ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 15 સ્વાધ્યાય

GIRISH BHARADA

 
ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 15 સ્વાધ્યાય

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 15. સરકાર

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :


(1) સરકારની જરૂર શા માટે છે?

ઉત્તર : (1) દરેક દેશને જુદા જુદા નિર્ણયો લેવા માટે તેમજ એ નિર્ણયોનો અમલ કરવા માટે સરકારની જરૂર છે. (2) દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા બનાવવા, તેમને અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર છે. (3) સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂરી છે. (4) લોકશાહીમાં લોકોની ઇચ્છા મુજબ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે. સરકાર જ લોકકલ્યાણનાં કાર્યો કરે છે. આમ, દેશમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ દેશની પ્રગતિ માટે સરકારની જરૂર છે.


(2) સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે?

ઉત્તર : સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) લોકશાહી સરકાર (2) સામ્યવાદી સરકાર અને (3) રાજાશાહી સરકાર.


(3) દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે?

ઉત્તર : દુનિયામાં સરકારના મુખ્યત્વે ચાર પ્રકાર જોવા મળે છે : (1) લોકશાહી સરકાર (2) સામ્યવાદી સરકાર (3) સરમુખત્યારશાહી સરકાર અને (4) રાજાશાહી સરકાર


(4) આપણા દેશમાં ક્યા પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે?

ઉત્તર : આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસનવ્યવસ્થા છે.


(5) રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટાઓ ક્યાં નામે ઓળખાય છે?

ઉત્તર : રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટાઓ “ઝીબ્રા ક્રોસિંગ” ના નામે ઓળખાય છે.


પ્રશ્ન 2. યોગ્ય જોડકાં જોડો :


વિભાગ : અ

(1) રાજ્ય સરકાર

(2) સ્થાનિક સરકાર

(3) રાષ્ટ્રીય સરકાર

(4) રાજાશાહી સરકાર

વિભાગ : બ

(1) એક જ વ્યક્તિ શાસન કરે છે.

(2) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.

(3) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.

(4) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.

ઉત્તર : (1-4), (2-3), (3-2), (4-1)


પ્રશ્ન 3. યોગ્ય કારણો આપો :


(1) લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.

ઉત્તર : અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : લોકશાહી સરકાર એટલે લોકોનું, લોકો માટેનું અને લોકો વડે ચાલતું તંત્ર.nલોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. એ પ્રતિનિધિઓમાંથી દેશના વહીવટ માટે સરકારની રચના કરવામાં આવે છે. એ સરકારે લોકોની ઇચ્છા (લોકમત) અનુસાર દેશનો વહીવટ કરવો પડે છે. જો, સરકાર લોકોની ઇચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી. આમ, લોકશાહીમાં સરકારની રચનામાં લોકોનું જ સાર્વભૌમત્વ હોવાથી કહી શકાય કે, લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.


(2) લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી.

ઉત્તર : રાજાશાહીમાં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે. તેમાં રાજાનું પદ વારસાગત હોય છે. રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. રાજાશાહીમાં સર્વ સત્તા રાજાના હાથમાં હોય છે. તેમાં રાજાની ઇચ્છા એ જ કાયદો હોય છે. રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે. તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી.


(3) સરકાર કાયદામાં ફેરફાર કરે છે.

ઉત્તર : લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને, લોકોની ઇચ્છા-લોકમત-અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે.


(4) બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહીં.

ઉત્તર : બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહીં કારણ કે ઘોંઘાટથી ડ્રાઈવરનું ધ્યાન વિચલિત થઈ શકે છે અને અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.


પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :


(1) લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે.

ઉત્તર : ખરું

(2) રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે.

ઉત્તર : ખરું

(3) અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.

ઉત્તર : ખરું

(4) ટ્રાફિક લાઇટમાં લાલ લાઈટ આગળ વધવાનો સંકેત છે.

ઉત્તર : ખોટું

(5) સાયકલ શીખવા જાહેર રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

ઉત્તર : સાચું