ધોરણ : 5
વિષય : આસપાસ (પર્યાવરણ)
એકમ : 1. મજાની ઇન્દ્રિયો
વિષયાંગ : પ્રશ્નો અને જવાબો
વિચારો અને કહો. (પેજ-1)
(1) કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી?
ઉત્તર : દરેક કીડી પોતાના શરીરમાંથી એક પ્રકારની સુગંધ છોડતી હોય છે. આ સુગંધની ઓળખ દ્વારા કીડીને ખબર પડી જાય છે કે બીજી કીડી તેમના જૂથની છે કે નહિ. તે (રક્ષક) કીડીએ પણ સુગંધથી જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી.
(2) રક્ષક કીડીએ આ કીડીને કેવી રીતે ઓળખી?
ઉત્તર : રક્ષક કીડી આ કીડીની સુગંધથી પરિચિત હતી. તેથી રક્ષક કીડીએ આ કીડીની સુગંધ પારખીને તેને ઓળખી લીધી.
પ્રયત્ન કરો અને લખો : (પેજ-1/2)
(1) કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય થયો?
ઉત્તર : કીડીઓને ત્યાં આવવામાં લગભગ 15 – 20 મિનિટ લાગી.
(2) પહેલાં એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું?
ઉત્તર : સૌથી પહેલાં એક જ કીડી આવી તે પછી ધીરે ધીરે કીડીઓનું જૂથ આવ્યું.
(3) કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી?
ઉત્તર : કીડીઓ ખોરાકને પોતાના મોં વડે ઉપાડી દરમાં લઈ જવાનો પ્રયત્ન કરતી હતી.
(4) કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે?
ઉત્તર : કીડીઓ ત્યાંથી પોતાના દર તરફ જાય છે.
(5) શું તે હરોળમાં જાય છે?
ઉત્તર : હા, તે એકબીજાની પાછળ હરોળમાં જાય છે.
(6) હવે, કીડીઓ કેવી રીતે જાય છે? અવલોકન કરો.
ઉત્તર : અવલોકન કરતાં જોયું કે, કીડીઓ પેન્સિલ આગળ અટકી જાય છે અને પછી પેન્સિલની ધારે-ધારે આગળ વધી પરિચિત સુગંધવાળો રસ્તો શોધી લઈ સાચી દિશામાં આગળ વધે છે.
(7) હવે તમે અંદાજ લગાવી શકો કે જ્યારે તમે રસ્તો બંધ કર્યો ત્યારે કીડીઓ કેમ આવું વર્તન કરે છે?
ઉત્તર : કીડીઓ ચાલતાં સમયે જમીન પર સુગંધ છોડે છે, જેને સૂંઘીને પાછળ આવનારી કીડીઓને રસ્તો મળી જાય છે. જ્યારે આપણે કીડીઓનો રસ્તો રોકીએ ત્યારે પરિચિત સુગંધવાળો રસ્તો શોધવા માટે કીડીઓ આવું વર્તન કરે છે.
(8) તમને મચ્છરથી ક્યારેય મુશ્કેલી પડી છે? જરા વિચારો, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો?
ઉત્તર : હા, મને મચ્છરથી ઘણીવાર મુશ્કેલી પડી છે. મચ્છર આપણા શરીરની સુગંધ તથા શરીરના તાપમાન પરથી આપણને શોધી લે છે.
(9) તમે કૂતરાને જ્યાં-ત્યાં સૂંઘતાં જોયો છે? તમે શું વિચારો છો કે તે શું સૂંઘવાનો પ્રયત્ન કરે છે?
ઉત્તર : હા, મેં કૂતરાને જ્યાં-ત્યાં સૂંઘતાં જોયો છે. તે અન્ય કૂતરાંઓના પેશાબ કે મળને સૂંઘવાનો પ્રયત્ન કરે છે, જેથી તેની ગંધથી અન્ય કૂતરાં તેના વિસ્તારમાં આવ્યા છે કે નહિ તે જાણી શકે છે.
લખો : (પેજ-4)
(1) મનુષ્યો કૂતરાંની આ સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે?
