શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્યયોગ વિશે સમજૂતી
ૐ શ્રી પરમાત્મને નમઃ
શ્રીમદ્ ભગવદ્ગીતા
અધ્યાય બીજો
(સાંખ્યયોગ)
સંજય બોલ્યા,
તં તથા કૃપયાવિષ્ટમશ્નપૂર્ણા કુલેક્ષણમ્ ।
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ ॥ ૧ ॥
સંજયે કહ્યું કે, કુટુંબના નાશનો દુઃખદાયક પ્રસંગ જાણીને આ પ્રમાણે દયાથી ભરપૂર તથા આંસુથી ભરેલા વ્યાકુળ નેત્રવાળા અને શોક કરતા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે,
શ્રી ભગવાન બોલ્યા,
કુતસ્ત્યા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ ।
અનાર્યજુષ્ટમસ્વર્ગ્યુમકીર્તિકરમર્જુન ॥ ૨ ॥
અર્જુન ! તને આ શું થયું? તું તો આર્યજાતિમાં જન્મ્યો છે છતાં, આર્યોને છાજે નહિ એવો અને ક્ષત્રીઓને તો યુદ્ધથી સ્વર્ગ મળે છે, પણ તારા આવા વર્તનથી, સ્વર્ગ નહિ અપાવનારો તથા અપકીર્તિ કરાવનારો એવો મોહ તને આ યુદ્ધભૂમિમાં કયાંથી ઉત્પન્ન થયો?
કલૈવ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્વચ્યુપપદ્યતે ।
ક્ષુદ્ર હૃદયદૌર્બલ્યું ત્યકત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ૩ ॥
ભાઇ આવા સ્થળમાં તારું કર્તવ્ય શું છે તેનો વિચાર કર. આમ કાયર થા મા. તારા જેવા ક્ષત્રીયધર્મનું પાલન કરનાર શૂરવીરને એ શોભતું નથી. માટે હૃદયની તુચ્છ દુર્બળતા તજીને યુદ્ધ કરવા ઊભો થા.
અર્જુન બોલ્યા,
કથં ભીષ્મમહં સંખ્યે દ્રૌણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હારરિસૂદન ॥ ૪ ॥
અર્જુને કહ્યું કે, હે કૃષ્ણ ! ધર્મના તત્ત્વને તો તમે જાણો છો છતાં તમે મને આ શું કહો છો ! આ મારા દાદા ભીષ્મપિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય એ તો મારા પૂજનીય છે, વંદન કરવા યોગ્ય છે, તેની સામે રણભૂમિમાં હું શસ્ત્રોથી કેવી રીતે લડું?
ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્,
શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ,
ભુંજીથ ભોગાન્રુધિરપ્રદિગ્ધાનું ॥ ૫ ॥
એવા પ્રભાવશાળી ગુરૂજનોને મારવા કરતાં તો આ લોકમાં ભીખ માગીને ખાવું એ વધારે સારું છે. અને ગુરુજનોને મારીને પછી અમારે તો આ લોકમાં લોહીથી ખરડાયેલા એટલે પાપકર્મથી મેળવાયેલા, સ્વાર્થ ભરેલા, કામનાવાળા ભોગોને જ ભોગવવાના છે ને?
ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો,
યદ્રા જયેમ યદિ વા નો જયેયુઃ ।
યાનેવ હત્વા ન જિજીવિષામ-
સ્તેડવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ॥ ૬ ॥
વળી અમે તેઓને જીતીએ, કે તેઓ અમને જીતે, એમાં અમારે માટે કયું વધારે લાભકારી છે તે મને સમજાતું નથી. તેમજ જેઓને મારીને-જેઓના મરણથી અમે પણ જીવવા ઇચ્છતા નથી તે જ અમારા ભાઇઓ કૌરવો તો અમારી સામે મરવા માટે ઊભા છે.
કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ
પૃચ્છામિ ત્વાં ધર્મસંમૂઢચેતાઃ ।
યચ્છેયઃ સ્યાનિશ્ચિતં બ્રૂહિ તન્મે
શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ॥ ૭ ॥
આવી રીતે કાયરતાના દોષથી મારો સ્વભાવ બદલાઇ ગયો છે. અને યુદ્ધ કરવું એ મારો ધર્મ છે કે, યુદ્ધનો ત્યાગ કરવો એ મારો ધર્મ છે એમ સ્વધર્મનો નિર્ણય કરવામાં મારી બુદ્ધિ કામ કરતી નથી. તેથી આપને પૂછું છું કે, મારું જેમાં કલ્યાણ હોય તે વાત મને નિશ્ચયપૂર્વક કહો. હું આપને શિષ્યભાવે શરણે આવ્યો છું માટે મને ખરો માર્ગ બતાવવાની અને મારો ધર્મ સમજાવવાની કૃપા કરો.
ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્
યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ ।
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધમ્
રાજયં સુરાણામપિ ચાધિપત્યમ્ ॥ ૮ ॥
હે કૃષ્ણ, હવે હું મારું હૃદય ખોલીને છેવટમાં જણાવું છું કે, આ યુદ્ધથી મને પૃથ્વી ઉપરનું, શત્રુ વિનાનું-નિષ્કંટક અને સમૃદ્ધિથી ભરપૂર રાજય મળે કે તેથી વધારે, દેવલોકનું રાજય મળે તો પણ મારી ઈંદ્રિયોને સૂકવી નાખનારા એટલે મને દુઃખ આપનારા મારા આ શોકને દૂર કરી શકે તેવું કાંઇ પણ સાધન હું જોઇ શકતો નથી.
સંજય બોલ્યા,
એવમુકત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરંતપ ।
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુકત્વા તેણી બભૂવ હ ॥ ૯ ॥
સંજયે કહ્યું કે, ધૃતરાષ્ટ્ર રાજન ! આ પ્રમાણે અર્જુને શ્રી કૃષ્ણને જણાવીને છેવટમાં કહ્યું કે, હે કૃષ્ણ ! હું હવે યુદ્ધ કરનાર નથી. એટલું કહીને બોલતા બંધ રહ્યા.
તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત ।
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ॥ ૧૦ ॥
હે ધૃતરાષ્ટ્ર ! આવી રીતે બન્ને સેનાઓની વચમાં સ્વજનોના મરણભયથી શોક કરતા અને પોતાના કર્તવ્ય કર્મ માટે અજ્ઞાનભરી વિદ્વત્તાવાળા અર્જુનના વિચાર ઉપર મંદ હાસ્ય કરીને શ્રી કૃષ્ણે કહ્યું કે,
શ્રી ભગવાન બોલ્યા,
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ર ભાષસે ।
ગતાસૂનગતાસૂંશ્ર્વ નાનુશોચન્તિ પણ્ડિતાઃ ॥ ૧૧ ॥
શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે, અર્જુન ! જરા વિચાર તો કર, કે તું આ શું કરી રહ્યો છે? જેનો શોક કરવો યોગ્ય નથી તેનો તું શોક કરે છે, અને જ્ઞાનીના જેવી વાતો કરે છે. વળી તું તો તારા સ્વજનો વગેરે આ બધાં જીવતાં છે તે મરણ પામશે એમ સમજીને મરેલાનો શોક કરે છે. પણ જ્ઞાનીઓ તો મરેલાનો કે જીવતાનો કોઇનો શોક કરતા નથી. કેમકે જીવતા એટલે જીવવાળા શરીરનો અને મરેલા એટલે જીવ વિનાના શરીરનો, એમ જીવતા અને મરેલા શરીરમાં તેઓ કાંઇ ભેદ માનતા નથી. તેથી તેવાં શરીરોનો, જ્ઞાનીઓ શોક કરતા નથી.
ન ત્યેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ ।
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમઃ પરમ્ ॥ ૧૨ ॥
જો ભાઇ, જીવાત્માની દષ્ટિએ આપણે બધાય હું, તું આ રાજાઓ વગેરે વર્તમાનકાળમાં છીએ, તે બધા આ શરીરના જન્મ પહેલાં ભૂતકાળમાં હતા અને શરીરના મરણ પછી ભવિષ્યકાળમાં પણ બધા હઇશું. કેમકે શરીરો એ કંઇ જીવાત્મા નથી. જીવાત્મા તો શરીરોથી જુદો છે, તેથી શરીરોના નાશથી આત્માનો નાશ થતો નથી. આત્મા તો અમર છે, તેથી તે ત્રણેય કાળમાં હયાત હોય છે. તેનો નાશ કદી પણ થઇ શકતો નથી. અને શરીરો તો નાશ પામનારાં હોવાથી તેમનો નાશ થવાનો જ છે. જેથી તું નાશવંત શરીરો માટે જે શોક કરી રહ્યો છે તે યોગ્ય નથી.
દેહિનોઽસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા ।
તથા દેહાન્તરપ્રાપ્તિર્ધરસ્તત્ર ન મુહ્યતિ ॥ ૧૩॥
અર્જુન, આ શરીરોતો પંચભૂત પદાર્થોનાં બનેલાં હોય છે. અને તે જીવાત્માને કર્મનાં ફળ મુજબ સુખદુઃખ ભોગવવા માટે મળે છે. એવાં શરીરોનો બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા એવો ફે૨ફા૨ થયા જ કરે છે. આવી રીતે શરીરના ફેરફારથી આત્માની સ્થિતિમાં કાંઇ ફેરફાર થતો નથી. તેવી રીતે આ દેહ છૂટયા પછી જીવાત્માને બીજા દેહની પ્રાપ્તિ થાય છે; એટલે જન્મ શરી૨નો થાય છે અને મરણ પણ શરીરનું થાય છે, એમ શરીરનો ફેરફાર થાય છે; પણ શરીરના જન્મથી આત્માનો જન્મ થતો નથી અને શરીરના મરણથી આત્માનું મરણ થતું નથી. તેથી શરીરનાં જન્મ, મરણની બાબતમાં બુદ્ધિમાન મનુષ્ય મોહ પામતો નથી.
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥ ૧૪ ॥
અને સગાંવહાલાંઓને કારણે જીવાત્માઓને જે સુખદુઃખ જણાય છે, તે તો શરીરના સંબંધને લીધે જણાય છે. કેમકે ઈંદ્રિયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધના વિષયો સાથેના સંબંધો જ ઠંડી-ગરમી અને સુખ-દુઃખને આપનારા હોય છે. આ સુખદુઃખ આવે છે અને જાય છે. સુખ હંમેશાં કાયમ રહેતું નથી, તેમજ દુઃખ પણ હંમેશાં કાયમ રહેતું નથી. તેથી તે અનિત્ય છે, અને તેવાં સુખદુઃખ કર્મના કારણે ભોગવવાં જ પડે છે; માટે જે સમયે જે મળે તેને તું હસતે મુખે સહન કર.
યં હિ ન વ્યથયન્યેતે પુરુષ પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોડમૃતત્વાય કલ્પતે ॥ ૧૫ ॥
અર્જુન, જે પદાર્થો કોઇ વખતે સુખ આપનારા હોય છે, એ જ પદાર્થો કોઇ વખતે દુઃખ આપનારા બને છે. એ તો જીવાત્માની જેવી ભાવના, તે મુજબ પદાર્થો સુખદુઃખવાળા જણાય છે. જેથી એવાં સુખદુઃખમાં જે સમાન રહેનારો છે, અને સગાં સ્નેહીઓના સ્નેહો અને વિયોગો તથા ઈન્દ્રિઓના વિષયો સાથેના સંબંધોથી જે વ્યાકુલ થતો નથી. તેવો ધીરજવાન મનુષ્ય મોક્ષ મેળવવાને સમર્થ થાય છે.
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સત્ઃ |
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ॥ ૧૬ ॥
વળી અસત્ વસ્તુનું અસ્તિત્વ- હોવાપણું હોતું નથી અને સત્ વસ્તુનું અસ્તિત્વ- હોવાપણું નાશ પામતું નથી. એવી રીતે આત્મા એકસરખા નિત્ય અને અવિનાશી છે. તેનો કદી પણ નાશ થતો નથી તેથી તે સત્ છે. અને શરીર વગેરે પદાર્થો પરિવર્તનવાળા એટલે હંમેશાં એક સરખા નહિ રહેવાવાળા હોવાથી તે નાશ પામનારાં છે તેથી તે અસત્ છે. આ પ્રમાણે આ બંનેનાં સ્વરૂપનો તત્ત્વજ્ઞાનીઓએ નિર્ણય કર્યો છે.
અવિનાશિ તુ તદ્ધિદ્ધિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ ॥ ૧૭ ॥
આત્મા સર્વવ્યાપક છે. એ જ આત્માને અર્જુન, તું અવિનાશી સમજ. પંચભૂતના દરેક પદાર્થોમાં કે સ્થૂલ સૂક્ષ્મ તત્ત્વોમાં તે સભર ભર્યો છે. આ અવિનાશી આત્મા સિવાય બીજો કોઇ કયાંય પદાર્થ જ નથી. એટલે તેનો નાશ કરવાને કોઇ સમર્થ નથી. કારણ કે તેનો નાશ થઇ શકતો જ નથી.
અન્નવત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોડપ્રમેયસ્ય તસ્માઘુદ્ધયસ્વ ભારત ॥ ૧૮ ॥
આત્મા નિત્ય છે, નાશ રહિત છે અને પ્રમાણોથી જાણી ન શકાય તેવો અગોચર છે. આત્મા કેવો છે, તે કોઇનાથી કહી શકાય તેવો નથી. જીવાત્માનાં શરીરો તો નાશ પામનારાં હોવાથી તેનું મરણ થવાનું જ છે. તેથી તેવાં શરી૨નો શોક છોડીને તું યુદ્ધ કરવાને તૈયાર થા.
ય એનું વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ ।
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ॥ ૧૯ ॥
અર્જુન, આત્મા એ શરીર નથી એમ બરાબર સમજવું જોઇએ. કેમકે આત્મા મારતો નથી તેમજ આત્મા મરતો પણ નથી; જે મનુષ્ય બીજાને હું મારી શકું છું એમ માને છે, અને જે મનુષ્ય બીજો મને મારી શકે છે એમ માને છે, તે ખરૂં સમજતા નથી. કારણ કે આત્મા એ શરીર નથી. આત્મા તો શરીરથી જુદો છે. આત્મા કોઇને મારતો નથી અને આત્મા કોઇનો માર્યો મરતો નથી. આત્મા કાંઇ કરતો નથી. આ બધું શરીરથી થઇ રહ્યું છે. પણ આત્મા અને શરી૨ બન્નેને સેળભેળ એકરૂપ સમજવાના અજ્ઞાનને લીધે આત્મા મારે છે અને આત્મા મરે છે એમ માનવામાં આવે છે. જેથી શરીરથી જે ક્રિયાઓ થઇ રહી છે તે બધું આત્મા કરી રહેલ છે, એમ માનનારા સત્ય હકીકત જાણતા નથી.
ન જાયતે મ્રિયતે વા કદાચિન્-
નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્ર્વતોડયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ ૨૦ ॥
હવે જો તું આ આત્મા માટે શોક કરતો હો તો, આ આત્મા કદી જન્મતો નથી તથા કદી મરતો નથી. તેમજ તે પૂર્વે નહોતો એમ પણ નથી. અને ફરીથી તે નહિ હોય એમ પણ નથી. આત્મા જન્મ રહિત છે, અવિનાશી છે, સદા એક સરખો અને અનાદિ છે, તેથી શરીરનો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી.
વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્।
કથં સ પુરુષઃ પાર્થ કે ઘાતયતિ હન્તિ કમ્ ॥ ૨૧ ॥
અર્જુન, આવી રીતે જે મનુષ્ય આ આત્માને અવિનાશી, નિત્ય તથા નિત્ય જન્મ રહિત અને અવ્યય- વધઘટ વિનાનો એક સરખો જાણે છે, તે મનુષ્ય કોનો કેવી રીતે નાશ કરાવે તથા કેવી રીતે નાશ કરે?
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃષ્ણાતિ નરોડપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ ૨૨ ॥
અને શરીર માટે શોક કરતો હો તો, શરીરો નાશવાળાં હોવાથી જન્મે છે અને મરે છે. જેવી રીતે મનુષ્યો જૂનાં વસ્ત્રો તજીને બીજાં નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આ જીવાત્મા જૂનાં શરીરોને છોડીને બીજાં નવાં શરીરોને ધારણ કરે છે. આ પ્રમાણે કપડાંનો ત્યાગ કરવાથી જેમ શરીરનું મરણ થતું નથી, તેવી રીતે શરીરના ત્યાગથી આત્માનું મરણ થતું નથી. શરીરો તો જીવાત્માનાં કર્મ મુજબ કર્મ ભોગવવા માટે મળ્યા જ કરે છે. અને વર્તન શરીરના મરણથી કર્મભોગનો પ્રવાહ બંધ થતો નથી. એનું કાર્ય તો બીજુ નવું શરીર મેળવીને ચાલુ જ રહે છે. જેમ મુસાફરી માટે મળેલું વાહન યોગ્ય સ્થળે યોગ્ય સમયે બદલવું પડે છે. આ વાહન બદલવાથી મુસાફરીનું કાર્ય બંધ થતું નથી તેવી રીતે શરીરના મરણથી જીવનનો પ્રવાહ બંધ થતો નથી. ફક્ત આ શરીર છોડીને કર્મભોગના પ્રવાહની અનુકૂળતા મુજબનું બીજું શરીર મળે છે. આવી રીતે ભૂતકાળમાં સગાં સ્નેહીઓનાં તથા તારાં ઘણાં શરીરો બદલાયાં છે તેનો તો તું કંઇ શોક કરતો નથી તો પછી આ થોડા વખત રહેવા માટે મળેલા શરીરોનો શોક તું શા માટે કરે છે?
