શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1

GIRISH BHARADA

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ વિશે સમજૂતી


Shrimad Bhagvad Geeta in Gujarati Adhyay 1 । શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ૧

ૐ શ્રી પરમાત્મને નમઃ

શ્રીમદ્ ભગવદ્ગીતા

અધ્યાય પહેલો

(અર્જુન વિષાદયોગ)


ધૃતરાષ્ટ્ર બોલ્યા,

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।

મામકાઃ પાંડવાશ્વૈવ કિમકુર્વત સંજય ॥ ૧ ॥

રાજા ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે, હે સંજય, જયાં ઘણા દેવોએ તપશ્ચર્યા કરેલ છે એવી ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા પુત્રો કૌરવો તથા મારા ભાઇ પાંડુના પુત્રો પાંડવો યુદ્ધ કરવાની ઇચ્છાથી ભેગા થયા છે, તો તેઓએ શું કર્યું?


સંજય બોલ્યા,

દ્રષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।

આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨ ॥

ત્યારે સંજયે કહ્યું કે, હે રાજન, પાંડવોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઇને તે વખતે આપના પુત્ર દુર્યોધને, ધનુર્વિદ્યાના શીખવનાર ગુરુ દ્રોણાચાર્ય પાસે જઇને કહ્યું.


પશ્યૈતાં પાંડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।

વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩ ॥

હે આચાર્ય, દ્રુપદરાજાનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન જે આપનો બુદ્ધિમાન શિષ્ય છે; તેણે જે વ્યૂહ આકારમાં ગોઠવેલી પાંડવોની આ મોટી સેનાને જુઓ.


અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ ।

યુયુધાનો વિરાટશ્વ દ્રુપદશ્ર મહારથઃ ॥ ૪ ॥

ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્વ વીર્યવાન્ ।

પુરુજિત્કુત્કુન્તિભોજશ્ર શૈબ્યશ્વ નરપુંગવઃ ॥ ૫ ॥

યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાત્મ્ય વીર્યવાન્ ।

સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ॥ ૬ ॥

પછી દુર્યોધન પાંડવોની સેનાના રણશૂરા યોદ્ધાઓની ઓળખાણ આપીને બોલ્યા કે, પાંડવોની સેનામાં ઘણા મહાન યોદ્ધાઓ છે. તેઓ ધનુષ્યધારીઓ, શૂરવીરો, બળવાનો અને પરાક્રમી છે. જેવા કે, ભીમ તથા અર્જુન બન્ને ભાઇઓ તથા યાદવવંશના રાજા શિનિકનો પુત્ર સાત્યકિ તથા મત્સ્યદેશ કે જયાં પાંડવો એક વરસ ગુપ્તવાસ તરીકે રહ્યા હતા અને જેની ઉત્તરા નામની પુત્રી અર્જુનના દીકરા અભિમન્યુ સાથે પરણાવી છે તે રાજા વિરાટ, તથા પંચાલ દેશનો રાજા જે દ્રૌપદીનો બાપ થાય છે તે રાજા દ્રુપદ તથા ચેદિ દેશના રાજા શિશુપાલનો પુત્ર ધૃષ્ટકેતુ તથા યાદવવંશી ચેકિતાન તથા કાશી પ્રદેશનો રાજા કાશીરાજ તથા પાંડવોની માતા કુંતાજીનો ભાઇ પુરુજિત તથા તેનો બાપ કુન્તિભોજ તથા તેની પુત્રી દેવિકાની સાથે યુધિષ્ઠિર રાજા પરણ્યા છે તે શિબિ દેશના રાજા શૈબ્ય તથા પાંચાલ દેશના રાજકુમારો યુધામન્યુ તથા ઉત્તમૌજા તથા શુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો; આ બધા મહારથીઓ ભેગા થયા છે.


