ધોરણ : 4
વિષય : ગુજરાતી (કુહૂ)
એકમ : 1. ખિસ્સામાં પહેલવાન? હા !
(૨) ચિત્ર ધ્યાનથી જુઓ, તેનું વર્ગ સમક્ષ સરસ વર્ણન કરો. (પેજ-૧)
ઉત્તર : આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યાં છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદરવા અને પડદાથી સુશોભિત કરેલ છે. મોટા ભાગના લોકો ઊભા ઊભા જમે છે. બે વડીલો ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા બે લોકો વિશેષ ધ્યાન ખેંચે છે.
વાતચીત (પેજ- ૪ અને ૫)
(૧) વાર્તામાં તમને ક્યારે ક્યારે દુઃખ થયું? વાર્તામાં તે જગ્યાએ (સ્માઇલી) દોરો. ક્યારે ક્યારે સારું લાગ્યું? વાર્તામાં તે જગ્યાએ (સ્માઇલી) દોરો.
ઉત્તર : બુશકોટભાઈએ ખિસ્સાને કાઢી મૂક્યું ત્યારે દુઃખ થયું. ખિસ્સું ઊજળું અને ચોખ્ખું થઈ ગયું ત્યારે સારું લાગ્યું. સૂરજદાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ કરચલીવાળા ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે દુ:ખ થયું. ધોબીએ ખિસ્સાની કરચલીઓ ઇસ્ત્રી ફેરવીને દૂર કરી ત્યારે સારું લાગ્યું. દરજીભાઈએ ખિસ્સાને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડી દીધું ત્યારે સારું લાગ્યું.
(૨) વાર્તામાં તમને ગમી ગયાં હોય તેવાં બે વાક્યો વાંચી સંભળાવો.
ઉત્તર : વાર્તામાં મને ગમતાં બે વાક્યો :
(૧) સૂરજદાદા કહે, ‘હવે તું વહાલું વહાલું લાગે છે, બચુકડા.’
(૨) નીરજભાઈ બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, “અરે વાહ ! કેવું મજાનું ખિસ્સું છે ! મને બહુ ગમ્યું.’’
(૩) તમને એક ખિસ્સાવાળું ફ્રૉક / શર્ટ ગમે કે વધારે ખિસ્સાવાળું? કેમ?
ઉત્તર : મને એક ખિસ્સાવાળું ફ્રૉક / શર્ટ ગમે કેમ કે તેથી એક જ ખિસ્સું સાચવવું પડે. ખિસ્સામાં નકામો ભાર થઈ જાય નહિ.
(૪) શર્ટના ખિસ્સામાં શું મૂકી શકાય? ને પૅન્ટના ખિસ્સામાં?
ઉત્તર : શર્ટના ખિસ્સામાં પેન મૂકી શકાય. પૅન્ટના ખિસ્સામાં હાથરૂમાલ મૂકી શકાય.
(૫) મોટા માણસો તમારી સાથે કેવી રીતે વાત કરે તો તમને ગમે?
ઉત્તર : મોટા માણસો મીઠાશથી અને વહાલથી વાત કરે તો મને ગમે.
(૬) મમ્મી, પપ્પા અને ઘરનાં બીજાં બધાંમાં કોનાં કપડાં પર ખિસ્સું નથી હોતું? કેમ?
ઉત્તર : મમ્મીનાં કપડાં પર ખિસ્સું નથી, કારણ કે, મમ્મીને પર્સ જ વાપરવું અનુકૂળ છે.
(૭) આ વાર્તામાં બન્યું એવું ખરેખર તો બનતું નથી. તોપણ મજા કેમ આવે છે?
ઉત્તર : આ વાર્તામાં કંઈ સાચું ના હોવા છતાં ખિસ્સાને બાળકની જેમ રડતું અને હસતું દર્શાવવાથી રમૂજી વાતો બની છે એટલે મજા આવે છે.
(૫) વાક્ય સાચું હોય તો બોલો ‘ફાંકડું અને ખોટું હોય તો બોલો ‘ગપલું’. (પેજ-૫)
(૧) ખિસ્સું રખડુ હતું, તેથી ચકાચક ચોખ્ખું હતું.
ઉત્તર : ગપલું
(૨) ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડાં આંસુ ટપક્યાં.
ઉત્તર : ફાંકડું
(૩) પોતાનાં આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું.
ઉત્તર : ફાંકડું
(૪) સૂરજદાદાએ ખિસ્સા સાથે ગુસ્સેથી વાત કરી.
ઉત્તર : ગપલું
(૫) સુરજદાદાની ગરમીથી દઝાઈ જતાં ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ.
ઉત્તર : ગપલું
(૬) દરજીકાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું.
ઉત્તર : ફાંકડું
(૭) ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવી ખિસ્સાને કડક બનાવી દીધું.
ઉત્તર : ફાંકડું
(૮) ખિસ્સું હવે નીરજભાઈની સાથે ને સાથે જ રહે છે.
ઉત્તર : ફાંકડું
(૬) આવું કોણ બોલી શકે? (પેજ-૫)
(૧) .........................: અરે વાહ ! આવું મજાનું ખિસ્સું તો મને બહુ ગમે.
ઉત્તર : નીરજભાઈ
(૨) ...................: આવ દીકરા, બીશ નહીં.