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ।
ન ચૈનં કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ॥ ૨૩ ॥
આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અને અગ્નિ બાળી શકતો નથી, એને પાણી પલાળી શકતું નથી, પવન સૂકવી શકતો નથી.
અચ્છેઘોડયમદાહ્યોડયમકલેઘોડશોષ્ય એવ ચ ।
નિત્ય સર્વગતઃ સ્થાણુરચલોડયું સનાતનઃ ॥ ૨૪ ॥
આત્માને કોઇ કંઇ પણ કરી શકતું નથી. કારણ કે પૃથ્વીમાં પૃથ્વીરૂપે આત્મા છે, તો પૃથ્વીના પદાર્થોથી બનેલાં શસ્ત્રો આત્માને કેવી રીતે મારી શકે? પાણીમાં પાણીરૂપે આત્મા છે, તેથી પાણી આત્માને કેવી રીતે પલાળી શકે? અગ્નિમાં અગ્નિરૂપે આત્મા છે. તો અગ્નિ આત્માને કેવી રીતે બાળી શકે? વાયુમાં વાયુરૂપે આત્મા છે તો વાયુ આત્માને કેવી રીતે સૂકવી શકે? એમ દરેક તત્ત્વમાં દરેક તત્ત્વરૂપે આત્મા સભર ભર્યો છે. આ આત્મા સદાકાળ રહેનારો છે. આત્મા સર્વવ્યાપક છે એટલે સર્વત્ર રહેનારો છે તથા અચળ છે એટલે જેવો ને તેવો સ્થિર રહેનાર છે. અને આત્મા સનાતન છે એટલે અનાદિ છે.
અવ્યકતોયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે ।
તસ્માદેવં વિદિત્વનં નાનુશોચિતુમર્હસિ ॥ ૨૫ ॥
તેમજ આ આત્મા અવ્યક્ત એટલે દેખી ન શકાય તેવો સૂક્ષ્મ છે. કેમકે આંખ વગેરે ઈદ્રિયોથી જોઇ-જાણી શકાય તેવો નથી. આ આત્મા અચિંત્ય છે એટલે મન-બુદ્ધિથી ચિંતવી શકાય નહિ એવો અગમ્ય છે. જો અર્જુન, મનુષ્ય પાસેનાં સાધનોમાં ઈંદ્રિયોના પાંચ વિષયોથી જોઇ જાણી શકાય છે અને મન બુદ્ધિથી ચિંતવન કરી શકાય છે; પણ આ આત્મા તો આંખ, કાન, વગેરે ઈદ્રિયોના શબ્દ, રૂપ, રસ અને ગંધ વગેરેથી જોઇ જાણી શકાય તેવો નથી. કારણ કે મનુષ્યની ઈંદ્રિયો તો ફક્ત પોતપોતાના વિષયોને જ જોઇ જાણી શકે છે અને આત્મા તો ઈંદ્રિયોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયો વિનાનો છે, તેનાથી નિરાળો છે, તેથી ઈંદ્રિયો તેમને કેવી રીતે જોઇ જાણી શકે? અને મનબુદ્ધિથી ચિંતવન કરી શકાય છે પણ આ આત્મા મન-બુદ્ધિથી ચિંતવન કરી શકાય તેવો નથી. કારણ કે મન-બુદ્ધિ, આકાર અને ગુણનું ચિંતવન કરી શકે છે. જયારે આત્મા, આ બધા આકારો જેમાંથી નીકળ્યા છે એવો નિરાકાર છે અને સર્વ ગુણો જેમાંથી નીકળ્યા છે એવો નિર્ગુણ છે. એવો નિર્વિકાર અને નિર્ગુણ આત્માને જાણવા-સમજાવવા માટે મન-બુદ્ધિથી અસમર્થ છે. મન-બુદ્ધિથી ત્યાં પહોંચી શકતાં જ નથી. એટલે મન-બુદ્ધિથી ચિંતવી શકાય નહિ તેવો અગમ્ય છે.
તથા આ આત્મા પ્રકૃતિના સત્ત્વ, રજ અને તમોગુણના વિકારોથી રહિત છે એટલે નિર્વિકારી છે તે સ્વજનોનાં શરીરના જન્મમરણથી વિકારી બનતો નથી. એવો આત્મા કોઇ દિવસ મરનાર નથી. અને કોઇ દિવસ મારનાર નથી. એટલે શરીરમાં રહેલો આત્મા કોઇને મારતો નથી અને કોઇનાથી મરતો નથી. માટે એવા આત્માનો તારે શોક કરવો યોગ્ય નથી.
અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ ।
તથાપિ ત્વે મહાબાહો નૈનં શોચિતુમહંસ ॥ ૨૬ ॥
અથવા અર્જુન, ઘડીભર તું એમ સમજ કે, શરીર અને આત્મા જુદાં નથી; શરીર એજ આત્મા છે, જેથી આત્માને શરીરના જન્મ સાથે હંમેશાં જન્મનારો અને શરીરના મરણ સાથે હંમેશાં મરનારો હોય છે, જો આમ માનતો હો તો પણ તારે એનો શોક કરવો યોગ્ય નથી.
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેડર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૨૭ ॥
અર્જુન, દલીલની ખાતર ઘડીભર સમજી લે કે, શરીરની સાથે આત્માને પણ જન્મનારો અને મરનારો માનવામાં આવે, તો પણ તેનો શોક કરવાનું કારણ નથી. કેમકે જન્મના૨નું મરણ અને મરનારનો જન્મ થવો એ અનિવાર્ય છે. તો પછી જેમાં મનુષ્યનો ઉપાય નથી એમાં આત્મા હોય કે શરીર હોય કે બન્ને સાથે હોય; તેના માટે આ દૃષ્ટિથી પણ શોક કરવો એ યોગ્ય નથી.
અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત ।
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ॥ ૨૮ ॥
અને અર્જુન, જો હવે તને થોડું વધારે સ્પષ્ટ કહું છું કે, આ સર્વ પ્રાણી માત્ર એટલે શરીરવાળા આત્મા એટલે જીવાત્મા જન્મ્યા પહેલાં દેખી શકાય નહિ તેવા અદ્રશ્ય રૂપમાં હોય છે એટલે તે જન્મ પહેલાં કયા સ્થળે હોય છે, કેવા હોય છે એ કાંઇ ખબર રહેતી નથી અને મરણ પછી પાછી દેખી શકાય નહિ તેવા રૂપે રહે છે, અને તે કયાં જાય છે, તેનું શું થયું, તેની પણ કંઇ ખબર રહેતી નથી. અને મધ્યકાળમાં દેખી શકાય તેવા રૂપમાં હોય છે. એટલે ફક્ત વચ્ચેના વર્તમાન કાળમાં જ જાણી શકાય છે. એવી રીતે અખંડ ચાલ્યા જ કરે છે. જેમ કે અત્યારે જેને તું તારા માની રહ્યો છે, તે બધા, જન્મ પહેલાં અદ્રશ્ય હતા, તે કયાં હતા, કોણ હતા, તે પણ તું જાણતો નથી; છતાં એને જ હવે વર્તમાન કાળમાં તું તારા માની બેઠો છે, અને તેઓ જ પાછા મરણ વખતે દેખી ન શકાય તેવી સ્થિતિમાં અદ્રશ્ય બની જશે. તે કયાં જવાના છે, તેનું શું થવાનું છે, તે પણ તું જાણી શકવાનો નથી. એટલે ખરી રીતે આ બધા તારા નથી અને તું એનો નથી. એમ આ જગતમાં પ્રાણીમાત્ર આત્માની દષ્ટિએ કે શરીરની દષ્ટિએ કોઇ કોઇનું નથી. અરે ! જેના જન્મ પહેલાંની અને મરણ પછીની સ્થિતિ આપણે જાણતા નથી. ફક્ત વચ્ચેના થોડા સમયને માટે જ આપણે તેની સ્થિતિ જાણીએ છીએ, તો એવા થોડા સમયના સંબંધને માટે શોક કોનો કરવો? શા માટે કરવો?