ઉત્તર : મનુષ્યો ગુનેગારને પકડવામાં, બૉમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કૂતરાંની સૂંઘવાની આવડતનો ઉપયોગ કરે છે.
(2) તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડાં ઉદાહરણો લખો. જેમ કે, સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે.
ઉત્તર : આપણને સુગંધની ઇન્દ્રિય આ રીતે મદદરૂપ બને છે : (1) રસોડામાં ગૅસ લીક થયો હોય કે ચાલુ રહ્યો હોય, તો તેની ગંધથી તેની ખબર પડતા ગૅસ બંધ કરીને અકસ્માતથી બચીએ છીએ. (2) ગૅસની સગડી પર રંધાતો ખોરાક દાઝતો હોય, તો તેની ગંધ પરથી જાણ થતા ખોરાક વધુ દાઝતો અટકાવી શકાય છે. (3) વાસી થયેલો કે બગડી ગયેલો ખાદ્યપદાર્થ તેની ગંધ પરથી જાણી શકાય છે. (4) બંધ ઓરડામાં કોઈ પ્રાણી કે મનુષ્ય મરી ગયેલ હોય, તો તેની ગંધ પરથી જાણ થઈ શકે છે.
(3) એવાં પ્રાણીનાં નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો.
ઉત્તર : હું કૂતરા, બિલાડી, ગાય તથા માછલીને જોયા વગર તેની સુગંધથી ઓળખી શકું છું.
(4) એવી પાંચ વસ્તુઓનાં નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી.
ઉત્તર :
મને ગમતી સુગંધ
(1) ગુલાબ અને મોગરાના ફૂલોની સુગંધ
(2) સ્વાદિષ્ટ ભોજનની સુગંધ
(3) અત્તરની સુગંધ
(4) ભીની માટીની સુગંધ
(5) અગરબત્તીની સુગંધ
મને ન ગમતી સુગંધ
(1) ગંદા કચરાની ગંધ
(2) છાણની ગંધ
(3) ખુલ્લી ગટરની ગંધ
(4) ગૅસની ગંધ
(5) માછલીની ગંધ
શોધી કાઢો : (પેજ-5)
(1) શું તમારા કુટુંબના કોઈ સભ્યનાં કપડાંમાંથી સુગંધ આવે છે?
ઉત્તર : હા, મારા મમ્મી, પપ્પા કે બહેન કોઈ લગ્નમાં કે શુભ લગ્નપ્રસંગે બહાર જાય છે, ત્યારે તેઓ સ્પ્રે લગાવે છે તે સમયે તેમના કપડાંમાંથી સુગંધ આવે છે.
(2) તમે મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ કોઈ દુર્ગંધ અનુભવી છે? ઉત્તર : હા, મેં મેળો, બસ, ટ્રેન વગેરે જેવી ભીડભાડવાળી જગ્યાઓએ લોકોના પરસેવાની દુર્ગંધ અનુભવી છે.
વિચારો અને ચર્ચા કરો : (પેજ-5)
(1) છાયા જ્યારે ઋચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું; પણ પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું. તમારા મતે, તેણે આવું કેમ કર્યું?
ઉત્તર : જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે કોઈ વસ્તુ ગંદી છે, તો આપણને તેની ગંધ ખરાબ લાગે છે. છાયાને ઋચિતના બાળોતિયામાંથી ગંધ આવતી લાગે છે, તેથી તેણીએ બાળોતિયું સાફ કરતાં મોં ઢાંકી દીધું. પરંતુ પોતાની દીકરીના બાળોતિયામાંથી ગંધ આવતી લાગતી નથી. તેથી પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતાં મોં ના ઢાંક્યું. વળી છાયા પોતાની દીકરીનું બાળોતિયું કાયમ સાફ કરતી હતી. તેથી તેની ગંધથી ટેવાયેલી હતી. પરંતુ ઋચિતનું બાળોતિયું પહેલી વાર સાફ કરે છે. તેથી તેની ગંધ ખરાબ લાગે તે સ્વાભાવિક છે. આથી છાયાએ ઋચિતનું બાળોતિયું સાફ કરતી વખતે ખરાબ ગંધ આવતી હોવાથી મોં ઢાંકી દીધું હતું.