ઉત્તર : સૂરજદાદા
(૩) …………………: એય બચ્ચું, ચલ ભાગ અહીંથી.
ઉત્તર : દરજીભાઈ
(૪) …………………..: ઓ મા ! બહુ ગરમ લાગે છે.
ઉત્તર : ખિસ્સું
(૫) …………………….: એય ખિસ્સા, આવી જા. બેસાડું તને નવાં નવાં કપડાં પર.
ઉત્તર : દરજીભાઈ
(૭) ખિસ્સું આવું કોને કહેશે? (પેજ-૫ અને ૬)
(૧) ગમે તે કરવું પડે, પણ એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ..................
ઉત્તર : બુશકોટભાઈને
(૨) સૉરી, મારા લીધે તમે બધાં પલળી ગયાં.
ઉત્તર : ધૂળને
(૩) મનેય તમે અને તમારાં કપડાં ખુબ ગમે.
ઉત્તર : નીરજભાઈને
(૪) તમે દેખાઓ છો ગુસ્સાવાળા, પણ છો વહાલથી ભરેલા !
ઉત્તર : સૂરજદાદાને
(૫) કોઈ મને પાસે નથી રાખતું, એટલે મને દુઃખ થાય છે.
ઉત્તર : બુશકોટભાઈને
(૮) વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? (પેજ-૬)
(૧) ખૂબ ઊજળું : ઊજળું ઊજળું
(૨) ખૂબ લાંબી : લાંબી લાંબી
(૩) ઘણું વહાલું : વહાલું વહાલું
(૪) ઘણાં ભીનાં : ભીનાં ભીનાં
(૫) ભારે હરખથી : હરખાતું હરખાતું
(૬) વધારે સરસ : સરસ સરસ
(૭) એકદમ નવો : નવો નવો
(૮) અતિશય રૂપાળું : રૂપાળું રૂપાળું
(૯) ખૂબ જોર દઈને : જોર જોરથી
(૧૦) એકદમ ચોખ્ખું : ચોખ્ખું ચોખ્ખું
(૯) પ્રશ્નોના ઉત્તર લખો (પેજ-૬)
(૧) ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે?
ઉત્તર : ખિસ્સું બે વાર રડે છે. બુશકોટભાઈએ એને ગંદું ને ગંધાતું કહ્યું ત્યારે અને દરજીભાઈએ એને દુકાનમાંથી હાંકી કાઢ્યું ત્યારે તે રડે છે.
(૨) ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે?
ઉત્તર : ખિસ્સાને સૂરજદાદા સૂકવીને રાજી કરે છે. દરજીભાઈ તેને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડીને રાજી કરે છે. ધોબીભાઈ તેની કરચલીઓ પર ઇસ્ત્રી ફેરવીને કરચલીઓ દૂર કરીને રાજી કરે છે.
(૩) કોણ ખિસ્સા પર એક પણ વાર ખિજાતું નથી? તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે?
ઉત્તર : સૂરજદાદા ખિસ્સા પર એક પણ વાર ખિજાતા નથી. તેઓ ખિસ્સાને ‘બચુડા’ અને ‘બચુકડા' કહીને બોલાવે છે.
(૪) ધોબીકાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? તમને કઈ વાતથી ખબર પડી?
ઉત્તર : ધોબીકાકાનો સ્વભાવ માયાળુ છે. ખિસ્સું રડતું રડતું એમની પાસે આવ્યું ત્યારે ધોબીકાકાએ કહ્યું, ‘‘એમ વાત છે? અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતામાં છૂં કરી દઉં.'' આ વાતથી ખબર પડી કે ધોબીકાકા માયાળુ છે.
(૫) ‘ખિસ્સાને શર્ટ પર સીવવું' આ વાત વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાઈ છે?
ઉત્તર : ‘ખિસ્સાને શર્ટ પર સીવવું' આ વાત વાર્તામાં (૧) ‘બુશકોટભાઈ સાથે રહેવું' (૨) ‘બુશકોટ પર બેસવું’ એમ બે રીતે કહેવાઈ છે.
(૬) ખિસ્સું ફેરફુદરડી શા માટે ફરે છે?
ઉત્તર : દરજી ખિસ્સાને બેસાડે છે ત્યારે તેને નીરજભાઈના બુશકોટ પર બેસવાની મજા પડી, તેથી તે ખુશ થઈ ફેરફુદરડી ફરે છે.
(૭) ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો તે હવે ગંદું થશે? તે ગંદું થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ?
ઉત્તર : ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, ૨મે, જમે, સૂએ છે તો તે ગંદું થશે જ. તે ગંદું થશે તો નીરજભાઈ બુશકોટને ધોવા આપી દેશે, કારણ કે નીરજભાઈને ગંદું ખિસ્સું ગમતું નથી.
(૮) તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો? કેમ?
ઉત્તર : હું મોટો થઈને ખિસ્સામાં પેન, ઓળખપત્ર તેમજ થોડા પૈસા રાખીશ; જેથી બહાર જવા-આવવામાં એ ઉપયોગી થાય અને સરળતા રહે.