અર્જુન, તને આ પ્રમાણે શરીરની દૃષ્ટિથી, આત્માની દૃષ્ટિથી અને દલીલને ખાતર શરીર સાથે આત્માને સેળભેળ એકરૂપ માનીને તેવી દષ્ટિથી સમજાવ્યું કે, જન્મમરણ માટે શોક ક૨વો એ વાજબી નથી.
આશ્ચર્યવન્પશ્યતિ કશ્ચિદેન -
માશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ ।
આશ્રર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ
શ્રુત્વાડપ્યેનં વેદ ન ચૈવ કશ્ર્ચિત્ ॥ ૨૯ ॥
તને કહ્યા પ્રમાણે શરીર જન્મે છે અને મરણ પામે છે. એમ શરીર માટે તો સમજી શકાય છે. પણ આત્માને ઓળખવો એ તો બહુ દુર્લભ છે. કેમકે આત્માને કોઇ આશ્ચર્ય જેવો સમજે છે, કોઇ તેને આશ્ચર્ય જેવો કહે છે, વળી બીજા કોઇ આશ્ચર્ય જેવો સાંભળે છે અને કેટલાક સાંભળીને પણ આત્મા કેવો છે તે સમજી શકતા નથી. તેથી આ આત્મતત્ત્વનો વિષય દરેકને આશ્ચર્યવાળો જણાય છે. આત્મા કેવો છે એ કેવી રીતે જાણવું? આત્મા કેવો છે એ કેવી રીતે કહેવું? અને આત્માને જેવી રીતનો કહેવામાં આવે છે તે કેવી રીતે સમજવો? આ બધી બાબત ઘણી જ સૂક્ષ્મ અને કઠણ હોવાથી તે સર્વને આશ્ચર્યકારણ જણાય છે. જયાં મન વાણી પહોંચી શકતાં ન હોવાથી ઘણા ચિંતવનને અંતે ઋષિમુનિઓ પણ આત્માની બાબતમાં નેતિ નેતિ કહીને બંધ રહ્યા છે.
દેહિ નિત્યમવધ્યોડયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦ ॥
અર્જુન, ઈદ્રિયોની શક્તિથી કે મન-બુદ્ધિની કલ્પના ચિંતનથી આત્મા જોઇ જાણી શકાતો નથી. એવો આશ્ચર્યવાળો આત્મા સર્વ પ્રાણી માત્રના શરીરોમાં રહેલો છે. એ આત્મા કોઇ કાળમાં મારી શકાય તેવો નથી. જેથી ભાઇ અર્જુન, શરીરની દૃષ્ટિએ કોઇ કાયમ રહેવાનું નથી. માટે શરીરનો શોક કરવો નકામો છે. અને આત્માની દષ્ટિએ કોઇ કદી મરવાનું નથી, તેથી ચિંતા કરવાની રહેતી નથી, એમ સમજીને તારે કોઇપણ પ્રાણીઓનો શોક કરવો યોગ્ય નથી.
અર્જુન, હવે શરીર અને આત્મા માટે તને એટલું જ કહેવાનું કે, જો, તને તારાં સગાં-વહાલાંઓનાં શરીર સાથે સંબંધવાળો માનતો હો તો, એ માન્યતા ખોટી છે. અસત્ય છે. કારણ કે આત્મા નીકળી ગયા પછી એ જ શરીરને સ્પર્શ કરવાની ઇચ્છા પણ થતી નથી. અને તરત બાળી નાખવામાં આવે છે, જેથી શરીર સાથે સંબંધ નથી. અને તેના આત્મા સાથે કાંઇ ઓળખાણ હોય તેવું દેખાતું નથી. કેમકે તે કયાંથી આવ્યો, કયાં ગયો, કેવો છે વગેરે તેની કાંઇ ખબર પડતી નથી. એટલે જીવાત્માનો શરીર સાથે કાંઇ સંબંધ નથી. અને આત્મા સાથે હજી ઓળખાણ નથી. આ પ્રમાણે શરીરો મરણ પામનારાં છે. અને આત્મા તો અમર છે- તેનું કદી પણ મરણ થતું જ નથી. જેથી આત્મા અને શરીર બન્નેની દષ્ટિએ શોક કરવાનું કારણ જ કયાં છે? તો પછી આવી સ્થિતિમાં તારે કોનો અને શા માટે શોક કરવો?
સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ ।
ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છેયોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે II ૩૧ II
અર્જુન, શરીરની દષ્ટિએ અને આત્માની દષ્ટિએ તને સમજાવીને પ્રાણી માત્રના જન્મ-મરણ માટે શોક કરવો એ યોગ્ય નથી, માટે લડવાને બેઠો થા, એમ કહેવામાં આવ્યું. હવે તારા ક્ષત્રીયધર્મની દષ્ટિએ કહું છું કે, જો તું કહે છે કે, પૂજવા યોગ્ય વડીલોને સામે કેમ લડું? અને સ્વજનોને મારીને પાપ ભરેલા ભોગો કેમ ભોગવું? પણ ભાઇ, તારો વર્ણાશ્રમ સ્વધર્મ એટલે ક્ષત્રિયધર્મ જોતાં તારે હથિયારો છોડી દેવાં એ યોગ્ય નથી. કારણ કે ક્ષત્રિયને ધર્મયુદ્ધના કરતાં બીજો વધારે કલ્યાણ કરનારો કોઇ માર્ગ નથી. વળી જે ક્ષત્રિય કાયરતાને કારણે, કે દયાને લીધે લડતો નથી તે પોતાના સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે, એમ શાસ્ત્રો કહી રહ્યાં છે.
યદૃચ્છયા ચોપપન્નમ્ સ્વર્ગદ્વારમપાવૃતમ્ ।
સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભત્તે યુદ્ધમીદશમ્ II ૩૨ II
માટે અર્જુન, તને આ સહેજે યુદ્ધ પ્રસંગ પ્રાપ્ત થયો છે, તેવો યુદ્ધ પ્રસંગ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે. કારણ ધર્મયુદ્ધમાં મરણ પામનારને માટે સ્વર્ગનાં બારણાં હંમેશાં ખુલ્લાં જ હોય છે.
અથ ચેત્ત્વમિમં ધમ્યં સંગ્રામં ન કરિષ્યતિ ।
તતઃ સ્વધર્મ કીર્તિ ચ હિત્વા પાપમવાપ્સ્યસિ II ૩૩ II
આટલું છતાં પણ જો તું આ ધર્મયુદ્ધ કરવાને માટે બેઠો નહિ થા, તો તારો ક્ષત્રિય ધર્મ અને તારી કીર્તિને ગુમાવીશ. અને તારા સ્વધર્મનું પાલન ન કરવાથી તને પાપ લાગશે.
અકીર્તિ ચાપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તેડવ્યયામ્ ।
સંભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદતિરિચ્યતે ॥ ૩૪ ॥
વળી બધા લોકો તારી ઘણા વખત સુધી અપકીર્તિ બોલશે. એટલે તારા જેવા પ્રતિષ્ઠાવાળા મનુષ્યને માટે અપકીર્તિ એ મરણ કરતાં વધારે દુઃખદાયક છે.
ભયાદ્રણાદુપરાં મંસ્યન્તે ત્યાં મહારથાઃ ।
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ॥ ૩૫ ॥
તારા મહારથીઓ તને ભયને લીધે રણમાંથી ભાગી ગયો એમ માનશે. એટલે તારા ક્ષત્રીયવટ ઉપર પાણી ફરી વળશે. અને જેવાઓમાં તારું બહુમાન છે તેવાઓની દૃષ્ટિમાં તું હલકો ગણાઇશ.
અવાચ્યવાદાંશ્ન બહૂન્વદિષ્યન્તિ તવાહિતાઃ ।
નિન્દન્તસ્તવ સામર્થ્ય તતો દુઃખતરં નુ કિમ્ ॥ ૩૬ ॥
વળી તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરીને ન બોલવાના ઘણાં વચનો બોલશે. અર્જુન, બોલ, શૂરવીર ક્ષત્રિયને આનાથી વધારે બીજાં દુ:ખ કયું?
હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગ જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ |
તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્રયઃ ॥ ૩૭ ॥
અને સંસાર વ્યવહા૨ની દષ્ટિએ તને કહું છું કે, જો કદાચ આ યુદ્ધમાં તારું મરણ થશે તો તને સ્વર્ગ મળશે અને જો યુદ્ધમાં જીતીશ તો પૃથ્વીનું રાજય મળશે. આમ બન્ને બાજુથી તને લાભદાયક છે. માટે યુદ્ધ કરવાનો નિશ્ચય કરીને ઊભો થા.
સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ ।
તતો યુદ્ધાય યુજયસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮ ॥
અર્જુન, સ્વજનોનાં મરણ ભયથી તને શોક થાય છે તે શોક દૂર કરવા માટે શરીર એ શું છે, એની સમજણ તને આપવામાં આવી. હવે વર્ણાશ્રમના તારા ક્ષત્રિયધર્મ મુજબ તારે લડાઇ તો કરવી જ જોઇએ. પણ લડાઇમાં અહિંસા નથી, હિંસા છે, હત્યા છે, એમ સમજીને હિંસાના ભયથી તને જે પાપ થતું જણાય છે; તે પણ તારું અજ્ઞાન છે, માટે હવે પાપ-પુણ્ય કે હિંસા-અહિંસાની બાબતમાં તને તત્ત્વજ્ઞાનની દષ્ટિએ કહું છું તે સાંભળ. જો તારા કહેવા પ્રમાણે તને સુખની કે રાજયલોભની કે વિજયની ઇચ્છા નથી, તો તું આ યુદ્ધથી સુખ ઉપજે કે દુઃખ ઉપજે, લાભ થાય કે હાનિ થાય, જય થાય કે પરાજય થાય, ગમે તે થાય તેને સમાન સમજીને યુદ્ધ કર. ક્રિયાનું પરિણામ સારું આવે કે ખરાબ, ગમે તે આવે પણ, તેનો હર્ષ કે શોક થાય નહિ, બસ આવી સમજણથી કરેલા યુદ્ધમાં થતી હિંસાનું પાપ તને લાગશે નહિ.
આ વાત બરાબર ધ્યાનમાં રાખજે કે, જે ક્રિયામાં સ્વાર્થ હોય છે તે ક્રિયાનું પરિણામ પાપ-પુણ્યવાળું બને છે. પણ જે ક્રિયામાં સ્વાર્થ નથી, જે ક્રિયામાં બદલાની આશા નથી, જે ક્રિયામાં ફળની ઇચ્છા નથી, જે ક્રિયામાં રાગ કે દ્વેષ નથી, એવી ક્રિયાથી પાપ કે પુણ્ય કાંઇ ઉત્પન્ન થતાં નથી. તેથી એવી ક્રિયા બંધનકારક બનતી નથી. મનુષ્ય જીવનમાં સત્યના પંથે જીવવાનો આ રાજમાર્ગ છે. આ આત્મજ્ઞાનનો મોંઘેરો મંત્ર છે. માટે સુખ-દુઃખ, લાભ-હાનિ અને જય-પરાજય આ બધાંને સરખાં માનીને એટલે હર્ષ કે શોકના પ્રસંગોમાં સરખો રહીને તું યુદ્ધ કરીશ તો તને પાપ લાગશે નહિ. અને યુદ્ધ એ તો ક્ષત્રિયોનો ધર્મ છે, તેમાં હિંસા નથી પણ કર્તવ્ય કર્મ છે. એમ સમજીને તું લડવાને માટે તૈયાર થા.
એષા તેઽભિહિતા સાંખ્યે બુદ્ધિયોંગે ત્વિમાં શૃણુ ।
બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ॥ ૩૯ ॥
અર્જુન, આ સમજણ તને સાંખ્ય એટલે જ્ઞાનમાર્ગ પ્રમાણે આપવામાં આવી છે. હવે એને કર્મમાર્ગ પ્રમાણે તને કહું છું તે સાંભળ. જેની સમજણથી તું કર્મના બંધનોને તજી શકીશ.
અર્જુન, બધાં કર્મો સમભાવ રાખીને કરવામાં આવે તો પાપ પુણ્ય કંઈ થતું નથી એમ તને જ્ઞાનમાર્ગ પ્રમાણે કહેવામાં આવ્યું. હવે તને સ્વાર્થથી ભરેલાં કર્મો એટલે સકામ કર્મ અને સ્વાર્થ રહિત કરવામાં આવતાં કર્મો એટલે નિષ્કામ કર્મમાં તત્ત્વની દષ્ટિએ યોગ એટલે કર્મમાર્ગની ચાવી સમજાવું છું તે સાંભળ. આ સમજણ પ્રમાણે જો બુદ્ધિ સ્થિર થઇ તો કર્મો કરવાં છતાં પણ કર્મોનું બંધન થશે નહિ.
નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે ।
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥ ૪૦ ॥
જો અર્જુન, કરેલાં કર્મોનો નાશ થતો નથી, તેનું ફળ કોઇ પણ સમયે કોઇ પણ જન્મમાં ભોગવવું જ પડે છે. તેવી જ રીતે આ કર્મયોગથી આરંભેલાં એટલે કરેલાં કર્મોનાં ફળનો નાશ થતો નથી.
આવાં નિષ્કામરૂપ ધર્મનું થોડા પ્રમાણથી પણ આચરણ શરૂ કરવામાં આવે તો તેનું હૃદય નિર્મળ બને છે. હૃદય નિર્મળ બનવાથી તે નિષ્કામકર્મ કરતો જ રહે છે. તેથી તે ક્રમે ક્રમે, ધીમે ધીમે, જન્મે જન્મે શુદ્ધ પવિત્ર બનતો જાય છે. પછી તેને કર્મોમાં કોઇપણ જાતનો ભાવ રહેતો નથી. તેથી તે પૂર્ણ નિષ્કામ બને છે અને તેનાથી થઇ રહેલાં કર્મોમાં હુંપણાનું-કર્તાપણાનું અભિમાનનાશ પામે છે, ત્યારે કર્મોનાં બંધનો બંધ થાય છે અને છેવટે જન્મમરણરૂપ મહાન ભયમાંથી છૂટે છે.
વ્યવસાયાત્મિકા બુધ્ધિરેકેહ કુરુનન્દન ।
બહુશાખા હ્યનન્તાશ્વ બુદ્ધયોડવ્યવસાયિનામ્ ॥ ૪૧ ॥
અર્જુન, આ કર્મયોગમાં નિષ્કામ કર્મ કરનારા મનુષ્યોની ‘‘કર્મ કરવાં એ મારી ફરજ છે'' એવી એક જ સ્થિર નિશ્ચયવાળી બુદ્ધિ હોય છે. જયારે સકામી કર્મના ફળની ઇચ્છાવાળા મનુષ્યોની બુધ્ધિ એક નિશ્ર્વયવાળી હોતી નથી. તેઓની બુદ્ધિઓ-મનની વૃત્તિઓ જુદાં જુદાં સુખ મેળવવાની, જુદી જુદી ઇચ્છાવાળી ઘણા પ્રકારની પાર વિનાની અનેક હોય છે. તેથી તેવા મનુષ્યો જુદાં જુદાં સુખની પ્રાપ્તિ માટે જયાં ત્યાં વલખાં મારતા હોય છે. આવી રીતે નિષ્કામ કર્મ કરનારો મનુષ્ય ધીમે ધીમે કર્મોનાં બંધનમાંથી છૂટતો જાય છે; જયારે સકામ કર્મ કરનારો મનુષ્ય કર્મોનાં બંધનોમાં વધારે ને વધારે બંધાતો જાય છે.
યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્ચિતઃ ।
વેદ વાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ ॥ ૪૨ ॥
કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ ।
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિ પ્રતિ ॥ ૪૩ ॥
અર્જુન, વેદમાં જણાવેલી કર્મના ફળ માટેની ક્રિયા ફક્ત સકામી મનુષ્ય માટે જ હોય છે. કારણ કે આવા સકામી મનુષ્યો ફક્ત કર્મનાં ફળમાં જ પ્રીતિ રાખનાર હોય છે. અને વિષયોના ભોગો તથા ઐશ્વર્ય એટલે સુખનાં સાધનો સિવાય બીજું કાંઇ મેળવવા જેવું નથી, એવું કહેનારા અજ્ઞાની મનુષ્યો મોહ ઉપજાવનારી મીઠી વાણી બોલે છે- તથા એવી કામનાવાળા એટલે સંસારનાં જુદાં જુદાં સુખની ઇચ્છાવાળાઓ અને સ્વર્ગ લોકને શ્રેષ્ઠ માનનારાઓ ભોગ અને સુખસંપત્તિની પ્રાપ્તિ માટે જુદા જુદા દેવોની જુદી જુદી વિધિઓવાળા યજ્ઞોથી કે કર્મકાંડથી કર્મના ફળ ભોગવવા માટે જન્મ આપનારી જુદા જુદા પ્રકારની અનેક ક્રિયાઓ કરવાનું કહે છે.