અસ્માકં તુ વિશિષ્ટા ય તાન્નિબોધ દ્વિજોત્તમ ।

નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થ તામ્બ્રવીમિ તે II ૭ II

હે બ્રાહ્મણોમાં ઉત્તમ દ્રોણાચાર્ય ! હવે અમારા પક્ષમાં જે મુખ્ય પુરુષો મારી સેનાના નાયકો છે, તેમને તમારી જાણ માટે કહું છું તે સાંભળો.


ભવાન્ભીષ્મશ્ર કર્ણશ્ર કૃપશ્ન સમિતિંજયઃ ।

અશ્વત્થામા વિકર્ણશ્ર્વ સૌમદત્તિર્જયદ્રથઃ ॥ ૮ ॥

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ ।

નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ ॥ ૯ ॥

આપને મેં પાંડવોના સૈન્યના મહારથીઓ કોણ કોણ છે તે જણાવ્યા. હવે મારા પક્ષમાં - કૌરવોની સેનામાં જે કુશળ શૂરવીરો છે તે જણાવું છું. તેમાં પ્રથમ તો મહર્ષિ ભરદ્વાજના પુત્ર જ્ઞાનવાન તપસ્વી તથા સંપૂર્ણ ધનુર્વેદ વગેરે શસ્ત્રાસ્ત્ર વિદ્યામાં કુશળ એવા આપ પોતે ગુરુ દ્રોણાચાર્યજી તથા રાજા શાન્તનુના પુત્ર બાળબ્રહ્મચારી અમારા દાદા ભીષ્મપિતામહ તથા સૂર્ય ઉપાસક અંગદેશના રાજા કુન્તીજીના પુત્ર દાનેશ્વરી કર્ણરાજા, કે જે લડવામાં અર્જુનના બરોબરીયા છે તે તથા ગૌતમ ઋષિના વંશના મહર્ષિ શરદ્વાનના પુત્ર કૃપાચાર્ય તથા આપના શૂરવીર પુત્ર અશ્વત્થામા તથા મારા ભાઇ ધર્માત્મા વિકર્ણ તથા શાન્તનુ રાજાના પુત્ર સોમદત્તના પુત્ર ભુરિશ્રવા અને બીજા ઘણા શૂરવીરો છે. આ બધા મારા માટે પ્રાણ અર્પણ ક૨વાની ઇચ્છાને લીધે અનેક પ્રકારના શસ્ત્રોથી તૈયાર થઇને ઊભા છે. જે બધા યુદ્ધ કળામાં ઘણાજ હોશિયાર છે.


અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ ।

પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ ॥ ૧૦ ॥

વળી અમારી સેના અપરિમિત-અગણિત છે અને ભીષ્મપિતામહથી રક્ષાયેલી છે અને પાંડવોની આ સેના પરિમિત- ગણી શકાય તેટલી છે અને ભીમથી રક્ષાયેલી છે.


અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ।

ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ॥ ૧૧ ॥

આ પ્રમાણે આપના પુત્ર દુર્યોધને ગુરુ દ્રોણાચાર્યને પોતાના સૈન્યની શક્તિ બતાવીને પછી બધા નાયકો પ્રત્યે કહ્યું કે, હવે લડાઇની તૈયારી થઇ રહી છે, માટે હવે બધા મોરચા ઉપ૨ પોતપોતાની જગ્યાએ ઊભા રહીને તમે સર્વે ભીષ્મપિતામહની જ સર્વ બાજુથી રક્ષા કરો.


સંજય બોલ્યા,

તસ્ય સંજનયન્હર્ષ કુરુવૃદ્ધઃ પિતામહઃ ।

સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શંખં દધ્મૌ પ્રતાપવાન્ ॥ ૧૨ ॥

સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે, દુર્યોધને દ્રોણાચાર્યને આમ કહ્યા પછી કૌરવોમાં વૃદ્ધ મહા પ્રતાપી ભીષ્મપિતામહે દુર્યોધનને હર્ષ ઉપજાવવા સિંહનાદ જેવી ગર્જના કરીને જોરથી શંખ વગાડયો.