(૧૦) તમે પોતે ખિસ્સું છૉ. એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. (પેજ-૬)
ઉત્તર : હું ખિસ્સું છું. નવો બુશકોટ જોઈને મને તેના પર બેસવાની ઇચ્છા થઈ. મેં કહ્યું, “બુશકોટભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે.' બુશકોટભાઈએ મને ગંદું અને ગંધાતું કહીને મારી સાથે વાત કરવાની પણ ના પાડી. મારી આંખોમાંથી સફરજન જેવડાં આંસુનાં ટીપાં પડ્યાં. તેનાથી આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. તેથી મારા પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. હું ચોખ્ખું થઈ ગયું. હસી પડ્યું. હું રોફથી ચાલવા લાગ્યું.
મેં સૂરજદાદાની લાંબી લાંબી મૂછો જોઈ. હું તો ડરી ગયું; પણ સૂરજદાદાએ હસતાં હસતાં મને એમની પાસે બોલાવ્યું અને તેમના ખોળામાં બેસાડ્યું. તેમણે મારા ઉપર વહાલથી હાથ ફેરવ્યો અને હું સુકાઈ ગયું. પછી તો હું હરખાતું હરખાતું દરજીકાકા પાસે ગયું. મેં એમને નીરજભાઈના નવા બુશકોટ પર બેસાડી દેવાની વિનંતી કરી. દરજીકાકાએ મને ભગાડી મૂક્યું. તેમણે કહ્યું, “નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું તો કરચલીવાળું છે.’’
હું રડતાં રડતાં ધોબીની દુકાને આવ્યું. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. મારા રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. મારાં આંસુથી એમનાં કપડાં ભીનાં થઈ ગયાં હતાં. ધોબીભાઈ ખિજાઈ ગયા અને મને ભગાડી મૂક્યું. મેં રડતાં રડતાં મારી મૂંઝવણ જણાવી. ધોબીભાઈને દયા આવી. એમણે કહ્યું, ‘‘અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતાં છૂ કરી દઉં.' પછી એમણે ઇસ્ત્રી ગરમ કરીને મારે માથે મૂકી. હું દાઝી ગયું. મારાથી ચીસ પડાઈ ગઈ, પણ થોડીવારમાં મારી કરચલીઓ ગૂમ થઈ ગઈ. હું હસી પડ્યું. મેં ધોબીભાઈનો આભાર માન્યો.
હવે હું દરજીભાઈની દુકાને ગયું. મેં દરજીભાઈને કહ્યું, “હવે હું તો એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડશો ને?’
દરજીભાઈ ખુશ થઈ ગયા. દરજીભાઈએ સંચો ચલાવ્યો. હું નીરજભાઈના બુશકોટ પર ચોંટી ગયું.
નીરજભાઈ બુશકોટ લેવા આવ્યા. પોતાના નવા બુશકોટ પ૨ મને જોઈને રાજી થઈ ગયા. હું હસી પડ્યું. હવે હું નીરજભાઈની સાથે જ ભણવા જાઉં, રમવા જાઉં અને સૂઈ જાઉં છું.
(૧૧) સફરજન જેવડાં આંસુ એટલે મોટ્ટાં મોટ્ટાં આંસુ. આવા બીજા શબ્દજૂથ બનાવો. (પેજ-૭)
(૧) લીંબુની ફાડ જેવડી આંખ
(૨) સૂપડા જેવડા કાન
(૩) ઘો જેવી જીભ
(૪) ટોપલા જેટલું લેસન
(૫) શૂટકેસ જેટલું દફતર
(૬) નાગણ જેવો ચોટલો
(૧૨) આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? (પેજ-૭)
(રખડુ, રોતલ, ભટકેલ, ઊંઘણશી, વાતોડિયું, ભુખાળવું, ખાઉધરું, ડરપોક, ભણેશરી, લખેશરી)
(૧) ઊંઘ્યા કરવાની કેવી મજા આવે !
ઉત્તર : ઊંઘણશી
(૨) ઓ મા ! તેને તો પાંદડું હલે તોય બીક લાગે.
ઉત્તર : ડરપોક
(૩) ગમે તેટલું ખાઉં, મને ધરવ ન થાય.
ઉત્તર : ખાઉધરું
(૪) કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે.
ઉત્તર : વાતોડિયું
(૫) હું તો સતત ભણભણ જ કરું.
ઉત્તર : ભણેશરી
(૬) હું તો આમતેમ ફર્યા જ કરું.
ઉત્તર : રખડુ
(૭) હું વારેઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું.
ઉત્તર : ભટકેલ
(૮) અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે.
ઉત્તર : લખેશ્રી
(૯) કોઈ મારા પર સહેજ ખિજાય કે હું રડી પડું.
ઉત્તર : રોતલ
(૧૦) હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે.
ઉત્તર : ભુખાળવું
(૧૧) હું તો કામમાં પરોવાયેલો રહું.
ઉત્તર : કામગરું
(૧૩) જવાબ વિચારીને ‘મારું પ્રિય વસ્ત્ર’ વિશે લખો. (પેજ-૭)
(૧) તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? (૨) તે કયા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? (૩) તે કયા કયા પ્રસંગે, કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? (૪) તેને પહેરવામાં, ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ કઈ? (૫) તે તમને કેમ ગમે છે?
