ગુજરાતી બાળવાર્તા । 2. શિખામણ કોને અપાય?
એક ખેતર હતું. તેમાં લીમડો, જાંબુડો, આસોપાલવ, આંબો જેવા ઘણા બધા વૃક્ષો હતા. આ બધા વૃક્ષો પર જાતજાતના પક્ષીઓ રહે. ક્યારેક તો વાંદરા પણ હુપાહુપ કરતા આવે, આમાંથી આંબાના ઝાડ પર એક ચકલીએ પાંદડા, લાકડાની સળિયો, પક્ષીઓના પીંછા આવું બધું ભેગું કરીને એક માળો બનાવ્યો હતો. તેના માટે આ તેનું સુંદર મજાનું ઘર હતું.
એક વખત અચાનક ખૂબ ભારે વરસાદ શરૂ થઈ ગયો. એટલે બધા પક્ષીઓ અને જાનવરો પોતપોતાના ઘરમાં જતાં રહ્યા. ત્યાં વાંદરો પણ વરસાદ થી બચવા માટે ચકલીના માળાની ડાળ પર જઈને પાંદડાઓની વચ્ચે છુપાઈને બેસી ગયો.
તે ખૂબ જ પલળી ગયો હતો. તેને જોઈને માળામાં બેઠેલી ચકલી બોલી, “અલ્યા જાનવરો! તમે આ વરસાદ આવે તે પહેલા તમારું ઘર કેમ બનાવતા નથી? શું તમને ખબર નથી કે તમારે રહેવા માટે એક ઘરની પણ જરૂરિયાત પડે.” આમ ઠંડીમાં ધ્રુજવું તો ના પડત.
ચકલીની વાત સાંભળીને વાંદરો તો ખીજાઈ ગયો ને ચકલીનો માળો એક જ ઝટકામાં તોડીને વેરવિખેર કરી નાખ્યો. ચકલી તો ડરી ગઈ ને આખી રાત બિચારી પલળતી પલળતી રોવા લાગી.