તતઃ શંખાશ્વ ભેર્યશ્વ પણવાનકગોમુખાઃ ।

સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોડભવત્ ॥ ૧૩ ॥

તે પછી શંખો અને નગારાં તથા ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે રણવાજાંઓ વાગવા માંડયાં તેથી તેનો એકત્ર નાદ ઘણો ભયંકર થયો.


તતઃ શ્વેતૈહયૈર્યુંકતે મહતિ સ્યન્દને સ્થિતૌ ।

માધવઃ પાંડવશ્વેવ દિવ્યોં શંખૌ પ્રદધ્મતુઃ ॥ ૧૪ ॥

ત્યાર પછી ધોળા ઘોડાઓ જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણે અને અર્જુને પણ અલૌકિક શંખો વગાડયા.


પાંચજન્યં હૃષીકેશો દેવદત્તમ્ ધનંજયઃ ।

પૌણ્ડ્રમ દધ્મૌ મહાશંખમ્ ભીમકર્મા વૃકોદરઃ ॥ ૧૫ ॥

શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને સાહસિક કાર્યો કરનારા ભીમસેને પૌન્ડ્ર નામનો મોટો શંખ વગાડયો.


અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ ।

નકુલઃ સહદેવશ્વ સુઘોષમણિપુષ્પકૌ ॥ ૧૬ ॥

તથા કુન્તીના પુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો તથા નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામના શંખો વગાડયા.


કાશ્યશ્વ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ ।

ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્વ સાત્યકિશ્ચાપરાજિતઃ ॥ ૧૭ ॥

દ્રુપદો દ્રૌપદેયાશ્વ સર્વશઃ પૃથિવીપતે ।

સૌભદ્રશ્વ મહાબાહુઃ શંખાન્દધ્મુઃ પૃથક્ પૃથક્ ॥ ૧૮ ॥

તેમજ મહાધનુર્ધારી કાશીરાજા તથા મહારથી શિખંડી તથા ધૃષ્ટદ્યુમ્ન અને રાજા વિરાટ તથા અજિત સાત્યકિ તથા દ્રુપદ રાજા તથા દ્રૌપદીના પાંચે પુત્રો તથા મોટી ભુજાવાળા સુભદ્રાના પુત્ર અભિમન્યુએ એમ બધાયે હે રાજન ! જુદા જુદા શંખો વગાડયા.


સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ ।

નભશ્વ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ ॥ ૧૯ ॥

અને આકાશ તથા પૃથ્વીને પણ ગજવી મૂકતા પ્રચંડ નાદથી કૌરવોનાં હૃદયો ધ્રુજવા લાગ્યાં.


અથ વ્યવસ્થિતાન્ દૃષ્ટવા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ ।

પ્રવૃત્તૈ શસ્ત્રસંપાતે ધનુરુઘમ્ય પાંડવઃ ॥ ૨૦ ॥

લડાઇની શરૂઆત કરવા માટે તૈયારી થઇ રહી છે. શ્રી કૃષ્ણ અર્જુનનો રથ હાંકવા બેઠા છે. આ સમયે, હે રાજન ! જેની ધ્વજામાં હનુમાનનું ચિહ્ન છે એવા અર્જુને કૌરવોને વ્યવસ્થિત ગોઠવાયેલા જોઇને શસ્ત્ર ચલાવવા માટે ધનુષ્ય ઉપાડીને શ્રીકૃષ્ણને કહ્યું કે,


હૃષીકેશં તદા વાકયમિદમાહ મહીપતે ।

સેનયોરુભર્યોર્મધ્યે રથં સ્થાપય મેડચ્યુત ॥ ૨૧ ॥

અર્જુન બોલ્યા, હે કૃષ્ણ ! મારા રથને બન્ને સેનાઓની વચમાં ઊભો રાખો.