ભોગૈશ્ર્વર્યપ્રસકતાનાં તયાપહ્યતચેતસામ્ ।
વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે ॥ ૪૪ ॥
જેથી એવી આકર્ષક મીઠી વાણીથી જેનું મન ભોગ અને ભોગનાં સાધનો તરફ સુખની લાલસાથી ખેંચાઇને આસક્ત થાય છે અને રાતદિવસ સંસારનાં જુદાં જુદાં સુખો મેળવવાની ઝંખના ઝંખતો હોય છે, તેવા સકામી મનુષ્યોના અંતઃકરણમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ ન હોવાથી તેઓનું મન આત્મસ્વરૂપમાં એકાગ્ર-સ્થિર રહેતું નથી.
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રેગુણ્યો ભવાર્જુન ।
નિદ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ ૪૫ ॥
અર્જુન, વેદોમાં જ્ઞાન, કર્મ, ભક્તિ વગેરે સાધનો બતાવવામાં આવ્યાં છે. તેમાં કર્મનાં ફળ આપનારા કર્મકાંડ વિભાગમાં પ્રકૃતિના ત્રણ ગુણવાળા કાર્યરૂપ સંસારનાં સુખોની લાલસા વધારનારી ક્રિયાઓ બતાવવામાં આવી છે. પણ એ તો સકામી મનુષ્યો માટે છે પણ તું તો લોક કે પરલોકના કોઇપણ સુખની ઇચ્છા વિનાનો, ત્રણ ગુણ રહિત થઇને યોગક્ષેમની એટલે મેળવવાની અને સાચવવાની ચિંતા છોડીને પ્રભુ પરાયણ થવા માટે નિષ્કામ કર્મવાળો થા.
યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે ।
તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ ॥ ૪૬ ॥
અર્જુન, નિષ્કામ કર્મવાળા જ્ઞાનીઓને વેદોના કર્મકાંડનું પ્રયોજન હોતું નથી. જેમકે જયાં ચારે બાજુથી મોટું જળાશય ભરેલું હોય છે ત્યાં નાના કૂવા જેવા જળાશયની જરૂર જણાતી નથી તેવી રીતે વેદોના જ્ઞાનથી જયાં ચારે બાજુએ અખંડ બ્રહ્મતત્ત્વ ભર્યુ છે એમ જાણનાર જ્ઞાની મનુષ્યોને સકામ કર્મો કરવાની વૃત્તિ નહીં હોવાથી વેદોના કર્મકાંડની જરૂર રહેતી નથી.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂમાં તે સંગોડસ્ત્યકર્મણિ ॥ ૪૭ ॥
પણ કરવાં યોગ્ય કર્મો એટલે કર્તવ્યકર્મો છોડવાનાં નથી. કર્મ તો કરતાં જ રહેવાનું છે. જેથી કર્મ કરવામાં જ તારો અધિકાર છે, પણ કર્મના ફળનો અધિકારી કદી બનીશ નહિ. એટલે કર્મના ફળની ઇચ્છા પણ કરતો નહિ. અને કર્મો છોડયાં છૂટતાં નથી, માટે કર્મો કરવાં નહિ એવો આગ્રહ પણ રાખીશ નહિ. જેથી ફળની ઇચ્છા રાખ્યા સિવાય યોગ્ય કર્મો હંમેશાં કરતા રહેવાનું છે.
યોગસ્થઃ કુરુ કર્માણિ સંગ ત્યકત્વા ધનંજય ।
સિદ્ધયસિદ્ધયોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ ૪૮ ॥
અર્જુન, કર્મો તો કરતા જ રહેવાનું છે. માટે તું કર્મયોગમાં સ્થિર થઇને અને કર્મોનો સંગ તજીને એટલે કર્મોનાં ફળની ઇચ્છા છોડીને તથા સિદ્ધિ-અસિદ્ધિ એટલે જય થાય કે પરાજય થાય; ફળ મળે કે ન મળે તેના તરફ સરખો ભાવ રાખીને હર્ષશોકથી રહિત થઇને કર્મો કર. આસક્તિ રહિત સુખદુઃખમાં સમાનભાવ રહીને કર્મો કરવાં તેને જ કર્મયોગ કહેવાય છે.
દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનંજય ।
બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ ॥ ૪૯ ॥
વળી સુખદુઃખમાં હર્ષશોક વિનાના અને મારાપણાની મમતા રહિત સમાન બુદ્ધિવાળાં કર્મો કલ્યાણને કરનારાં છે, પ્રભુપદે પહોંચાડનારાં છે. જયારે સ્વાર્થ ભરેલાં સકામકર્મો ઘણાં જ હલકાં છે. વળી જયાં સ્વાર્થ છે, ત્યાં દીનતા છે, કંગાલપણું છે. તેથી કર્મના ફળની ઇચ્છાવાળા બહુ જ લોભી અને પામર હોય છે માટે તું રજોગુણ ભરેલાં સકામ કર્મ છોડીને સમભાવ બુદ્ધિવાળાં નિષ્કામ કર્મો ક૨.
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે ।
તસ્માઘોગાય યુજયસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ॥ ૫૦ ॥
અર્જુન, સકામ કર્મ એ તો બુદ્ધિ વિનાનું કર્મ છે. કેમકે ફળની આશાવાળો મનુષ્ય પાપ-પુણ્યના બંધનમાં બંધાયેલો રહે છે. જે કર્મો કરવાથી પાપ-પુણ્યના બંધનમાં બંધાતા જવાય છે તેવાં સકામ કર્મો-સ્વાર્થ ભરેલાં કર્મો કરનારાને બુદ્ધિશાળી કેમ કહી શકાય? પણ બુદ્ધિનો ઉપયોગ કરનાર બુદ્ધિશાળી મનુષ્ય પોતાનાં નિષ્કામ કર્મથી સારાં અને ખરાબ એવાં પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારનાં બંધનોમાંથી મુક્ત રહે છે. બુદ્ધિવાળો મનુષ્ય સમદષ્ટિથી કર્મયોગ કરનારો હોય છે. તેથી જે કર્મો ક૨વાથી બંધન થાય નહિ તે કર્મોમાં કુશળ ગણાય છે. અને બુદ્ધિયુક્ત કર્મયોગથી કર્મો કરતાં હોવા છતાં પાપ-પુણ્યનું કાંઇપણ બંધન થતું નથી.
કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યકત્વા મનીષિણઃ
જન્મબન્ધવિનિર્મુકતાઃ પદં ગચ્છન્ત્યનામયમ્ ॥ ૫૧ ॥
મનુષ્ય જન્મમાં જેઓ કર્મના ફળભોગની ઇચ્છા રાખતા નથી, તેઓ જ ખરેખરા બુદ્ધિશાળી હોય છે. એવા બુદ્ધિયુક્ત જ્ઞાની મનુષ્યો કર્મનાં ફળની આસક્તિ છોડીને કર્મો કરે છે, તેથી તેઓ જન્મમરણના ભવરોગવાળા બંધનમાંથી મુક્ત થઇને રાગદ્વેષનો જયાં વિકાર નથી એવા નિર્વિકાર પદને પામે છે.
યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ ।
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥ ૫૨ ॥
અર્જુન, જયારે તારી બુદ્ધિ શરીર અને આત્મા એ એક જ રૂપ છે એવી મોહભરી મેલી સમજણ છોડી દેશે અને શરીર જુદું છે અને આત્મા જુદો છે એમ નિશ્ચય થશે, ત્યારે કર્મનાં ફળ માટે સાંભળેલી વાતો અને હવે પછી સાંભળવામાં આવનાર વાતો ‘મને આવી ક્રિયાથી આવું ફળ મળશે તથા અમુક કર્મથી અમુક ફળ મળે છે.’ એવી વાતો ઉપર તને અભાવ થશે અને કર્મનાં ફળ ઉપરનો રાગ નાશ પામશે, તેથી આ બધું હું કરી રહ્યો છું એવું કર્તાપણાનું અભિમાન ઓગળી જશે અને બુદ્ધિ સ્થિર થવાથી તું નિષ્કામ કર્મયોગી બનીશ.
શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્વલા ।
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ II ૫૩ II
આ લોક અને પરલોકના સુખભોગની પ્રાપ્તિ માટે જુદીજુદી ક્રિયાઓવાળાં કર્મનાં ફળથી અમુક સુખ મળે છે, એમ અનેક પ્રકારની વાતો સાંભળીને જુદું જુદું સુખ મેળવવા માટે જુદી જુદી ઇચ્છાઓ થયા જ કરે છે. જેથી બુદ્ધિ એક નિશ્ચયવાળી સ્થિર રહેતી નથી. આવી રીતે ચંચળ રહેતી બુધ્ધિ જયારે બધી ઇચ્છાઓ છોડીને સમાધિમાં એક જ નિશ્ચયથી સ્થિર થશે એટલે કરેલાં કર્મનાં ફળની આશાનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મમાં સ્થિર રહેશે ત્યારે તું નિષ્કામ કર્મયોગવાળો થઇશ.
અર્જુન બોલ્યા,
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ ।
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ ૫૪ ॥
અર્જુને પૂછયું કે, હે કૃષ્ણ, સમાધિમાં નિશ્રય રહેલા, સ્થિર બુદ્ધિવાળા પુરુષનાં લક્ષણ કેવાં હોય છે? સ્થિર બુદ્ધિવાળો પુરુષ કેવી રીતે બોલે છે? કેવી રીતે બેસે છે? અને કેવી રીતે ચાલે છે?
શ્રી ભગવાન બોલ્યા,
પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ ।
આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ॥ ૫૫ ॥
અર્જુન, તેં સ્થિર બુદ્ધિવાળા પુરુષનાં કેવાં લક્ષણ હોય છે, તેના માટે પૂછયું તો સાંભળ. સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય તમામ વાસનાનો એટલે ઇંદ્રિયોના વિષયોના ભોગ માત્રનો મનથી ત્યાગ કરે છે, એવાં લક્ષણવાળો તથા બોલવામાં તો તે સર્વની માફક બોલે છે પણ નિર્મળ મનથી પોતે પોતાના આત્મભાવમાં સંતોષથી રહે છે એવા લક્ષણવાળો હોય છે.
દુખેષ્વનુદ્વિગ્નમના સુખેષુ વિગતસ્પૃહઃ ।
વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુંનિરુચ્યતે ॥ ૫૬ ॥
સ્થિર બુદ્ધિવાળા મનુષ્યની બેસવાની કે ચાલવાની રીત જુદી હોતી નથી, પણ તેનાં લક્ષણો જુદાં હોય છે. સ્થિર બુદ્ધિવાળો પોતાના આત્મસ્વરૂપમાં રમતો હોવાથી દુ:ખમાં તેનું મન ખેદ પામતું નથી અને સુખમાં તેને આસક્તિ નથી. સુખ અને દુઃખ પ્રારબ્ધ કર્મ મુજબ ભોગવવાં જ પડે છે એમ બરાબર સમજીને દુઃખમાં દૂબળો થતો નથી અને સુખમાં છલકાતો નથી. તે સુખ હોય કે દુઃખ હોય, બધા પ્રસંગોમાં સરખો રહે છે. સંસારના કોઇ પણ સુખમાં કે પદાર્થમાં તેમને રાગ-પ્રેમ હોતો નથી, તેમજ કોઇના ઉપ૨ તેને દ્વેષ પણ હોતો નથી. અને જયાં રાગ તથા દ્વેષ નથી ત્યાં ભય તો હોય જ નહિ. એટલે જેના રાગદ્વેષ અને ભય નાશ પામ્યા છે એવો મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તપ્રાપ્ય શુભાશુભમ્ ।
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૭ ॥
જે સર્વ વિષયો પ્રત્યે આસક્તિ રહિત છે, તથા શુભ કે અશુભ પ્રસંગમાં હર્ષ પામતો નથી કે શોક કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું.
યદા સંહરતે ચાયં કૂર્મોડ્ગાનીવ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૮ ॥
જેવી રીતે કાચબો પોતાનાં અંગોને સમેટી લે છે, તેવી રીતે આ મનુષ્ય સર્વ વિષયોમાંથી ઇંદ્રિયોને ખેંચી લે છે, ઇંદ્રિયોને વશ કરે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઇ છે એમ જાણવું. આ પ્રમાણે સ્થિતપ્રજ્ઞ મનુષ્યનું બોલવું, ચાલવું, બેસવું વગેરે બધાં લક્ષણો સ્વાર્થ રહિત નિષ્કામ કર્મયોગવાળાં હોય છે, કારણ કે તેમની બધી ઇંદ્રિયોના વિષયો તેમને આધીન હોય છે.
વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ।
રસવર્જ રસોડપ્યસ્ય પરં દૃષ્ટવા નિવર્તતે ।। ૫૯ ।।
અર્જુન, ઇંદ્રિયોને બહારના દેખાવ પૂરતી ઘણા મનુષ્યો રોકી શકે છે. જેમકે ઇંદ્રિયોનું દમન કરવામાં કોઇ જીભથી બોલવાનું બંધ કરે છે, કોઇ આંખથી જોવાનું બંધ કરે છે, કોઇ ખાવાનું બંધ કરે છે, વગેરે બહારનું શરીર પૂરતું વર્તન રાખે છે; પણ તેવી રીતે ઇંદ્રિયોને નિરાહાર રાખવાથી ઇંદ્રિયો ખરેખર વશ થઇ છે એમ માનવાનું નથી. કારણ કે આંખ, કાન, જીભ વગેરે ઇંદ્રિયો મનને આધીન છે, મન કહે એટલું જ ક૨નારી છે. એટલે શરીરને કષ્ટ આપવાના દેખાવવાળા ઉપાય કરતાં મનમાંથી જયાં સુધી દરેક ઇંદ્રિયોની રસવૃત્તિ ઘટે નહિ ત્યાં સુધી વાસનાનો નાશ થાય નહિ. પણ જયારે શરીર એ હું નથી પણ આત્મા એ હું છું એમ સત્ય રીતે આત્મતત્ત્વ સમજાય છે ત્યારે તેઓની વિષયવાસનાનો રસ આપોઆપ નાશ થઇ જાય, એવી રીતે જેનું મન નિર્મળ અને પવિત્ર છે એવો અહંતા-મમતા વિનાનો સ્થિર બુધ્ધિવાળો નિષ્કામ કર્મયોગી મનુષ્ય આત્મદર્શન પામે છે અને તેની ઇંદ્રિયોની વાસનાનું બીજ બળી જાય છે.
યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ।
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ।। ૬૦ ।।
પણ અર્જુન, આ વાત સહેલી નથી કારણ કે વિષયોમાંથી સુખ મેળવવાના હંમેશના અભ્યાસને લીધે ઇંદ્રિયો એટલી બધી બળવાન બની હોય છે કે, વિષયોમાંથી પ્રેમ ઓછો કરવા માટે ચાલુ પ્રયત્ન કરનાર બુદ્ધિમાન મનુષ્યના મનને પણ વલોવી નાખે છે, અને પરાણે વિષયોમાં ખેંચી જાય છે તેથી મન સ્થિર રહી શકતું નથી.
તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ |
વશે હિ યસ્ચેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ।। ૬૧ ।।
આત્મદર્શનના પ્રેમી મનુષ્યે આ બધી ઇંદ્રિયોને વિષયોમાં ભટકતી બંધ રાખીને તથા મનને સ્થિર કરીને પ્રભુધ્યાનમાં રહેવાનું છે. કેમકે જેની ઇંદ્રિયો વશ હોય છે, એટલે જેનો આહાર અને વિહાર યોગ્ય હોય છે તેની જ બુધ્ધિ સ્થિર કહેવાય છે. એવી રીતે ઇંદ્રિયોના વિષયોને મનથી વશ રાખનાર, વિષયોના ચિંતનને છોડનાર પ્રભુધ્યાનમાં રહી શકે છે અને પ્રભુધ્યાનમાં રહેનાર મનુષ્ય પરમ ગતિને પામે છે.