મારું પ્રિય વસ્ત્ર
મારા જન્મદિવસે મને નવું શર્ટ મળ્યું છે. તે આસમાની રંગનું છે. તે સુતરાઉ છે. તેના પર હાથ ફેરવું ત્યારે મને તેનો મુલાયમ સ્પર્શ ખૂબ ગમે છે. હવે તો જ્યારે મારે શુભપ્રસંગે બહાર જવાનું થાય ત્યારે મારી પહેલી પસંદગી આ શર્ટની જ રહે છે. તે કોઈ પણ પૅન્ટ સાથે મૅચ થઈ જાય છે. એને ધોવામાં કોઈ વિશેષ કાળજી રાખવી પડતી નથી. હા, ધોયા પછી જ ઇસ્ત્રી કરવી જ પડે. તે શર્ટ પહેરવાથી ગરમીમાં ખૂબ રાહત રહે છે, તેથી તે મને ગમે છે.
(૧૪) સંવાદ પૂરો કરો. પછી ભજવો. (પેજ-૮ થી ૧૦)
પાત્રો : ખિસ્સું, બુશકોટ, દરજી, ધોબી, સૂરજ, નીરજ
(ખિસ્સું નવા બુશકોટ પાસે જાય છે.)
બુશકોટ : ખસ, આદું ખસ, ભાગ અહીંથી.
ખિસ્સું : બુશકોટભાઈ, આવું શું કરો છો? મને તમારી સાથે બહુ ગમે છે.
બુશકોટ : તું રખડેલ છે. જ્યાં-ત્યાં રખડ રખડ કરે છે એટલે તું કેવું ગંદું અને ગંધાતું છે! તને જોઈને મને સૂગ ચડે છે. તારી સાથે વાતેય કોણ કરે?
(ખિસ્સું રડી પડે છે. આંસુના ખાબોચિયાંમાં આળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે. પોતાને સાફ જોઈ હસી પડે છે.)
ખિસ્સું : વાહ, વાહ ! હવે હું રૂપાળું થઈ ગયું.
(ખિસ્સું રૉફથી ચાલે છે. સૂરજદાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સું ડરી જાય છે.)
ખિસ્સું : બાપ રે ! ગરમાગરમ સૂરજભાભા ! એમની લાંબી લાંબી મૂછો જોઈને હું બી ગયું.
સૂરજદાદા : એય બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. અહીં આવ. તને સૂકવી દઉં.
(ખિસ્સું કૂદીને સૂરજદાદાના ખોળે બેસી જાય છે. સૂરજદાદા તેને વહાલ કરતાં કરતાં સૂકવે છે.)
સૂરજદાદા : જો, મારી ગરમીનો ફાયદો લઈ લે, વહાલુડા હવે તું રડીશ નહીં ને?
ખિસ્સું : ના રે ના, સૂરજદાદા, હવે હું નહીં રડું! હવે હું ફાઇન લાગું છું, નહીં !
સૂરજદાદા : હવે તો તું વહાલું વહાલું લાગે છે, બચુકડા.
(ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે.)
ખિસ્સું : દરજીકાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુશકોટ પર બેસાડી દો ને.
દરજી : નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલીવાળું છું. મારે તારું કામ નથી. ભાગ અહીંથી.
(ખિસ્સું રડતાં રડતાં ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલે છે.)
ધોબી (ખિજાઈને) : બચોળિયા ભાગ અહીંથી, મારાં કપડાં બગાડી નાંખ્યાં. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢયું છે?
ખિસ્સું (રડતાં રડતાં) : મને કરચલી પડી છે ને એટલે દરજીકાકા નીરજભાઈના બુશકોટ પર ચોંટાડતા નથી. એટલે મને રડવું આવે છે.
ધોબી : એમ વાત છે? અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતાં છૂ કરી દઉં.
(ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે. ખિસ્સા ઉપર મૂકે છે.)
ખિસ્સું (ચીસ પાડીને) : ઓ બાપ રે ! હું તો દાઝી ગયું. મારાથી નથી સહેવાતું.
ધોબી : ચૂપ...
(ધોબી જોરજોરથી ઇસ્ત્રી ફેરવે છે. ખિસ્સું કડક થઈ જાય છે.)
ખિસ્સું (હસતાં હસતાં) : ધોબીકાકા, થૅન્ક યૂ. તમે તો કમાલ કરી. હું એકદમ કડક અને ફાંકડું થઈ ગયું, આવજો.
(ખિસ્સું દરજીની દુકાને જાય છે.)
ખિસ્સું : દરજીકાકા જુઓ, હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુશકોટ પર ચોંટાડશો ને?
દરજી : અરે વાહ ! ખરેખર, તું તો સરસ લાગે છે. ચાલ, બેસી જા નીરજભાઈના બુશકોટ પર.
(ખિસ્સું ફેરફુદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુશકોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે.)
નીરજ : થૅન્ક યૂ દરજીકાકા. આવજો.
(ખિસ્સું હસી પડે છે.)
હવે ખિસ્સું અને નીરજભાઈ : સાથે બાલમંદિરે જાય, સાથે રમવા જાય અને સાથે સૂઈ જાય. ખિસ્સું ખુશ અને નીરજભાઈ પણ ખુશ !
(૧૫) એક સભ્ય પાઠ મોટેથી વાંચશે. બાકીના ગણશે કે “ખિસ્સું” વાર્તામાં (.) વાળા, (?) વાળા અને (!) વાળા વાક્યો કેટલાં છે? તેમાંથી બે-બે વાક્યો અહીં લખો.
ઉત્તર :
(.) :
(૧) એનાથી હસી પડાયું.
(૨) એ તો રૉફથી ચાલવા લાગ્યું.
(?) :
(૧) તને કોણ વઢ્યું છે?
(૨) કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને?
(!) :
(૧) એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું !
(૨) આવા બુશકોટ પર બેસવાની કેવી મજા પડે !
(૧૭) જૂથમાં કામ કરો. નીચેનાંમાંથી કોઈ પણ ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો : (પેજ-૧૧)
(૧) ઇયળનું લોહી ઠંડું હોય છે.
(૨) દેડકાં શિયાળા – ઉનાળામાં ઊંઘી જાય છે.
(૩) વરુ એ કૂતરાંનાં દાદા-દાદી છે.
(૪) એક મોબાઈલ બનાવવા ૧૦૦૦ લિટર પાણી વપરાય છે.
રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો.
ઉત્તર :
રાકેશ : અરે ભાઈ, આ દેડકાં હવે કેમ દેખાતાં નથી? તેઓ ક્યાં ગયાં?
પરેશ : કેમ, તારે દેડકાંનું શું કામ છે?
રાકેશ : વરસાદમાં તે કેવાં ‘ડ્રાઉં ડ્રાઉં ...’ કરવા મંડી પડ્યાં હતાં ! તે બધાં વરસાદના પાણીમાં તણાઈ ગયાં કે શું?
પરેશ : ના રે ના, એ તો પાણીમાં અને જમીનમાં એમ બંને જગ્યાએ જીવતાં રહે છે.
રાકેશ : તો શું તેઓ અત્યારે ઊંઘે છે?
પરેશ : હા, ભાઈ હા. દેડકાં શિયાળા – ઉનાળામાં જમીનની અંદર ઊંઘી જાય છે.
(૧૮) વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો : (પેજ-૧૧/૧૨)
'ડાકણ' એટલું સાંભળતાં જ જયા, મયૂર અને ઋતુ ગભરાઈ ગયાં. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડયાં અને અંશુલને કહ્યું, “કર હવે જાદુ.” તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું.
જોડકાં જોડો:
વિભાગ : જવાબ
(૧) જયા, મયૂર અને ઋતુ
(૨) વર્ગમાં
(૩) શિક્ષકના કહ્યા પછી
વિભાગ : પ્રશ્ન
(ક) અંશુલે લીંબુ ક્યારે કાપ્યું?
(ખ) કોણ કોણ ગભરાઈ ગયાં?
(ગ) ડરેલાં બાળકોની બીક કેમ જતી રહી?
(ઘ) અંશુલે જાદુ ક્યાં કર્યો?
ઉત્તર : (૧-ખ), (૨-ઘ), (૩-ક)
બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરમાં, શહેરની બહાર રખડવા જતો. તે પંખી, જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમનાં વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો.
જોડકાં જોડો:
વિભાગ : જવાબ
(૧) બોધરાજ
(૨) શહેરમાં, શહેર બહાર
(૩) ધ્યાનથી જોઈ-જોઈને
(૪) નિશાળેથી છૂટી
(૫) રખડતો
વિભાગ : પ્રશ્ન
(ક) બોધરાજ ક્યાં રખડવા જતો?
(ખ) નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો?
(ગ) નિશાળેથી છૂટી કોણ રખડવા જતું?
(ઘ) બોધરાજ જીવજંતુ-પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો?
(ચ) બોધરાજ ક્યારે રખડવા જતો?
ઉત્તર : (૧-ગ), (૨-ક), (૩-ઘ), (૪-ચ), (૫-ખ)
નવ વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે 'વેસ્ટમાંથી બેસ્ટ' ભેટ બનાવી બધાંને આપતો.
આપેલ ઉત્તર માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્નો બનાવો.
જવાબ : (૧) દિવ્યેશ
પ્રશ્ન : પપ્પાને કામમાં ટેકો કોણ કરે?
જવાબ : (૨) નવ વર્ષ
પ્રશ્ન : દિવ્યેશ કેટલાં વર્ષનો છે?
જવાબ : (૩) વસ્તુઓ બનાવવામાં
પ્રશ્ન : દિવ્યેશ શામાં પ્રવીણ છે?
જવાબ : (૪) શાળા સમય સિવાય
પ્રશ્ન : દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો?
જવાબ : (૫) જન્મદિવસે
પ્રશ્ન : દિવ્યેશ ક્યારે મિત્રોને ભેટ આપતો?
જવાબ : (૬) વેસ્ટ/ નકામી વસ્તુમાંથી
પ્રશ્ન : દિવ્યેશ શેમાંથી ભેટ બનાવતો?