યાવદેતાન્નિરીક્ષેડહં યોદ્ધકામાનવસ્થિતાન્ ।

કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન ૨ણસમુધમે ॥ ૨૨ ॥

કે જેથી લડવાની ઇચ્છાથી આવી ઊભેલા આ રણસંગ્રામમાં મારે કોની કોની સાથે લડવાનું છે તે હું બરાબર જોઇ લઉં.


યોત્સ્યમાનાનવેશેડહં ય એતેડત્ર સમાગતાઃ ।

ધાર્તરાષ્ટ્રાસ્ય દુર્બુદ્ધેયુદ્ધે પ્રિયચિકીર્ષવઃ ॥ ૨૩ ॥

વળી દુષ્ટ બુદ્ધિવાળા કૌરવોનું યુદ્ધમાં ભલું કરવાની ઇચ્છાવાળા જેઓ અહીં ભેગા થયા છે તે લડવૈયાઓને પણ મારે જોવા છે.


સંજય બોલ્યા,

એવમુકતો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।

સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥ ૨૪ ॥

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ ।

ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ॥ ૨૫ ॥

સંજયે કહ્યું કે, હે રાજન ! આ પ્રમાણે અર્જુનના કહેવાથી શ્રીકૃષ્ણે જયાં ભીષ્મપિતામહ તથા દ્રોણાચાર્ય તથા બધા રાજાઓ ઊભા હતા તેવા ભાગમાં બન્ને સેનાઓની વચમાં ઉત્તમ રથને ઊભો રાખીને કહ્યું કે, હે અર્જુન ! આ ભેગા થયેલા બધા કૌરવોને જો.


તત્રાપર્શ્યાત્સ્થતાન્ધાર્થઃ પિતૃનથ પિતામહાન ।

આચાર્યાન્માતુલાભ્રાતૃન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા ॥ ૨૬ ॥

શ્વશુરાન્સુહૃદશ્વેવ સેનયોરુભયોરપિ ।

તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બંધૂનવસ્થિતાન્ ॥ ૨૭ ॥

કૃપયા પરયાવિષ્ટો વિષીદનિંદમબ્રવીત્ ।

બન્ને સેનાઓમાં પોતાના સ્નેહી વર્ગને જોયા. એમાં ભૂરિશ્રવા વગેરે કાકાઓ, ભીષ્મપિતામહ વગેરે દાદાઓ, દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય વગેરે ગુરુઓ, તથા પુરુજિત અને કુન્તિભોજ વગેરે મોસાળકુળને તથા યુધિષ્ઠિર અને ભીમસેન વગેરે પાંડવભાઇઓ તથા દુર્યોધન વગેરે કૌરવ ભાઇઓ તથા અભિમન્યુ વગેરે પુત્રો તથા પુત્રોના પુત્રોને અને મિત્રો, સસરા તથા સ્નેહીઓ વગેરે બધા સ્વજનોને ઊભેલા જોયા. આવી રીતે સગાંવહાલાંઓ અને કુટુંબીજનોને જોઇને અર્જુનના હૃદયની સ્થિતિ પલટાઇ ગઇ. પોતાના ક્ષત્રિય ધર્મનો ગુણ ઓસરવા લાગ્યો અને સંસારી મોહના પ્રભાવનું જોર વધવા માંડયું.

‘હું અને મારા'' એવી મમતા ભરેલા હંમેશના અભ્યાસ મુજબના રાગવાળા વિચારોના સામર્થ્યથી મોહભરી દયાને વશ થયો. આ યુદ્ધથી સ્વજનોના સંહારનું ભયંકર પરિણામ જાણ્યું. તેથી શોકમય બનીને તેણે શ્રીકૃષ્ણને કહ્યું કે,


અર્જુન બોલ્યા,

દૃષ્ટવેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સુમ્ સમુપસ્થિતમ્ II ૨૮ II

સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।

વેપથુશ્વ શરીરે મે રોમહર્ષશ્વ જાયતે ॥ ૨૯ ॥

ગાડીવં સ્ત્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।

ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ II ૩૦ II

મારાં સગાં વહાલાંઓને લડવાને માટે ઊભેલા જોઇને મારું શરીર શિથિલ થાય છે, મુખ સુકાય છે તથા શરી૨ ધ્રૂજે છે અને રૂંવાડાં ઊભા થાય છે. ગાંડીવ ધનુષ્ય પણ હાથમાં રહેતું નથી અને અંગમાં બળતરા થાય છે અને હે કૃષ્ણ ! મારું મન જાણે ભમે છે, મને ઊભા રહેવાની પણ શક્તિ નથી.


નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।

ન ચ શ્રેયોડનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧ ॥

વળી હે કૃષ્ણ ! મને ચિહ્નો પણ વિપરિત જણાય છે. તેમજ યુદ્ધમાં સ્વજનોને મારીને કંઇ પણ શ્રેય થાય એવું હું જોતો નથી.


ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજયં સુખાનિ ચ ।

કિં નો રાજયેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા II ૩૨ II

હે કૃષ્ણ ! આ બધા સ્વજનોનો સંહાર કરીને મને વિજય મળે તો એવો વિજય પણ મારે જોઇતો નથી. તેમજ આ બધાના મરણ પછી મળેલા રાજયને કે રાજયભોગોવાળા સુખને પણ હું ઇચ્છતો નથી. કારણ કે એવા રાજયથી કે રાજયભોગથી અમારા જીવતરમાં અમને શું સુખ મળવાનું છે?


યેષામર્થકાંક્ષિતં નો રાજયં ભોગાઃ સુખાનિ ચ ।

ત ઇમેડવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ II ૩૩ II

વળી જેઓને માટે રાજય, ભોગ અને સુખો અમે ઇચ્છીએ છીએ, તેઓ બધા તો પોતાના પ્રાણ અને ધનની આશા છોડીને લડવા માટે યુદ્ધમાં ઊભા છે.


આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।

માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ॥ ૩૪ ॥

જેવા કે, આ ગુરુજનો, કાકાઓ, પુત્રો તથા દાદાઓ, સસરાઓ, પૌત્રો, સાળાઓ તેમજ બીજા સંબંધીઓ પણ છે.


એતાન્ન હન્તુમિચ્છામિ નતોઽપિ મધુસૂદન |

અપિ ત્રૈલોકયરાજયસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ॥ ૩૫ ॥

તેથી હે કૃષ્ણ ! તેઓ મને મારે તો પણ અથવા તો ત્રણ લોકનું રાજય મને મળતું હોય તો પણ હું તેઓને મારવા ઇચ્છતો નથી. તો પછી પૃથ્વીના થોડા ટુકડા માટે તો કહેવાનું જ કયાં છે?


નિહત્ય ધાર્તરાષ્ટ્રાનઃ કા પ્રીતિઃ સ્યાજજનાર્દન ।

પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ॥ ૩૬ ॥

હે કૃષ્ણ ! અમારા ભાઇઓ કૌરવોને મારીને પછી અમને રાજય ભોગવવામાં શો આનંદ થવાનો છે? જાઓ કે તેઓએ અમને વિશ્વાસઘાત કર્યો છે, અમારું અપમાન કર્યું છે, અમને દરેક રીતે દુઃખ આપ્યું છે, એટલે તેઓ આતતાયીઓ છે; છતાં પણ તેઓ અમારા ભાઇઓ છે. તેમને મારવાથી અમને તો પાપ જ લાગે.


તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ ।

સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ॥ ૩૭ ॥

માટે હે કૃષ્ણ ! ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવોને મારવા એ અમારે માટે યોગ્ય નથી. કારણ કે ભાઇઓને મારવા એ અધર્મ છે; પાપનું કામ છે. અને પાપનું કર્મ કરવાથી નરક મળે છે, દુ:ખ મળે છે. આમ હોવાથી સ્વજનોને મારવાનું પાપ કર્મ કરીને અમે કેવી રીતે સુખી થઇશું?