ઘ્યાયતો વિષયાન્પુંસ સંગસ્તેષૂપજાયતે ।
સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥ ૬૨ ॥
ક્રોધાદભવતિ સંમોહઃ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ ૬૩ ॥
અર્જુન, મનનો એવો નિયમ છે કે, કોઇને કોઇ પદાર્થના ધ્યાનમાં ચિંતવનમાં રહેવું. જો મન આત્મતત્ત્વના ધ્યાનમાં ન રહે તો પ્રકૃતિના પદાર્થોના ધ્યાનમાં રહે છે. મન કોઇ પણ ધ્યાન વિના રહી શકતું નથી. હવે જો તને કહ્યા મુજબ મન પ્રભુના ધ્યાનમાં ન રહે તો, પછી મનુષ્યો જાણે-અજાણે પ્રથમ ઇંદ્રિયોના વિષયોનું મનમાં ચિંતન કરે છે. હવે ચિંતન વધતાં વધતાં ચિંતનવાળા પદાર્થો ઉપર પ્રીતિ થવા માંડે છે. પછી તેમાં પ્રીતિ વધવાથી તે પદાર્થ મેળવવાની ઇચ્છા થાય છે અને તે પદાર્થ મેળવવામાં જયારે કોઇ વિઘ્ન આવે છે ત્યારે, ઇચ્છા મુજબ નહિ થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. (૬૨) ક્રોધ ઉપજવાથી અવિવેક થાય છે, અને અવિવેક થવાથી શું બોલવું, શું કરવું વગેરે પોતાના કર્તવ્યનું ભાન રહેતું નથી, અને સ્મરણ શક્તિનો નાશ થાય છે. પછી કરવા યોગ્ય કે ન કરવા યોગ્ય કાર્યની યાદ રહેતી નથી, પછી સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનો નાશ થવાથી તેનું પતન થાય છે. આ પ્રમાણે વિષયોના ચિંતનથી મનુષ્ય અધોગતિમાં ચાલ્યો જાય છે.
રાગદ્વેષવિયુકતૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્વરન્ ।
આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ॥ ૬૪ ॥
પણ મનથી વિષયોનું ચિંતન છોડીને વિષયો ઉપરની પ્રીતિ અને દ્વેષનો ત્યાગ કરીને જેણે પોતાની ઇંદ્રિયો વશમાં રાખી છે એવો મનુષ્ય ઇંદ્રિયોના વિષયોનું સેવન કરવા છતાં પણ, કોઇ ક્રિયામાં રાગ દ્વેષ ન હોવાથી તેનું અંતકરણ શુદ્ધ-નિર્મળ બને છે.
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥ ૬૫ ॥
એવી રીતે ચિત્તની નિર્મળતા પ્રાપ્ત થવાથી એનાં બધાં વિવિધ દુ:ખોનો નાશ થાય છે. કેમ કે રાગ દ્વેષ રહિત થયેલા મનુષ્યને સુખ-દુ:ખ સમાન હોય છે. તેથી એવા પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુધ્ધિ જલદી સ્થિર થાય છે.
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુકતસ્ય ભાવના ।
ન ચાભાવયતઃ શાન્તિરશાન્તસ્ય કુતઃ સુખમ્ ॥ ૬૬ ॥
પણ જેણે ઇંદ્રિયોને વશમાં રાખી નથી તેની બુદ્ધિ સ્થિર હોતી નથી. અને જેની બુદ્ધિ સ્થિર નથી તેને પ્રભુધ્યાનની ભાવના પણ થતી નથી. અને પ્રભુધ્યાનની ભાવના ન હોવાથી શાન્તિ પણ મળી શકતી નથી. અને જેને શાન્તિ હોતી નથી તેને સુખ કયાંથી હોય?
ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોડનુવિધીયતે ।
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ॥ ૬૭ II
વળી જળમાં રહેલ નાવને જેમ પવન ખેંચી જાય છે તેવી રીતે મનુષ્યની ઇંદ્રિયો વિષયોમાં મનના ચિંતન સહિત ફરતી હોઇને, તે મનુષ્ય ગમે તેટલો જ્ઞાની હોય, ગમે તે દશામાં સાધક મટીને સિધ્ધ દશામાં પહોંચ્યો હોય, છતાં મનથી વિષયોના વિચાર કરવામાં આવતા હોય તો, તેવી ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા મનુષ્યને પણ નીચે પછાડે છે. મનનું ચિંતવન- વિષયોનું સામર્થ્ય એટલું બધું જોરદાર હોય છે કે, મોટા મોટા મુનિવરોને પણ ગોથાં ખવરાવે છે. આવી રીતે વિષયોનું ચિંતવન કરવામાં આવતું હોય તે ઇંદ્રિય એ ચિંતવન કરનાર મનુષ્યની બુદ્ધિને, બુદ્ધિ અસ્થિર હોવાથી વિષયમાં ખેંચી જાય છે.
તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા II ૬૮ II
પણ અર્જુન, જેણે ઇંદ્રિયોને ઇંદ્રિયોના બધા વિષયોથી મન સહિત વશ કરેલ છે તેની બુદ્ધિ સ્થિર થાય છે.
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ॥ ૬૯ ॥
પ્રભુના ચિંતનની બાબતમાં સર્વ મનુષ્યો રાત્રિની માફક અજ્ઞાન સ્થિતિમાં સૂતાં હોય છે, ત્યારે સ્થિર બુદ્ધિવાળો સંયમી મનુષ્ય પ્રભુ ચિંતનમાં, જ્ઞાન સ્થિતિમાં જાગતો હોય છે. અને સર્વ મનુષ્યો સંસારના વિષયોના ચિંતનમાં અજ્ઞાનપણાથી જાગતાં હોય છે ત્યારે મુનિઓ વિષયોના ત્યાગમાં રાત્રિની માફક સૂતા હોય છે.
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં
સમુદ્રમાપઃ પ્રવિશંતિ યદ્વત I
તદ્રત્કામા યં પ્રવિશન્તિ સર્વે
સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ॥ ૭૦ ॥
ભરપૂર પાણીથી ભરેલા અને અચળ મર્યાદાવાળા સમુદ્રમાં નદીઓનાં પાણી છલકાયા વિના જેમ સમાઇ જાય છે. તેવી રીતે સ્થિર બુદ્ધિવાળા પુરુષમાં જગતના બધા ભોગો કોઇ પણ પ્રકારના રાગદ્વેષ, હર્ષ-શોક વગેરે વિકારો ઉત્પન્ન કર્યા સિવાય સમાય જાય છે. તેને ગમે તેટલી રિદ્ધિસિદ્ધિ પ્રાપ્ત થાય તો પણ તે સમુદ્રની માફક છલકાતો નથી. તેવો પુરુષ પરમ શાન્તિને પામે છે. પણ ભોગો માટે જેનું મન જયાં ત્યાં રઝળતું હોય છે તેવા મનુષ્યને શાંતિ મળતી નથી.
વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્વરતિ નિઃસ્પૃહઃ |
નિર્મમો નિરહંકારઃ સ શાન્તિમધિગચ્છતિ ॥ ૭૧ ॥
જે મનુષ્ય આ લોક કે પરલોકનાં સર્વ સુખોની ઇચ્છાઓનો ત્યાગ કરીને, આસક્તિ રહિત બનીને, મારાપણાની મમતાનો ભેદભાવ છોડીને તથા હુંપણાનું અભિમાન તજીને કરવા જેવાં બધાં કર્મો કર્તવ્ય બુદ્ધિથી કરે છે તેવો સ્થિર બુધ્ધિ મનુષ્ય શાન્તિને પામે છે.
એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ ।
સ્થિત્વાસ્યામન્તકાલેડપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ II ૭૨ II
અર્જુન, અહંતા મમતા અને અભિમાન છોડવાં તથા ઇંદ્રિયોના વિષયોના વિકારોને તજવા અને રાગદ્વેષનો નાશ કરવો કે નિષ્કામ કર્મયોગી બનવું, કે સ્થિતપ્રજ્ઞ- સ્થિર બુદ્ધિવાળા થવુ; આ બધું બોલવામાં, વાંચવામાં અને લખવામાં ભલે સહેલું રહ્યું, પણ એની ખરી મૂંઝવણ, એનું કઠણપણું એ તો વર્તનમાં મૂકનાર જ જાણે. ભાઇ અર્જુન, આ કાંઇ સાધારણ વાત નથી. એવું વર્તન એ તો બ્રહ્મનિષ્ઠ મનુષ્યની સ્થિતિ છે. અને આવી સ્થિતિએ પહોંચેલો મનુષ્ય સંસારના કોઇપણ પદાર્થમાં મોહ પામતો નથી; તથા તે અંતકાળ સુધી આવી સ્થિતિમાં રહીને અંતે બ્રહ્મનિર્વાણને પામે છે, એની જીવનજયોત આત્મજયોતમાં મળી જાય છે.
અધ્યાય બીજો પૂરો.