ધોરણ : 6 વિજ્ઞાન એકમ : 6 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 6 વિજ્ઞાન એકમ : 6 સ્વાધ્યાય

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 6. સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નિવાસસ્થાન એટલે શું?

ઉત્તર : વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતાં હોય, તેને તેનું નિવાસસ્થાન કહે છે.


પ્રશ્ન 2. રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલાં હોય છે?

ઉત્તર : રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર નીચેના અનુકલનો ધરાવે છે.

(1) તેનાં પર્ણો નાનાં અને ઓછાં હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. (2) તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે. (3) તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવરિત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. (4) તેનાં મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે.


પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો :


(1) ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે, તેને…………….કહે છે.

જવાબ : અનુકૂલન


(2) જમીન પર રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને……………..કહે છે.

જવાબ : ભૂ-નિવાસ


(3) પાણીમાં રહેનારાં પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને……………..નિવાસસ્થાન કહે છે.

જવાબ : જલીય


(4) જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનનાં...................ઘટકો છે.

જવાબ : અજૈવ


(5) આપણી આસપાસના ફેરફાર, કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે, તેને.................કહે છે.

જવાબ : ઉત્તેજના


પ્રશ્ન 4. નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે?

હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી (જલીય છોડ), અળસિયું.

નિર્જીવ વસ્તુઓ : હળ, સીવવાનો સંચો, રેડિયો, હોડી.


પ્રશ્ન 5. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો, જે સજીવનાં કોઈ પણ બે લક્ષણો ધરાવતાં હોય.

ઉત્તર : વિમાન તથા આગબોટ. તે નિર્જીવ છે, પરંતુ સજીવના નીચેના બે લક્ષણો ધરાવે છે : (1) તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, એટલે કે પ્રચલન કરે છે. (2) તે ખોરાક તરીકે પેટ્રોલિયમ બળતણ લે છે.


પ્રશ્ન 6. નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો?

માખણ, ચામડું, માટી, ઊન, વિદ્યુત બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન, રબર.

ઉત્તર : માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન, રબર.


પ્રશ્ન 7. સજીવોનાં સામાન્ય લક્ષણોની યાદી કરો.

ઉત્તર : સજીવોનાં સામાન્ય લક્ષણોની યાદી નીચે મુજબ છે. (૧) સજીવો શ્વસન કરે છે. (૨) સજીવો ખોરાક લે છે. (૩) સજીવો હલનચલન કરે છે. (૪) સજીવો વૃદ્ધિ પામે છે. (૫) સજીવો પ્રજનન કરે છે. (૬) સજીવો પ્રતિચાર દર્શાવે છે.


પ્રશ્ન 8. શા માટે ઘાસનાં મેદાનોમાં રહેતાં પ્રાણીઓને જીવતાં રહેવા માટે ઝડપ ખુબ જ અગત્યની છે? - સમજાવો.

ઉત્તર : ઘાસનાં મેદાનોમાં હરણ, સસલાં જેવાં તૃણાહારી અને સિહ, વાઘ, ચિત્તા જેવાં શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસનાં મેદાનોમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછાં હોય છે. આથી હરણ અને સસલાં જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતાં રહેવા તેમની દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ, ઘાસના મેદાનોમાં રહેતાં પ્રાણીઓને જીવતાં રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે.