ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 11 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 11 સ્વાધ્યાય

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 11. ભૂમિસ્વરૂપો

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :


(1) ભૂમિસ્વરૂપ કોને કહેવાય?

ઉત્તર : ભૂમિસ્વરૂપ એટલે ભૂપૃષ્ઠનાં વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા, વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ‘ભૂમિસ્વરૂપ’ કહેવામાં આવે છે.


(2) પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે?

ઉત્તર : પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભુતલ મોટે ભાગે ઊંચા-નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરોરૂપે ઊંચે ઊપસેલો હોય.

નિમણક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે : (1) ગેડ પર્વત (2) ખંડ પર્વત (3) જ્વાળામુખી પર્વત અને (4) અવશિષ્ટ પર્વત.


(3) ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.

ઉત્તર : ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે; જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહિ એવો સમથળ ભૂમિભાગ હોય છે.


પ્રશ્ન 2. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યાઓ પૂરો :


(1) ભારતનો સાતપુડા……………પ્રકારનો પર્વત છે.

(A) ગેડ

(B) ખંડ

(C) જ્વાળામુખી

(D) અવશિષ્ટ

ઉત્તર : (B) ખંડ


(2) ચારે બાજુ થી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને……….ઉચ્ચપ્રદેશ કહે છે.

(A) આંતર-પર્વતીય

(B) પર્વત-પ્રાંતીય

(C) ખંડીય

(D) એક પણ નહિ

ઉત્તર : (A) આંતર-પર્વતીય


(3) સરેરાશ સમુદ્રસપાટીથી………….ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.

(A) આશરે 900 મીટરથી વધુ

(B) આશરે 300 મીટરથી વધુ

(C) આશરે 280 મીટરથી વધુ

(D) આશરે 180 મીટર સુધીની

ઉત્તર : (D) આશરે 180 મીટર સુધીની


(4) હવાંગહોનું મેદાન…………પ્રકારનું મેદાન છે.

(A) ઘસારણ

(B) નિક્ષેપણ

(C) સંરચનાત્મક મેદાન

(D) એક પણ પ્રકારનું નહિ

ઉત્તર : (B) નિક્ષેપણ


પ્રશ્ન 3. મને ઓળખી કાઢો :


(1) હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું.

ઉત્તર : અખાત


(2) મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે.

ઉત્તર : ભૂશિર


(3) હું ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ છું.

ઉત્તર : ટાપુ


(4) હું બે જળવિસ્તારોને જોડું છું.

ઉત્તર : સામુદ્રધુની


(5) મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે.

ઉત્તર : દ્વીપકલ્પ


પ્રશ્ન 4. ટૂંક નોંધ લખો :


(1) ખંડ પર્વત (Block Mountain)

ઉત્તર : સામાન્ય રીતે મંદ ભૂ-સંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણબળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂ-ભાગ ‘ખંડ પર્વત' કહેવાય છે.

જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત' પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરિ, સાતપુડા, વિધ્ય વગેરે ખંડ પર્વતો છે. ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે, તે ભૂ-સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે.


(2) ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ જણાવો.

ઉત્તર : ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ આ પ્રમાણે છે : (1) લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચપ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. (2) પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચપ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કીમતી ખનીજો મળી આવે છે. દા. ત., ભારતના છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે. (3) ઉચ્ચપ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે. (4) કેટલાક ઉચ્ચપ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને લ્મિોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે.


(3) નિક્ષેપણનું મેદાન (Depositional Plain)

ઉત્તર : નિક્ષેપણનાં મેદાનો બે રીતે બને છે :

(1) નદીના કાંપનાં મેદાનો : નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે. આ રીતે નદીકિનારે કાંપનાં મેદાનો બને છે. ભારતમાં ગંગા-યમુનાનાં મેદાનો, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટલીમાં પૉ નદી વડે બનેલું લોમ્બાર્ડનું મેદાન કાંપનાં મેદાનોનાં ઉદાહરણો છે.

(2) સરોવરનાં મેદાનો: કેટલીક નદીઓ સરોવરોને મળે છે. આ નદીઓ પોતાના પ્રવાહનાં કાંપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે. તેથી સરોવર ધીમે ધીમે પુરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે, જે સરોવરનું મેદાન કહેવાય છે. ભારતમાં કશ્મીરના ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળપ્રદેશ સરોવરનાં મેદાનો છે.

નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્રકિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે. આ રીતે તૈયાર થયેલ મેદાન ‘મુખત્રિકોણ પ્રદેશનું મેદાન' કહેવાય છે.

પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહનબોજનું કોઈ અવરોધ આવતાં કે પવનની ગતિ ધીમી પડતાં પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે. તેને ‘લોએસનું મેદાન' (Loess Plain) કહે છે.


(4) મેદાનનું મહત્ત્વ

ઉત્તર : (1) ફળદ્રુપ મેદાનો માનવવસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ-ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. (2) સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ વધારે થયો છે. (3) મેદાનપ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતાં મોટાં શહેરો વિકસ્યાં છે. (4) ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેતપેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.