(2) તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ, તો કેવો અનુભવ થાય છે? જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતાં હોય તેમના વિશે વિચારો.
ઉત્તર : જ્યારે હું કચરાના ઢગલા પાસેથી પસાર થાઉં છું, તો તેમાંથી ગંદી વાસ આવે છે. આથી હું મારા રૂમાલ વડે મારું નાક ઢાંકી દઉં છું. જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડતાં હોય છે તે આવી ગંધવાળા વાતાવરણથી ટેવાઈ ગયેલાં હોય છે તેથી તેઓને આવી ગંધની કંઈ અસર થતી નથી.
(3) શું ‘સારી' અને 'ખરાબ' સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે?
ઉત્તર : ના, 'સારી' અને 'ખરાબ' સુગંધ દરેક માટે સમાન નથી હોતી. જેમ કે, આપણને ગમતી અત્તરની સુગંધ ઘણા લોકોને ગમતી નથી. તે જ પ્રમાણે આપણને ન ગમતી ડુંગળીની ગંધ કેટલાક લોકોને ખરાબ લાગતી નથી. તેથી તે સુગંધ કે ગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે.
ચાલો જોઈએ : (પેજ-6/7)
(1) એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય છે.
ઉત્તર : ઘુવડ એવું પક્ષી છે કે જેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય છે.
(2) એવાં પક્ષીઓનાં નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું છે?
ઉત્તર : કાગડો, કબૂતર, ચકલી, સમડી, હોલો વગેરે મોટા ભાગનાં પક્ષીઓની આંખો માથાની બાજુઓ પર હોય છે. તેમની આંખોનુ કદ તેમના માથાના કદ કરતાં ઘણું નાનું હોય છે.
(3) અનુમાન કરો જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા, જે તમે અત્યારે નથી કરી શકતા?
ઉત્તર : મારા કાનની જગ્યાએ આંખો હોત તો હું પક્ષીઓની જેમ ગરદન ફેરવ્યા વગર ચારે બાજુ જોઈ શકતો હોત. જે અત્યારે કરી શકાતું નથી.
(4) શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે?
ઉત્તર : હા, આકાશમાંથી ગરુડ જમીન પર પડેલી રોટલી એકથી બે કિલોમીટરના અંતરથી જોઈ શકે છે.
લખો : (પેજ-8)
(1) દસ પ્રાણીઓનાં નામ લખો જેમના કાન જોઈ શકાય છે.
ઉત્તર : ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બિલાડી, કૂતરો, સસલું, બકરી, હરણ વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ.
(2) કેટલાંક એવાં પ્રાણીઓનાં નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. ઉત્તર : હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરી, ગધેડું, હરણ, સસલું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે.
(3) શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે?
ઉત્તર : પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જે પ્રાણીઓના કાન મોટા હોય છે, તેઓની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે.
(4) પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો. પાટિયા પર ફરી હાથથી અવાજ કરો. ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે?
ઉત્તર : પાટિયા પર હાથથી અવાજ કરતાં અવાજ સંભળાય છે. પરંતુ ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર રાખીને પાટિયા પર હાથથી અવાજ કરતાં અવાજ વધારે જોરથી અને સ્પષ્ટ સંભળાય છે અને પાટિયાની ધ્રુજારીનો પણ અનુભવ થાય છે.
લખો : (પેજ-10)
(1) શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં ક્યાં?
ઉત્તર : હા, હું કૂતરા અને બિલાડી જેવા કેટલાંક પાલતુ પ્રાણીઓના અવાજને સમજી શકું છું.
(2) શું કેટલાંક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? ક્યાં ક્યાં?
ઉત્તર : હા, પોપટ, બિલાડી, કૂતરો જેવાં કેટલાંક પાલતુ પ્રાણીઓ આપણી ભાષા સમજી શકે છે.
(3) ઠંડી ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી, શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે, તમે શું વિચારો છો?
ઉત્તર : હા, મેં જોયું છે કે શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી. તે આ ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિંદ્રામાં (શીત નિંદ્રામાં) ચાલી જાય છે. તેથી દેખાતી નથી.
