ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 15 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 15 સ્વાધ્યાય

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 15. લોકશાહીમાં સમાનતા

સ્વાધ્યાય


પ્રશ્ન 1. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો :


(1) વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ………….છે.

ઉત્તર : ભારત


(2) દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા…………કહેવાય.

ઉત્તર : બંધારણ


(3) ભારતનું બંધારણ વિશ્વનું……………બંધારણ છે.

ઉત્તર : સૌથી મોટું લેખિત


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :


(1) લોકશાહી કોને કહેવાય છે?

ઉત્તર : અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર ‘લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને લોકશાહી' કહેવામાં આવે છે.

લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઇચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસનવ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે.


(2) આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે?

ઉત્તર : ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે :

(1) જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા (2) વ્યક્તિગત વિકાસમાં સમાનતા (3) ભાષા કે બોલીના આધારે સમાનતા (4) લિંગ આધારિત સમાનતા (5) શિક્ષણ મેળવવામાં સમાનતા (6) વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા (7) સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા.


(3) વ્યક્તિના સર્વાગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે?

ઉત્તર : વ્યક્તિના સર્વાગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે.


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :


(1) મતાધિકાર કોને મળે છે?

ઉત્તર : 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે.


(2) ચૂંટણીપંચ શી કામગીરી કરે છે?

ઉત્તર : કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણીપંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે.


(3) બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ?

ઉત્તર : બાળમજૂરી એ અસમાનતા છે; બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી, 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ.


પ્રશ્ન 4. ટૂંક નોંધ લખો :


(1) લોકશાહીમાં સમાનતા

ઉત્તર : ભારત એક લોકશાહી દેશ છે. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે.

સૌને સરખા ગણી સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો-રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાગીણ વિકાસ સાધી શકે છે. આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે.


(2) મતાધિકારમાં સમાનતા

ઉત્તર : ભારતમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે.

મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શેહશરમમાં આવ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભિક બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણીપંચ તેને જાગ્રત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણીપંચ પ્રયત્નો કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણીપંચ ખાસ વ્યવસ્થા કરે છે.


(3) બાળમજૂરી અને બાળઅધિકાર

ઉત્તર : વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશમાં દરેક બાળકને 6થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહિ. બાળમજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા થઈ શકે છે.