યદ્યપ્યતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ ।

કુલક્ષયકૃતં દોષ મિત્રદ્રોહે ચ પાતકમ્ II ૩૮ II

કૌરવો લોભને વશ થવાથી તેઓની બુદ્ધિ નાશ પામી છે, તેમને રાજય મેળવવામાં જ સુખ જણાય છે, તેથી તેમને આ કુટુંબ તથા મિત્રના નાશમાં દોષ અને પાપ જણાતું નથી.


કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ ।

કુલક્ષયકૃતં દોષ પ્રપશ્યદભિર્જનાર્દન II ૩૯ II

પણ હે કૃષ્ણ ! કુળનો નાશ કરવાથી પાપ લાગે છે એમ હું સમજું છું. એટલે એવા પાપમાંથી બચવાનો વિચાર મારે શા માટે ન કરવો?


કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।

ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવદત્યુત ॥ ૪૦ ॥

વળી કુળનો નાશ થવાથી વંશપરંપરાથી ચાલ્યા આવતા સનાતન કુળધર્મો નાશ પામે છે. અને કુળધર્મો નાશ પામવાથી આખા કુળમાં અધર્મ પ્રવર્તે છે.


અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।

સ્ત્રીષુ દુષ્ટાસુ વાષ્ણેય જાયતે વર્ણસંકરઃ ॥ ૪૧ ॥

અને અધર્મ વધવાથી કુલની સ્ત્રીઓ દુરાચારી થાય છે. અને દુરાચારી સ્ત્રીઓથી વર્ણસંકર પ્રજા ઉત્પન્ન થાય છે.


સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।

પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ॥ ૪૨ ॥

પછી એ વર્ણસંકર પ્રજા કુળને અને કુળઘાતકીઓને નરકમાં નાખે છે. તથા પિંડ અને તર્પણની પિંડોદક ક્રિયા બંધ થવાથી તેઓના પિતૃઓનું પણ પતન થાય છે.


દોષરેતૈઃ કુલધ્નાનાં વર્ણસંકરકારકૈઃ ।

ઉત્સાઘન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ॥ ૪૩ ॥

આવા કુલઘાતક લોકોના વર્ણસંકર કરનારા દોષોથી સનાતન કુલધર્મ અને જાતિધર્મ પણ નાશ પામે છે.


ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।

નરકેડનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ ॥ ૪૪ ॥

તથા હે કૃષ્ણ, જેમના કુલધર્મો નાશ પામ્યા હોય એવા માણસોનો લાંબા વખત સુધી નરકમાં વાસ થાય છે એવું અમે સાંભળ્યું છે.


અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ ।

યદ્રાજયસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ॥ ૪૫ ॥

અહો ! કેવા દુઃખની વાત છે કે, અમે જાણતાં છતાં પણ મહાપાપ કરવાને માટે તૈયાર થયા છીએ અને તે પણ રાજયસુખના લોભને માટે જ અમારા સ્વજનોને મારવા નીકળ્યા છીએ.


યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ ।

ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ॥ ૪૬ ॥

આ કરતાં તો હું શસ્ત્રરહિત બનું અને હું સામો લડું નહિ છતાં પણ મને જો શસ્ત્રધારી કૌરવો રણમાં મારે તો તે મારા માટે વધારે કલ્યાણકા૨ણ છે. કારણ કે તેથી કુલસંહારના મહાન પાપમાંથી હું બચી જઇશ.


સંજય બોલ્યા,

એવમુકત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।

વિસૃજય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ॥ ૪૭ ॥

સંજયે રાજા ધૃતરાષ્ટ્રને કહ્યું કે, આ પ્રમાણે બોલીને શોકથી વ્યાકુળ મનવાળા અર્જુન રણભૂમિમાં યુદ્ધ ન કરવાની ઇચ્છાથી ધનુષ્ય બાણ છોડી દઇને રથના પાછલા ભાગમાં બેસી ગયા.

અધ્યાય પહેલો પૂરો.