(4) અહીં કેટલાંક પ્રાણીઓના ઊંઘવાના સમય દર્શાવતા ઘડિયાળના ચિત્ર આપ્યા છે. આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો.
ઉત્તર: (1) ગાય : 4 કલાક
(2) અજગર : 18 કલાક
(3) જિરાફ : 2 કલાક
(4) બિલાડી : 12 કલાક
(5) જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે? આવા દસ પ્રશ્નોની યાદી બનાવો.
ઉત્તર : હા, મારી આસપાસનાં પ્રાણીઓને જોઈને તેમના વિશે ઘણા બધા પ્રશ્નો જાગે છે, જે નીચે મુજબ છે : (1) શું પ્રાણીઓ પરસ્પર વાતચીત કરવા અલગ-અલગ અવાજ કાઢે છે? (2) તે રાત્રે શું કરે છે? (3) તે પોતાના ખોરાકને કેવી રીતે મેળવે છે? (4) તે દુઃખ અનુભવે છે કે નહીં? (5) તે પોતાના મિત્રો કેવી રીતે બનાવે છે? (6) શું તે આપણી ભાષા સમજે છે? (7) તે ક્યાં રહે છે? (8) તે કેટલો સમય ઊંઘે છે? (9) તે પોતાનાં બચ્ચાંને પ્રેમ કરે છે કે નહીં? (10) જ્યારે તે ઘાયલ (જખમી) થાય છે ત્યારે શું કરે છે?
વાઘ : (પેજ-13)
(1) જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો?
ઉત્તર : શિકારી લોકો વાઘના નખ, દાંત અને તેની રુવાંટીવાળી ચામડી માટે તેનો આડેધડ શિકાર કરે છે. આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે. તેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે.
(2) શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે?
ઉત્તર : મનુષ્ય નિર્દોષ પ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરે છે. તે આનંદ માટે, આજીવિકા માટે, વધુ ધન કમાવવાની લાલચે, પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતે મનુષ્ય પ્રાણીઓને આડેધડ મારી નાખે છે. જેમ કે, હાથીને તેના દાંત માટે; ગેંડાને તેના શિંગડાં માટે; વાઘને તેના નખ, દાંત અને ચામડા માટે; મગર, સાપને તેની ચામડી માટે; કસ્તૂરીમૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે શિકાર કરવામાં આવે છે. વળી મનુષ્ય તેના વસવાટ માટે કે ઉદ્યોગો સ્થાપવા જંગલોનો નાશ કરે છે, જેથી પ્રાણીઓના ખોરાક અને રહેઠાણ છિનવાઈ જાય છે. આમ, મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે.
શોધી કાઢો : (પેજ-13)
(1) ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલાં છે?
ઉત્તર : આપણે જોયું કે પ્રાણીઓની રક્ષા માટે સરકારે કેટલાંક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યાં છે. તેમાં ઉત્તરાખંડમાં ‘જિમ કોર્બેટ નૅશનલ પાર્ક', રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં 'ઘાના' છે. ગુજરાતમાં 'ગીર રાષ્ટ્રીય ઉદ્યાન', 'કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન', દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (કચ્છનો અખાત) અને 'વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન' છે. આ ઉપરાંત ભારતમાં નીચેનાં રાજ્યોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલાં છે.
ગુજરાતમાં બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય; રાજસ્થાનમાં થરનું રણ; અસમમાં કાઝીરંગા; કર્ણાટકમાં બંડીપુર; જમ્મુ-કશ્મીરમાં ડાચીગામ અને મધ્ય પ્રદેશમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલાં છે.
(2) તેની (અભયારણ્યની અને રાષ્ટ્રીય ઉદ્યાનની) માહિતી એકઠી કરો અને અહેવાલ લખો. ઉત્તર : સૌપ્રથમ આપણે અહીં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈશું :
(1) અભયારણ્ય : જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો 'અભયારણ્યો' કહેવાય છે. અભયારણ્યની રચના જે-તે રાજ્ય સરકાર કરે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતનાં અભયારણ્યો છે.
(2) રાષ્ટ્રીય ઉદ્યાન : કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર ‘રાષ્ટ્રીય ઉદ્યાન' કહેવાય છે. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.