બપોરે મંછી મિન્ટુડાને રામજીબાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે, “એક શરતે રહેવા દઉં. તારે કામમાં ટેકો કરવાનો.” ગોળના થપ્પા જોયા પછી મિન્ટુડો તો ત્યાં રહેવા ઊછળી પડેલો :
ટૂંકમાં ઉત્તર લખો :
(૧) કોણ? – મંછી
(૨) ક્યાં? – રામજીબાપાના ખેતરે
(૩) શું? – ગોળ
(૪) ક્યારે? – બપોરે
(૫) કેમ? – ગોળ ખાવા
(૬) કોને? – મિન્ટુડાને
(૧૯) જોડકાં જોડો. તે પછી દરેક પ્રશ્ન-ઉત્તરની જોડ ફટાફટ બોલો : (પેજ-૧૩)
વિભાગ : પ્રશ્ન = વિભાગ : જવાબ
(૧) કેમ? = (ખ) એમ
(૨) કેવી રીતે? =(ચ) આમ, આ રીતે
(૩) શું? = (છ) આ, પેલું કે તે ઉત્તર
(૪) ક્યારે? = (ઘ) ત્યારે, તે સમયે
(૫) કોણ? = (ક) હું, અમે, તમે
(૬) ક્યાં? = (ગ) અહીં કે ત્યાં
વિભાગ : પ્રશ્ન = વિભાગ : જવાબ
(૧) કેમ? = (ચ) રીત અને કારણ
(૨) શું? = (ગ) વસ્તુ, શબ્દ, વાક્ય, વાત
(૩) કોણ? = (ઝ) કરનાર વ્યક્તિ
(૪) કોને? = (જ) જેના પર ક્રિયાની અસર થાય તે
(૫) ક્યાં? = (ક) જગ્યા
(૬) શા માટે? = (ખ) કારણ
(૭) કઈ રીતે? = (ઘ) રીત
(૮) કેટલું?/કેટલાં? = (ટ) જથ્થો, સંખ્યા, પ્રમાણ
(૯) ક્યારે?= (છ) સમય
વાતચીત : (પેજ-૧૪/૧૫)
(૧) “હુર્રે... હુર્રે...” જુદી જુદી રીતે બોલો.
ઉત્તર : "હુર્રે હુર્રે.” જુદી જુદી રીતે બોલવું.
(૨) અક્ષયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું?
ઉત્તર : દાંત આવતાં અક્ષયભાઈ હુર્રે, હુર્રે કરે છે, તે મને સૌથી વધુ ગમ્યું.
(૩) અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું? કેમ? તેમની વાત કહો.
ઉત્તર : અક્ષયભાઈનું ગીત સાંભળીને મને મારા પાડોશીનો મોન્ટુ યાદ આવ્યો. દાંત આવતાં તે બધાને બચકાં ભરતો, માટી ખાતો, જે હાથમાં આવે તે મોંમાં નાખતો.
(૪) દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકાં ભર્યાં છે? એ અનુભવ વર્ગમાં કહો.
ઉત્તર : મોન્ટુને દાંત આવતા હતા. હું વાંચતો હતો ત્યારે તે ઓચિંતો આવી ચડયો. મારા ખોળામાં બેસીને મારા ગાલ પર બચકાં ભરવા લાગ્યો. મેં પરાણે તેને છોડાવ્યો.
(૫) તમારા ઘરમાં કોણ કોણ બોખું છે? તેમને દાંત કેમ નથી?
ઉત્તર : મારા ઘરમાં અત્યારે કોઈ બોખું નથી.
(૬) અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય? કેમ?
ઉત્તર : અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને ના અપાય. તે નાનું બાળક છે. તેને દુધિયા દાંત પડ્યા પછી કુદરતી રીતે જ નવા દાંત આવશે.
(૭) બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે? કેમ?
ઉત્તર : બોખી વ્યક્તિ ચણા જેવી કઠણ વસ્તુ ખાઈ ન શકે, કારણ કે તેમ કરતાં તેમનાં પેઢાં દુખે.
(૮) તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે?
ઉત્તર : મને સીંગ, ચણા વગેરે ચાવવાનું સૌથી વધુ ગમે.
(૯) પક્ષી તેમજ પતંગિયાં, ઈયળ જેવાં જંતુ ખોરાક કેવી રીતે ખાય?
ઉત્તર : પક્ષી ચાંચ વડે ખાય, પતંગિયાં રસ ચૂસે અને ઇયળ લાળથી ખાય.
(૧૦) તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો?
ઉત્તર : હું સવારે ઊઠીને અને સાંજે સૂતાં પહેલાં બ્રશ કરું છું. કંઈ પણ ખાધા પછી કે પીધા પછી હું કોગળા કરી દાંત સાફ કરું છું. અતિ ગરમ કે અતિ ઠંડા પદાર્થો ખાતો નથી.
(૨૨) શબ્દોના અર્થ જાણો. તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો : (પેજ-૧૫/૧૬)
(૧) ભાડવાત : ભાડૂઆત, ભાડૂત, ભાડું આપી રહેનાર
(૧) કેટલાંક લોકોને પોતાનું ઘર હોય છે. જ્યારે કેટલાક ભાડૂઆત તરીકે રહે છે.
(૨) જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે. તેઓ ત્યાં ભાડવાત તરીકે રહે છે.
(૩) રમેશભાઈ જુનાગઢ શહેરમાં ભાડવાત તરીકે રહે છે.
(૨) ચળ : ખંજવાળ, ખણ, એક જ કામ વારંવાર કરવાની ઇચ્છા
(૧) વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ત્યાં ચળ આવે છે.
(૨) અમને વાર્તા સાંભળવાની ચળ ઊપડે છે.
(૩) તારા હાથ-પગ ગંદા છે, એટલે તને ચળ ઊપડી છે.
(૩) લાગ : તક, યોગ્ય સમય
(૧) ગરોળી લાગ જોઈને જીવડાં પર તરાપ મારે છે.
(૨) એક પગે ઊભા રહેલા બગલાએ લાગ મળતાં જ માછલી પકડી લીધી.
(૩) લાગ મળતાં જ તુષારે ચોગ્ગો ફટકાર્યો.
(૪) નીરવું : ઢોરને ઘાસ નાખવું
(૧) ઉત્તરાયણને દિવસે બધા ગાયને ઘાસ નીરે છે.
(૨) અમે અમારી ભેંસને સવાર-સાંજ ઘાસ નીરીએ છીએ.
(૩) ખેડૂત બળદોને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે.
(૫) હિંસક : બીજાને નુકસાન કરનાર
(૧) સિંહ હિંસક હોય છે. તે પ્રાણીઓને મારે છે.
(૨) હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે.
(૩) વાઘ હિંસક પ્રાણી છે.
(૨૩) ગીતને આધારે વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપો. સાચા વિકલ્પ સામે 'હુર્રે' તથા ખોટા વિકલ્પ સામે 'ફૂર્રે ફૂર્રે' લખો : (પેજ-૧૬)
(૧) અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે?
૭૦ – ૮૦ વર્ષ (ફૂર્રે ફૂર્રે)
૧૦–૧૨ મહિના (હુર્રે)
૧૦-૧૨ વર્ષ (ફૂર્રે ફૂર્રે)
(૨) અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા છે?
છ અને સાત (ફૂર્રે ફૂર્રે)
છ અથવા સાત (હુર્રે)
છ તેથી સાત (ફૂર્રે ફૂર્રે)
(૩) 'લઈને બારાત આવ્યા' એટલે?
દાંત વરઘોડો કાઢીને આવે છે. (ફૂર્રે ફૂર્રે)
દાંતનાં જીભ સાથે લગ્ન છે. (ફૂર્રે ફૂર્રે)
આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડયા. (હુર્રે)
(૪) નાનાં બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે, કારણ કે
દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે, તેથી. (હુર્રે)
બાળકોને બધું જ ભાવતું હોય છે, તેથી. (ફૂર્રે ફૂર્રે)
મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે, તેથી. (ફૂર્રે ફૂર્રે)
(૨૪) વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે? શોધીને લખો : (પેજ-૧૬/૧૭)
ઉદાહરણ : દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ છે.
પંક્તિ: બોખા મોંમાં હથિયારો-તાકાત આવ્યાં !
(૧) એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે?
પંક્તિ: મોઢાંમાંહી બૉટલનો ડૂચો મારતા હતા! એને નીરતા'તા હાય હાય કેવો ખોરાક.
(૨) દાંત આવ્યા એટલે જાતભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે.
પંક્તિ: હવે ભેળ, ભૂસું, ભજિયાં ને ભાત આવ્યાં.
(૩) મોંના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે.
પંક્તિ: મોંના ફ્લેટમાં છ-સાત ભાડવાત આવ્યા.
(૪) આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી-અટૂલી હતી.
પંક્તિ: જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતુડિયુંય આવતું ન'તું!
(૫) નમસ્તે કરવાના બહાને હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું.
પંક્તિ: શિર ઝુકાવી, એ પહેલાં તો 'જે જે' કરે. પછી લાગ જોઈ, બરડામાં બચકું ભરે!
(૬) આહા ! આહા! મજા મજા !
પંક્તિ: હડિપ્પા ભલ્લે ભલ્લે ભલ્લે ભલ્લે ... !
(૭) અક્ષયને તો રોટલી કે શાક, જે ગણો તે ફક્ત દૂધ જ.
પંક્તિ: દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક
(૨૫) અહીં કેટલાક શબ્દો આપ્યા છે. એમને અક્ષયના 'દાંત આવતાં પહેલાં' કે 'દાંત આવ્યા પછી’ એમ કઈ પરિસ્થિતિને લાગુ પડે છે તે જુદા ખાનામાં લખો. (પેજ-૧૭)
(રોટલી, શાંત, શક્તિ, ચળ, સૂનું, જાન, હુર્રે, બચકું, ચવાણું, ડૂચો, બોખો, શેરડી, બૉટલ, ચચૂકા /ચિચૂકા, ચૉકલેટ, જામફળ, કેરી)
વિભાગ : દાંત આવતાં પહેલાં
શાંત, ચળ, સૂનું, ડૂચો, બોખો, બૉટલ
વિભાગ : દાંત આવ્યા પછી
રોટલી, શક્તિ, જાન, હુર્રે, બચકું, ચવાણું, શેરડી, ચચૂકા/ચિચૂકા, ચૉકલેટ, જામફળ, કેરી
(૨૬) પ્રશ્નોના ઉત્તર લખો: (પેજ-૧૭)
(૧) અક્ષય હોશિયાર છે કે નહિ? કેવી રીતે ખબર પડી?
ઉત્તર : અક્ષય હોશિયાર છે. તે નમસ્તે કરવાને બહાને લાગ જોઈ બીજાને બરડામાં બચકું ભરે છે.
(૨) દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યાં, એમ કેમ કહ્યું હશે?
ઉત્તર : દાંત આવતાં જ અક્ષય જે-તે વસ્તુ મોઢામાં નાખવા લાગ્યો અને જેને-તેને લાગ જોઈને બરડામાં બચકાં ભરવા લાગ્યો, જેનાથી ઝઘડો થતો. આથી દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યાં, એમ કહ્યું હશે.
(૩) દાંત આખી જાન લઈને આવ્યા છે, એવું કેમ કહ્યું હશે?
ઉત્તર : દાંત આવવાની શરૂઆત થઈ પછી બધા દાંત એક પછી એક આવવા લાગ્યા, તેથી દાંત આખી જાન લઈને આવ્યા છે, એવું કહ્યું હશે.
(૪) શું દાંત વગરના અક્ષયને તેનાં મમ્મી-પપ્પા ભૂખ્યો રાખતાં હશે? તો “તમે અક્ષયને ભૂખો મારતા હતા' એમ કેમ કહ્યું હશે?
ઉત્તર : દાંત વગરના અક્ષયને તેનાં મમ્મી-પપ્પા ભૂખ્યો નહિ રાખતાં હોય, પરંતુ તેને બૉટલમાં પ્રવાહીના રૂપમાં જ જે-તે અપાતું. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળતી નહિ, આથી ‘તમે અક્ષયને ભૂખો મારતા હતા' એમ કહ્યું હશે.
(૫) અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે?
ઉત્તર : કોઈ પણ બાળકની વિશેષ વાત કરવી હોય તો તેને માનથી જ બોલાવાય, તેથી અક્ષય નાનો હોવા છતાં હું એને માનથી બોલાવે છે.
(૬) દાંત આવતાં પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે?
ઉત્તર : દાંત આવતાં પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે: "આવડા મોટા ઘરમાં મારે એકલા જ રહેવાનું? મને સાથ આપનાર કોઈ હોય તો કેવું સારું !"
(૨૭) નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે? કહો. આવા બીજા શબ્દો શોધો, બોલો : (પેજ-૧૭)
તબડક તબડક તબાક તબડક
ઢિશૂમ ઢિશ ઢિશ ઢિશૂમ
થપ થપ થય થપ થપાટ થપ
દડ દડ દડ દડ દડાક દડ દડ
ધડ ધડ ધડ ધડ ધડામ ધડ ધડ
દે ધનાધન દે ધનાધન
ટનનનનનનનનનનનન
તડ તડ તડ તડ તડાક તડ તડ
ઉત્તર : _ કરેલા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે.
બીજા શબ્દો : તકલી, તપેલી, થડ, થાળી, દક્ષા, દર્પણ, ધમણ, ધજા, નગર, નવનીત
(૨૮) ધારો કે તમે સવારે ઊઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો? શું ન કરી શકો? ચર્ચા કરો : (પેજ-૧૮)
ઉત્તર : શું શું કરી શકાય? પ્રવાહી પી શકાય, ક્રશ કરેલો ખોરાક ખાઈ શકાય, કોગળા કરી શકાય
શું ન કરી શકાય? બરાબર સ્પષ્ટ બોલી ન શકાય, ચણા, રોટલા જેવી કઠણ વસ્તુઓ ચાવીને ખાઈ ન શકાય, બ્રશ ન કરી શકાય
(૨૯) ત્રણના જૂથમાં કામ કરો. તમારા દાંતને પાછા બોલાવવા માટે વિનંતી કરતી ચિઠ્ઠી લખો. (પેજ-૧૭)
૫, આદિનાથ નગર, નરોડા, અમદાવાદ.
તારીખ : ૧૫-૦૬-૨૦૨૪
મારા પ્રિય દાંત,
તમને કોગળા ભરીને યાદ.
આજે સવારે હું ઊઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું? હું સેવ, ચણા, પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી. તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી! તમને ખબર છે, આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે ! આમ તો શીરો મને ભાવે છે પણ તમે મોંમાં નથી ત્યારે મને એનોય સ્વાદ બદલાયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભબહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ. સવાર-સાંજ બ્રશ કરીશ. તમારું ખૂબ ધ્યાન રાખીશ. તમારી સાથે વાતો કરીશ.
મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને ! તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વહાલા, ધોળા, રૂપાળા દાંત! હું તમને વિનંતી કરું છું અને હા, સાથે દાઢબહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય, એની માફી માગું છું.
તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે. તમને હું સારું સારું ખવડાવીશ, આવશો ને?
લિ. તમારો મિત્ર,
અજય
શબ્દ બેન્ક
પોતીકું, પૌષ્ટિક, પ્રતિજ્ઞા, પ્રવૃત્તિ, પ્રક્રિયા,
તર્યા, ફર્યા, તર્યા, ધર્યા
પક્ષી, લક્ષ, ક્ષતિ, ક્ષમા
ધ્યાન, મ્યાન, ત્યાગ, ખ્યાલ
વિદ્યા, વિદ્યાર્થી, શક્તિ, ભક્તિ