂર્વ દિશાએ આવેલું છે.
(4) કેરલ રાજ્યની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે?
ઉત્તર : કેરલની ઉત્તર દિશાએ કર્ણાટક રાજ્ય આવેલું છે.
(5) ગુજરાતની દક્ષિણ દિશાએ કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે?
ઉત્તર : ગુજરાતની દક્ષિણ દિશાએ ‘દમણ’ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે.